દિવ્યચક્ષુ/૧૧. આશ્રમવ્યવસ્થાની ગૂંચવણો
પાપની લાલચોથી ન લોભાય,
મોહનાં ને સ્નેહના ભેદ પાળે,
કામ ને રસાનન્દને ભિન્ન પરમાણે
… … … …. …. …
કૃષ્ણકાન્તનો અતિશય આગ્રહ છતાં અરુણ આશ્રમમાં જ રહેવા માટે ગયો. ઝાકઝમાળ મહેલો અને બંગલાઓના એકવિધ જીવન કરતાં આશ્રમની સાંકડી ઝૂંપડીઓમાં તેને વધારે સ્વાતંત્ર્ય લાગ્યું.
ધીમે ધીમે આશ્રમના કાર્યમાં અરુણ ઓતપ્રોત થઈ ગયો. આશ્રમનું પુસ્તકાલય તેણે પોતાનું કરી લીધું. થોડા સમયમાં બધાં જ પુસ્તકો તેણે વાંચી નાખ્યાં; કેટલાંક મહત્ત્વનાં પુસ્તકોની તેણે ટૂંકી નોંધ પણ તૈયાર કરવા માંડી. જગતના મહાન લેખકો અને વિચારકો હજી અહિંસાને ઓળખ શક્યા નથી, એટલે તેનું વાચન તેને હિંસાના સિદ્ધાંતો તરફ જ ખેંચ્યા કરતું માત્ર મહાત્મા ગાંધીના લેખો અને જનાર્દન સાથેના વાદવિવાદમાં જ તેને અહિંસા સંબંધિ વિચારો કરવાન મળતા.
યુવકો ઝડપથી સ્વપ્ન રચી શકે છે અને એ સ્વપ્નને જીવનમાં ઝડપથી ઉતારી શકે છે. ડહાપણ, વ્યવહાર, સંભાળ, સાવચેતી, ગણતરી, સલામતી એવા એવા વૃદ્ધત્વસૂચક ઓથારોથી તેમને ચમકાવવામાં આવતા ન હોય ત યુવાનો જરૂર નવું જગત ત્વરાથી રચે; પરંતુ એના એ જ યુવાનો એક દસકાની અંદર ડાહ્યા, શાણા અને વ્યવહારકુશળ બની જાય છે, અને પોતાનાં સ્વપ્નોને ફેંકી દે છે. ગઈ કાલનો જહાલ આજે મવાલ બની જાય છે. ટિળકના શબ્દેશબ્દને તાળીઓથી વધાવતો યુવક પાંચ-દસ વર્ષમાં તો ગાંધીજીથી ગભરાઈ જાય છે. યુવકોને જગત રચવા દેવામાં આવે તો શી અડચણ ? યુવકો ભૂલો કરશે જ; પરંતુ વૃદ્ધોયે ક્યાં ઓછી ભૂલો કરે છે ? અને યુવકોની ભૂલો તો જગતને આગલ વધારશે; વૃદ્ધોની ભૂલો માફક તે જગતની ગતિને અટકાવશે નહિ જ.
હિંદી યુવકોનું આજનું સ્વપ્ન હિંદની સ્વતંત્રતા ! એ ધ્યેય વિકાસનો ઇતિહાસ ચાળીસેક વર્ષથિ વધારે લાંબો નથી. નાનાનોટા અન્યાયો સરકારના ધ્યાન ઉપર લાવવાની શરૂઆતથી હિંદની સંપૂર્ણ સ્વતંત્રતાનો હક્ક જાહેર કરવા સુધીના રંગ એ ચિત્રપટ ઉપર આલેખાયેલા છે. રાજ્યકર્તાઓ પણ એ હક્કનો મુખસ્વીકાર કરતા થાય છે; માત્ર, એ સ્વાતંત્ર્ય ભોગવવાની લાયકાત હિંદવાસીઓમાં હજી નથી આવી એમ માની, હિંદીઓના ભલા ખાતર તેમને સ્વાતંત્ર્ય ભોગવવા દેતા નથી. આટલો તફાવત બંને વચ્ચે છે !
