દિવ્યચક્ષુ/૬. સ્થિતિનાં જંતુ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૬. સ્થિતિનાં જંતુ


દિનને દીનાનાથે અજવાળાં આપિયાં,
અંધારી કેમ કીધી રાતલડી રે ?
વીજલડી હો !

–ન્હાનાલાલ

રંજન સ્ટેશને જઈ આવી એટલે તેણે મોં ધોઈ વાળ સમારવા જ જોઈએ. પોતે મોટરમાં બેસે કે પગે ચાલે, રસ્તા એસ્ફાલ્ટના બનાવેલા હોય તોપણ ધૂળ ઊડયા સિવાય રહે જ નહિ એવી તેની માન્યતા વિરુદ્ધ કોઈથી કાંઈ જ કહી શકાય એમ નહોતું. ધનિકોને ચોખ્ખાઈ ઘણી જ ગમે છે. કારણ કે મરજી પ્રમાણે ચોખ્ખાઈ રાખવાની તેમને સગવડ હોય છે. વડીલોના ઉત્તેજનથી રંજનને ચોખ્ખાઈની એટલી બધી ચટ આવી હતી કે ઘરમાં બેઠે પણ બબ્બે કલાકે ‘ટોઈલેટ’ કર્યા સિવાય તેને ચાલતું નહિ. એટલે તે ઊઠી, અને ‘ભાભી ! હું હમણાં આવું છું.’ કહી ત્યાંથી ચાલી ગઈ.

કૃષ્ણકાન્ત સુરભિની પાસે એક ખુરશી ઉપર બેઠા, અને તેના હાથ ઉપર પોતાનો હાથ તેમણે મૂક્યો. તબિયત જોવાનો જ કૃષ્ણકાન્તનો અભિનય હતો; પરંતુ સુરભિના મુખ ઉપર સંકોચ દેખાયો.

‘કેમ ? તારે તબિયત સુધારવી નથી, ખરું ?’ કૃષ્ણકાન્તે સુરભિને પૂછયું

‘મને શું થયું છે ?’ સુરભિએ બાજુએ જોઈ જવાબ આપ્યો.

‘જો, તને ગમે એટલા માટે તારા ભાઈને લાવ્યો છું. એક અઠવાડિયામાં જો તારું વજન વધ્યું નથી તો…’ કૃષ્ણકાંતની સિગાર હોલવાઈ જતાં તેમણે દીવાસળીની એક સુંદર ચળકતી પેટી કાઢી દીવાસળી ઘસી સિગાર પાછી સળગાવી. દરેક કામમાં આવડતનો હાથ જુદો જ પડે છે ફરફર ફર્યા કરતા વીજળીના પંખા નીચે બેઠેલા કૃષ્ણકાંતે સફાઈથી સળીની જ્યોત સાચવી પોતાની સિગાર સળગાવી.

‘તો શું ?’ સુરભિએ પૂછયું.

‘તો પછી જોઈ લેજે.’ હસીને કૃષ્ણકાન્તે કહ્યું.

રાત પડી હતી. શીતળ ભૂરો પ્રકાશ વીજળીના દીવામાંથીક આવતો હતો. અરુણ હજી સ્વસ્થ બની શક્યો નહોતો.

‘અરુણ ! વહેલા જમી લેવું છે કે મારી સાથે ? આજે મેં કેટલાક મિત્રોને ખાણા માટે બોલાવ્યા છે.’ કૃષ્ણકાન્તે કહ્યું. આ જમાનામાં આખા જગતની સાથે મહેમાનોને પણ ઘણી સ્વતંત્રતા મળે છે. પોતાની જ સાથે પોતાની જ ઢબે તેમને જમાડવા યજમાનો આગ્રહ રાખતા નથી.

‘ભાઈ તો મારી સાથે જમશે.’ સુરભિએ કહ્યું.

‘Please yourself-તું ખુશી થા.’ કહી કૃષ્ણકાન્ત ઊઠયા. ‘ખાણાની વ્યવસ્થા જોઈ હું પાછો આવું છું.’ કહી સુરભિ સામે સહજ હસી કૃષ્ણકાન્ત ઓરડીની બહાર ગયા. સિગારની આછી ધૂમ્રવલ્લી અને કડક મીઠાશભરી વાસ તેમની પાછળ રહી ગઈ.

