દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૬૩. પ્રીતિ વિશે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૬૩. પ્રીતિ વિશે


દરદ દિલ દરદીનું દરદીજ જાણે, અજાણ્યાં તો અંદેશો આણે. ટેક.

પાણીથી દૂર લગાર પડ્યા થકી, તરફડે મછ જે ટાણે;
હાડીઆને મન હસવું આવે, અને ઠીઠિ હસે તે ઠેકાણે. દરદ.

ચંદ્રમાં ચિત્ત ચકોરનું ચોંટ્યું, જે વાકેફ હોય તે વખાણે,
પોતાના જીવને પીડા પડી હોય તે, પારકો જીવ શું પિછાણે. દરદ.

ચમકની તરફ ખેંચાય છે લોહડું, તે કહો કોણ તાણે;
અકલિત કારણ એ અસાધારણ, પ્યારનું એ જ પ્રમાણે. દરદ.

સારસ જોડું સનેહે વસે તેને, પાડતાં જુદાં પરાણે;
સુખની ઘડી તેને સ્વપ્ને મળે નહિ, ટળવળીને તજે પ્રાણે. દરદ.

દંપતીમાં દિલ તેમજ તરસે છે, બંધન પ્યાર બંધાણે;
જાણે છે અંતર અરસપરસનાં, ગાઈ બતાવે શું ગાણે. દરદ.