નવલકથાપરિચયકોશ/વળામણાં

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૭

‘વળામણાં’ : પન્નાલાલ પટેલ

– રાજેશ વણકર
Valamna.jpg

(‘વળામણાં’, પ્રકાશન વર્ષ : ૧૯૪૦, પ્રકા. : સાધના પ્રકાશન, અમદાવાદ) પન્નાલાલ નાનાલાલ પટેલ (૭ મે ૧૯૧૨ – ૬ એપ્રિલ ૧૯૮૯)નો જન્મ રાજસ્થાન અને ગુજરાતની સરહદ પર આવેલા ડુંગરપુર જિલ્લાના માંડલી ગામમાં થયો હતો. તેમનો અભ્યાસ અંગ્રેજી ચોથી (હાલની આઠમી) શ્રેણી સુધી થયો હતો. નોકરી ધંધામાં તેઓએ ખેતી ઉપરાંત મિલમાં નોકરી, કાપડની દુકાન, ડિસ્ટીલરીમાં કારકુની, વેયરહાઉસમાં મૅનેજર, વોટરવર્કસ કંપનીનું કામ, મિલજિન સ્ટોર્સમાં ઝાડુ-પોતાથી માંડીને કારકુની સુધીનાં કામો કર્યાં છે. ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત વિદ્યાસભા વગેરે સંસ્થાઓ દ્વારા મળેલાં પારિતોષિકો ઉપરાંત તેઓને ૧૯૮૫માં ભારતીય ભાષાઓમાં શ્રેષ્ઠ એવો જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. ૪૭ વર્ષ જેટલી દીર્ઘ સર્જનયાત્રામાં પ૮ નવલકથાઓ, ૨૬ નવલિકાસંગ્રહો, ૧૫ બાળસાહિત્યનાં પુસ્તકો તથા એકાંકી-નાટક-નાટ્યરૂપાંતરો અને પ્રકીર્ણ મળીને ૧૧૦ ઉપરાંત પુસ્તકો આ સર્જક પાસેથી મળે છે. ‘વળામણાં’ પન્નાલાલ પટેલની પ્રથમ નવલકથા છે. ‘વળામણાં’ને નવલકથા, લઘુનવલ, લાંબી-ટૂંકી વાર્તા વગેરે સંજ્ઞાઓથી ઓળખાવાઈ છે. આ નવલકથામાં માનવહૃદયના અકળ ભાવોને પાત્રોની ક્રિયાઓ દ્વારા પ્રગટ કરવાની લેખકની કળા નોંધપાત્ર છે. નવલકથાની નાયિકા ઝમકુ સાસરીમાંથી તિરસ્કારનો ભોગ બનીને પિયરમાં આવે છે પછી સરકારી કામ માટે આવતો તલાટી તેને ભોળવીને લઈ જાય છે. ત્યાંથી પણ ઝમકુ નાસીપાસ થઈને પોતાના પિયરઘરમાં રહેવા માટે અંધારી રાત્રે આવે છે. ત્યારે ઝમકુનો ભાઈ બેચર અને ભાભી તેને ઘરમાં રાખવાની સાફ ના પાડી દે છે. મનોર મુખી આ અસહાય છોકરીને શહેરમાં વેચી આવીને આર્થિક ફાયદો મેળવવા માગે છે. ગામની અંબા સુથારણ પોતાના પિયરપક્ષમાં ઝમકુનું લગ્ન થયેલું હોવાના કારણે પોતાના દીકરા મોતી દ્વારા ઝમકુના ઘરમાં ઝમકુની પાછા ફર્યાની તપાસ કરાવે છે, પણ કંઈ હાથ લાગતું નથી. એ જ રાતે મનોર મુખી ઝમકુને સીમથી દૂર વગડામાં આવેલા એક મહાદેવના મંદિરમાં પૂજારીના આશરે મૂકી આવે છે. ત્રણ ચાર દિવસ સુધી ગામમાં ઝમકુ પાછી ફર્યાની ચર્ચાઓ શમી જાય છે પછી સરકારી કામે જવાનું બહાનું કાઢીને મનોર મુખી ઝમકુને લઈને અમદાવાદ તરફ પ્રયાણ કરે છે. અમદાવાદ જતા પૂર્વે પોતાની મૃત પુત્રી નાથીનાં કપડાં ઝમકુને પહેરાવે છે. એ કપડાંમાં ઝમકુને જોઈને જ મનોર મુખીમાં પિતૃભાવનાં બીજ રોપાય છે. ટ્રેનમાં લોકો પૂછે છે ત્યારે પણ મનોર મુખી ઝમકુને