નવલકથાપરિચયકોશ/અંતરપટ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪૧

‘અંતરપટ’ : સ્નેહરશ્મિ

– વિપુલ પુરોહિત
Antarpat.jpg

‘અંતરપટ’, પ્રથમ આવૃત્તિ : ૧૯૬૧, દ્વિતીય આવૃત્તિ : ૧૯૭૭ અર્પણ : શ્રી વિઠ્ઠલરાવ ઘાટેને, “તટો જેવા બાહુ થકી, વહન મારા હૃદયનાં અહો! વાળ્યાં રક્ષ્યાં જીવનભર જે સુજ્ઞ સુહૃદે!” મુદ્રક : ડાહ્યાભાઈ એમ. પટેલ, ભગવતી મુદ્રણાલય, ૧૯, અજય એસ્ટેટ, રૂસ્તમ જહાંગીર મિલની બાજુમાં, દૂધેશ્વર રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧ પ્રકાશક : શિવજી આશર, વોરા એન્ડ કંપની, ગાંધી ચેમ્બર્સ, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧ નવલકથા સર્જકનો પરિચય : ગુજરાતી કવિતાના કલાપ્રદેશમાં ‘સ્નેહરશ્મિ’થી પ્રસિદ્ધ કવિનું અસલ નામ તો ઝીણાભાઈ રતનજી દેસાઈ. વલસાડ જિલ્લાનું ચીખલી ગામ તેમની જન્મભૂમિ. ૧૬ એપ્રિલ ૧૯૦૩ના રોજ પિતા રતનજીભાઈ અને માતા કાશીબાઈના ઘરે તેમનો જન્મ. તે વખતના વાંસદા રાજ્યમાં આવેલું લીમઝર ગામ એમનું બીજું વતન. માતા-પિતા પાસેથી નાનપણમાં જ સંસ્કાર અને જીવનમૂલ્યોની સાથે વિધાયક દૃષ્ટિ અને માનવ માત્ર પ્રત્યે સમદૃષ્ટિની કેળવણી મળી હતી. મામા છીમુભાઈને કારણે બાળપણથી સાહસ ઉપરાંત ભાષા-સાહિત્ય અને સંગીત પ્રતિ અભિરુચિ કેળવાઈ હતી. મિત્ર બાલુભાઈ (બાલકૃષ્ણ મહેતા)ને કારણે યોગ, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, કવિતા, લોકસાહિત્ય વગેરેમાં રસ લેતા થયા. લીમઝરના નિતાંત શુદ્ધ પ્રાકૃતિક વાતાવરણે પણ ઝીણાભાઈને જગતશાળાના વિદ્યાર્થી બનાવ્યા. પિતાનું અવસાન થયા પછી પણ માતાના મક્કમ નિર્ણયને કારણે ઝીણાભાઈ મુંબઈ ભણવા જાય છે. શિક્ષકોના પ્રભાવને કારણે હોમરુલ અને રાષ્ટ્રીય આંદોલનોથી પરિચિત થતા રહ્યા. એ દરમિયાન ભરૂચમાં છોટુભાઈ પુરાણીએ શરૂ કરેલી ‘ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ’માં ભણવા જોડાયા. સ્વામી વિવેકાનંદ અને મહર્ષિ અરવિંદનો પણ પ્રભાવ ઝીલ્યો. સન ૧૯૨૦માં ગાંધીજી પ્રેરિત અસહકારના આંદોલનમાં સક્રિય થયા. વિદ્યાપીઠની વિનીત પરીક્ષા પાસ કરી. મુંબઈની નેશનલ કૉલેજમાં ફરી અભ્યાસ શરૂ કર્યો. ગાંધીયુગની આબોહવાએ ઝીણાભાઈની સર્જકતાને પોષી. ગૂજરાત વિદ્યાપીઠમાં ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના અધ્યાપક તરીકે કામ કર્યું પછી એ છોડી ‘નૂતન ગુજરાત’ના તંત્રી તરીકે પ્રવૃત્ત થયા. ‘સત્યાગ્રહપત્રિકા’નું તંત્રીપદ પણ સંભાળ્યું. સ્વતંત્રતાની