નારીસંપદા : ટૂંકી વાર્તા/ઉંબરો-૨

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ઉંબરો

મીતા ભાસ્કર મેવાડા

બહાર રિક્ષા ઊભી રહેવાનો અવાજ આવ્યો અને પછી ડેલી ઉઘડવાનો. પરસાળમાં હિંચકા પર બેઠેલા દુલાભાએ બૂમ પાડી. ‘કોણ?’ પણ આવનારે કોઈ જવાબ ન આપ્યો. સામે બેસીને લેસન કરતી સવિતા ઊભી થઈને બહાર જોવા ગઈ. ‘બા, આતા, આ તો ભાઈ આવ્યો.’ બોલતી સવિતા આગંતુકને વળગી પડી. આગંતુક ખચકાઈને ઊભો રહી ગયો. અણધાર્યા સ્નેહના ધક્કાથી એ અવાક્ થઈ ગયો. એના એક હાથમાં થેલો હતો. બીજા હાથે એણે સવિતાના માથે હાથ મૂક્યો અને પીઠ પસવારી. સવિતા હીબકે ચડી ગઈ. સ્તબ્ધ થવા જેવી હાલત ફક્ત એની નહોતી. ઘર આખામાં સોપો પડી ગયો હતો. દુલાભાનો હીંચકો અટકી ગયો. રેવાબાની આંગળીઓ ઘઉંમાંથી કાંકરા વીણવાનું ભૂલી ગઈ. સૌથી વધારે તો રસોડામાં જે હલચલ થઈ રહી હતી ત્યાં સન્નાટો વ્યાપી ગયો. કેટલીક ક્ષણો વિતાવ્યા પછી સમય જાણે પાછો ચાલવા લાગ્યો. દુલાભાએ ખોંખારો ખાધો. રેવાબા થાળી નીચે મૂકી ઊભાં થવા ગયાં પણ દુલાભાની આંખોમાં રહેલી નિશ્ચળતા જોઈ એમણે ઉઠવાનું માંડી વાળ્યું. બારણામાંથી રસોડા તરફ જોયું. માલતી લોટ બાંધતા બાંધતા અટકી ગઈ હતી. એનો અટકી ગયેલો સમય હજી પાછો શરૂ થયો ન હતો. રેવાબાએ ક્ષણિક અનુભવેલી ઉત્તેજનાને શમાવી દીધી. અસ્વસ્થતા છુપાવવા સરી પડેલો છેડો એમણે ફરી માથે નાખ્યો. એમની આ હલચલથી રસોડામાં સ્તબ્ધ થયેલો સમય પાછો સળવળ્યો અને ફરીથી હાથ ચાલુ થયા. એટલામાં આગંતુક દરવાજા પાસે આવ્યો. એણે ચપ્પલ બહાર કાઢ્યા. અંદર આવી થેલો બારણાની બાજુમાં મૂક્યો અને નીચા નમી દુલાભાના પગને સ્પર્શ કર્યો. પગ પાછળ ખસી ગયા. હીંચકાની ઠેસ લાગવાથી કે અવગણનાથી એ આગંતુકને સમજાયું નહીં. રસોડાનાં બારણાં પાસે બેઠેલાં રેવાબાને પગે લાગવા એ રસોડા તરફ વળ્યો. રેવાબાનો સંયમ તૂટી ગયો. આંખમાંથી ચોધાર આંસુ પડવા માંડ્યાં. બે હાથે એનું મુખ પકડી એમણે કપાળે ચુંબન કર્યું. દીકરો ચાર વર્ષે ઘરે આવ્યો હતો. ચાર વર્ષ અને એક મહિનો. દિવાળી પર એ ઘર છોડીને ગયો હતો. આ દિવાળીએ ચાર વર્ષ થયાં અને ઉપર એક મહિનો. મા થઈને એ કેવી રીતે ભૂલે? એમ તો માલતી પણ ક્યાં ભૂલી હતી? ચાર વર્ષ, એક મહિનો અને ત્રણ દિવસ. એને બરાબર યાદ હતું. આજે