પોતાની દીકરી તરીકે ઓળખાવે છે. અમદાવાદની ધર્મશાળામાં મનોર મુખી સાથે રોકાયેલી ઝમકુ સતત ઘરે જવાની હઠ કરે છે અને રડ્યા કરે છે. મનોર મુખી પોતાના વિસ્તારના પણ અમદાવાદમાં રહેતા અમરસંગની મુલાકાત કરીને તેના દ્વારા ઝમકુને ‘ઠેકાણે પાડી દેવાનું’ આયોજન કરે છે. કોઈ મુસ્લિમ વ્યક્તિ તેને ખરીદવાના છસો રૂપિયા આપવાનું કહે છે, પરંતુ મનોર મુખીનું મન ઝમકુને એક મુસ્લિમના હાથમાં સોંપતાં પાછું પડે છે. આખરે કોઈ પટેલ સાથે ત્રણસો રૂપિયામાં લગ્ન કરાવી દેવાનું નક્કી થાય છે, પરંતુ અમરસંગ એક રાત માટે ઝમકુને પોતાને ત્યાં મોકલી આપવાનું કહે છે ત્યારે મનોર મુખી અમરસંગ પ્રત્યે નફરતનો ભાવ અનુભવે છે. અમરસંગને લાભ ન મળતાં તે નિરાશ થઈને ચાલ્યો જાય છે. આ તરફ ઝમકુ પોતાના ગામ જવાની હઠ પકડે છે. મનોર મુખી માટે પાણી લાવે છે, તેમને ફાળિયું બાંધવા કહે છે. આમ, જાણે કે ઝમકુ તેમની દીકરી હોય એવાં વર્તનો કરે છે. આ નાની નાની ક્રિયાઓથી મનોર મુખીને આત્મહત્યા દ્વારા મૃત્યુ પામેલી પોતાની દીકરી નાથી યાદ આવે છે, અને નાથી પ્રત્યેનો તેમનો ભાવ ઝમકુ તરફ ઢળવા લાગે છે. મનોમન નિર્ણય કરીને મનોર મુખી ઝમકુને લઈને રેલવે સ્ટેશન જાય છે. રસ્તામાં ઝમકુ માટે નવો સાડલો ખરીદે છે અને ઝમકુ પણ મનોર મુખીના દીકરા કાળુનાં બાળકો માટે રમકડાં ખરીદે છે. આમ, બંને વચ્ચેનો પિતા-પુત્રી ભાવ સર્જક ક્રિયાત્મક રીતે સઘન કરતા જાય છે. ગામમાં પ્રવેશતી વખતે તો પોતાની દીકરીને જ ઘરે લઈ આવતા હોય એમ ઝમકુને પાછી એની માને સોંપે છે. એટલું જ નહીં પણ કશાક આર્થિક ફાયદાની રાહ જોતી પોતાની પત્નીના મનમાં પણ નાથીની વાત કરીને ઝમકુ પ્રત્યે વાત્સલ્યભાવ જગાડે છે. એ રાત્રે જ અંબા સુથારણને મળીને મોતી સાથે ઝમકુનું લગ્ન નક્કી કરી દે છે અને વહેલી સવારે લગ્ન લેવાઈ પણ જાય છે. તે દિવસે ભેગા મળેલા સુથારોના પંચને પણ પોતાની મુખીશાહી જબાનમાં ઠંડું પાડીને પોતાના ખર્ચે જમાડીને વિદાય કરે છે. આમ, નિરાધાર એવી ઝમકુને વેચીને પૈસા કમાવા નીકળેલા મનોર મુખી ઝમકુને પોતાની દીકરીની જેમ પરણાવે એ હૃદયપરિવર્તનની આ કથા છે. ‘વળામણાં’ વિશે ભરત મહેતા નોંધે છે કે : ‘પ્રસ્તુત કૃતિની વિશેષતા ‘પરિસ્થિતિ’ની પસંદગીમાં છે. અહીં જે પરિસ્થિતિ છે એ stock situation નથી. સુથાર-કન્યાને વેચવા નીકળેલો મનોર મુખી એનાં ‘વળાંમણાં’ કરે એ વક્રતા એવી તો સહજપણે મુકાઈ કે ભાવક આંચકો ન અનુભવે છતાં હચમચી જાય. કૃતિનું બંધારણ traditional જ છે. આખી કૃતિ episodic છે. પ્રચુર પ્રસંગોની વચ્ચેનું માનવમન કૃતિનો વિષય છે. એ માનવમનને સર્જક આ કૃતિમાં કુશળતાથી નિરૂપી શક્યા છે.’૧[1]

