નવલકથાપરિચયકોશ/વેણુ વત્સલા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૭૧

‘વેણુ વત્સલા’ : રઘુવીર ચૌધરી

– ખુશ્બુ સામાણી
Venuvatsala.jpg

લેખક પરિચય : રઘુવીર દલસિંહ ચૌધરી જન્મ : ૫ ડિસેમ્બર ૧૯૩૮ વતન : બાપુપુરા (ગાંધીનગર) ઉપનામ : લોકાયતસૂરિ, વૈશાખનંદન અભ્યાસ : એમ.એ., પીએચ.ડી. વ્યવસાય : અધ્યાપન, વિવેચન, સંપાદન સાહિત્યિક પ્રદાન : કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, ચરિત્રકાર અને વિવેચક છે. ઇનામો : જ્ઞાનપીઠ પુરસ્કાર (૨૦૧૫) કુમાર સુવર્ણચંદ્રક (૧૯૬૫) ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર (૧૯૭૭) રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૭૫) વગેરે....

રઘુવીર ચૌધરીકૃત ‘વેણુ વત્સલા’

  • પ્રથમ આવૃત્તિ : ડિસેમ્બર, ૧૯૭૨
  • પાંચમી આવૃત્તિ : ૨૦૧૮
  • પ્રત : ૫૦૦

પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન (અમદાવાદ) અર્પણ : રાધેશ્યામ શર્મા અને લાભશંકર ઠાકરને અધૂરું સમર્પણ : ચી. ના પટેલ વાંસળીનો વિદેશી સૂર ‘વેણુ વત્સલા’ શ્રી રઘુવીર ચૌધરીની ‘વેણુ વત્સલા’ એ તેમની ‘અમૃતા’ પછીની નોંધપાત્ર નવલકથા છે. ‘અમૃતા’ એક આહ્‌લાદક કૃતિ હતી, પરંતુ તે યૌવનની સર્જકતાનું ફળ હતું. એમાં યુવાન પ્રેમના ઉલ્લાસનું અને યૌવને કલ્પેલી જીવનની ઉદાત્તતા અને કરુણતાનું દર્શન હતું. ‘વેણુ વત્સલા’ એ જ લેખકની પરિપક્વ બનતી જીવનદૃષ્ટિ અને કળાશક્તિનું ફળ છે. પરંપરામાંથી આવશ્યક એટલું ગ્રહણ કરવું અને સ્વકીય અનુભૂતિને અનુરૂપ નવી અભિવ્યક્તિ છટાઓ કે રચનારીતિનો વિનિયોગ કરી વ્યક્તિત્વવાળી કૃતિઓ આપવી એવો તેમનો અભિગમ રહ્યો છે. રઘુવીરની એક કથાકાર અને કળાકાર તરીકેની લાક્ષણિકતાનો સુંદર સરવાળો એટલે ‘વેણુ વત્સલા’. ૧૯૭૨માં પ્રકાશિત થયેલ રઘુવીરની નવલકથા ‘વેણુ વત્સલા’ એમાંના અરૂઢ સંવેદનને કારણે તથા એ સંવેદનને નિરૂપવા માટે યોજેલા મનોવિશ્લેષણાત્મક અભિગમને કારણે આજેય વાંચવી એટલી જ ગમે એવી છે. એક નારીના કામઉન્માદની અસહજ વૃત્તિ તથા એમાંથી મુક્ત થવાની એની મથામણ આ કૃતિનું કથયિતત્ત્વ છે. કથાનું બીજ વાસ્તવજીવનની ઘટનાથી પ્રેરાયેલું છે. ‘વેણુ વત્સલા’ એ એક અમેરિકન રૂપસુંદરીનું ભારતીય નામ છે. ૧૯૩૩ની સાલમાં ગાંધીજીના સંબંધમાં આવેલી એક અમેરિકન યુવતીના જીવન વિશે મહાદેવભાઈ દેસાઈએ એમની ડાયરીમાં નોંધેલી થોડી વિગતો ઉપરથી આ નવલકથાનું વસ્તુ સૂચિત થયું છે. એનું ભારતીય નામ ‘નીલા નાગિની’ હતું. નીલાના ભારતીય સંસ્કૃતિના અભ્યાસથી અને એ સમયે પૂરજોશમાં ચાલી રહેલી હરિજન પ્રવૃત્તિમાં તે સક્રિય રસ લઈ રહી તેનાથી ગાંધીજી પ્રભાવિત થયા હતા. પરંતુ પાછળથી એના ખાનગી જીવનના સ્વૈરવિહાર વિશે કાંઈક વાતો સાંભળી એમણે એને પૂના બોલાવી હતી. ગાંધીજીએ નીલા પાસે એના ભૂતકાળના જીવન માટે પ્રાયશ્ચિત્ત કરી નવું પ્રસ્થાન કરાવતો એની પાસે સંકલ્પ કરાવ્યો. બે માસ પછી ગાંધીજીએ નીલાને ફરીથી પૂના બોલાવી. એના ભૂતકાલીન જીવનનો એકરાર ‘હરિજન’માં છાપ્યો. અને તેને અમદાવાદ સત્યાગ્રહ આશ્રમમાં મોકલી આપી. જુલાઈ માસમાં આશ્રમ બંધ થતાં નીલા વર્ષો ગઈ, અને ત્યાંથી થોડા સમય