ભાઈ અને બહેન એકલાં પડયાં થોડી ક્ષણ એકબીજા સામે તેમણે ટગરટગર જોયા કર્યું. અને એકાએક સોફાના હાથા ઉપર માથું મૂકીક સુરભિ ડૂસકે ભરાઈ ગઈ.

ભાઈબહેનના વહાલ સરખો નિર્દોષ સંબંધ જગતભરમાં બીજો નથી. બાળકના નિષ્કારણ હાસ્ય સરખું અકલંક, મિત્રોની મૈત્રી સરખું આકર્ષક, વિયોગી દંપતી સરખું વિહ્નળતાપ્રેરક અને પિતા-માતાના વાત્સલ્ય સરખું સ્વાર્થરહિત વહાલ ભાઈબહેન વચ્ચે જ હોઈ શકે.

અરુણ સુરભિની પાસે ગયો. ક્ષણભર ઊભો રહ્યો. અને તેને મસ્તકે હાથ મૂક્યો.

‘બહેન !’

માનવીની ભાષાનો પવિત્રમાં પવિત્ર શબ્દ અરુણે ઉચ્ચાર્યો. રડતી બહેને મસ્તક ઊંચક્યું અને આંસુભરી આંખે ભાઈ સામે જોયું.

‘કેમ આમ કરે છે ?’ અરુણે વહાલથી પૂછયું.

સુરભિએ લૂગડાના છેડા વડે આંસુ લૂછી નાખ્યાં, અને જરા હસી જવાબ આપ્યો :

‘કાંઈ નહિ, ભાઈ ! એ તો અમસ્તું. તમને જોઈને કોણ જાણે કેમ કાળજું ભરાઈ આવ્યું. તમે આવ્યા એ મને ગમ્યું.’

સુરભિએ ઉત્સાહ લાવીને વાત કરવા માંડી; પરંતુ અરુણના મનમાં ખાતરી થઈ કે કોઈ પણ કારણથી સુરભિનું હૃદય દુઃખાયલું જ રહે છે. ભાઈબહેન વચ્ચે બે વર્ષનો ફેર હતો. સાથે રમેલાં ભાઈબહેન વચ્ચે ઊંડી સમજદારી હોય છે. તે બીજા સંબંધોમાં ભાગ્યે જ હોઈ શકે. ભાઈ પોતાના મનનું દુઃખ સમજી ગયો એમ ધારી ભાઈના મનમાં એ ડંખ વધારે સાલે નહિ એ માટે સુરભિએ ઘણી ઘણી આનંદપ્રેરક વાતો કરવા માંડી. વાતો કરતાં બંને જણાં ખૂબ હસતાં – નાનપણ જાણે પાછું આવ્યું હોય તેમ.

છતાં અરુણ બહેનનાં આંસુ ભૂલી શક્યો નહિ. સુરભિના ઘરમાં પાર વિનાનો વૈભવ હતો. કૃષ્ણકાન્ત ગર્ભશ્રીમંત હતા. તેમના દાદાના સમયથી તેમના કુટુંબમાં જાહોજલાલી શરૂ થઈ હતી. તેમના પિતાએ તે સાચવી અને વધારી. કૃષ્ણકાન્ત પણ સારું ભણ્યા અને પોતાના ધંધા ઉપરાંત સાહિત્ય, કલા, રાજ્યસુધારણા, સમાજસુધારણા એ બધા વિષયોમાં રસ લેતા થયા. તેમણે યુરોપ-અમેરિકાની મુસાફરી કરી હતી, અને તેમને સારાસારા યુરોપિયન અધિકારીઓ સાથે મૈત્રી હતી. ન્યાતજાતના ભેદને ન સ્વીકારતા યુરોપિયનો હિંદમાં આવે છે ત્યારે પોતાની જુદી ન્યાત ઊભી કરે છે એ કદાચ આ દુર્ભાગી દેશની અસરને લીધે જ હશે; પરંતુ એટલું તો ખરું જ કે તેમના સમાજમાં દેશીઓને તેઓ જરા પણ ભેળવતા નથી. એટલે યુરોપિયન ક્લબના એક જ દેશી સભાસદ હોવાનું માન કૃષ્ણકાન્તને મળ્યું એ ઉપરથી જ તેમનું યુરોપીય સમાજમાં કેટલું માન હતું તે સહજ જણાઈ આવે એમ છે.

તેમના પિતાની એવી માન્યતા હતી કે શિક્ષણની કલા યુરોપિયનો જેવી જાણે છે તેવી હિંદવાસીઓ જાણતા નતી. એટલે નાનપણથી જ તેમણે પોતાનાં બાળકો માટે આયા (નર્સ) તેમ જ શિક્ષકમિત્ર (Companion) તરીકે યુરોપિયનોને જ રાખ્યાં હતાં. આથી એમની પ્રતિષ્ઠા વધી એટલું જ નહિ પણ બાળકોને સ્વચ્છતાની અને વ્યવસ્થાની ઘેલછા લાગી. પહેરવેશને જીવનમાં મહત્ત્વનું સ્થાન અપાયું અને અંગ્રેજી ભાષાની વાક્પટુતા એકાએક આવી ગઈ. નાનાં ચાર-પાંચ કે છ-સાત વર્ષનાં બાળકોની ભાષા સ્વાભાવિક મીઠી હોય છે; અને એટલી ઉંમરે ભલભલા ગ્રેજ્યુએટોને ગભરાવે એવી ચબરાકીથી અંગ્રેજી ભાષા બોલવામાં આવે ત્યારે તેની મીઠાશ હજારગણી વધી જાય છે. ‘બાપા’ કે ‘બા’ જેવા ગામઠી ઉચ્ચારોને બદલે ડૅડી, પપ્પા, મમ્મી, મા – ગુજરાતી ‘મા’ નહિ પરંતુ ઇંગ્લિશ Mamaનું ટૂંકું રૂપ – એવાં વહાલાં લાગે એવાં સંબોધનો સાંભળી પિતાનું હૃદય હર્ષથી ઊછળતું. ‘ડૅન્સ લિટલ બેબી’ કે ‘હોમ’ જેવી કવિતાઓ ખરા ઉચ્ચારો સાથે નાનો કૃષ્ણકાન્ત કે બાળકી રંજન બોલે ત્યારે પિતાને એમ લાગતું કે અંગ્રેજી શિક્ષણ પાછળ ખર્ચેલો પૈસો પ્રમાણ પડયો છે; અને એ બાળકોને ‘ગુડ મૉર્નિંગ’થી શરૂ કરી દસ-દસ મિનિટ કે પા-પા કલાક સતત અંગ્રેજો અગર અંગ્રેજોનાં પ્રતિબિંબો સાથે વાત કરતાં સાંભળે ત્યારે હર્ષઘેલા પિતાને લાગતું કે પોતાની સાત પેઢીનો ઉદ્ધાર થઈ ગયો છે.

આ ઢબમાં ઊછરેલાં કૃષ્ણકાંત અને રંજન સહુનું ધ્યાન ખેંચે એમાં આશ્ચર્ય ન કહેવાય. ત્રણ પેઢીની શ્રીમંતાઈએ કૃષ્ણકાંતને અતિશય ઉદાર બનાવ્યો હતો. તેની ઉદારતાનો લાભ લેનાર સહુ કોઈ લાભ લીધા પછી તેને ઉડાઉનું વિશેષણ લગાડતા. ધનપ્રાપ્તિ ઘણી વખત યંત્ર સરખી નિયમિત અને સરળ બની જાય છે. નિયમિત રીતે થયા કરતા સૂર્યોદયને માટે જેટલી આપણે મહેનત કરવી પડે છે. તેટલી જ મહેનત કૃષ્ણકાંતને તેમના ધનોપાર્જન માટે કરવી પડતી. પિતા તથા પિતામહે ચાલુ કરેલું ચક્ર ફર્યા જ કરતું હતું; એ ચક્ર ફર્યા કરે છે એટલું ક્ષણ બે-ક્ષણ જોવા પૂરતું જ કૃષ્ણકાંતને હવે કામ રહ્યું હતું. એટલે મિત્રો અને સમાજોમાં તે પોતાનો ઘણો સમય ગાળી શકતો.