લડતમાં ભાગ લેવા બદલ સાબરમતી અને યરવડાની જેલયાત્રા પણ કરી. શિક્ષણ અને પત્રકારત્વ આ બે એમની ગમતી પ્રવૃત્તિઓ હતી. શિક્ષણ સાથે વર્ષો સુધી જોડાયેલા રહ્યા. મુંબઈની વિલે પારલે કેળવણીમંડળ રાષ્ટ્રીય શાળા કામ કર્યા પછી અમદાવાદની ચી. ના. વિદ્યાવિહારમાં આચાર્ય તરીકે કામ કર્યું. કેળવણીના ક્ષેત્રે વર્ષો સુધી સક્રિય રહી અનેક પ્રયોગશીલ પ્રવૃત્તિઓ કરી. ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પદે પણ થોડો સમય રહ્યા અને વર્ષ ૧૯૭૨-૭૩ દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પણ સેવાઓ આપી. ‘સ્નેહરશ્મિ’ના નામે જાણીતા આ સર્જકનું મુખ્યત્વે પ્રદાન તો કવિતા અને વાર્તા ક્ષેત્રે જ રહ્યું છે. તેમાં ય કવિતામાં જાપાનીઝ કાવ્યપ્રકાર હાઈકુને ગુજરાતીમાં સફળ અને સર્જનાત્મક રીતે અવતરિત કરનાર કવિ તો સ્નેહરશ્મિ જ છે. તેમની કવિતા ‘અર્ઘ્ય’ (૧૯૩૫), ‘પનઘટ’(૧૯૪૮), ‘સોનેરી ચાંદ રૂપેરી સૂરજ’ (૧૯૬૭), ‘અતીતની પાંખમાંથી’ (૧૯૭૪), ‘તરાપો’ (૧૯૮૦), ‘ઉજાણી’ (૧૯૮૦), ‘કેવળ વીજ’ (૧૯૮૪), ‘નિજલીલા’ (૧૯૮૪), ‘ક્ષિતિજે ત્યાં લંબાવ્યો હાથ’ (૧૯૮૪) અને ‘સકલ કવિતા’ (૧૯૮૪) જેવા સંગ્રહોમાં સંચિત છે. તેમની પાસેથી ‘તૂટેલા તાર’ (૧૯૩૪), ‘ગાતા આસોપાલવ’ (૧૯૩૪), ‘સ્વર્ગ અને પૃથ્વી’ (૧૯૩૫) અને ‘હીરાનાં લટકણિયાં’ (૧૯૬૨) – એમ મળીને ચાર વાર્તાસંગ્રહો ગુજરાતી ભાષાને મળ્યા છે. ‘સ્નેહરશ્મિની શ્રેષ્ઠ વાર્તાઓ’ (૧૯૮૩) પણ પ્રાપ્ત થઈ છે. ‘મારી દુનિયા’ (૧૯૭૦), ‘સાફલ્ય ટાણું’ (૧૯૮૩), ‘ઊઘડે નવી ક્ષિતિજો’ (૧૯૮૭) અને ‘વળી નવા આ શૃંગ’ (૧૯૯૦) આ ચાર તેમની આત્માકથાના ખંડો છે. ‘મટોડું અને તુલસી અને બીજાં નાટકો’ (૧૯૮૩) તેમનો નાટ્યસંગ્રહ છે તો ‘પ્રતિસાદ’(૧૯૮૪) નામે એક વિવેચનસંગ્રહ પણ તેઓ પાસેથી મળ્યો છે. તેમની એક માત્ર નવલકથા ‘અંતરપટ’ (૧૯૬૧) જેલવાસ દરમિયાન ૧૯૪૨-૪૩નાં વર્ષોમાં લખાઈ છે. ‘અંતરપટ’ નવલકથાનું કથાનક : ‘અંતરપટ’ નવલકથા ગાંધીયુગની ચેતનાનું પ્રત્યક્ષ પ્રતિનિધિત્વ કરે છે. ગાંધીજીના સ્વદેશ આગમન બાદ સ્વરાજ માટેની લડત પર ગાંધી વિચાર અને વ્યવહારનો બુલંદ પ્રભાવ પડ્યો હતો. ગુજરાતી સર્જકોએ પણ આ પ્રભાવ ગાઢ રીતે ઝીલ્યો હતો. ‘અંતરપટ’ નવલકથા પણ આવા જ ગાંધીપ્રભાવમાંથી જ જન્મી છે. દલિત કન્યા પની-પન્ના, દલિત યુવક કેશુ અને બ્રાહ્મણ યુવક નરહરિને કેન્દ્રમાં રાખીને રચાયેલી આ પ્રણયકથા થોડી વિશિષ્ટ બની છે તે તરત ધ્યાનમાં આવે છે. નરહરિના