દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૭૫. માંકણની ગરબી
માંકણના દુખથી મુઝાય છે રે,
લોકો માંકણના દુખથી મુઝાય છે;
ખાટલામાં ખૂબ કરડી ખાય છે રે,
લોક માંકણના દુખથી મુઝાય છે. ટેક.
ઉંઘમાં આવીને લોહી પી જાય છે,
જાગીએ ત્યારે જણાય છે રે. લોક.
વીણતાં ઝાઝા હાથ ન આવે,
કોણ જાણે ક્યાં સંતાય છે રે. લોક.
પલંગ તજીને પથારી કરીએ,
ધાડની પેઠે ધાય છે રે. લોક.
જમીન તજીને કહો ક્યાં જઈએ,
એવો વિચાર ઉર થાય છે રે. લોક.
માછલાએ જાણ્યું જે જળમાં જઈ રહેવું,
એ જ ભલો ઉપાય છે રે. લોક.
રણછોડજી બેટમાં જઈ બેઠા,
ત્યાં પણ ક્યાં સુખે વસાય છે રે. લોક.
આબુ ગિરનાર વિંધ્યાચળ ઉપર,
પારશનાથ નાસી જાય છે રે. લોક.
સદા આકાશે રહે સૂરજ બિચારો,
માંકણથી અહીં અકળાય છે રે. લોક.
ચંદ્રનું અંગ રોજ ઓછું ઓછું થાય છે;
ખોતરી ખાધેલું દેખાય છે રે. લોક.
દિવસે પણ દિલમાં રહે ખટકો,
રાતે તો રોળ વરતાય છે રે. લોક.
કેમ કરીએ ને માંકણ ખુટે,
શોશનાથી શરીર સૂકાય છે રે. લોક.
એકના અનેક ઉપજે છે એક રાતમાં,
કોણ જાણે કેમ ઉપજાય છે રે. લોક.
દલપતરામ કહે દુનીઆમાં,
માંકણથી દીલમાં ડરાય છે રે. લોક.