નવલકથાપરિચયકોશ/મરણોત્તર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૭૨

‘મરણોત્તર’ : સુરેશ હ. જોષી

– જયેશ ભોગાયતા
Maranottar.jpg

નવલકથા : મરણોત્તર સર્જકનું નામ : સુરેશ હ. જોષી નવલકથાકારનો પરિચય ‘છિન્નપત્ર’ નવલકથાના અધિકરણમાં લખ્યો છે તેથી અહીં તેનું પુનરાવર્તન કર્યું નથી. નવલકથાનો પરિચય : પ્રથમ આવૃત્તિ, ઑગસ્ટ ૧૯૭૩, મૂલ્ય રૂા. ૧૨.૫૦, ડિલક્સ આવૃત્તિ. પૃષ્ઠ સંખ્યા ૭૧, વિદ્યાર્થી આવૃત્તિ રૂા. ૫, પ્રત : ૧૧૫૦, બુટાલા પ્રકાશન, મહાત્મા ગાંધી રોડ, વડોદરા-૧. આવરણ અને સુશોભન ગુલામમોહમ્મદ શેખ. ગુલામમોહમ્મદ શેખ તેમ જ ભૂપેન ખખ્ખરને અર્પણ. કુલ પાંચ અવતરણો. Georg Lukacs, Antonia Bartusek, Malcom Lowry, W. H. Auden, Paul Velery. એક પૌરાણિક ચિત્ર છે. ઉપરનાં અવતરણોમાંથી જ્યોર્જ લુકાચનું અવતરણ ‘મરણોત્તર’નો પ્રકાર, તેની વિષયસામગ્રી અને પાત્રચેતનાને સમજવામાં ખૂબ જ ઉપયોગી છે. જ્યોર્જ લુકાચ ‘Novella’ (લઘુનવલ) સંજ્ઞા દ્વારા સ્વરૂપલક્ષી પરિચય આપે છે. નોવેલામાં પાત્રો કોઈ સામાજિક સમસ્યાઓ કે પરિસ્થિતિઓનો સામનો કરતાં નથી. સામાજિક સંદર્ભને દૂર કરવામાં આવે છે. પાત્રોને સામાજિક સંદર્ભોથી મુક્ત કરવામાં આવે છે અને તેમાં અમુક નિશ્ચિત પરિબળોથી ગતિમાન થતી પરિસ્થિતિઓ અને નિશ્ચિત દૃષ્ટિકોણોને દૂર કરવામાં આવે છે. શાશ્વત એવી આંતરિક વિવિધતાનું નિરૂપણ જે નહીંનું કલાત્મક પ્રતિનિધાન છે. સમગ્રતાનું ચિત્રણ. ‘મરણોત્તર’નું વાચન કરતી વખતે કે મૂલ્યાંકન કરતી વખતે ‘Novella’ની સ્વરૂપલક્ષી ઓળખ યાદ રાખવી જરૂરી છે. નવલકથાનું પુનર્મુદ્રણ જુલાઈ ૧૯૯૩માં, મૂલ્ય રૂા. ૨૦. વિદ્યાર્થી આવૃત્તિ. પ્રત ૭૫૦. સાદું કવર પૃષ્ઠ સંખ્યા ૪૦. સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ કથાસાહિત્ય, પ્ર. આ. ૨૦૦૫, પ્રત ૫૦૦, મૂલ્ય રૂા. ૨૬૦. આવરણ : ડિજિટલ કૉલાજ, ગુલામમોહમ્મદ શેખ, સહાયક સુખદેવ રાઠોડ. નવલકથાનો પ્રકાર : ફિનોમિનોલોજિકલ નૉવેલ અનુવાદ : હિન્દી અને ફ્રેંચ ભાષામાં. નવલકથાનું પ્રકાશન : નવલકથામાં કુલ ૪૫ ખંડ છે. એ ખંડની છપાઈ વિશિષ્ટ છે. ક્યાંક આખા પાનમાં