જન્મ, ઉછેર અને શિક્ષણની ઘટનાઓ સાથે શરૂ થતી આ કથામાં પનીના પ્રવેશ પછી પ્રણયકથાનો તંતુ વણાય છે. શહેરમાં કન્યાગૃહમાં રહીને શિક્ષિત બનેલી પનીને એક તરફ દલિત હોવાને કારણે સામાજિક અસમાનતાનો પ્રશ્ન સતાવે છે તો બીજી તરફ પતિ કેશુ અને મૂલ્યનિષ્ઠ બ્રાહ્મણ યુવક નરહરિ પ્રત્યેનું ખેંચાણ પણ તેને મૂંઝવે છે. કથાના મધ્ય ભાગમાં વિવાહિતા પનીની ભાવિ પતિ કેશુ તરફની લાગણીઓની સમાંતરે નરહરિ તરફની મુગ્ધતા પણ રસપ્રદ રીતે નિરૂપણ પામી છે. કથાનાં પાછલા ભાગમા પનીના પતિ કેશુને કાર અકસ્માત થાય છે. તેની મરણાસન્ન સ્થિતિમાં પની પોતાના હૃદયની વેદના-સંવેદના વ્યક્ત કરે છે. પતિ કેશુ અને ઇચ્છિત પ્રેમી નરહરિ વચ્ચે પનીની દોલાયમાન ભાવસ્થિતિનું નિરૂપણ આ કથાનો એક વિશેષ બની રહે છે. કેશુના મૃત્યુ અને પનીનાં વ્યથા વચનો સાથે આ કથાનો કરુણ અંત આવે છે. નવલકથાની નિરૂપણ રીતિ અને પ્રકાર : ‘અંતરપટ’ નવલકથાની નિરૂપણરીતિ પ્રથમ પુરુષ એકવચનની છે. સર્જકે જુદાં જુદાં પાત્રોનાં મુખેથી કથા કહી છે. તેવું કરવા પાછળનો તેમનો ઉદ્દેશ કંઈક આમ છે, “દરેક પાત્ર જે વાત કરે છે તેમાં આલેખાયેલા પ્રસંગ પરત્વેની સમજ અને દૃષ્ટિ એ પ્રત્યેક પાત્રની છે, અને એની શૈલી ભાષા, સંવાદ વગેરેનું આયોજન લેખકનું છે.” (‘અંતરપટ’ નિવેદનમાંથી) આમ, કહીને લેખકે પાત્રોનો પ્રસંગો સાથેનો વૈયક્તિક અનુબંધ અને પોતાની ભાષા-અભિવ્યક્તિ સાથેનો સંબંધ સ્પષ્ટ કરી આપ્યો છે. ‘નર્મદે કહેલી વાત’, ‘મનહરે કહેલી વાત’, ‘પનીએ કહેલી વાત’, કેશુએ કહેલી વાત’ અને અંતે ફરી પનીએ કહેલી વાત’- એમ કુલ પાંચ એકમમાં આ કથા વહેંચાયેલી છે. સ્નેહરશ્મિની કથા કહેવાની આ નિરૂપણ રીતિ એ અર્થમાં વિશિષ્ટ બની રહી છે. વળી, કવિ સ્નેહરશ્મિની સર્જકપ્રતિભાનો લાભ આ કથાના ગદ્યને મળ્યો છે તે પણ નોંધવું જોઈએ. અલબત્ત, નરહરિએ કહેલી વાત પણ જો આ કથામાં ઉમેરાઈ હોત તો કથાને એક વધુ પરિમાણ સાંપડી શકત એવું ચોક્કસ કહી શકાય. ‘અંતરપટ’ એક પ્રયોગલક્ષી સામાજિક નવલકથા છે. ગાંધીયુગનો સીધો ધબકાર આ કથામાં પડઘાયો છે. મૂર્તિપૂજા, અસ્પૃશ્યતા, આંતરજ્ઞાતિયલગ્ન, સામાજિક અસમાનતા, લોકશાહી, કેળવણી વગેરે જેવા વિષયો અહીં પની-નરહરિ-કેશુની પ્રણયકથાની સંનિધિમાં રસમય રીતે આલેખાયા છે. ગાંધીયુગની સામાજિક પરિસ્થિતિઓની સંગાથે લેખકે અહીં પની-કેશુ-નરહરિના પ્રેમનું પણ ભાવનારંગી નિરૂપણ કર્યું છે. નવલકથાની સર્જકતા સિદ્ધ કરતાં ઘટકતત્ત્વો : સ્નેહરશ્મિની આ નવલકથામાં