એ તફાવત ટાળવા ત્રણ રસ્તાઓ સૂચવાય છે : કાયદેસર લડત, હિંસાત્મક લડત અને અહિંસાત્મક લડત. ત્રણે લડત તો ખરી જ. કાયદેસર લડત વૃદ્ધોને હાથ ગઈ; પરંતુ વૃદ્ધોના હાથમાંથી દેશની લગામ ચાલી ગઈ. યુવકો સ્વભાવે યુવકો – હિંસાનો આશ્રય ખોળે છે; પરંતુ અહિંસાનો વિશ્વવંદ્ય પયગંબર હિંસાનો બહિષ્કાર માગે છે. તે નવું યુદ્ધ બતાવે છે : દ્વેષનું નહિ, વૈરનું નહિ, પ્રેમનું યુદ્ધ. તે દેશભક્ત સૈનિકોને પૂછે છે :
‘ભાઈ ! મરતાં આવડે છે ?’
જો સૈનિક જવાબ આપે કે ‘ના મારતાં આવડે છે. મારતાં મરાય તો હરકત નહિ.’ તો તેને એ કહે છે : ‘ ભાઈ ! તું પહેલો મરતાં શીખ, પછી મારા સૈન્યમાં આવ. મારનારનું મારે કામ નથી.’
હિંદી યુવાન ગૂંગળાઈ રહ્યો છે, ગૂંચવાઈ રહ્યો છે. મહાત્માનો સિદ્ધાંત હજી રાજકીય ફિલસૂફીમાં સ્વીકારાયેલો નથી. તે નવો લાગે છે. અહિંસાથી કોઈ દેશ સ્વતંત્ર થયો એમ સાંભળ્યું છે ? મહાત્મા કહે છે :
‘નહિ સાંભળ્યું હોય તો હવે સાંભળીશ.’
અને એક મહાન તપશ્ચર્યાનો ક્રમ તે બતાવી દે છે. હજાર હજાર વર્ષની પરાધીનતામાં પાપ બાળવા માટે તલવાર-બંદૂક કામનાં નથી; એ બાળવા માટે તો અહિંસા, અસ્તેય, અક્રોધના પંચાગ્નિની જરૂર છે. અગ્નિમાં બીજાને બાળવાના નથી; પોતે બળવાનું છે; જેટલી ઝડપથી પાપ બળશે એટલી ઝડપથી હિંદ મુક્ત બનશે. જીવનમુક્તિ માટેનો એ પ્રયોગ સ્વદેશમુક્તિ માટે પણ કેમ ઉપયોગમાં ન લેવાય ?
એ મહાત્મા તો ધૂણી ધિકાવીને બેઠો છે. બીતા, સંકોચાતા અનુયાયીઓ તેની આસપાસ વીંટળાઈ વળ્યા છે. ઝાંખું ઝાંખું તેમને જણાય છે કે પાપ બળી શકે છે અને વિશુદ્ધિના પ્રમાણમાં જીવન સ્વતંત્ર બને છે.
પરંતુ અગ્નિમાં હોમાવું એ મરવા કરતાં પણ મુશ્કેલ છે. મહાત્માનું અગ્નિસ્થાન નિહાળી બીજાઓ પણ હુતાશન પ્રગટાવવા મથી રહ્યો છે; પરંતુ એ આત્મવિશુદ્ધિના યજ્ઞમાં જાતે હોમાવા કરતાં, ગમે તેવો અગ્નિ પ્રગટાવી તેમાં વિરોધીઓને બાળવાનું કાર્ય વધારે સરળ લાગ્યા કરે છે.
જનાર્દનનો આશ્રમ અહિંસા અને હિંસાની વચ્ચે ઝોલાં ખાવા લાગ્યો. તેને પોતાને અહિંસામાં સંપૂર્ણ શ્રદ્ધા હતી. તેણે હિંસાનો ઈતિહાસ બરાબર વાંચ્યો હતો. પશુબળ ઉપર આધાર રાખી નિર્ણીત થતા પ્રશ્નોના નિર્ણય અસત્ય અને ક્ષણજીવી છે એમ તે માનતો. હિંસાની ફિલસૂફીનો ટૂંકો સાર એટલો માનતો. આજે વ્યક્તિ પરત્વે એ સત્ય નથી. એ સિદ્ધાંત સત્ય મનાય તો પહેલવાન, ડાકુ અને ખૂની બહારવટિયા જ સાચના સરદાર ગણાય. પરંતુ શ્રેષ્ઠતાનું માપ પશુબળ ઉપર નથી એમ વ્યક્તિ પરત્વે સ્વીકાર્યા પછી પ્રજાઓ વચ્ચેની શ્રેષ્ઠતાનું માપ પશુબળ ઉપર કેવી રીતે આધાર રાખી શકે ?
