નવલકથાપરિચયકોશ/પ્રકાશનો પડછાયો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૦૯

‘પ્રકાશનો પડછાયો’ : દિનકર જોષી

– મયૂર ખાવડુ
Prakashno-Padchayo.jpg

‘પ્રકાશનો પડછાયો’, પ્રકાશન : પ્રવીણ પ્રકાશન પ્રા.લિ, રાજકોટ પ્રથમ આવૃત્તિ : ૧૯૮૮ પુનર્મુદ્રણ : ૨૦૧૯ (અધિકરણ લેખ આ આવૃત્તિમાંથી લખાયો છે.) પૃષ્ઠ : ૩૨૦ નકલની સંખ્યા : પુસ્તકમાં માહિતી ઉપલબ્ધ નથી. અર્પણ : સદ્ગત કેશુભાઈ ગાંધીને જેમણે હરિલાલ જોડે મારો પરોક્ષ પરિચય કરાવડાવ્યો

લેખકનો પરિચય : ૩૦ જૂન ૧૯૩૭ના રોજ કાઠિયાવાડના ભાવનગર જિલ્લાના ભડી ભંડારિયા ગામે શ્રી દિનકર મગનલાલ જોષીનો જન્મ થયો. જોકે મૂળ વતન તો નાગધણીંબા. ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના અભ્યાસે તેમના નવલકથા લેખનની ધાર કાઢી છે એવું કહી શકાય. નવલિકા લેખન, સંપાદન, પ્રકીર્ણ, નાટ્યલેખન સહિતનું સાહિત્યિક કામ તેમણે ધગશથી કર્યું. જોકે ગુજરાતી સાહિત્યમાં અને વાચકોમાં તેમની જે પ્રતિભા ખૂબ પ્રશસ્તિ પામી એ નવલકથાકાર તરીકેની. મુખ્યત્વે ઐતિહાસિક નવલકથા કે આત્મકથાનાત્મક નવલકથા લેખન તરફના ઝોકે તેમને સાહિત્ય જગતમાં ખાસ્સી સફળતા અપાવી છે. પ્રકાશનો પડછાયો એ તેમની અસંખ્ય ભાષામાં અનુવાદિત થયેલી, વિદ્વાનોએ પોંખેલી અને વાચકોએ વધાવેલી નવલકથા. જેના પરથી વર્ષ ૨૦૦૭માં ફિરોઝ અબ્બાસ ખાને ગાંધી, માય ફાધર નામક ચલચિત્રનું નિર્માણ કર્યું હતું. જેને ત્રણ રાષ્ટ્રીય પુરસ્કાર પણ એનાયત કરવામાં આવેલા. એક ટુકડો આકાશનો નામે તેમણે નર્મદના જીવન પર નવલકથા લખી છે. કટોકટીકાળ પરની તેમની બહુ ચર્ચાયેલી નવલકથા એટલે ખેલો રે ખેલ ખુરશીના, મહમદ અલી ઝીણા પર આધારિત પ્રતિનાયક નવલકથાએ પણ વાચકોના હૃદયમાં અલગ સ્થાન મેળવ્યું. અ-મૃતપંથનો યાત્રી, અમૃતયાત્રા, મહામાનવ સરદાર, ગઈકાલ વિનાની આવતી કાલ, સહિતની અસંખ્ય નવલકથા લખી તેમણે ગુજરાતી નવલકથા ક્ષેત્રને સમૃદ્ધ બનાવ્યું છે. ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર, ગુજરાતી સાહિત્ય અકાદમીનો ઉમા-સ્નેહરશ્મિ પુરસ્કાર, સાહિત્ય ગૌરવ પુરસ્કાર અને જીવન ગૌરવ પુરસ્કારથી તેમને નવાજવામાં આવ્યા છે. તેમના માનમાં ‘અખંડ આનંદ’ સામયિક દ્વારા ‘ડૉ. દિનકર જોષી - અખંડ આનંદ વિશેષ પુરસ્કાર’ પણ એનાયત કરવામાં આવે છે.