આપણે જેને સર્જક ઉન્મેષ કે સર્જનાત્મક વિશેષ તરીકે ઓળખાવી શકીએ તેવી ત્રણ-ચાર બાબતો તરત જ ધ્યાને આવે છે. એમાંની એક આગળ કહ્યું તેમ નિરૂપણરીતિની વિશેષતા આ કથાને વિશિષ્ટ બનાવે છે. ‘અંતરપટ’ની બીજી મહત્ત્વની લાક્ષણિકતા તેની વસ્તુ સંરચના છે. પાંચ વિભાગમાં વહેંચાયેલી આ કથા અલગ અલગ પાત્રોના મુખે રજૂ કરીને એક સૂત્રમાં બાંધવાનો નોંધપાત્ર ઉદ્યમ સર્જકે કર્યો છે. કથાનું મુખ્ય પાત્ર પની હોઈ તેના મુખેથી બે વખત વાત કહેવાઈ છે. ગાંધીયુગની સામાજિક પશ્ચાદ્‌ભૂમાં પની-કેશુ-નરહરિની આ પ્રણયત્રિકોણ કથા તેની રચનારીતિને કારણે રોચક બની છે. પરંતુ પાત્રોની ભાષા અને વિચારમાં લેખકનો બોલ પડઘાતો હોવાથી કથાની ગતિ શિથિલ બની છે. તત્કાલીન સામાજિક પ્રશ્નોને ઉજાગર કરવા જતાં લેખક પાસેથી સાદ્યંત કલામય નવલકથાને બદલે હેતુપ્રધાન કૃતિ સાંપડે છે. જેનું માત્ર દસ્તાવેજી મૂલ્ય જ સિદ્ધ થાય છે. ‘અંતરપટ’ નવલકથાની ત્રીજી વિશેષતા તેનાં પાત્રો છે. સ્નેહરશ્મિએ આ કથામાં જે રીતે પાત્રોનું આલેખન કર્યું છે તે એક અર્થમાં કથાનો ગુણ બનીને ઊપસે છે. કથાનાં મુખ્ય ત્રણે ય પાત્રો પની, નરહરિ અને કેશુનાં આંતર બાહ્ય વ્યક્તિત્વોની રેખાઓ કથાના સૂત્રમાં ઉચિત રીતે વણાઈ છે. વાણી, વર્તન અને વિચારથી નોખાં તરી આવતાં આ ત્રણ પાત્રોએ કથાનો મહત્તમ ભાર વહન કર્યો છે. આ સિવાય નરહરિની મા નર્મદા, નરહરિનો મિત્ર મનહર, ગુરુદેવ નરેન્દ્ર, તેમનાં પત્ની સુશીલાબહેન, રમેશભાઈ, જડી, પની અને કેશુના પિતા, વકીલ દયારામભાઈ, લલ્લુ, વગરે પાત્રોએ પણ કથાને વહેતી રાખવામાં યથાયોગ્ય ભૂમિકા ભજવી છે. આ નવલકથામાં લેખક સ્નેહરશ્મિની વર્ણનકળા પણ એક વિશેષ બનીને ઊપસે છે. ગ્રામીણ પ્રકૃતિ તેમાંય ખાસ કરીને નદી અને ખેતર-સીમનાં વર્ણનોને કારણે આ કથાને એક રમણીય વાતાવરણની ભોંય પ્રાપ્ત થઈ છે. મનુષ્ય હૃદયના શાશ્વત સંગીત સમાન પ્રેમસંગીતનું અનુરણન આ નવલકથામાં આલેખિત પ્રકૃતિ વર્ણનોમાં આસ્વાદ્ય બન્યું છે. કેશુની ક્રિકેટની રમતનું વર્ણન પણ સુંદર છે. આ નવલકથામાં વણાયેલ સર્જકનું વ્યાપક જીવનદર્શન પણ એક નોંધપાત્ર વિશેષતા બને છે. તત્કાલીન સમાજજીવનનું સર્જક દૃષ્ટિબિંદુથી કરાયેલું આકલન આ કથાને સ્નેહકથાની સાથે સમાજકથાનો પણ મોભો આપે છે. પની અને કેશુના જીવનમાં નરહરિ નામે જે અંતરપટ રચાય છે તેનું વિગલન થતાં અંતે તો કેશુની જ વ્યાપ્તિ પનીના આંતર- બાહ્ય વ્યક્તિત્વમાં ઘોળાઈ રહે છે. ‘અંતરપટ’માં કરુણરસ મુખ્ય છે. તે