તેને કલેશ અગર કંકાસ જરા પણ પસંદ નહોતાં. સુખમય સરળ જીવન ચાલ્યું જાય એ જ તેનું ધ્યેય હતું. સુરભિની સાથે તેનાં લગ્ન થયાં. સુરભિ અને તેના પિતાને સ્વાભાવિક રીતે લાગ્યું કે આથી વધારે સારું ભાગ્ય કોઈ હોઈ શકે નહિ. અરુણ પણ જાણતોહતો, સુરભિનું જીવન અતિશય સુખમય છે. પોતાના ઘરની વાત કરતી સુરભિ સદા પ્રફુલ્લ થતી. અરુણે ભયંકર બાજુ પસંદ કરી હતી. તથાપિ પોતાની વહાલી બહેન સુખ-આનંદમાં રહે છે એ જાણી તેને પણ સંતોષ થયો હતો. એટલે આજે સુરભિને આંસુ ઢાળતી જોઈ તેનું હૃદય દુખાયું. બહેન એ પ્રસંગ ભુલાવવા માગતી હતી છતાં એ ન ભૂલી શક્યો.

એક નોકરે આવી નમ્રતાથી કહ્યું :

‘સાહેબ શીશીઓ મંગાવે છે.’

‘જા જા, શીશીવાળો આવ્યો છે તે ! ચાલ્યો જા અહીંથી !’ સુરભિએ એકાએક મિજાજ ખોઈ નોકરને ધમકાવ્યો. આ નોકર ભારે પગારનો રસોઈયો હતો. અંગ્રેજી ઢબનું ખાણું બનાવીને પીરસવાનું હોય ત્યારે જ તેની પાસે કામ લેવામાં આવતું. તે મોંઘો હતો; ધમકાવવા માટે સર્જાયલા નોકરોમાં તે જ એકલો ધમકીથી પર ગણાતો.

મોઢું ચડાવી નોકર ચાલ્યો ગયો.

‘તું આવી ચીડિયણ ક્યાંથી બની ગઈ ? એને શીશી કેમ ન આપી ?’ અરુણે પૂછયું. સુરભિનો સ્વભાવ ચીડિયો નહોતો એ અરુણ જાણતો હતો.

‘ભાઈ ! એને શીશીઓની લત લાગી છે !’ સુરભિના બોલમાં ભારે દર્દ હતું.

‘કોને !’ જરા આશ્ચર્યથી અરુણે પૂછયું.

‘તે તમે સમજો.’

‘કૃષ્ણકાન્તને ?’

સુરભિએ કાંઈ જવાબ આપ્યો નહિ. અરુણ પણ કાંઈ બોલ્યા વગર થોડી વાર બેસી રહ્યો. તે જાતે નિર્વ્યસની હતો; જગતની ભારે ગરીબીમાં વ્યસનને સ્થાન હોવું ન જ જોઈએ એવી તેની માન્યતા હતી; જોકે તેણે ઘણા ગરીબોને વ્યસનમાં સપડાયલા જોયા હતા; પરંતુ તે ગરીબ અને તવંગરના દોષ વચ્ચે સર્વદા એક ભારે ભેદ નિહાળતો. ગરીબોના દોષ દયાપાત્ર છે. જ્યારે તવંગરના દોષ ધિક્કારપાત્ર છે. ગરીબનું પાપ એ ન છૂટકાનો અકસ્માત છે, તવંગરનું પાપ એ જાણીજોઈને આદરેલો અત્યાચાર છે.