નીચે થોડાં વાક્યો હોય, ક્યાંક ઉપર ત્રણ ચાર વાક્યો અને નીચેનો ભાગ કોરો. ક્યાંક આખું પાનું કોરું. આ પ્રકારની છપાઈ એક વિશિષ્ટ અવકાશનો અનુભવ આપે છે. નવલકથાનું કથાનક : ‘છિન્નપત્ર’ જેમ લિરિકલ નૉવેલ છે – ઊર્મિકથા છે તેમ ‘મરણોત્તર’ પણ લિરિકલ છે. તેને પ્રકારની દૃષ્ટિએ બીજી પરિભાષા – ફિનોમિનોલોજીકલ ગણી છે – પ્રતિભાસમીમાંસામૂલક નવલકથા. પ્રતિભાસમીમાંસાની વિચારણા કૃતિને રસકીય પદાર્થ તરીકે તેનું અસ્તિત્વ સ્વીકારે છે. રસાનુભૂતિ એ એક જ એનું મુખ્ય પ્રયોજન છે. ‘છિન્નપત્ર’ નવલકથામાં પાત્રોની કોઈ સામાજિક ઓળખ અને સામાજિક સમસ્યાઓ નથી. બે પાત્ર વચ્ચે – સ્ત્રીપુરુષ વચ્ચે પ્રેમસંબંધનું સ્વરૂપ કેટલું રહસ્યમય અને અગ્રાહ્ય હોય છે તેની આસપાસનું નિરૂપણ છે જે પરંપરાગત નથી, પણ આધુનિક છે. પ્રયોગધર્મ છે. ‘મરણોત્તર’ નવલકથા પણ ‘છિન્નપત્ર’ની રચનારીતિ અને ચૈતસિક વાસ્તવ સાથે ગાઢ અનુબંધ છે. નવલકથામાં ૪૫ ખંડ છે. નવલકથા ‘હું’ની ચેતનાના કેન્દ્રથી નિરૂપાઈ છે. નવલકથાના હું ઉપરાંત બીજાં સ્ત્રી પાત્રો છે. સુધીર, મનોજ, ગોપી, અશોક, મૃણાલ, રોમા, મેધા અને નમિતા. આ બધાં પાત્રો ‘હું’ના મિત્રો છે. સ્ત્રીપાત્રો મેધા અને નમિતા સાથે હુંના વિશિષ્ટ સંબંધ છે. પરસ્પર માટેની ઝંખના છે, ને તેમાં મૃણાલ હુંની ઊંડી ઝંખનાનું વિશિષ્ટ પાત્ર છે. તે નવલકથામાં ક્યાંય ઉપસ્થિત નથી. તે હુંની ચેતનાની ચેતના છે. જેને ક્ષણે ક્ષણે યાદ કરે છે. તેને માટે ઝૂરે છે. મૃણાલની ઉપસ્થિતિના પડઘા સતત તે સાંભળે છે. ‘કોણ મૃણાલ?’ એવો પ્રશ્ન નવલકથાના ૪૦ ખંડ સુધી ખંડને અંતે પૂછતો રહે છે. નવલકથાનું સ્થળ સુધીરનું ઘર છે. સુધીરનું ઘર દરિયાથી દૂર એક નાની ટેકરી પર છે. નવલકથાનો આરંભ થયો છે સાંજના સમયના અંધકારના વાતાવરણથી અને અંત છે શહેરની સવારનાં દૃશ્યોમાં. સાંજથી સવાર સુધીનો ભૌતિક સમય હુંના ચૈતસિક વ્યાપારોથી રસકીય ભૂમિકાએ તિરોહિત સ્વરૂપે રૂપાંતર પામ્યો છે. સુધીરના ઘરમાં – વૈભવી બંગલામાં મિત્રો રાતની પાર્ટી માટે ભેગાં થયાં છે. સિગારેટના ધુમાડા, વ્હીસ્કીની બોટલ, હાંડી ઝુમ્મરનાં અજવાળાં, કામુક