આશ્રમના સભ્યોનું જીવન અતિશય સાદું રહે તેની જનાર્દન ખાસ કાળજી રાખતો. રાજકીય જાગૃતિ ગામડે ગામડે ફેલાય એ માટે તેણે પોતાના સાથીદારોની પાસે ગામડે ગામડે થાણાં નખાવ્યાં હતાં; પરંતુ એ રાજકીય જાગૃતિ સાથે અનિયંત્રિતપણું અને ગોરાઓનો તિરસ્કાર દાખલ ન થવા દેવાની સૂચના કાર્યકર્તાઓને તે અચૂક આપતો. અંગ્રેજી રાજ્યશાસનમાં હિંદવાસીઓની ઉત્કૃષ્ટ બુદ્ધિ કુંઠિત બની જતી હતી, તેમની આશ-અભિલાષ અધૂરી રહી જતી હતી અને તેમની આર્થિક લૂંટ અખંડ ચાલ્યા જ કરતી હતી. એ સંબંધમાં અતિ કડક ટીકાઓ તેના પત્રમાં આવતી; પરંતુ સ્પર્શાસ્પર્શ, હિંદુ-મુસ્લિમ ઘર્ષણ, લગ્ન અને મરણના ખર્ચ, સ્રીઓની પરાધીનતા : એવી એવી હિંદી સમાજની મોટી નાની એબો માટે તે પોતાના હિંદવાસી ભાઈઓને મીઠું પાયેલા ચાબખા લગાવતો. તેની બધી કટુતા સંસ્થા, શાસન કે રિવાજ પરત્વે હતી; વ્યક્તિગત ટીકા તેણે કદી કરી નહોતી.
અરુણે જનાર્દનનો ઘણો ભાર ઓછો કર્યો. અરુણના લેખો ઉચ્ચ કોટિના બનવા લાગ્યા; તેનાં વ્યાખ્યાનો અસરકારક થવા લગ્યાં; તેની યોજનાઓ ફતેહમંદ બનવા લાગી. જનાર્દન ધીમે ધીમે આશ્રમની વ્યવસ્થા અરુણને સોંપતો ચાલ્યો. હિંસા અને વેરઝેર જરા પણ વધે નહિ એ જનાર્દન ખાસ લક્ષમાં રાખતો અને અરુણ તરફથી ભૂલેચૂકે એવા પ્રયત્નો થાય તો તે બેધડક અટકાવી દેતો. અરુણની શ્રદ્ધા હજી અહિંસા ઉપર ચોંટી નહોતી, તોપણ જનાર્દનને ખાતર તે પોતાનો હિંસાભર્યો ક્રાંતિવાદ આગળ ધપાવતો નહિ.
છતાં તેના લેખો, વ્યાખ્યાનો અને વિચારોમાં અહિંસાની સંપૂર્ણ નિર્મળતા આવી નહિ. જેમ અરુણને થતું તેમ બીજાઓને પણ થતું. સંસ્થા અને સિદ્ધાંત વિરુદ્ધ બેદિલી ઉત્પન્ન કરવા જતાં વ્યક્તિ અને તેના કાર્ય માટે તિરસ્કાર ઉત્પન્ન થાય એમ બનતું. અમલદારશાહીનાં વગોણાં કરવા જતાં અમલદારોને રાક્ષસ જેવા ચીતરવામાં આવતાં. અહિંસાના પાલનની શિખામણ આપવા જતાં ગર્ભિત રીતે હિંસાની વૃત્તિ જાગૃત રહે એવી સ્થિતિ ઉત્પન્ન થતી.