અરુણના ક્રાંતિવાદમાં તલવારની ધાર સરખું નિયમન હતું; પરંતુ એ નિયમનમાં ધર્મની ભીરુતા નહોતી. પાપપુણ્યની વ્યાખ્યા સમયાનુસાર ફરતી રહે છે. પ્રભુને ન ગમે એ પાપ એમ નહિ. પણ જગતમાં વસતા દરેક માનવબંધુને દુઃખદાયક થઈ પડે એ પાપ, એમ તે ધારતો હતો. ગાંધીવાદમાં પરાક્રમરહિત દૈન્ય ઉપરાંત ધર્મઘેલછા હતી એ પણ તેના ગાંધીવાદ પ્રત્યેના અણગતમાનું એક મુખ્ય કારણ હતું. એટલે મદ્યનિષેધની પ્રવૃત્તિ સમાજને ઉપકારક છે એટલું જ માનીને એ બેસી રહેતો. મદ્યપી એ પાપની મૂર્તિ છે એમ તે નહોતો માનતો. માનવી પોતાની વૃત્તિઓને ક્યાં સુધી તૃપ્ત કરી શકે તેના સિદ્ધાંતની ગૂંચવણ વિચારતો અરુણ બહેનની સામે જોતો બેસી રહ્યો.

ધીમે ધીમે હસતે મુખે કૃષ્ણકાન્તે ઓરડામાં પ્રવેશ કર્યો. સુરભિએ મોં ફેરવી લીધું. કૃષ્ણકાંત ખરેખર સારો માણસ ન હોત તો પોતાની પત્નીએ કરેલા આવા ખુલ્લા તિરસ્કાર બદલ એ શું કરત એ હિન્દુ સમાજમાં કોઈ પણ સમાજમાં – અજાણ્યું નથી. પરંતુ કૃષ્ણકાંતે આગળ આવી મુખમાં જરા પણ ફેરફાર કર્યા વગર પૂછયું :

‘સુરભિ ! પેલી શીશીઓ તેં મૂકી છે ?’

‘તમને કોણે કહ્યું ?’

‘બટલરે.’

‘હા, મેં મૂકી છે. કેમ શું છે ?’

‘અત્યારે કાઢી આપ ને ! ડિનરમાં જોઈશે.’

‘હું એક પણ શીશી કાઢી નહિ આપું. તમે શું માંડયું છે ?’

‘Don’t be silly, કમિશનર અને કલેક્ટર ડિનર ઉપર આવવાના છે અને તું ન કાઢી આપે એ ચાલે !’

‘ગમે તે છો ને આવે ! દારૂ વગર ચાલે જ નહિ એવું શું છે ?’

‘હા…હા…હા…’ કૃષ્ણકાન્ત જરા મોટેથી અંગ્રેજીક ઢબે હસ્યા. હસવાની પણ જુદી જુદી અનેક ઢબ હોય છે એ કોઈથી ભુલાય એમ નથી.

‘જો ને અરુણ ! આ સુરભિ શીશીમાં જે કાંઈ ભરેલું હોય તેને દારૂ જ માને છે. તું કહીશ તો કદાચ માનશે કે એ

દારૂ નહિ પણ લિક્યૉર્સ છે. As good as sharbat.’

સારામાં સારો છેલ્લી ઢબનો ઉચ્ચાર કર્યાથી શબ્દના અર્થમાં ફરે શી રીતે પડે એ અરુણને સમજાયું નહિ. સુરા કહો, શરાબ કહો કે લિક્યૉર કહો, પણ તેનો અર્થ તો એક જ થશે. અલબત્ત, નશાનું પ્રમાણ ઓછુંવધતું હોવાને કારણે કેટલાક પ્રકારના મદ્યનો સભ્ય યુરોપીય સમાજમાં નિષેધ નથી એ વાત અરુણ જાણતો હતો.

તે ગમે તેમ હોય. અરુણ મદ્યમીમાંસાનો અભ્યાસી નહોતો. એટલે જાણકારને સહજ સમજાય એવા ભેદભાવની તેને ગમ નહોતી. તેને માત્ર એટલું જ લાગ્યું કે સુરભિ જક કરતી હતી એ વાસ્તવિક નહોતું. અને છાનીછપની રીતે આખી રાત ખુલ્લી રહેતી અંગ્રેજી દારૂની દુકાનોમાંથી ગમે તે પીણું લાવવા માટે કૃષ્ણકાન્તને પૈસાની, માણસની કે વાહનની ખોટ નહોતી. અરુને કહ્યું :

‘કાઢી આપ ને વળી !’