પતિ રસોડાના ઉંબરે ઊભો હતો, તો પોતે પણ દરરોજ ઉંબરે ઊભીને એની વાટ જોઈ હતી. આજે તો જરૂર આવશે. આજે કાગડો મોભે બેસીને બોલ્યો હતો. આજે તો બહાર નીકળી તો ગાય સામે મળી હતી. આજે ડાબી આંખ ફરકી હતી. આવા તો કેટલાંય સુકનો એણે દિવસોની સાથે સાથે ગણ્યાં હતાં. દોઢેક વર્ષ વીત્યાં પછી એની ધીરજ ખૂટી ગઈ હતી. મારી તો ઠીક આ નાનકડી રમલીની પણ એમને યાદ નહીં આવતી હોય? પછી તો પતિના પાછા ફરવાની આશાએ ક્રોધનું રૂપ લીધું હતું અને ક્રોધ ધીરે ધીરે નફરતમાં પરિવર્તિત થયો હતો. તો શું આજે પતિની નિકટતાએ નફરતની તીવ્રતા ઘટાડી દીધી? જો ના ઘટી હોય તો કેમ લોટ બાંધતા હાથમાં કંપ હતો? ધબકારાની ગતિ વધી હતી? ચિત્ત ચકરાવે ચડ્યું હતું? એક ઊંડો શ્વાસ લઈને એણે મનને ટપાર્યું. સંયમનો અંચળો ઓઢી લીધો. લોટ બંધાઈ ગયો. એણે તવી મૂકી રોટલી વણવા માંડી. જાણે કંઈ બન્યું જ નથી. પણ કોણ જાણે કેમ, આજે રોટલી નામ ન આપી શકાય એવા આકારો લેતી હતી. બિલકુલ એની જિંદગીની જેમ. એની જિંદગીને પણ ક્યારેય કોઈ આકાર ક્યાં મળ્યો હતો? ક્ષણો ક્યારેક લાંબી થતી તો ક્યારેક ટૂંકી. ગતિ પણ ઉપર નીચે થયા કરતી, કોઈ બિમાર હૃદયના ગ્રાફની જેમ. પરણીને આવી ત્યારથી એનો પતિ રમેશ મોટાભાગે બહાર રહેતો. નોકરી અર્થે તેને ગામેગામ ફરવું પડતું. વરસ પછી પુત્રીનો જન્મ થયો. રમેશે બહુ પ્રેમથી પોતાના અને માલતીનાં નામ પરથી એનું નામ રમીલા પાડ્યું. પણ છોકરીની માયા પણ એને ઘરમાં ટકાવી શકી નહીં. બે ત્રણ દિવસથી વધુ એ ઘરમાં રહેતો નહીં. ઘરમાં બધાને એમ હતું કે એ નોકરીનાં કામે જાય છે. પણ લગ્નનાં અઢી વર્ષ પછી સાચી વાત બહાર આવી. રમેશને એક વિધવા શિક્ષિકા સાથે પ્રેમ હતો. માલતી સાથે લગ્ન થયા એ પહેલાથી જ. પણ એ વિધવા હતી એટલે એની સાથે લગ્ન કરવાની હિંમત એ ના કરી શક્યો અને કુટુંબના દબાણમાં માલતી સાથે પરણ્યો. દુલાભાને ક્યાંકથી ખબર પડી કે રમેશ લગ્ન પછી પણ એ સ્ત્રી સાથે સંબંધ રાખી રહ્યો હતો. ઘરમાં ઝઘડો થયો અને રમેશ ઘર છોડી ચાલી ગયો. માલતી અને રમીલા એના માટે ઘરનો ભાગ હતાં, પોતાની જિંદગીનાં નહીં એટલે ઘરની સાથે સાથે એમનો પણ ત્યાગ થઈ ગયો. ઘરમાં નીરવતા હતી. ફક્ત દુલાભાના હીંચકાનો કિચુડ કિચુડ અવાજ આવી રહ્યો હતો. રેવાબા ઘઉં વીણવાનું ભૂલી ખાલી