નવલકથાપરિચયકોશ/કાદંબરીની મા
‘કાદંબરીની મા’ – ધીરુબહેન પટેલ
આધુનિક નારીસંવેદનાની અસરકારક અભિવ્યક્તિ : ધીરુબહેન પટેલકૃત ‘કાદંબરીની મા’
ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પ્રથમ પંક્તિમાં બેસી શકે એવા આંગળીના વેઢે ગણી શકાય તેવાં નારીવાદી લેખિકાઓમાં ધીરુબહેન પટેલનું નામ નિઃસંકોચ ટોચ પર આવે. તા. ૨૫.૫.૧૯૨૬ના રોજ વડોદરામાં જન્મેલાં આ નવલકથાકારનું શાળાશિક્ષણ મુંબઈ શાંતાક્રુઝની પોદાર હાઈસ્કૂલમાં તથા ઉચ્ચ શિક્ષણ ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં થયું. ૧૯૪૫માં અંગ્રેજી વિષય સાથે બી.એ. અને ૧૯૪૮માં એમ.એ. થનાર ધીરુબહેન ૧૯૪૯થી જ મુંબઈની ભવન્સ કૉલેજમાં અને તે પછી ૧૯૬૩-૬૪માં દહીંસરની કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે ફરજ બજાવતાં રહ્યાં. થોડો વખત આનંદ પબ્લિશર્સ નામની પ્રકાશન સંસ્થાનું સંચાલન પણ કર્યું. ૧૯૭૫ સુધી તેઓ ‘સુધા’ સાપ્તાહિકના તંત્રી પણ રહ્યાં. ૧૯૮૦માં ગુજરાતી સાહિત્યનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ રણજિતરામ સુવર્ણચંદ્ર તેમને પ્રાપ્ત થયો. ધીરુબહેને આજીવન સાહિત્યોપાસના કરી છે. સાહિત્યનાં મોટાભાગના સ્વરૂપોમાં ખેડાણ કરનાર ધીરુબહેન પટેલ પાસેથી ‘વડવાનલ’, ‘શીમળાનાં ફૂલ’, ‘વાવંટોળ’, ‘વમળ’, ‘ગગનનાં લગન’, ‘કાદંબરીની મા’, ‘એક ફૂલગુલાબી રાત’, ‘એક ડાળ મીઠી’, ‘પેઇંગ ગેસ્ટ’, ‘સંશયબીજ’, ‘અતીતરાગ’, ‘વાંસનો અંકુર’, ‘એક ભલો માણસ’, ‘આંધળી ગલી’, ‘હુતાશન’, ‘આગંતુક’, ‘અનુસંધાન’ વગેરે જેવી નવલકથા તથા લઘુનવલો; ‘અધૂરો કોલ’, ‘એક લહર’, ‘વિશ્રંભકથા’, ‘ટાઢ’, ‘જાવલ’ વગેરે વાર્તાસંગ્રહો; ‘કાર્તિક અને બીજા’ તથા ‘કાર્તિક રંગરસિયો’ જેવી હાસ્યકથાઓ; ‘પહેલું ઈનામ’, ‘પંખીનો માળો’ અને ‘વિનાશને પંથ’ જેવાં નાટકો; ‘મનનો માનેલો’, ‘માયાપુરુષ’, ‘આકાશમંચ’ વગેરે રેડિયોનાટકો; ‘ભવની ભવાઈ’ જેવો ભવાઈપ્રયોગ; ‘અંડેરીગંડેરી ટીપરી ટેન’, ‘ગોરો આવ્યો’, ‘બતકનું બચ્ચું’, ‘મિત્રોનાં જોડકણાં’, ‘પરદુઃખભંજન પેસ્તનજી’, ‘ગગનચાંદનું ગધેડું’, ‘સૂતરફેણી’ જેવાં બાળસાહિત્યનાં પુસ્તકો તથા ‘ટોમસોયરનાં પરાક્રમો’, ‘હકલબરી ફીનનાં પરાક્રમો’ અને ‘ચાલો હસીએ’ જેવાં અનુવાદનાં પુસ્તકો તથા