હાવભાવો, સ્ત્રીના શરીર માટે – ભોગલોલુપ પુરુષોના પ્રલાપો. આખા ઘરમાં ભોગ માટેની તીવ્ર લાલસાનું વાતાવરણ. આ ગૂંગળાવી નાખતી આબોહવામાં ‘હું’ ક્ષુબ્ધ છે, અસ્વસ્થ છે. સાંજના અંધકારથી શરૂ કરીને સવાર સુધીના ભૌતિક સમયની ધરી પર હું ચૈતસિક સ્તરે જે જે સંવેદનાઓ તીવ્રપણે અનુભવે છે તેનું કલામય નિરૂપણ આ કથાની સામગ્રી છે. હું પોતાની અંદર ઊછરતા મરણની ઉપસ્થિતિ અનુભવે છે. હું મરણગ્રસ્ત છે. મરણ એના જીવનતત્ત્વને કોરતું રહે છે. હુંના જીવનતત્ત્વનો ક્ષય મરણ માટે પોષણ છે! નવલકથાની શરૂઆત જ હુંની મરણની ઉપસ્થિતિની સભાનતાથી જ થઈ છે : ‘અર્ધા પાકેલા મરણનો ભાર લઈને ફરું છું. આથી હાથ લંબાવીને કોઈને ભેટી શકતો નથી.’ (પૃ. ૧) અને ખંડને અંતે ‘કોણ મૃણાલ?’ એ પુનરાવર્તિત પ્રશ્ન : મરણની ઉપસ્થિતિ અને મૃણાલની અનુપસ્થિતિના મનોદાબથી પીડાતા હુંની સંવેદનાઓનો સભર કલ્પન, પ્રતીક, કપોલકલ્પિત, લીલયા અભિવ્યક્તિ (improvisation), પરાવાસ્તવિક દૃશ્યાંકન જેવી પ્રયુક્તિઓએ સર્જ્યો છે. મરણની ઉપસ્થિતિ અને મરણ જે રીતે હુંને પીડે છે તેની રૂપનિર્મિતિ હુંની થતી સતત જીવનક્ષયની પ્રતીતિ માનવીય કરુણાની સ્થિતિ છે. મરણ જે રીતે સતત હુંને પીડે છે ને પીડનનાં જુદાં જુદાં રૂપોની એક લાંબી યાદી બનાવી શકીએ. મરણ એક પાત્ર છે. મરણની ઓળખનાં ભયાનક રૂપો! કેટલાંક ઉદાહરણો : મરણ કાપી નાખેલા વૃક્ષના ઠૂંઠાના જેવું, મરણ મીંઢું થઈને બેઠું છે. વૃક્ષ પરના કોઈ ફળની અંદરના કીડા જોડે મરણનો સંવાદ ચાલે છે. ખરું મરણ પેંતરો ભરીને બેઠું છે. મરણની જીભ લપકે છે. મરણ નહોર ભરી ભરીને મારાં પાપને શોધે છે. ખોતરે છે, જોઉં છું તો આ સૂર સાંભળતાં મરણ ફરીથી દાંત કટકટાવી રહ્યું છે, હુંને પીડતું મરણ ૪૪ ખંડમાં હુંમાંથી ક્યાંક રજકણની જેમ ફેંકાઈ જાય છે. હુંની મહાગ્રસ્ત ચેતના જગત, પ્રકૃતિ, ઈશ્વરને જે રીતે અનુભવે છે તે આત્મસંવિત્તિના કેન્દ્રમાંથી જન્મે છે હતાશા, નિરાશા, શૂન્યતા, વિફળતા, ખંડિતતા, અનિશ્ચિતતા. આ સંકુલ ભાવોની સૂચિ નવલકથાકાર સર્જે છે. કાવ્યમય ગદ્યની અપૂર્વ સર્જકતાથી. હું જેમ મરણગ્રસ્ત છે તેથી પીડિત છે તેમ એમની આસપાસનું