ધીરેન્દ્ર મહેતાની કવિતા/બ્લાસ્ટિંગ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩૫.
બ્લાસ્ટિંગ

આ સામેની
જોખમી ઇમારતને
બ્લાસ્ટિંગથી તોડી પાડવાની છે...
લોકો ખસી ગયા છે
સુરક્ષિત સ્થાને;
માલમિલકતની સુરક્ષાનો પ્રબંધ પૂરેપૂરો...
નશી કશો આતંક,
નથી કશો ભયઃ
બધું પૂર્વયોજિત - આયોજિત છેઃ
લશ્કરના જવાનોએ
તપાસી લીધું છે બધું.
એક... બે.. ત્રણ
ધડામ્ કરતો થયો અવાજ
- એ પ્રચંડ ધડાકો (કે મારી ચીસ?)
રજકણોના ઊડી રહ્યા છે ગોટેગોટા (કે મારો ઉચ્છ્વાસ?)
ઊછળી પડ્યા છે પથ્થર-ગોળા (કે મારા ડોળા?)
ફાટી ગયેલી આંખોમાંથી
હું આખેઆખો
ટુકડેટુકડા થઈને
પછડાઈ પડ્યો છું
હીરોશીમા - નાગાસાકીની ધરતી પર.
૨૩-૩-૦૧