સંપાદનો જેવાં અનેક પુસ્તકો આપ્યાં છે. ઉપરાંત તેમણે ચલચિત્ર પટકથાલેખક તરીકે પણ ભૂમિકા ભજવી છે. જેમાં ‘ભવની ભવાઈ’ જેવી પ્રસિદ્ધ ફિલ્મનો સમાવેશ થાય છે. ધીરુબહેનને રણજિતરામ સુવર્ણચંદ્રક ઉપરાંત સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર (‘આગંતુક’ માટે, ૨૦૦૧), ગુજરાત સાહિત્ય અકાદમીનો કે. એમ. મુનશી સુવર્ણચંદ્રક (૧૯૮૧), સાહિત્ય ગૌરવ પુરસ્કાર (૨૦૦૨), નંદશંકર સુવર્ણચંદ્રક અને દર્શક પુરસ્કાર (૧૯૯૬) જેવા ગુજરાતી ભાષાના અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા છે. આવાં મોટા ગજાનાં ગુજરાતી ભાષાનાં લેખિકા ધીરુબહેન પટેલનું તાજેતરમાં જ (૧૦.૩.૨૦૨૩) ૯૬ વર્ષની ઉંમરે અમદાવાદમાં અવસાન થયું. અહીં ધીરુબહેન પટેલકૃત ‘કાદંબરીની મા’ લઘુનવલનું અધિકરણ (પરિચય) લખવાનો ઉપક્રમ છે. ઑક્ટોબર ૧૯૮૮માં પ્રગટ થયેલી ‘કાદંબરીની મા’ લઘુનવલનું મે ૧૯૯૬માં પુનર્મુદ્રણ થયું તથા મે-૨૦૧૦માં તેની બીજી આવૃત્તિ પ્રગટ થઈ છે. ત્યારબાદ તાજેતરમાં જ ધીરુબહેનની છ લઘુનવલો એક જ ગ્રંથમાં પ્રકાશિત કરવામાં આવી છે. જેમાં પણ ‘કાદંબરીની મા’નો સમાવેશ થાય છે. ૧૫૩ પાનાંમાં વિસ્તરેલી આ લઘુનવલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ દ્વારા પ્રકાશિત થઈ છે. અને ધીરુબહેન પટેલે આ લઘુનવલને ચિ. મિત્રાને અર્પણ કરતાં લખ્યું છે : ‘સંબંધને વળી નામ દેવાં – વાડ શી રચવી વૃથા? નયણાં મળ્યે અંતર હસે; સંબંધ એ સર્વોપરી!’ ‘કાદંબરીની મા’ લઘુનવલમાં ત્રણ સ્ત્રીઓનાં મનોજગતમાં ચાલતાં વૈચારિક દ્વંદ્વની વાત છે. નવલકથાના આરંભે જ ‘શતરંજના ખેલાડીની જેમ બે સ્ત્રીઓ એકબીજાને નજરથી માપતી હતી...’ જેવા શબ્દોથી શરૂ થતી નવલકથા વાચકના મનમાં કૌતુક જગાવે છે. જન્મદાત્રી માતા (અન્ના) અને કાયદેસર સાચી માતા બની રહેતી (વિજયા) સાસુ – એ બે સ્ત્રીઓ કથામાં મુખ્ય ભૂમિકામાં છે. અને એ બન્ને માતાઓ માટે સેતુરૂપ છે કથા નાયિકા કાદંબરી. બન્ને પોતપોતાનો હક બજાવી કાદંબરીને સુખી જોવા ઇચ્છે છે. એકને પોતાની દૃષ્ટિ (આર્થિક સમૃદ્ધિ) મુજબ પુત્રી કાદંબરીને સુખી જોવી છે. બીજીને કરમાતી જતી, દુર્દશાગ્રસ્ત પુત્રવધૂને યાતનામાંથી મુક્તિ અપાવી સુખી જોવી છે. બન્નેના કાદંબરીને સુખી કરવાના