પછી ચિત્તભ્રમની દશામાં અદૃશ્ય થઈ ગઈ. છેવટે ઠક્કર બાપા એને ખોળી લાવ્યા અને ૧૯૩૪ની શરૂઆતમાં ગાંધીજીએ એને અમેરિકા મોકલી દેવાનો નિર્ણય કર્યો. આ પછી નીલાનું શું થયું એનો ઇતિહાસ મળતો નથી. ઉપરની વિગતોમાં બીજાં કાલ્પનિક પાત્રો અને પ્રસંગો ઉમેરીને રઘુવીર ચૌધરીએ વેણુનું એક નવું જ પાત્ર સર્જ્યું છે. એ દૃષ્ટિએ જોતાં ‘નીલા નાગિની’ અને ‘વેણુ વત્સલા’ જુદી વ્યક્તિઓ છે. એનું નામ ભારતીય છે, પણ રૂપ આખા જગતનું છે. આ અમેરિકન યુવતીએ ‘વેણુ વત્સલા’ એવું ભારતીય નામ ધારણ કર્યું છે. તે પોતે જ નવલકથામાં ખુલાસો કરે છે તેમ કૃષ્ણનું તેને જબરુંં આકર્ષણ હતું એટલે વેણુ. એને આશા છે કે ક્યારેક કૃષ્ણની ફૂંકથી વેણુ વાગશે. હિંદુસ્તાનમાં ગોકુળ-મથુરા-વૃન્દાવનમાં એ ખૂબ ફરવા, ખૂબ રખડવા ઇચ્છે છે. કૃષ્ણને શોધતી ગોપીઓ સાથે સુખદુઃખની વાતો કરવા ઇચ્છે છે. વેણુના પાત્રની પોતાની વિભાવનાને અનુસરી લેખકે, નીલાને સિરિયસ નામનો એક પાંચ વર્ષનો પુત્ર હતો એ હકીકતનો ઉલ્લેખ છોડી દીધો છે. અમેરિકામાં જ્યોર્જ નામના એક ગ્રીકને પરણી હતી એને છોડીને એ ભારત આવે છે. એના ગ્રીક પતિ જ્યોર્જના મતે તે દિવાસ્વપ્નો અને તરંગોમાં જ જીવે છે. એનો સ્વૈરવિહાર એને પ્રકૃતિથી સંસ્કૃતિ સુધી લઈ જઈ શકે એમ નથી. વેણુ ભારત આવવા નીકળવાની હતી તે દિવસે શાપ આપતો હોય એમ એ બોલ્યો હતો : “જવું હોય તો જા, પણ તું ગ્રીક નથી બની શકી તો તું ભારતીય પણ નથી બની શકવાની...” વેણુ અમેરિકામાં જન્મી છે, જ્યાં યુગોથી કેળવાતી આવતી સાંસ્કૃતિક શિષ્ટતાની ભીંસના અભાવે માનવવ્યવહારમાં એક પ્રકારની મોકળાશ છે, અને એ દેશના ‘મુક્ત વાતાવરણનો વારસો’ એના ચારિત્ર્યનો એક અગત્યનો અંશ બની ગયો છે, એ વારસાએ વેણુને દૈહિક વાસનાની તૃપ્તિમાં સ્વૈરવિહારી બનાવી છે. સામાજિક નૈતિકતાનાં બંધનો એની બુદ્ધિ સ્વીકારતી નથી, એના હૃદયને પણ સ્પર્શ કરતાં જણાતાં નથી. દે, એને માટે, જીવનના આનંદ અને ઉલ્લાસ અનુભવવાનું સાધન છે. દેહથી સ્થૂળ તૃપ્તિમાં તેમ પ્રકૃતિ અને કળાના સૌંદર્યના અનુભવમાં વેણુ એ જ આનંદ ખોળે છે. નવલકથાના પહેલા પ્રકરણમાં જ રઘુવીરે એક વિશિષ્ટ ભાવનાત્મક સૃષ્ટિ સર્જી છે, અને અંત સુધી એને ટકાવી રાખી છે. વાચકને પરિચિત વ્યાવહારિક જગતની અપેક્ષાએ એ સૃષ્ટિ અવાસ્તવિક જણાય છે, પરંતુ વેણુના પાત્ર દ્વારા સ્ત્રીહૃદયની આંટીઘૂંટીઓનું લેખકે કરેલું નિરૂપણ પ્રતીતિકર બને છે. ગાંધીજીના શબ્દોમાં વેણુ એક ‘ભાંગેલો સાંઠો’ છે અને તેઓ એને આખો કરવા મથે છે. આપણે વેણુને ‘ભાંગલો’ તો નહિ પણ ‘વાંકો સાંઠો’ કહીશું. એ વાંકો સાંઠો કેવી રીતે સીધો થયો અને તરંગસૃષ્ટિમાં રાચતી વેણુ કેવી રીતે પોતાના હૃદયનું સત્ય પામી પોતાની જાતમાં સ્થિર થઈ શકી, એ નવલકથાની મધ્યવર્તી કલ્પના છે. એ કલ્પનાને સંયમશીલ કળાકસબ દ્વારા મૂર્ત રૂપ આપવામાં સર્જક સફળ થયા છે. ગાંધીજીના પ્રસંગમાં આવેલી બીજી અનેક વ્યક્તિઓની જેમ વેણુ પણ પોતાના આત્માનું આ વસ્ત્રહરણ સહન કરી શકી, કારણ કે એ ઑપરેશનની પાછળ રહેલી ગાંધીજીની કરુણા એ અનુભવી શકી હતી. અહીંથી વેણુના નવા અવતારની યાત્રા શરૂ થાય છે. એ યાત્રા સારી એવી કષ્ટદાયક