નવલકથાપરિચયકોશ/મહાભિનિષ્ક્રમણ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૬૦

‘મહાભિનિષ્ક્રમણ’ : ‘મુકુંદ પરીખ’ની પ્રયોગશીલ નવલકથા

– હીરેન દેસાઈ
Mahabhinishakraman.jpg

‘મહાભિનિષ્ક્રમણ’ ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સર્જક એવા મુકુંદ પરીખની એક પ્રયોગશીલ નવલકથા છે. મુકુંદ પરીખનો જન્મ ૨૬ જાન્યુઆરી, ૧૯૩૪ના રોજ પંચમહાલ જિલ્લામાં થયો હતો. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ વાડાસિનોરમાંથી લઈને વર્ષ૧૯૫૭માં અર્થશાસ્ત્ર વિષય સાથે બી.એ. થઈ, વર્ષ૧૯૮૦માં તેમણે એલ.એલ.બી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. નવલકથા, વાર્તા, કાવ્ય તેમજ એકાંકી જેવાં સાહિત્ય સ્વરૂપોમાં તેમણે નોંધપાત્ર ખેડાણ કર્યું છે. પ્રસ્તુત નવલકથાની પ્રથમ આવૃત્તિ વર્ષ ૧૯૬૮માં પ્રગટ થઈ અને ત્યાર બાદ વર્ષ ૧૯૭૩માં બી. ઠક્કર રૂપાલી પ્રકાશન દ્વારા બીજી આવૃત્તિ પ્રગટ થઈ એના પરથી નવલકથા સાહિત્ય સ્વરૂપમાં મુકુંદ પરીખે સાધેલી સર્જનાત્મકતાનો સહેજેય ખ્યાલ બાંધી શકાય છે. ૧૨૨ પાનાંમાં પથરાયેલી આકૃતિને કદની દૃષ્ટિએ આમ તો લઘુનવલ ગણી શકાય. ‘મહાભિનિષ્ક્રમણ’ મુકુંદ પરીખની એકમાત્ર નવલકથા છે. અલબત્ત, નવલકથાનાં બંધારણ અને ઘટકો સાથે એમણે જે કુનેહથી કામ પાર પાડ્યું છે, એ ભાવકોને ચોંકાવનારું છે. ખાસ તો મનોવિજ્ઞાનની દૃષ્ટિએ અભ્યાસ કરવા લલચાવે એવી મનોજગતની બારીકતા એમાં વણાયેલી છે. પ્રથમ પુરુષ એકવચનના દૃષ્ટિકોણથી લખાયેલી આ નવલકથામાં ઘટનાઓ ખૂબ જ પાંખી છે; કથાનાયક મિસ્ટર અમિત દલાલના ચિત્તમાં ચાલતી વૈચારિક બાબતોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ફ્લૅશબૅક પ્રયુક્તિનો સહારો લઈને નવલકથાનું વાતાવરણ રહસ્યમય બનાવવામાં મુકુંદ પરીખ મહદંશે સફળ રહ્યા છે. વાક્યો બહુ ટૂંકાં છે. ભાષામાં રહેલું આ લાઘવ વાચકને અંત સુધી જકડી રાખે છે. વળી, અમુક ઠેકાણે સર્જકે ભાષાને એવી તો લયબદ્ધ બનવા દીધી છે કે જાણે દીર્ઘકાવ્ય વાંચતાં હોવાનું અનુભવાય! ‘-તેઓ મારા મકાનનો દાદર ઊતરી રહ્યાં છે.’ એ વાક્યથી નવલકથાની શરૂઆત થાય છે. મૂળ તો સરોજનું અમિતના મકાનના દાદર ઊતરવું એ અંતે બનતી ઘટના છે. પણ આ તો ફ્લૅશબૅક ટેક્‌નિકની કરામત! ઑફિસર બનીને અમદાવાદમાં નોકરી કરતો અમિત ‘વુમન ઓબ્સેસ્ડ’ પુરુષ છે. સતત કોઈ ને કોઈ સ્ત્રીનો સાથ ઝંખવાની તથા એને ભોગવવાની વૃત્તિ અમિતના રોમેરોમમાં પ્રસરી જાય છે; એક રીતે અમિત વાસનાના અતિરેકથી પીડાય છે. થિયેટરની બહાર, બગીચામાં કે પછી બસસ્ટૉપ પર દેખાતી કોઈ પણ સ્ત્રીને પામવાના વિચારો એના મનમાં સતત ઘૂંટાયા કરે છે. અહીં કથાવસ્તુ માતા ચંદન, પત્ની રમા તેમજ પ્રેમિકા સરોજ સાથેના અમિતના પાત્રના પ્રણય ત્રિકોણને અનુસરે છે. એક