પ્રયત્નો સમગ્ર કથા દરમિયાન ચાલતા રહે છે. નિરંજના જોશી લખે છે તેમ, ‘કાદંબરીનો નવો જન્મ કેવી રીતે થાય છે, તેની આ કથા છે. અહીં વિદ્રોહનો પ્રગટ સૂર છતાં મક્કમ રીતે પુરુષ તથા પુરુષની જેમ સત્તા ચલાવતી અન્ય નારી એટલે કે કાદંબરીની જન્મદાત્રી માની સત્તાની સામે, કાદંબરીની ખરી મા બની રહેનારી – કાંદબરીની સાસુ જ મૂકવિદ્રોહ કરે છે. એણે જ કાદંબરીમાં સ્તત્વનું, અસ્તિત્વનું સ્વરૂપ જગાડ્યું છે. સાસુ જ કાદંબરીની ખરી મા બની રહે છે. ભોગવાદી સંસ્કૃતિએ આપેલું સુખ કે સત્ત્વના પ્રકાશમાંથી જન્મતું સુખ – એ બેમાંથી કઈ પસંદગી કાદંબરી કરે છે, એ દર્શાવતી પોતાની અસ્મિતા સુધી પહોંચતી કાદંબરીની આ કથા છે.’ નવલકથા મધ્યાંતરથી આરંભાય છે. પતિ અનિલનો અત્યાચાર સહન ન થતાં પોતાની માતા અન્ના પાસે પિયર પરત ફરેલી કાદંબરીની ચિંતા કરતી તેની સાસુ વિજયા પણ અન્નાના ઘેર પહોંચે છે. બે પ્રૌઢ સ્ત્રીઓ એકબીજાને મનમાં માપી રહી છે. કોણ ક્યાંથી વાતની શરૂઆત કરે તેની બન્નેના મનમાં ગડમથલ ચાલી રહી છે. સાસુ માટે શરબત લઈ જનારી કાદંબરી સાસુને મનમાં માપી રહી છે. આ મનોમંથનમાં ‘રતનમેનોર’ કે જ્યાં કાદંબરીનું સાસરું છે, તેનો પરિચય તથા વિજયાનાં સંતાનો અનિલ, સુનિલ, નીલમ, અને પન્ના તથા બેડરેસ્ટ સસરાની પરિચયાત્મક વાત કાદંબરીના મનમાં ચાલતી ગડમથલ સ્વરૂપે મૂકીને લેખિકાએ વિજયા અને અરુણા વચ્ચે ચાલતા સંવાદોથી વાર્તાની શરૂઆત કરી છે. ‘બહેન, આ વખતે ભૂલ ન કરશો, એને પાછી ન મોકલશો.’ એવું વિજયાના મોઢે સાંભળી અરુણા એકદમ ચિડાઈ જાય છે. ‘શા માટે ન મોકલું? એનું ઘર છે, એનો હક છે. એ શા માટે ત્યાંથી પગ કાઢે? એને આજે જ – હમણાં જ પાછી મૂકી આવીશ!’ ‘તો તમે એને જીવતી નહીં જુઓ!’ એમ કહી વિજયાએ ત્રાહિત વ્યક્તિની જેમ પોતાના દીકરા અનિલના કુકર્મોની કથા વર્ણવી બતાવી. છતાં અન્ના જમાઈના અત્યાચારને અવગણીને પણ કાદંબરીને પરત મોકલવા તૈયાર થાય છે ત્યારે સાસુ જ કાદંબરીનું કાંડું પકડી – ‘ચાલ બેટા મારી સાથે’ એમ કહી તેને પોતાની સાથે લઈ જાય છે. અને બન્ને સાસુ-વહુ અભેચંદના ઘેર પહોંચે છે. મધ્યમ વર્ગનો ભાઈ પોતાની બહેન વિજયા અને તેની પુત્રવધૂની આગતા-સ્વાગતા કરે છે. ત્યાં જ ધડાધડ બારણાં પછાડતો લાલઘૂમ ચહેરાવાળો અનિલ પ્રવેશે છે. અને ‘આ શું માંડ્યું છે? ચાલ સીધી સીધી ઘેર.’ એમ કહી વિજયા અને કાદંબરીને ઘેર લઈ જવા પ્રયત્ન કરે છે, પરંતુ સિફતપૂર્વક તેને ઠંડો પાડી વિજયા તેને પરત મોકલી દે છે. દીકરી જેવી ગભરુ પુત્રવધૂને અનિલના અત્યાચારી પંજાથી બચાવવા વિજયા પોતાના શાળાજીવનના મિત્ર સદાશિવ પાસે પહોંચે છે. એડ્વોકેટ સદાશિવ તેને કાયદાકીય સલાહ આપી યોગ્ય રસ્તાઓ બતાવે છે. વિજયા કાદંબરીને લઈ રતનમેનોરમાં પરત ફરે છે અને પોતાની બાજુના ઓરડામાં સ્થાન આપે છે. અનિલ દારૂના નશામાં ધૂત થઈ કાદંબરીને પોતાના ઓરડામાં લઈ જવા ખૂબ ધમપછાડા કરે છે, પરંતુ સાચી મા જેવી સાસુના સહવાસે હિમ્મતભેર પતિ સાથે જવાની ના પાડી દે છે. હવે અનિલ અને વિજયા એમ બન્ને પક્ષે જાણે કે શતરંજની રમત શરૂ થાય છે. સામસામે સોગઠાંરૂપી ચાલ ચાલવામાં આવે છે. વિજયા સુનીલને બોલાવી અનિલને સમજાવવા કહે છે તો અનિલ નીલમને સમજાવી વિજયા સાથે ફોન પર વાત કરાવે છે. ઓચિંતા જ અરુણા આવી કાદંબરીને ફોસલાવીને પોતાની સાથે લઈ જાય છે. અને સાસુની કોઈ વાતમાં ન આવવા તથા પતિના અત્યાચારોને અવગણીને પણ રતનમેનોરમાં પગ ટકાવી રાખવા સમજાવે છે. કાદંબરી માનસિક દ્વંદ્વ ભોગવી થાકી જાય છે અને માતાના કહેવાથી અનિલની સાથે પછી રતનમેનોરમાં પાછી ચાલી જાય છે. આ બાજુ વિજયા કાદંબરીના અતડા રહેવાથી ચિંતાતુર બને છે અને ઓસ્ટ્રેલિયાથી પોતાની બીજી દીકરી પન્નાને તેડાવે છે. પન્ના પણ પોતાના પતિએ પરસ્ત્રીગમન કરેલ હોઈ, તેને છોડી કાયમી ભારત પરત ફરે છે અને કાદંબરી સાથે આત્મીયતા કેળવવાનો પ્રયત્ન કરે છે. આ બાજુ અનિલ કાદંબરીને છૂટાછેડા આપી કાલિન્દી નામની કોઈ યુવતી સાથે પરણવા માંગે છે, જેની માતા શકુંતલાદેવી તપાસઅર્થે રતનમેનોરમાં આવે છે અને અનિલે ઘડેલા ષડ્યંત્રોનો વિજયા તથા કાદંબરીને ખ્યાલ આવી જાય છે. અનિલ સાસુ અન્નાને સાધી પોતે આર્થિક સંકડામણમાં હોઈ કાલિન્દી સાથે લગ્નનું ફક્ત નાટક કરી પૈસા મેળવી બધું પાર પાડવાની વાત કરે છે. જેથી અન્ના કાદંબરીને સમજાવવા અને પોતાની સાથે લઈ જવા આવે છે. દીકરી આપઘાત કરશે તેવી શંકા અન્નાને જાય છે તેથી ચિંતા પણ થાય છે. આ બાજુ પોતાના રૂમનું બારણું બંધ કરી ચારેબાજુથી ભીંસાઈ ગયેલી કાદંબરી