ધીરેન્દ્ર મહેતાની કવિતા/આફટર શોકસ
Jump to navigation
Jump to search
૩૬.
આફ્ટર શોક્સ
આફ્ટર શોક્સ
ફુત્કાર કરીને
હૈયાવરાળ કાઢી બેઠેલી ધરતી
હીબકાં ભરે છે,
રહીરહીને આવે છે એનાં આંચકા...
વાંકીચૂંકી તિરાડોમાં
અવળસવળ થઈ ગઈ છે
અહમ્ -ઔદાર્યની,
કટુતા - કરુણાની સીમાઓ;
બદલાઈ રહ્યા છે પીડાના રંગો;
શબ્દો શયતાન બનીને
મૌનને મલબો માનીને
ઘણના ઘા કરે છે...
તિરાડોમાં અંકાઈ ગયેલું
સ્મિત
દેખાય છે વંકાઈ ગયેલું
અને
ચોમેર મચેલો હાહાકાર
હવે હા... હા... હા કરતો સંભળાય છે.
આ કયું નગર નીકળી આવ્યું છે
આ નગરના કાટમાળમાંથી!
વીંખાઈ ગયા પછી આમ પીંખાઈ રહ્યું છે...
- ધર્મરાજાથી વિખૂટા પડેલા
અસહાય અટૂલા શ્વાનની પેઠે
આંટા માર્યા કરું છું
આ નગરની ફરતે;
સૂંઘ્યા કરું છું
આ નગરના ટીંબા.
નગરના આ નાકેથી પાડેલો સાદ
પેલે નાકે પહોંચતામાં તો
બિહામણું રુદન બની જાય છે..
ચોપાસ બધું થથરી ઊઠે છે...
તિરાડોમાં ભરાઈ ગયેલી એ ચીસને
ખોદી-ખોદી
એકમેકની સામે
આશંકા અને આતંકથી જોયા કરે છે...