ગુજરાતી સાહિત્યમાં નવલકથાનો આરંભ જ ઇતિહાસના ચાકડે થયો છે. નંદશંકર તુળજાશંકર મહેતાની ઐતિહાસિક નવલકથા કરણઘેલોથી ગુજરાતી નવલકથાનાં શ્રી ગણેશ થયાં. આમ ઐતિહાસિક પણ આમ ગુજરાતના અંતિમ રાજપૂત રાજાની જીવનકથનાત્મક નવલકથા. ગુજરાતી વિશ્વકોશમાં શ્રી પ્રવીણ દરજી નોંધે છે, “ગુજરાતીમાં નવલકથાનો પહેલવહેલો સૂત્રપાત ૧૮૬૨માં સોરાબશા મુનસફનાને હાથે ‘હિન્દુસ્તાન મધ્યે એક ઝૂપડું’ – એ કૃતિથી થયો; પણ અનુદિત કૃતિ હોવાથી પહેલી, મૌલિક, ઐતિહાસિક નવલકથા તરીકે તો નંદશંકર તુળજાશંકર મહેતાકૃત ‘કરણઘેલો’ (૧૮૬૬) જ. સમયની દૃષ્ટિએ જોતાં તો મહીપતરામે પણ ‘કરણઘેલો’ના પ્રકાશન પૂર્વે ‘સાસુવહુની લડાઈ’ (૧૮૬૬) નામની લાંબી, સામાજિક વાર્તા પ્રકટ કરેલી, પણ જેને નવલકથા કહેવાય તે પ્રકારનાં ઘણાં લક્ષણો તો પ્રથમ ‘કરણઘેલો’માં જોવા મળે છે. ‘મગરૂબીનો માર, વ્યભિચારીની હાર, પાપનો ક્ષય, ધર્મનો જય’ એવા લક્ષ્યને કેન્દ્રીભૂત કરીને લખાયેલી આ નવલકથાનો તે કાળે મરાઠી ભાષામાં પણ અનુવાદ થયેલો.” ત્યારબાદ ગુજરાતી સાહિત્યમાં ધૂમકેતુ, મુનશી, મેઘાણી, દર્શક સહિતના અઢળક સાહિત્યકારોએ ઐતિહાસિક નવલકથા લેખનના સ્વરૂપને બખૂબી સિદ્ધ કર્યું. ઐતિહાસિક નવલકથા લેખન એ ખૂબ જ આકરું કાર્ય રહ્યું છે, પણ સમયાંતરે આવી કેટલીક નવલકથાઓ આવતી રહી અને ઐતિહાસિક નવલકથા લેખન એક જાતની ફેશનલીલા બની ગઈ. અન્ય ભાષાની બહુચર્ચિત અને કાલજયી કહેવાતી કૃતિઓના અનુવાદો થયા. જ્યારે દિનકર જોષીએ આ ક્ષેત્રમાં પગ મૂક્યો ત્યારે નવલકથા તેના સ્વરૂપ અને વિષયની દૃષ્ટિએ ખાસ્સી આગળ વધી ચૂકી હતી. ડાકુઓ ત્રાટક્યા હતા, ભૂત-પલીતો ઊભા થયા હતા, ચોરી ને લૂંટફાટના વિષયનો અતિરેક થવા લાગ્યો હતો, પ્રણયલીલા વગર વાચકોને ચાલતું નહોતું, ઇતિહાસની સાથે કલ્પનાના તાણાવાણા ગૂંથી કથાવસ્તુને વધારે રસપ્રયુક્તિ કરતો બનાવવાની ને બતાવવાની હોડ ચાલતી હતી. હકીકત એ કે એમાં વાચકનો રસ સંતોષાતો હતો. આમ પણ નવલકથાની સામાન્ય વાચકના મનમાં વ્યાખ્યા છે, ‘એકી બેઠકે પૂર્ણ થાય.’ નવલકથાનું સ્વરૂપ અભ્યાસ અધિકરણકર્તા – આથી ઓછું અને તેનાં પૃષ્ઠોની સંખ્યા અને જીવસટોસટનાં દૃશ્યોના કારણે વધારે ઓળખાતું થઈ ગયું હતું. એટલે કે ભારે પુરુષાર્થ કરાવતો ઐતિહાસિક નવલકથા લેખનનો સૂરજ ક્ષિતિજમાં તેનાં અંતિમ કિરણોથી ઓળખાતો હતો. ગુજરાતી સાહિત્યમાં ઐતિહાસિક નવલકથા લેખન એટલે કે કોઈ એક મહાપુરુષના જીવનચરિત્રને કેન્દ્રમાં રાખી આખી કથા આરંભવી. અથવા તો કોઈ એક ઘટનાને. ધ્યાન રાખવું કે આ માત્ર આત્મવૃત્તાંત ન બની જાય, અન્ય પાત્રોને પણ ન્યાય મળે, એમાં સંવાદો હોવા જોઈએ, કલ્પનાનું તત્ત્વ પણ હોવું જોઈએ. પરિવેશ ઘટ્ટ બની સપાટી પર દેખાવો જોઈએ, કોઈની લાગણીને ઠેસ પણ ન પહોંચવી જોઈએ. ક્યારેક ક્યારેક ગદ્યનો તો છેદ જ ઊડી જાય છે! અને લેખન પાત્રોની આસપાસના સૂક્ષ્મ પરિવેશનું ઝીણવટભર્યું અવલોકન કરવામાં સરતું જાય છે. આવા સમયે, આધુનિક નવલકથાકારોમાં શ્રી દિનકર જોષીએ આ ક્ષેત્રમાં ખેડાણ કર્યું. આ ખેડાણ કરવું એમને ફળ્યું. માત્ર શબ્દલીલા દ્વારા વાચકોમાં છાકો પાડી દેવો એવો એમનો હેતુ નહોતો. તેમની નવલકથાઓ નાટ્યાત્મક ઢંગથી પણ તથ્યો સાથે છેડછાડ કર્યા વગર આગળ વધે છે અને કોઈ પણ પ્રકારના વાચક માટે તેનું વાંચન રસદાયક બની રહે છે. જેમ કે લોકપ્રિયતાના સીમાડા ટપી ગયેલી તેમની બહુચર્ચિત નવલકથા પ્રકાશનો પડછાયો. નવલકથાનો ઉઘાડ થાય છે એક વિષાદથી. જ્યાં હરિલાલની અસ્વસ્થતાના સમાચાર આવે છે. પાંચ મહિના પૂર્વે જ ગાંધીજીનું અવસાન થયું છે. એ આઘાતજનક સમાચારથી દેશને હજુ કળ નથી વળી. કેશવલાલ ગાંધી અને સુરેન્દ્ર, હરિલાલ ગાંધીની ભાળ મેળવવા માટે નિયત સરનામે પહોંચે છે પરંતુ ત્યાં તેમને છોભીલા પડવાનો વારો આવે છે. ટ્રામ પકડી તેઓ હૉસ્પિટલે જાય છે અને હરિલાલના મરણના સમાચાર મળે છે. નવલકથા અહીંથી શરૂ થાય છે. એટલે કે પ્રકરણ ચારથી. જ્યાં હરિલાલની જીવનીનો આરંભ થાય છે. હવે નવલકથાના કથાવસ્તુમાં પ્રવેશ કરી લેખની લંબાઈ વધારવાનો કોઈ ઉદ્દેશ્ય નથી, આથી કેટલાક ભાવકો તેના કરવા જેવા મૂળ રસપાનથી વંચિત રહી જશે. પરંતુ આ નવલકથા શા માટે પોતાની અમીટ છાપ છોડી ગઈ એ વિસ્તૃત છણાવટ માગી લે તેવો મુદ્દો છે. પ્રથમ ધ્યાનાકર્ષિત કરે છે આ પુસ્તકનું શીર્ષક, નવલકથા