શરીરે અત્તરની શીશીઓ છાંટી આત્મદાહની તૈયારીઓ કરે છે. પરંતુ સાસુ સરીખી સવાઈ માના સમજાવવાથી આત્મહત્યા કરવાનું માંડી વાળી પોતાના માટે જીવવા, કોઈનાથી પણ ડર્યા વિના જીવવા, સ્વતંત્રતાથી નવું જીવન શરૂ કરવા કટિબદ્ધ થાય છે, અને ત્યાં નવલકથા પૂરી થાય છે. આખી કથાની ઘટનાઓની ક્રમિકતા પ્રતીતિજનક રીતે જળવાઈ રહે છે. વસ્તુસંકલનકાર તરીકે લેખિકાએ સજાગતા દાખવી છે. વાચકનું કુતૂહલ જાગે, ટકે અને ઘેરું બને તથા પાત્રોના આંતરિક સંબંધોમાં નવો અને તાજગીભર્યો વળાંક આવ્યા કરે છે, તે રીતે લેખિકાએ ઘટનાનું સફળ સંકલન કર્યું છે. કાદંબરી, વિજયા, અન્ના અને અનિલ અહીં મુખ્ય પાત્રો છે, તો સુનીલ, પન્ના અને નીલમ, સદાશિવ, ગિરધરલાલ, માણેક, અભેચંદ, કુંજુ, લક્ષ્મી, પરાગ સહિતનાં ગૌણ પાત્રો છે. બધાં જ પાત્રોનું પોતાનું અસ્તિત્વ છે. કાદંબરીનું પાત્ર સર્જકે અન્ય ત્રણ પાત્રોના સંદર્ભમાં જ જીવતું બતાવ્યું છે. કાદંબરીની જન્મદાત્રી માતા જ કાદંબરી માટે કારાવાસ સર્જે છે અને કાદંબરીની સાસુ તેને કારાવાસમાંથી મુક્તિ અપાવે છે. ‘તારે જીવવાનું છે, ખુમારીથી જીવવાનું છે. અનિલ કે અરુણાબહેન કહે તેમ નહીં – તારી જાતે તને ગમે તેમ જીવવાનું છે. બોલ બનશે?’ આવા સંવાદો અને ચોટદાર શૈલી લેખિકાની ભાષા પરની પકડ દર્શાવે છે. વારંવાર ઉપરાછાપરી બનતા બનાવો વાચકને જકડી રાખે છે, આગળ શું બનશે તેની ઉત્સુકતા વધારે છે. નવલકથાના કથાતંતુને સાંધવા લેખિકાએ પાત્રોના મનોગત દ્વારા કેટલાક ભાવો વ્યક્ત કર્યા છે; જે ક્રિયા દ્વારા નવલકથાની સળંગસૂત્રતા જળવાઈ રહે છે. કથાને અનુષંગે લેખિકાએ આધુનિક નારીની વેદના-સંવેદનાની અસરકારક અભિવ્યક્તિ કરી છે. તો સાસુ જેવું સમાજમાં વગોવાયેલું પાત્ર ખરા અર્થમાં સાચી મા પુરવાર થાય એવો એક નવો મેસેજ પણ આપ્યો છે. ટૂંકમાં ‘કાદંબરીની મા’ લઘુનવલમાં ધીરુબહેન પટેલે સામાજિક સંબંધોની છણાવટ કરી નારીવાદી અંતિમ વિચારધારા અભિવ્યક્ત કરી છે.
પ્રા. ડૉ. સુનીલ જાદવ
એસોસિએટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ,
શ્રી ડી. કે. કપુરીયા આટ્ર્સ ઍન્ડ શ્રીમતી એસ. બી. ગારડી કૉમર્સ કૉલેજ, કાલાવડ (શીતલા)
જિલ્લો : જામનગર ૩૬૧૧૬૦
મો. ૯૪૨૮૭૨૪૮૮૧
Email: suniljadav૧૯૭૪@gmail