જે વસ્તુનો પોતાને ભારેમાં ભારે કંટાળો આવતો હતો તે વસ્તુ કરવા ભાઈ આગ્રહ કરતો હતો એ સુરભિને ગમ્યું નહિ. મુખ ઉપર કંટાળો દર્શાવી જરા અટકી સુરભિ ઊઠી, અને કબાટ પાસે જવા લાગી. કૃષ્ણકાન્તને સુરભિની આંખ લુખ્ખી લાગી; પત્નીની આંખ વહાલથી ઊભરાતી જોવા ઈચ્છતા કૃષ્ણકાન્તે કહ્યું :

‘નહિ, નહિ. તને ન ગમે તગો રહેવા દે ! Please your self.’ એટલું કહી તે ઓરડામાંથી ચાલ્યો ગયો.

બહેન અને બનેવી વચ્ચેના વૈષમ્યમાં કોનો વાંક હશે તેનો વિચાર કરતાં અરુણનું ધ્યાન આછી સુવાસ તરફ ખેંચાયું. સુવાસ ફેલાવતાં સાદાં પણ મનોહર રીતે વીંટાયલાં કપડાંમાં રંજને પ્રવેશ કર્યો. તરવરાટની મૂર્તિ સમી રંજને ઝડપથી સૂરભિ પાસે ઊબા રહી અરુણને કહ્યું :

‘અરુણભાઈ ! આવો. હું તમને એક મોટા સાક્ષર સાથે ઓળખાણ કરાવું.’

‘કેમ આ કપડાં પહેર્યાં છે ? ડિનરમાં જવું નથી ?’ સુરભિએ રંજનને પૂછયું.

‘ના રે ! હું તો તમારી સાથે જ જમીશ. મને એ ધાંધલ ફાવતું નથી.’ રંજને જવાબ આપ્યો.

રંજનને ધાંધલ ન ફાવે એ નવાઈની વાત હતી. સવારમાં જાગે ત્યારથી તે રાત્રે સૂએ ત્યાં સુધી – કદાચ ત્યાર પછી નિદ્રામાં પણ – ધાંધલ વગર રહી ન શકતી રંજનનું આ કથન પણ બીજા કોઈ ધાંધલની તરફેણમાં જ હશે એમ અરુણને લાગ્યું. ધનવાનોની ખાલીખમ જિંદગી આવાં – ડિનર -સરખાં જ – ધાંધલોથી ઊભરાયલી રહેતી હોવી જોઈએ !

‘કેમ, ચાલશો ને ?’ રંજને અરુણને પૂછયું.

‘મને સાહિત્યમાં બહુ સમજ પડતી નથી.’ અરુણે કહ્યું.

‘હરકત નહિ; સાહિત્યમાં બહુ સમજની જરૂર નથી.’ કહી રંજન હસી.

‘કોણ આવ્યું છે ?’ સુરભિએ પૂછયું.

‘વિમોચન.’

‘એ તો ડિનર ઉપર આવ્યા હશે !’

‘હા. પણ જરા વહેલા આવ્યા, મને મળવા માટે.’ રંજને કહ્યું, અને ન સમજાય એવું સ્મિત કર્યું.

‘ત્યારે તો બીજા કોઈને શા માટે બોલાવો છે !’ સામુ સ્મિત કરી સુરભિએ પૂછયું.

‘એમસ્તો. તમને સમજ નહિ પડે ! ચાલો અરુણભાઈ !’

અરુણ ઊભો થયો અને રંજનની પાછળ ચાલ્યો. રંજન ઊભી રહી અને અરુણની સાથે અડોઅડ ચાલવા લાગી. અરુણ પોતાને સુધરેલા વિચારનો માનતો હતો, છતાં તે સંકોચાયો.

‘આટલું બધું પાસે ચાલવાની જરૂર હશે ખરી ?’ તેણે પોતાના જ મનને પ્રશ્ન પૂછ્યો.