નીવડી. વેણુનાં બુદ્ધિ અને હૃદયને ગૂંચવી રહેલી મૂંઝવણ આવી છે. એના આંતરિક સંઘર્ષમાં મહારાજા વીરપાલસિંહ ભૂતકાળના સ્વૈરવિહારના પ્રતીક છે. ભૂતકાળનું આકર્ષણ વેણુના હૃદયમાં હજુ શમ્યું નથી, પણ કાબૂમાં જરૂર આવ્યું છે. ભારતીય સંસ્કૃતિના અને હિંદુત્વના પૂજક પણ ઉદાર દૃષ્ટિવાળા પ્રયાગના પંડિત વસુબોધની મુલાકાત લીધા પછી વેણુના હૃદયમાં એક નવી તૃષા જાગી છે. એમનું સ્વસ્થ, પ્રભાવશાળી વ્યક્તિત્વ વેણુના હૃદયમાં કોતરાઈ ગયું છે, અને પોતે જે અર્જુનરૂપી નરશ્રેષ્ઠની શોધમાં છે તે આ જ, એમ એનું હૃદય માની બેઠું છે, અને એ મુલાકાતની સ્મૃતિ એને સતાવી રહી છે. વસુબોધે એના હૃદયમાં જગાડેલી પ્રેમની ભૂખ વેણુ ભૂલી શકી નહિ. ગાંધીજી સાથેની મુલાકાત પછી બીજે દિવસે જ વસુબોધને મળવાની તક એને મળે છે, અને જિંદગીમાં કોઈની પાસે કશું ન માગવાનો જેણે નિશ્ચય કર્યો હતો એવું માનીને વસુબોધ પાસે પ્રેમયાચના કરે છે પણ વેણુની સમાજસુધારણાની તથા હરિજન પ્રવૃત્તિઓથી વસુબોધનું ભારતીય તરીકેનું સ્વમાન થવાનું હતું, અને તેથી એના પ્રત્યે આકર્ષણ અનુભવવા છતાં, જાણે કે એ આકર્ષણને રૂંધવા માટે જ, તેઓ વેણુનો તિરસ્કાર કરે છે. આ પ્રસંગની સ્મૃતિથી વ્યથિત બનેલી વેણુને લાગે છે : મારી પાસે વિકલ્પ નથી. મહાત્માની કરુણા જ મને ઉગારી શકશે. પરંતુ મહાત્માની કરુણા તો ‘વજ્રાદપિ કઠોરાણિ મૃદુનિ કુસુમાદપિ’ એ ભવભૂતિની પ્રખ્યાત પંક્તિની યાદ આપી જાય એવી છે. તેઓ વેણુ પાસે એના ભૂતકાળના પ્રાયશ્ચિત્તરૂપે એકરાર માગે છે. વેણુ તે લખવા બેઠી, પણ ‘જે અનુભવ્યું હતું - ભોગવ્યું હતું એના તરફ ઘૃણા જાગતી જ ન હતી... ભૂતકાળ ભીંસતો હતો. જેને ભૂલવા ધારેલું એ પ્રિયકર બની બેસતું હતું.’ અને તેથી જ એકરારનાં ત્રણેક પાનાં લખીને વેણુ એ વાંચવા માંડી ત્યારે વાંચતાં વાંચતાં ધીમે ધીમે હસતી હતી’ અને ‘વાંચી રહ્યા પછી ખડખડાટ હસી પડી’. આ હાસ્ય વેણુના હૃદયમાં ચાલતા અસહ્ય મનોમંથનને પરિણામે ઉત્પન્ન થઈ રહેલી ઉત્પાદ અવસ્થાનું સૂચક હતું. પોતાની સ્વભાવગત સ્વૈરવૃત્તિને વશ વર્તી વેણુએ પોતાના ગ્રીક પ્રેમી જ્યોર્જનો ત્યાગ કર્યો હતો. મહારાજા વીરપાલસિંહના મહેલમાં ભોજન પછી વેણુ નૃત્ય કરી રહી હોય છે ત્યારે પણ, નૃત્યે પ્રેરેલી ચિત્તની એકાગ્ર અવસ્થામાં જ્યોર્જની યાદ આવતાં તે એકાએક અટકી ગઈ હતી. વસુબોધની ચિકિત્સા ખરી છે – એવી પ્રતીતિ અહીં થાય છે. વસુબોધની ઉદાર ધર્મદૃષ્ટિ વેણુમાં ખ્રિસ્તી ધર્મના ભૂતકાલીન સંસ્કારો જાગૃત કરે છે. વસુબોધે કહેલા જીસસના શબ્દો : “હું જ જીવન અને હું જ પુનર્જીવન છું’નો ક્રમ બદલી ‘હું જ પુનર્જીવન અને હું જ જીવન છું’ એ રીતે વેણુ સ્વીકારે છે. ‘હું મને મળી શકીશ’ એ શ્રદ્ધા ફળીભૂત થાય છે. એના વ્યકિતત્વનો વાંકો સાંઠો હવે પૂરેપૂરો સીધો થઈ જાય છે. છેવટે વેણુ ભારતથી પાછા ફરવાનો નિર્ણય કરે છે. પોતાના પતિની દિશામાં જવા માટે. એના વ્યક્તિત્વનો વાંકો સાંઠો હવે પૂરેપૂરો સીધો થઈ ગયો. આવી પ્રતીતિ સાથે : ‘ભારતે મને એનું પોતાનું જે ઉત્તમ હતું એ તો આપ્યું જ, મારું પોતાનું હતું એય પાછું આપ્યું, મૂલ્યવાન બનાવીને, ગ્રાહ્ય બનાવીને.’