પાપ અને પુણ્યની રેખાઓને નિશ્ચિતપણે દોરવી મુશ્કેલ છે. એક અબળાને પતિત બનતી અટકાવવા ખડગબહાદુરે ખૂન કર્યું એ પાપ કે પુણ્ય ? એક ઉચ્ચ હિંદુએ મંદિરમાં પ્રવેશ કરતા એક અંત્યજનું લાકડું મારી માથું ફોડયું એ પુણ્ય કે પાપ ? કયે વખતે હિંસા અહિંસામાં બદલાઈ જાય છે અને અહિંસા કડક હિંસાનું રૂપ ધારણ કરી લે છે, એ સમજતાં વાર લાગે છે. આશ્રમની અહિંસામાં હિંસાના અનેક ડાઘ લાગેલા જનાર્દને જોયા. અરુણ તેમાં કંઈક અંશે કારણભૂત હતો. જનાર્દનને દુઃખ થતું. તે અરુણને સમજાવતો, વારતો અને ડારતો. છતાં અરુણની કર્તવ્યભાવના અને દેશ-સેવાની આતુરતા એટલી ઊંચા પ્રકારની અને વિશુદ્ધ હતી કે જનાર્દનની ધારણા પ્રમાણે તેણે જનાર્દનને પ્રસન્ન કર્યા અને આખા મંડળનું મંત્રપદ બે-ત્રણ માસમાં તેણે સર્વાનુમતે ધારણ કર્યું.
અરુણના આવ્યા પછી આશ્રમનું વાતાવરણ તીવ્ર બની ગયું. આશ્રમનાં કાર્યોમાં પ્રથમ કરતાં જુદી જાગૃતિ આવી. જનાર્દનને રંજન અને પુષ્પા સાથે કાર્યને અંગે પરિચય થયેલો. એ પરિચય અરુણના આવ્યા પછી ઘણો જ વધી ગયો. ધીમે ધીમે આશ્રમમાં એક સ્રી વિભાગ પણ ખોલવામાં આવ્યો, અને રંજનની આગેવાની નીચે કેટલીક સ્રીઓ પણ દેશસેવાનું કાર્ય ઓછુંવધતું કરવામાં પ્રવૃત્ત થઈ.
સ્રી-પુરુષનો સમુદાય જ્યાં ભેગો થાય ત્યાં ભય રહેલો છે એમ જગત માને છે. જગતને પણ જૂનો અનુભવ છે, એટલે તેની માન્યતામાં સત્યનો જરા પણ અંશ રહેલો નથી એમ કહેવું એ વધારે પડતું છે; પરંતુ એટલા જ કારણથી સ્રીપુરુષને ભેગાં થતાં – સાથે કામ કરતાં અટકાવતાં એ હવે બની શકે એવું નથી. માનવી માનસિક નિર્બળતાનો સ્વીકાર કર્યા છતાં પણ, સ્રી-પુરુષનબા સંયુક્ત કાર્યમાં જગતનું કલ્યાણ થવાનો એટલો બધો સંભવ છેકે તેમાં ભય રહેલો હોય તોપણ એ પ્રયોગ આદરવો જ રહ્યો. જગત આંખમિચકારો કરશે, ખુલ્લી મશ્કરી કરશે, ભારે વગોણું કરશે, અને તેમ કરવા માટે ખરો પુરાવો પણ કદાચ રજૂ કરશે. તોયે જાહેરજીવનમાં સ્રીઓએ પુરુષોને સાથ આપવા માંડયો છે તે હવે અટકશે નહિ. પ્રભાતફેરીમાં એક યુવક અને એક યુવતી પ્રેમચેષ્ટા કરતાં પકડાયાં એવી લોકવાયકા ફેલાય તોય પ્રભાતફેરીનું મહત્ત્વ ઘટાડી નાંખવાની જરૂર નથી.
અરુણ અને વિમોચન વચ્ચેનો ઝઘડો વધી પડયો હતો. રંજન અરુણની સાથે ફરે એ તેને બિલકુલ ગમતું નહિ. વિમોચન રંજનને ચાહતો હતો; અને વિચિત્ર, ચંચળ રંજને વિમોચનનો પરિચય એટલો આવકાર્યા હતો કે જગતે એ બંનેને યુગલ તરીકે સ્થાપી દીધાં હતાં. પ્રેમ ઘણો અનુદાર અને કંજુસ છે. જેને તે ચાહે છે તેને તે બખીલની ચીવટથી કબજે રાખવા માગે છે. રંજનમાં ચીડવવાની ભારે શક્તિ હતી. તે જાણતી કે વિમોચન તેને ચાહે છે. સુંદર સ્રીઓને ચાહનારાઓની જગતમાં ખોટ નથી; પરંતુ પ્રેમની પુષ્ટિમાં એકલું સાક્ષરત્વ ચાલી શકશે કે કેમ તેની અચૂક ગણતરી, એ હસતી અને હસાવતી ઉચ્છ્ખંલ દેખાતી છોકરી કર્યે જતી હતી કે શું ?