સિવાય શૃંગાર અને અદ્‌ભુત રસની પ્રતીતિ પણ ભાવક કેટલાક પ્રસંગોમાં કરી શકે છે. સ્નેહરશ્મિની આ ચરિત્રકેન્દ્રી નવલકથામાં ગાંધીયુગીન સામાજિક, રાજકીય,ધાર્મિક અને સાંસ્કૃતિક જનજીવનનું કલામય ચિત્ર રચાયું છે. નવલકથા વિશે વિવેચકો : (૧) “ગુજરાતી નવલકથાનાં ચિરંજીવ પાત્રોમાં પની પોતાના આગવા લાવણ્યથી શોભી રહે છે. એવાં જ સુંદર છે કેશુ અને નરહરિનાં પાત્રો. આ પાત્રો તદ્દન દોષ-રહિત અને સંપૂર્ણ છે એવું કહેવાનો આશય નથી. કદાચ લેખકનો પણ નહિ હોય. માનવસહજ નિર્બળતાઓથી ભૂલો કરતાં, પડતાં આખડતાં છતાં પાછાં ઊભાં થતાં આ બધાં પાત્રો જીવનપ્રવાહમાં અવશપણે તણાતાં નથી, પોતાનું વ્યક્તિત્વ જાળવી રાખે છે, એટલે તે સામાન્ય જેવાં લાગવા છતાં સામાન્ય મનુષ્યો જેવાં જ નથી.” – રમણલાલ જોશી, (૨) “કવિતામાં ગાંધીપ્રભાવ ભલે ઝિલાયો હોય પરંતુ આ નવલકથામાં ગાંધીપ્રભાવથી તદ્દન અલિપ્ત રહીને નિજી શૈલીમાં લોકજીવનની પુનઃઘટનાનો વ્યાપક પ્રશ્ન કવિ છેડે છે. એ અર્થમાં એ સમાજજાગૃતિ અને નવક્રાંતિની કથા બને છે.” – યોસેફ મેકવાન (૩) “આમ બધી રીતે ગમી જાય એવી આ નવલકથામાં મને કોઈ તત્ત્વે વિચાર કરતો કરી મૂક્યો હોય તો તે નરહરિના વર્તન અંગે છે. નરહરિની વિવેકશક્તિ ઘણી પ્રબળ છે. વસ્તુના મૂળને એ પકડી શકે છે. પનીની પોતાને માટેની ઘેલછા એણે ઘણી વહેલી જોયેલી છે. એ પોતે સમાજસેવકના સંયમશીલ જીવનને અને એવા જીવનની મર્યાદાને જાળવવાને આગ્રહી છે. તો પછી પનીના પોતાના તરફના અસ્વાભાવિક વર્તન ઉપર તેણે પોતાના સૌજન્યનો કેમ પ્રભાવ પાડ્યો નહિ?” – રતિલાલ સાં. નાયક

સંદર્ભગ્રંથો : ૧. ધોળકિયા, દર્શના. ‘સ્નેહરશ્મિ’, ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ-૫, પૃ. ૯૫-૧૦૮, પ્રથમ આવૃત્તિ ૨૦૦૫ ૨. જોશી, રમણલાલ. ‘અંતરપટ’, ‘શબ્દસેતુ’, પૃ. ૨૦૦-૨૦૧, પ્રકા.૧૯૭૦ ૩. મેકવાન, યોસેફ. ‘સ્નેહરશ્મિ’ (વ્યક્તિવિશેષ શ્રેણી), પ્રથમ આવૃત્તિ, ૨૦૦૩ ૪. નાયક, રતિલાલ સાં., ‘અંતરપટ’, ‘અક્ષરયાત્રા’ પૃ.૧૩૬-૧૪૭, આવૃત્તિ ૧૯૮૪ ૫. શુક્લ, યશવન્ત અને અન્ય. સં. ‘સ્નેહનો શબ્દ’, આવૃત્તિ ૧૯૮૬ ૬. મહેતા, ધીરેન્દ્ર. ‘સ્નેહરશ્મિ’, વર્ષ ૧૯૯૯ ૭. પટેલ, જગદીશચંદ્ર. ‘સ્નેહરશ્મિ વ્યક્તિત્વ અને વાઙ્‌મય’, પ્રથમ આવૃત્તિ ૨૦૦૯

ડૉ. વિપુલ પુરોહિત
એસોસિયેટ પ્રોફેસર, ગુજરાતી અનુસ્નાતક વિભાગ,
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર
વિવેચક, સંપાદક, સંશોધક
મો. ૯૧૦૬૫૦૬૦૯૪
Email: v13purohit@gmail.com