  • આ કૃતજ્ઞતાની લાગણી સાથે વેણુ ભારતની વિદાય લે છે.

વીરપાલસિંહ, વસુબોધ અને બાપુ એ ત્રણ પુરુષો વેણુ માટે બન્ને પરિસ્થિતિઓ જેવા બની રહે છે. પણ એ ત્રણ પરિસ્થિતિઓના છેડા ક્યાંક તો એકબીજાને સ્પર્શતા જ રહે છે. એમના સાંનિધ્યે પ્રેમી, પતિ કે પુરુષ જ્યોર્જ વેણુ માટે એક બની રહે છે. આત્મગૌરવ એ સ્ત્રીનું લક્ષણ છે. એ મેળવવાનું નથી હોતું, જાળવવાનું હોય છે. આ ત્રણેય પુરુષોની સીધી યા આડકતરી અસર વેણુને આત્મસન્માન જાળવવામાં સહાયક નીવડે છે. આ નવલકથા વેણુનો પોતાની જાત સાથેનો વાર્તાલાપ છે. આધુનિક સમયમાં એક યુરોપીય નારીહૃદયના સંકુલ મનોતંત્રનું લેખકનું નિરૂપણ જેટલું પુનિત ભાવ જન્માવનાર છે તેટલું જ વિચારપ્રેરક પણ છે. આમ તો આ પાત્રપ્રધાન નવલકથા છે. લેખકે વેણુના પાત્રનિરૂપણમાં અજબ કૌશલ દાખવ્યું છે. પાત્રનિરૂપણની એમની રીતિ – ચેતનાપ્રવાહ રીતિનો એક પ્રકાર છે. મુખ્યત્વે એ સ્મૃતિપ્રવાહનું રૂપ લે છે.

ખુશ્બુ પ્રકાશભાઈ સામાણી
વિદ્યાર્થિની, ગુજરાતી વિભાગ,
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા
મો. ૮૧૫૦૪૩૪૬૩૪
Email: khusbusamani08@gmail.com