‘વળામણાં’માં આરંભથી અંત સુધી ગ્રામપરિવેશ સઘન રીતે નિરૂપણ પામ્યો છે. અમદાવાદમાં ઝમકુની વતનઝંખના પણ ચૈતસિક રીતે ગ્રામ પરિવેશને જ આલેખે છે. ગામડાનું પંચ, મુખીના કાવાદાવા, હોકા સાથે થતી વાતોમાં રહેલાં રહસ્યો, અંધારી રાતમાં સીમની ભયાવહતા, વગડામાં આવેલા મંદિરનું રહસ્યમય વાતાવરણ વગેરે ગ્રામપરિવેશને ઉપસાવે છે. દરેક જગ્યાએ ચાલકબળ બનતા મનોર મુખી, માતૃહૃદયના પ્રતીક સમી ઝમકુની મા, ઝમકુનો કાયમી છુટકારો ઇચ્છતા એનાં ભાઈભાભી, ઝમકુને પોતાના મોહપાશમાં ફસાવતો ગામનો તલાટી, અસહાય ઝમકુનો ગેરલાભ ઉઠાવવા માંગતો અમરસંગ, મુખી સાથે કૂણા સંબંધ ધરાવતી અંબા સુથારણ, કશાક આર્થિક ફાયદાની આશાએ બેઠેલી મનોર મુખીની પત્ની, નવલકથાને અંતે ઝમકુને અપનાવી લેતો મોતી, સ્ત્રીની દશાને અવગણીને પોતાના રૂઢિગત અહમમાં રાચતા પંચના માણસો વગેરે પાત્રોનું યથોચિત અને વાસ્તવિક આલેખન આ નવલકથાને જીવંત બનાવે છે. ઘટનાના તાંતણા પરસ્પર તંતોતંત જોડીને સર્જકે કથાનકને બરાબર ગૂંથ્યું છે. નવલકથામાં કહેવતો, રૂઢિપ્રયોગો, લોકોક્તિઓનો સર્જકે વિપુલ પ્રમાણમાં વિનિયોગ કર્યો છે. ‘ચેંથરાનો વાઘ કરવો’, ‘ઢૈકું ભાંગ્યું ને ધૂળ’, ‘બોચીએ આંખો આવવી’ વગેરે જેવા રૂઢિપ્રયોગોનો વિનિયોગ અહીં ભાષાશૈલીની દૃષ્ટિએ મહત્ત્વના છે.


  1. ૧. મહેતા ભરત. ‘પન્નાલાલનું પ્રદાન’ (સંપા. રઘુવીર ચૌધરી, રમેશ ર દવે), ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, (બીજી આ.) પૃ. ૧૦૩

ડૉ. રાજેશ વણકર
સહાયક વ્યાખ્યાતા, સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ,
મોરવા હડફ, પંચમહાલ
સાહિત્ય અકાદમી દિલ્હી યુવા ગૌરવ પુરસ્કાર સન્માનિત લેખક
કવિ, વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક, સંપાદક
‘પરિવેશ’ ત્રિમાસિક સામયિકના સંપાદક
મો. ૯૯૦૯૪૫૭૦૬૪
Email: drrajeshvankar@gmail.com