દિવસ વડોદરામાં રહેતા રમેશ મામા એના સાળા મનમોહનની પુત્રી રમા સાથે અમિતના લગ્નની વાત છેડે છે. અમિત અને રમા બંને તૈયાર થાય છે. સાવ સામાન્ય રીતે લગ્ન ગોઠવાય છે. જોકે, લગ્ન સમયે અમિતની વિધવા મા ચંદન ઘણી નિરુત્સાહી હોય છે. નાનપણમાં જ ગુમાવી દીધેલા પિતાના મૃત્યુ માટે અમિત ક્યાંક ને ક્યાંક ચંદનને જવાબદાર ઠેરવતો હોય છે. અમિત હંમેશાં માથી દૂર ભાગે છે. ક્યારેય નિરાંતે માની પાસે બેસતો નથી. ચંદન એને કાંટા જેવી ભાસે છે. એની સાથે રહેવામાં અમિતને શરમ આવે છે. વારેવારે તે ચંદન ઉપર ગુસ્સે ભરાય છે, એનું અપમાન કરે છે ને અસહ્ય મૌન પાળે છે. નોકરીના બહાના હેઠળ માને છોડીને વડોદરાથી તે અમદાવાદ રહેવા આવી જાય છે અને ઉપરથી માની ખબરઅંતર પૂછવાનુંય એને ભાન રહેતું નથી. પચાસ રૂપિયાનું મનીઓર્ડર કરીને જાણે નિરાંત અનુભવે છે. લગ્નના બીજા દિવસે અમિત ચંદન સામે રમાને અમદાવાદ લઈ જવાનો પ્રસ્તાવ મૂકે છે. ચંદનને એ ગમતું નથી. અમિત માટે વેઠેલા દુઃખને એ વાગોળે છે. પતિ તરફથી થયેલા અન્યાયની વાતને સામે ધરે છે. અમિત અને એની વચ્ચે જન્મી ચૂકેલા અંતરની વાત કરીને રડી પડે છે. રમા આ બધું જોતી, સાંભળતી, ફર્શને તાકી રહે છે અને જ્યાં સુધી સારું મકાન ન મળે ત્યાં સુધી ચંદન સાથે જ રહેવાનો નિર્ણય કરે છે. દાંપત્ય-જીવનની શરૂઆતમાં જ ચંદનને કારણે પ્રવેશેલા આ વિઘ્નથી અમિતના મનમાં ચંદન પ્રત્યેનો ધિક્કાર ભાવ સળગી ઊઠે છે. એવામાં રમેશમામા અને મામી આવી પહોંચે છે. જમીને અમિત એકલો જ ઘરે જવા માટે નીકળે છે. ઘરે તે, ટ્રેને ચંદનને કચડી નાંખી હોય એવું બિહામણું સ્વપ્ન જુએ છે. આ સ્વપ્નથી અમિતના ચિત્તમાં એકાએક ચંદનના માતૃત્વનું ચિત્ર અંકાય છે અને તેનું મન ચંદનને સ્નેહ આપવાની વિધવિધ યુક્તિઓનાં વમળોમાં ફસાય છે. મોડી રાત્રે ઘરની પાસે આવેલી ટૅક્સીમાંથી ઊતરેલાં રમા અને ચંદનને બાજુમાં ઘરકામ કરતો વૃદ્ધ વિઠલ અમિતનું ઘર બતાવે છે. એ રાત્રે અમિત નામના વિશ્વમાં રમા સાથે ખેલાતી રતિક્રીડાનું સર્જકે અહીં સંયમપૂર્વક કરેલું વર્ણન અહોભાવ ઉપજાવે એવું છે. એક સાંજે ઑફિસથી પાછા ફરેલા અમિતને ઘરની ગૅલેરીમાં રમા દેખાતી નથી. જઈને જુએ છે તો વિઠ્ઠલને તાવ ભરાયો હોય છે. રમા બપોરથી અવિરત પાણીનાં પોતાં મૂકતી હોય છે, પણ છતાંય તાવમાં કોઈ રાહત થતી નથી. રમાની આંખો ભીની થઈ જાય છે. તે ડૉક્ટરને બોલાવવા જાય છે. એવામાં વિઠ્ઠલની આંખો ખૂલે છે ને તે નાનપણની વાતો માંડે છે. નાનપણમાં વિઠ્ઠલ વડોદરામાં રહીને જે શેઠના ઘરે કામ કરતો હોય છે એની દીકરીનું નામ સુમતિબેન હોય છે. આ સુમતિબેનના ઘરની ઉપર જ અમિત અને એની મા ચંદન બંને રહેતાં હોય છે. એ સમયે વિઠ્ઠલ જ્યારે બહુ બીમાર પડે છે ત્યારે સુમતિબેન એની ભારે સંભાળ લે છે. આજે સુમતિબેનની જેમ જ રમાનો પોતાના પ્રત્યેનો સ્નેહ જોઈને વિઠ્ઠલ જાતને ભાગ્યશાળી સમજે છે. કથામાં લગ્નના થોડા સમય બાદ જ રમાના મૃત્યુથી વળાંક આવે છે ને ‘વુમન ઓબ્સેસ્ડ’ અમિત સુમતિબેનની પુત્રી સરોજના પ્રેમમાં પડે છે. અમદાવાદ અભ્યાસ કરવા આવેલી સરોજ અને અમિત વચ્ચે અવારનવાર મુલાકાતો થાય છે. અલબત્ત, સરોજ જેવી સુંદરીને અમિત જેવા બીજા ન જાણે કેટલાય પુરુષો ચાહતા હોય છે. અમિત લાગણીના અતિરેકથી પીડાય છે, જ્યારે સરોજ તર્કના અતિરેકથી. પરિણામે બંને વચ્ચે સુમેળ ન સધાઈ શકવાને કારણે અમિતના પ્રેમ પ્રસ્તાવને સરોજ કઠોરતાથી ફગાવી દે છે. રમાના મૃત્યુ બાદ સરોજનો પ્રેમ પામવા મથતો અમિત ઓરડામાં જાતને જાણે કેદ કરી દે છે. નવલકથાની શરૂઆતમાં ઓરડાની ભીંતે રમા, ચંદન, સરોજના ઊપસતા ચહેરાઓ તથા ગોરંભાતા અવાજો અમિતની ગૂંચવાયેલી માનસિક સ્થિતિના પ્રતીકસમા છે. એક સમયે અમિતના ઉષ્માભર્યા સ્નેહોદ્‌ગારથી તાર્કિક બની ગયેલી સરોજ, ઘણા સમય પછી અચાનક, ડૉક્ટર પારેખ થઈ અમિત પાસે મૅરેજ-પ્રપોઝલ લઈને આવે છે ત્યારે અમિત એને બહુ આસાનીથી ઠુકરાવી દે છે. હવે એ ‘વુમન ઓબ્સેસ્ડ’ રહ્યો નથી. એને હવે ચંદનની સેવા કરવી છે; ચંદનને પ્રેમ કરવો છે; ચંદનને સમજવી છે. એ સમજી ગયો છે કે, સ્ત્રી કોઈ ઈશ્વર નથી. સ્ત્રી કોઈ સત્ય નથી. એની છાયામાં ચંદનને શાતા મળે એમાં જ જાણે જાતની ધન્યતા! નવલકથામાં આવ-જા કરતા અમિતના મિત્રો – રમણ, મધુકર અને સુરેશ જેવાં પાત્રો પણ અમિતની એકલતાને પોષતાં હોવાથી અહીં ખાસ ઉલ્લેખનીય લેખાશે. ખાસ તો સુરેશના મોઢેથી જુદી જુદી સ્ત્રીઓનાં નામો સાંભળીને અમિતનું અકળાઈ ઊઠવું, એ સ્ત્રીના સંગાથ વગર, એની હૂંફ વગર જીવનમાં પ્રવેશેલા ખાલીપાનું સૂચક બની રહે છે. દીવાલોની વચ્ચે અંધકારમાં, દર્દમાં, રિક્તતામાં જીવવાને બદલે દીવાલોની બહાર રહેલાં સત્યના, જીવનના, આનંદના તેમજ પીપળાના વૃક્ષના પ્રકાશને માણવા તરફ અમિતનું પાત્ર ગતિ કરે છે. અંતે સરોજને બદલે ઓરડાની બહાર સૂરજ અને બોધિવૃક્ષ– પીપળાને એકસાથે જોઈ શકવામાં જ અમિતનું ખરું ‘મહાભિનિષ્ક્રમણ’ છે. હવે અમિત માટે સરોજ ‘તેઓ’ બની જાય છે અને આમ કૃતિનું પ્રથમ વાક્ય ‘તેઓ મારા મકાનનો દાદર ઊતરી રહ્યાં છે’ સાર્થક ઠરે છે. અનેક રીતે ‘મહાભિનિષ્ક્રમણ’ ગુજરાતી સાહિત્યની નોંધપાત્ર કૃતિ બની રહે છે.

હીરેન દેસાઈ

‘ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી’ની આટ્‌ર્સ ફેકલ્ટીમાં હાલ ગુજરાતી વિભાગમાં અનુસ્નાતકનો અભ્યાસ કરે છે. તેમની પ્રથમ નવલકથા ‘ધ રેડ ક્રૉસ’ વર્ષ ૨૦૨૧માં અને બીજી નવલકથા ‘રંભાસુર’ વર્ષ ૨૦૨૩માં આર. આર. શેઠ પ્રકાશનગૃહ દ્વારા પ્રકાશિત થઈ છે. તેમની બે ટૂંકી વાર્તા ‘નવનીત સમર્પણ’ સામયિકમાં પ્રગટ થઈ છે.

મો. ૬૩૫૫૯૨૭૬૦૭
Email: desaihiren73@gmail.com