અરુણ તેની ભાભીનો ભાઈ હતો. ક્વચિત્ તેને જોયાનો પણ રંજનને ખ્યાલ આવ્યો. તેના ઉપર ચાલેલા કેસ ઉપરથિ તેના પ્રત્યે તેને એક જાતનું માન અને સહાનુભૂતિ ઉત્પન્ન થતાં હતાં. મુશ્કેલી વગર સરળ સુખભરી જિંદગી ગુજારનારને એવા વિચિત્ર કષ્ટસહન પ્રત્યે કુતૂહલ ઉત્પન થાય છે. એ જ અરુણને તેણે અકસ્માત્ જોયો એટલે સ્વાભાવિક રીતે તેનો પરિચય કરવાની રંજનને વૃત્તિ થઈ. પરિચય કરવો એ રંજન માટે મુશ્કેલ ન હતું. તેના પરિચયનો વિસ્તાર આમે ઘણો વિશાળ હતો. વિમોચનની પોતાની પ્રત્યેની કૂણી લાગણીઓનો ખ્યાલ લાવી તેને ચીડાવવા ખાતર અરુણના પરિચયને તેણે ઘણો પ્રકાશ આપ્યો.
વિમોચન-સાક્ષર-ની લેખમાળા સ્વીકારવા વર્તમાનપત્રો અને માસિકો તલપી રહેતાં હતાં. તેમણે એક ઊગતા કવિ તરીકે પોતાનું નામ પ્રખ્યાત કરી દીધું હતું. તેમનો દેખાવ છેક અનાકર્ષક નહોતો જ. માત્ર નાની વયથી સાહિત્ય સાથે તેમણે સંબંધ બાંધેલો હોવાથી સાક્ષરત્વનો ભાર તેમનામાં વધી ગયો હતો. એ ભાર તેમની આંખમાં, જીભમાં અને હલનચલનમાં પણ દેખાઈ આવતો. તેની વિરુદ્ધ કોઈએ વાંધો બતાવેલો ન હોવાથી એ ભાર તેમના સ્વરૂપનું એક મુખ્ય અંગ બની ગયો.
અરુણ માટે તેમને પ્રથમથી જ અણગમો થયો હતો. તેમાં રંજનનો સહવાસ વધી પડવાથી અરુણે એ સાક્ષરનો અક્ષમ્ય અપરાધ કર્યો હોય એમ તેમને લાગતું. ધીમે ધીમે અરુણની પ્રવૃત્તિઓ અને લેખો વિરુદ્ધ તેમણે જાહેર પત્રોમાં કડક ટીકા કરવા માંડી. જનાર્દનના કાર્યને વખાણી, એ નવા આવેલા વિપ્લવવાદીને લીધે જનાર્દને શરૂ કરેલું કાર્ય નિરર્થક બનતું જાય છે. એમ તેમનાં લખાણો સાબિત કરતાં. આથી તે જનાર્દન અને તેમના આશ્રમ સંબંધ સાચવી રાખીને અરુણને વખોડવાનું કાર્ય છૂટથી કર્યે જતા.
કડક ટીકાનો કડક જવાબ મળે એ સ્વાભાવિક છે. આઘાતપ્રત્યાઘાતના નિયમ સરખું એ બનવું અનિવાર્ય પણ છે. અરુણ સામા જવાબો આપતો. અંગ્રેજી રાજ્ય ખરાબ છે એમ એક વખત દૃઢ થઈ ગયું. એટલે પગમાં કાંટો લાગે તોયે એને અંગ્રેજી રાજ્યની ખરાબ અસરના પરિણામ તરીકે માનવા આપણે લલચાઈએ છીએ. અસહકારીઓ માત્ર સોંઘી જાહેરાત જ શોધે છે એમ માન્યતા થઈ ગઈ તો પછી અહિંસાને ખાતર સામે મોંએ ગોળી ખાનાર અસહકારી પણ મરતી વખતે તાળીઓના ગડગડાટ જ સાંભળે છે એમ માનવા આપણે પ્રેરાઈએ છીએ. ટીકા કરવી એ સહેલું છેઃ ટીકાનો જવાબ આપવો એ તેટલું જ સહેલું અને તેથી વિશેષ રસમય છે.