વાંચતાં વાંચતાં પિતા-પુત્ર વચ્ચેના સંઘર્ષના આપણે સાક્ષી બનીએ છીએ, પણ ત્યાં સુધી આપણને સ્મરણમાં નથી આવતું કે પ્રકાશનો પડછાયો કેમ? અહીં પ્રકાશ એ ગાંધીજી છે. જેની કીર્તિ સમસ્ત દિશાઓમાં વ્યાપેલી છે. પડછાયો હરિલાલ ગાંધી બને છે. કેવું કહેવાય, આપણી ગુજરાતી ભાષામાં પડછાયાનો એક અર્થ થાય છે : “ખરાબ વસ્તુ કે માણસની છાયા પડવી તે.” આમ શીર્ષક પણ બે વિભૂતિઓને આવરી લે છે. પુસ્તકનું આવરણ પણ એ જ દિશામાં ઇંગિત કરી રહ્યું છે. આ શીર્ષકથી પેલી ગુજરાતી કહેવત યાદ આવે ‘દીવા તળે અંધારું.’ તમે જૂનાગઢની પ્રથમ વખત મુસાફરી કરતાં હો, તમારે ગિરનાર પર્વતનું આરોહણ કરવાનું હોય. તમારા મગજમાં પ્રથમથી અંત સુધી અણુએ અણુએ ગિરનાર જ વ્યાપેલો હોય, તમે એ માહિતીથી અળગા હો કે ગિરનારની આસપાસ બીજાં શિખરો પણ છે. તેનાં નામ શું? આવું જ થાય છે હરિલાલના નિધનના પ્રસંગમાં. અને આ રીતે પણ પેલું પ્રકાશનો પડછાયો શીર્ષક આપણા ચિત્તમાં સાફલ્ય થતું નજરે ચડે. માની લો કે એ દૂર આવેલા ઉત્તુંગ શિખર અંગેની સમગ્ર માહિતી કોઈ અર્પી દે તો? અને સાથે એમ પણ કહે કે એ શિખર તો ગોઝારું છે. યાદ ન કરવું. ખબર નહીં કંઈ કેટલાયને તેણે પોતાની છાતી પરથી ધક્કો મારી દીધો. તો એ શિખર કાયમ માટે યાદ રહી જાય. સ્મૃતિમાં તે કાયમ માટે ઝળહળતું રહે તેની પાછળનું કારણ? તો પેલું મુખ્ય શિખર. નવલકથામાં પણ કંઈક આવું જ છે. હરિલાલ યાદ રહી જાય છે મહાત્મા ગાંધીજીના કારણે. અગાઉ ઐતિહાસિક નવલકથામાં ગદ્યની વાત કરી હતી, ઐતિહાસિક બીજા શબ્દોમાં આત્મકથનાત્મક કે જીવનકથનાત્મક નવલકથાઓનું ગદ્ય તેની સાથે એ સમયની આબોહવાને પણ લઈને ચાલે છે. આ નવલકથાનું ગદ્ય વેગીલું છે. એમાં કોઈ શબ્દો ક્લિષ્ટ નથી. બંને પ્રકારના ભાવકો, જેમને સાહિત્યનો રસ હોય અને જેઓ લોકભોગ્ય કથાઓ વાંચવા માટે જ પુસ્તકો ફંફોસતા હોય તેઓને સંગાથે લઈ ચાલવાનું કર્મ કરે છે. ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારની નવલકથાઓ ખૂબ જૂજ આવી છે. સશક્ત ગદ્યની સાથે તેની પ્રવાહી શૈલી અને ઘટના સાથે સંવાદોનું સંકલન તેને બેનમૂન બનાવે છે. ગણિકાની ભાષા તોછડી હોવાની, દલાલની ભાષામાં પણ કંઈ હરખાવા જેવું ન હોય, સુરેન્દ્ર અને કેશવલાલના સંવાદોમાં કશુંક ગુમાવ્યાનો અજંપો હોવાનો, કસ્તુરબાના સંવાદોમાં સહજતા હોવાની, ગુલાબના સંવાદોમાં પતિ પ્રત્યેનો વિશુદ્ધ અનુરાગ, નવલકથાના મુખ્ય પાત્ર હરિલાલનું સંવાદકર્મ આરંભમાં કશું ઝંખતું લાગે. લાગે કે પિતા તરફથી તેને અન્યાય થઈ રહ્યો છે, આજે પણ જેને સત્યમૂર્તિ તરીકે આપણે આદરપૂર્વક પૂજીએ એ મહાત્માનો પોતાનાં સંતાનો તરફી કેવો વ્યવહાર છે એનું અહીં શાબ્દિક ચિત્ર નવલકથાકારે ખડું કર્યું છે. એમાં ક્યાંય દિનકર જોષી હિરાલાલને હીરો બનાવવા માટે થનગનતા હોય એવું લાગતું નથી. આ વાતનો ઉત્તર તો સ્વયં દિનકરભાઈ આપી દે છે, “આ સમગ્ર ઘટનામાં કોઈ પક્ષકાર બનવાનું કે ન્યાય તોળવાનું કામ મેં ટાળ્યું છે. બંને પક્ષે પૂરી નિષ્ઠા હતી – પરસ્પર ભરપૂર પ્રેમ હતો.” તો પણ એક વાચક તરીકે પેલા સંવાદની તીક્ષ્ણકાય અણી શા માટે ઘડીએ ઘડીએ ભોંકાયા કરે છે, “હરિલાલના લગ્નથી હું રાજી નથી થયો! લગ્ન ન થાય તો પણ ચાલે! હવે મેં હરિલાલ વિષે એક પુત્ર તરીકે વિચારવું છોડી દીધું છે!” – પરંતુ તેના ભાવકે તો હરિલાલ બની જવું જ યોગ્ય હોય એવું માન્યું છે. બાપુના મનને કળવું અઘરુંં હતું. ભૂલી જવું કે બાપુને આવો કોઈ પત્ર પણ લખ્યો છે. સ્ત્રી હોવા છતાં અને એ પણ એ જમાનામાં ગોકીફોઈનું આધુનિક હોવું, લક્ષ્મીદાસનું, ‘ઘરમાં અમે આટલા બધા મરદ માણસ બેઠા છીએ, ત્યારે વળી વહુવારુને આમાં શું પૂછવાનું હોય?’ જેવો સંવાદ ફટકારવો એ એક જ પરિવારના સભ્યો વચ્ચે સ્ત્રી-પુરુષ અસમાનતાની ઝાંખી કરાવે છે. અને આ રીતેય પેલી જરીપુરાણી કૌટુંબિક વ્યવસ્થા, રૂઢિચુસ્તતા, કેટલાક રિવાજો એ આખો સમયપટ કબરમાંથી ઊભો થઈ જાય છે. પણ આ સંવાદનો એક વિરોધી જવાબ પણ છે. એમાં ક્યાંક તૃષ્ણાની છાંટ વર્તાય. કસ્તુરબાનું કહેવું, “મારી ગુલાબવહુને પેટે તો પહેલું સંતાન દીકરી અવતરે એ જ મને તો ગમે!” બાએ હળવાશથી કહ્યું, “આપણા ઘરમાં લક્ષ્મીજી આમેય નથી.... અને આમેય નથી... એટલે મને તો લક્ષ્મીજીની પધરામણી ગમે....” અહીં એ પ્રશ્ન ઉદ્ભવવો જોઈએ કે સંવાદોને