જગત-મિત્રના ઘરનો પરિવેશ પણ તેને પીડે છે. એ કોઈ સાથે જોડાઈ શકતો નથી. વિચ્છેદની તીવ્ર લાગણી છે. શરીરની વૃત્તિઓની પારના પરમ આનંદમય જગતને ઝંખે છે. મેધા, નમિતાના શારીરિક આવેગોથી વશ થાય છે પણ એમની કામવાસનાનાં રૂપોની પારનો આનંદમય સ્પર્શ ઝંખે છે. એની તૃપ્તિનું પાત્ર મૃણાલ છે જેને સતત ઝંખે છે. સિગારેટના ધુમાડા, વ્હીસ્કીની ગ્લાસના અવાજો અને કામલોલુપ ચેષ્ટાઓથી તે રોષે ભરાય છે. ને બધું બાળી-સળગાવીને ભાગી જવા ઇચ્છે છે : ૩૮મા ખંડમાં. હું નિદ્રાધીન થયેલા મિત્રો અને એમની આસપાસના પથરાટને જોતાં જે જુગુપ્સાભાવ અનુભવે છે તેનું સિનેમેટિક નિરૂપણ ભોગવિલાસનો મેદ છે : ‘હાશ, હવે એ લોકો ઊંઘના સડેલા ઉકરડા નીચે ધરબાઈ ગયા લાગે છે. એ ઉકરડામાં ક્યાંક શરાબનાં ખાબોચિયાં છે; ક્યાંકથી સિગારેટનાં ઠૂંઠાંઓ ધુમાયા કરે છે. એમાં કાટ ખાઈ ગયેલા પતરાંના જેવા અવાજો રહી રહીને ખખડ્યા કરે છે. એના બે ચાર કીડાઓ નારીના સાથળ પર સરકતા કામુક હાથની જેમ સરક્યા કરે છે.’ (પૃ. ૬૦-૬૧) નવલકથાના ૨૭મા પ્રકરણથી શરૂ થયેલ દુઃસ્વપ્ન સમાન રાત્રિના અંતનો છેલ્લો પ્રહર પ્રભાત થવાનો સંકેત છે. ને ૪૫મા પ્રકરણમાં શહેરની સવારનું દૃશ્ય છે. એ દૃશ્યોમાં શહેરની યાંત્રિક જિંદગી છે. પણ એ દૃશ્યની પહેલાંનું એક વર્ણન અને ખંડ જ્યાં પૂરો થાય છે તે વર્ણન વચ્ચેનું શહેર છે જ્યાં પ્રકૃતિ ઉપેક્ષિત છે. ‘અજાણ્યા ગામની અજાણી તળાવડીના કમળ પર પડેલું ઝાકળનું બિન્દુ ટપક્યું છે’ ને ખંડના અંતમાં ‘તળાવડીમાંના કમળ પર ઝિલાયેલું ઝાકળનું બિન્દુ જળમાં સરી પડે છે. એક બુદ્‌બુદ થઈને શમી જાય છે.’ (પૃ. ૭૧) ઝાકળના આ બિન્દુનું ટપકવું અને ઝાકળના બિન્દુનું જળમાં સરી જવું. બુદ્‌બુદ થઈને શમી જવું, એ બે વચ્ચેનો સંવેદનપરક વિરોધ પ્રકૃતિ તરફની ઉદાસીન વૃત્તિ સૂચવે છે. ‘થાકેલી પ્રોઢ વૈશ્યા ઝરૂખામાંથી પાછી વળે છે... આમલીના ઝાડ નીચે ઘરડી ભિખારણ ભીખમાં ઈશ્વરે ફેંકેલા વધુ એક દિવસને ચગળતી બેઠી છે. દુર્ગંધી રાસાયાણિક દ્રવ્યોથી ગંધાતી મેલી નદી મોઢું સંતાડતી વહી રહી છે.... સૂર્યે બધા ઉકરડાઓને અજવાળી દીધા છે.’ (પૃ. ૭૧) સુધીરના ઘરના અંદરનો અને શહેરના જાહેર રસ્તાઓ પરના ઉકરડાઓ આધુનિક જીવનનું જુગુપ્સાપ્રેરક વાસ્તવ છે. હુંની ચેતના તીવ્ર આત્મસંવિત્તિના કેન્દ્રથી વાસ્તવજગતનું જુગુપ્સાપ્રેરક રૂપ રજૂ કરે છે તે વાસ્તવજગત મરણગ્રસ્ત છે. જ્યાં પ્રકૃતિ, મનુષ્ય અને ઈશ્વર પોતાની મૂળ ઓળખ ગુમાવી ચૂક્યાં છે. સંવેદનશીલ હું પોતાનું મરણોત્તર જીવન અને વિરૂપ જગતની પ્રતીતિ એમ બે તીવ્ર ભીંસ અનુભવે છે. એ તીવ્ર ભીંસનું રસકીય પદાર્થમાં રૂપાંતર કરનાર સર્જકચેતનાનું દર્શન અ-પૂર્વ છે. સર્જકચેતના રૂપાન્તર-શક્તિના બળથી લેખનનું માધ્યમ તે ભાષાને નવા રૂપે પ્રગટ કરે છે. બુદ્‌બુદ સ્વરૂપ શૂન્યતા અને આદિકાળના અંધકાર જેવો વિષાદ આધુનિક મનુષ્યની મરણોત્તર દશા છે. ‘મરણોત્તર’ નવલકથા વિશે વિવેચકોમાં એકવાક્યતા નથી, મતભેદો છે. સામસામેના છેડાનાં અવલોકનો છે પરંતુ એની ચર્ચા કરવાનો અહીં અવકાશ પણ નથી અને અધિકરણલેખનું પ્રયોજન પણ નથી. ‘મરણોત્તર’ નવલકથા વિશેની સુમન શાહની સમીક્ષામાંથી એક અવતરણ ટાંકું છું. ‘૪૫ ટુકડાઓમાં વેરાયેલી અને કશા દેખીતા સુબદ્ધ આકાર વિનાની આ રચના જે શબ્દસૃષ્ટિ – મુખ્યત્વે કલ્પનસૃષ્ટિ – સરજે છે, તેના વડે એક ઘન ઇન્દ્રિય સંતર્પક અને કથાનાયકની ચેતના સાથે પૂરી સૂત્રબદ્ધતા અને સંગતિ ધરાવતું વિશ્વ ઉદ્‌ભાસિત થઈ ઊઠે છે. આ વિશ્વ વધારે મૂર્ત અનુભવાય છે, તેમાં વિચરતાં પાત્રો અને તેમના વર્તન વચ્ચે એક ઊંડી અને અસામાન્ય સ્વરૂપની સંબંધભૂમિકા ગોચર થાય છે, તેમાં આકાર લેતી નાનીમોટી આંતરબાહ્ય અનેક ઘટનાઓ પોતાનાં સૂક્ષ્મ અને સંકુલ પરિમાણો સહિત સંવેદ્ય અને આસ્વાદ્ય બની છે – તેમાં એક ચોક્કસ પ્રકારની ગતિશીલતા અને નાટ્યાત્મકતાની સ્વાદુતા (flavour) નોંધપાત્ર ભાવે રહેલી છે.’ (સુરેશ જોષીથી સુરેશ જોષી, બી. આ., ડિસેમ્બર, ૨૦૦૦, પૃ. ૧૨૦)

પ્રો. ડૉ. જયેશ ભોગાયતા
નિવૃત્ત પ્રોફેસર અને અધ્યક્ષ
ગુજરાતી વિભાગ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ બરોડા, વડોદરા.
કવિ, વાર્તાકાર, વિવેચક, સંશોધક, સંપાદક. ‘તથાપિ’ ત્રૈમાસિકના સંપાદક.
મો. ૯૮૨૪૦૫૩૨૭૨ Email: tathapi૨૦૦૫@yahoo.com
વડોદરા