જનાર્દનનો દાબ હોવા છતાં ટીકાઓની કટુતા વધતી ચાલી. પરિણામે હિંસાવૃત્તિ જાગ્રત થાય એમાં નવાઈ નહિ. વિમોચનને કાને અવાજ આવવા લાગ્યો : ‘એ ચાંપલા ! તને ખોખરો કરવો પડશે !’ અરુણને કાને સાદ પડવા લાગ્યો : ‘એ બડાઈખોર ! જોજે કોઈ દિવસ રંગાઈ ન જા !’
જનાર્દને નિશ્ચય કર્યો કે અહિંસાનું વાતાવરણ પાછું સ્થાપિત કરવું; અહિંસાનું વ્રત જાહેરમાં આશ્રમવાસીઓ પાસે લેવરાવવું અને તેમ કરતાં ગમે તેવો ભોગ આપવો પડે તોયે તે અહિંસાને ખાતર સહન કરવો !
તેણે દિવસ નક્કી કર્યો. અરુણે આવું વ્રત લેવાની પોતાની અશક્તિ જાહેર કરી. જનાર્દનને ખેદ થયો, દુઃખ થયું. તેણે અરુણને ફરી સમજાવ્યો; પરંતુ અરુણની વ્રત લેવાની તૈયારી જણાઈ નહિ. અરુણને ખોઈને પણ અહિંસાનું સ્થાપન કરવાની જનાર્દનને જરૂર લાગી; જનાર્દન સરખા પવિત્ર અને સત્પુરુષનો સમાગમ જતો કરવો પડશે, એ વિચારે અરુણ પણ ખિન્ન થયો.
અરુણ આશ્રમમાં રહેતો થયો એમ તેના પિતાએ જાણ્યું એટલે તેમણે એક સારી રકમનો મનીઓર્ડર તેના ઉપર મોકલી આપ્યો હતો. પુત્રને ઠપકો આપી ખેદ પામેલા પિતાને એમ લાગ્યું કે પુત્ર તરફની ફરજ બજાવવાની હજી બાકી રહે છે; પરંતુ પુત્રે એ મનીઓર્ડર પાછો વાળ્યો, અને અત્યંત વિવેકથી જવાબ આપ્યો કે પિતાએ જોઈએ તે કરતાં પોતાની વધુ કાળજી લીધી છે; પૈસાની હાલ તેને જરૂર નથી, અને પિતાને ચરણે પોતે જરૂર પડયે ગમે તે ક્ષણે આવશે.
આશ્રમ છોડતાં પૈસાનો પ્રશ્ન ઊભો થાય જ. તેની પાસે તો એક કોડી પણ નહોતી. ક્ષણભર તેને એ વિચાર ખટક્યો; પરંતુ ફીકરને પૈસાની શી તમા ? તેની ફકીરીએ વિજય મેળવ્યો, અને અહિંસાનું વ્રત ન લેવાથી જે જે મુશ્કેલીઓ ઊભી થાય તે સહન કરવા તેણે નિશ્ચય કર્યો.
વ્રતનો દિવસ આવી ગયો. આશ્રમવાસીઓ અને જનાર્દનનો સ્નેહ છોડી જવાનો પ્રસંગ આવ્યો. ‘અહિંસાનો અખતરો કરી જોયો હોય તો ?’ પરંતુ હિંસા દેશને મુક્તિ અપાવી શકશે ખરી ? જનાર્દનની સાથેના વાદવિવાદમાં અરુણને હિંસાની મર્યાદા પણ સમજાઈ ગઈ હતી.
વ્રત લેવા સંબંધી અરુણે શો નિશ્ચય કર્યો છે તે રંજને જાણવા માગતાં અરુણે કહ્યું :
‘જે થાય તે ખરું. કાલે સમજ પડશે તેમ કરીશ.’
‘એકાદ વર્ષ માટે તેવું વ્રત લો તો કેવું ? આજ ને આજ ખૂનામરકીક કરીને હિંદ સ્વતંત્ર થવાનું તો નથી જ ને ?’
રંજને જણાવ્યું.
‘જોઉ; રાત્રે વિચાર કરી જોઈશ.’