લઈને જ તેનું અવલોકન શા માટે થઈ રહ્યું છે? નવલકથા સ્વરૂપની દૃષ્ટિએ રોકડા માર્ક્સ ખેંચે છે, એની વસ્તુસામગ્રી એકઠી કરતાં પણ નવલકથાકારને ખાસ્સો પરિશ્રમ વેઠવો પડ્યો છે, અને એ વાચક માટે આશીર્વાદરૂપ તથા ફળદાયી નીવડ્યો છે, એ વાસ્તવથી વિમુખ નથી, એમાં ઐતિહાસિક વિકાસ પ્રક્રિયાનો દર્શનસેતુ સ્પષ્ટ જણાય છે, ચાર પ્રકરણ પછી એ સડસડાટ રૈખિક ગતિમાં ચાલે છે, પરંતુ એ બધા કરતાં પ્રકાશનો પડછાયો નવલકથાનું પુટ સંવાદોનું છે. નવલકથાકારના ભાથામાંથી સંવાદોનાં તીર છૂટ્યા કરે છે. એક પણ સંવાદ હતોત્સાહી કરતો નથી. આ એક પિતા પુત્ર વચ્ચેનો દ્વંદ્વ છે. વિષય વર્ણ્ય છે, પણ તેની એક મર્યાદા હોવા છતાં ૩૨૦ પૃષ્ઠો સુધી તે જીવ અદ્ધર રાખે છે. સર્જક જે છે એ કહી છુટ્ટા પડી જાય છે, એથી જ નવલકથાના વિષયની અવનતિ થતી નથી. શિષ્ટ નવલકથાઓમાં એવું જોવા મળે કે નવલકથાનું કોઈ પાત્ર, જેમ સુરેશ જોષી કથોપકથનમાં કહે છે એમ, પ્રતીક બનીને ઊભરી આવે. ત્યારે જીવનકથનાત્મક નવલકથામાં એવું સંભવે તેને જૂજ અવકાશ છે. ઘટી ગયેલી ઘટના, જેનું જગત સાક્ષી રહી ચૂક્યું છે, તે પાત્રોના માનવવ્યવહારને દર્શાવવો એ ક્યારેક સર્જકના પ્રાણને રૂંધી પણ નાખે. પાત્રોની વર્તણૂક સ્વપ્નમાં આવી પજવે. વાસ્તવિકતાના ઘરમાં બેસવાના કલ્પનાને મોહભર્યાં સ્વપ્ન આવે. પરંતુ આ બધા સંઘર્ષો વચ્ચે સર્જકને તેની જવાબદારીનું સતત ભાન હોવું જોઈએ. એ સભાનતા શ્રી દિનકર જોષીની કલમમાં છે. એ સર્જકતા પ્રકાશનો પડછાયો નવલકથામાં ડોકાય છે.

મયૂર ખાવડુ
જૂનાગઢની બહાઉદ્દીન આર્ટ્સ કૉલેજમાંથી સમાજશાસ્ત્ર, ઇતિહાસ અને રાજ્યશાસ્ત્ર વિષય સાથે બી.એ., જ્યારે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એ. ડી. શેઠ પત્રકારત્વભવનમાંથી એમ.ફિલ. સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે કારકિર્દીની શરૂઆત રાજકોટ દૂરદર્શન કેન્દ્ર ખાતેથી કવિ અને નાટ્યકાર શ્રી શૈલેષ ટેવાણીના સહાયક તરીકે કરેલી. મુંબઈ સમાચારમાં હાસ્યની કટાર, ગુજરાત સમાચારમાં હાસ્ય અને ફિલ્મ સમીક્ષાની કટાર અને દિવ્ય ભાસ્કરમાં સાહિત્યિક કૉલમ લેખન કરેલું.