દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૬૨. નર ભમરાને શિખામણ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૬૨. નર ભમરાને શિખામણ


નિર્ભય ન ભમિશ રે નર ભમરા,
બહુબાવળ ક્યાંઈકજ ડમરા.                                              નિર્ભય. ટેક.

આ સંસાર વિકટ વન છે, સ્થિર ચર તરૂવરમય તે છે,
ક્યાંઈ મોટા પર્વત દુઃખમય ક્યાંઈ, સુખમય સરિતા વહે છે.

ક્યાંઈ ભયકારી શિકારી ફરે છે, સૂક્ષમ જાળ પસારી;
પગ અડતાં પકડાઈ પડિશ તું, તો પછી શી ગતિ તારી.

કોઈ તરુવરનો પરિમળ નિર્મળ, છે વિષમય કોઈ છાયા;
કુટિલ કઠણ છે કોઈના કાંટા, કષ્ટ કરે પરકાયા.

ઉપર નિરખી આકાર અધિક શુભ, અધિક સુવાસની આશે;
ગણ ણણ ણણ ગુંજારવ કરતો, પહોંચિશ નહિ તે પાસે.

દિસે સરસ દેખાવ ખરો વળિ, ફૂલ અતુલ્ય ફુલેલાં;
પ્રાણ પ્રલય પળમાંહિ કરે, પ્રગટવાથી પણ પહેલાં.

સરસ સુગંધિત અમળ કમળ, લોભે ન રહિશ લપટાઈ;
બંધ થતાં બંધાઈ પડિશ તો, મુકરર મરિશ મુંઝાઈ.

કોઈ તરુનો ચિકણો રસ છે ત્યાં, ચડપ રહે પગ ચોંટી;
એ પગ પછી ઉખડે ન ઉખાડ્યો, પડે પીડા મહા મોટી.

રિસામણી સરખાં તરુ રિસનાં, સેહેજે રિસે ભરાય;
પ્રિય ભાવે પણ સ્પર્શ કર્યાથી, ચડપ બહુ ચિડવાય.

કોઈ તરુ ફોગટ ફુલે ખરાં પણ, સુગંધ નહિ માંહિ સારો;
નિરખિ રહિશ પણ, નકી નહિ સરે, તેથી અરથ કાંઈ તારો.

કોઈ તરુ કદળી જેવાં, ફળ આપે એક જ વાર;
કાપે તેને ફરી ફળ આપે, બીજા નિરાશ જનાર.

રાયણની વળી રીત જુદી, શરૂમાં ફળશે સો વરસે;
સેવા કરનારો સુખ નહીં લે, પછિ કોઈને સુખ કરશે.

ઠેકાણું ઠિક જોઈને ઠરજે, ડરિશ ન ઠામ કુઠામે;
કથન અધિક તુજ હિતકારક કહી દીધાં દલપતરામે.