દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૭૬. સર્વ સારસંગ્રહની ચોપડી વિષે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૭૬. સર્વ સારસંગ્રહની ચોપડી વિષે


દીઠી એક દેવી અમેરે, જેના ગુણ ગણતાં ન ગણાય;
તેની સાબિત જન જે સજેરે, અજ્ઞાની પણ જ્ઞાની થાય.          દીઠી

સાચી હોય જો સોપડી રે તોપણ ચોપડી ધારે નામ;
એવી એની છે નમ્રતારે, આપે નામ શિખામણ આમ.          દીઠી

જ્ઞાની સાથે વાતો કરેરે, અજ્ઞાની આગળ રહે ચૂપ;
કાંઈ બોલાવી નહિરે, હોય ભલે તે મોટો ભૂપ.          દીઠી

સ્વપને ન કરી હોય મુસાફરીરે, તેને પણ દિલ જાણે જ્યોત;
બેઠાં-બેઠાં બંધુએ જુએરે, પર્વત નદીઓ સાગર સોત.          દીઠી

દેશો દેશે દેખી વળેરે, એવો એનો પૂર્ણ પ્રતાપ;
શિક્ષા એની જો માનીએરે, આપે ઉત્તમ સુખ અમાપ.          દીઠી

જો કદી અંતર આપણુંરે, દેખે તે કેવી ઉદાસ;
રૂડી રીતે રંજન કરેરે, કાપી નાખે છે કંકાસ.          દીઠી

જૂની વાતો જાણે બધીરે, જેવી ઘરડી ડોશી હોય;
ઉચરે આપણી આગળેરે, બીજું કહી શકે નહિ કોય.          દીઠી

વળી તે વૈદું જાણે ઘણુંરે, ઓસડ વેસડની બહુ વાત;
શીખવે આપણને સ્નેહથીરે, રાખી રાખીને રળિયાત.          દીઠી

ખાંતે જ્ઞાન ખગોળનુંરે, આપે આપણને અત્યંત;
સુરજ ચંદ્ર ગ્રહણ વિષેરે, એવા ઉચરે મર્મ અનંત,          દીઠી

સંકટ આવે કાંઈ જ સમેરે, એને પૂછો જઈ ઉપાય;
તો તે બાઈ બતાવશેરે, જો માનો તો સંકટ જાય.          દીઠી

જગ સૃજનારે એને સૃજીરે, કોટિક આપણા સુખને કાજ;
માટે રાખો મનમાં તમેરે, એના ઉપર પ્રીતિ આજ.          દીઠી

એની સાથે એકાંતમાંરે, બેઠા હોઈએ કોઈ ઠામ;
જાણે સો જન સાથે છૈયેરે, દિલમાં ભાસે દલપરામ.          દીઠી