થાળીમાં હાથ ફેરવી રહ્યાં હતાં. પતિની ધાકથી કે પછી રસોડામાં રહેલી માલતીની હાજરીના ક્ષોભથી દીકરા સાથે વાત નહોતાં કરી શકતાં. સવિતા મૂંગા મોઢે પોતાનું હોમવર્ક કરી રહી હતી. અને રમેશ ચૂપચાપ ખુરશીમાં બેસી રહ્યો હતો. મેદાની વિસ્તારમાં નદી જેમ અવાજ કર્યા વગર ધીમે ધીમે વહે એમ ક્ષણો વહી રહી હતી. અચાનક એ શાંત પાણીમાં કોઈ કાંકરી ફેંકે અને ખળખળ થાય એમ બહાર સ્કૂલ વેન આવીને ઊભી રહી. એમાંથી રમીલા દોડતી દોડતી અંદર આવી – ‘મમ્મી...મમ્મી’ કરતી. દરવાજામાં આવતાં જ એ ખચકાઈ ગઈ. સામે ખુરશીમાં કોઈ અજાણી વ્યક્તિ બેઠી હતી. પાંચેક વર્ષની રમીલા કુતૂહલથી રમેશ સામે જોઈ રહી. રમેશ એને જોઈ રહ્યો. એ ઘર છોડી ગયો ત્યારે રમીલા માત્ર દોઢેક વર્ષની હતી. અત્યારે હાથમાં દફ્તર અને સ્કૂલ યુનિફોર્મમાં ઊભેલી એ છોકરી પોતાની દીકરી હતી? રમેશની આંખમાં અપરાધભાવ આવ્યો. એટલામાં અંદરથી માલતી બહાર આવી. દીકરીને ઊંચકીને અંદરના રૂમમાં લઈ ગઈ. આટલા સંચારથી સમયને જાણે પાછી ગતિ મળી. દુલાભાએ ખોંખારો ખાઈ કહ્યું, “ચાલો જમી લઈએ.” સવિતા ચોપડાં સંકેલવા લાગી. રેવાબા ઊભાં થયાં. કેટલી થાળીઓ પીરસવી? રમેશને જમવાનું કહેવું કે નહીં? એમની મુંઝવણનો અંત આણતા હોય એમ દુલાભા રમેશને ઉદ્દેશીને બોલ્યા, ‘હાથપગ ધોઈ લે, એટલે જમી લઈએ.’ આમાં એના આગમનનો સ્વીકાર હતો કે દયા એ રમેશને સમજાયું નહીં પણ રેવાબાને હાશ થઈ. એમણે થાળી વાડકા બધું કાઢીને મૂક્યું. સવિતા રસોડામાં જઈ રસોઈનાં ડબરાઓ બહાર લાવી. રમેશ ઊઠીને બાથરૂમમાં ગયો. વચ્ચે જ માલતી જે રૂમમાં ગઈ હતી એ રૂમનો દરવાજો આવ્યો. ન ચાહતા પણ એની નજર અંદર ગઈ. માલતી રમીલાનાં કપડાં બદલાવી રહી હતી. રમીલા પૂછતી હતી, ‘કોણ આવ્યું છે?’ ‘મહેમાન છે. તું ન ઓળખે.’ માલતીએ જવાબ આપ્યો. ‘તું ન ઓળખે’... આ ત્રણ શબ્દોએ રમેશને ભાન કરાવ્યું કે એના આગમનનો સ્વીકાર થયો નથી. મૂંગો મૂંગો એ પાછો આવીને જમવા બેસી ગયો. માલતી પણ ઓરડામાંથી રમીલાને લઈને બહાર આવી. રમીલા રોજની જેમ દાદા પાસે બેઠી. માલતી રસોડાના દરવાજા પાસે બેઠી. રેવાબાએ ખાવાનું પીરસ્યું. ભૂખ તો કદાચ બધાંની મરી ગઈ હતી પણ છતાંય, બધાં કંઈ જ થયું નથી એવો ભાવ રાખી જમવાનો અભિનય કરી રહ્યાં. સમય પરાણે ચાલ્યો. રેવાબાએ રમેશની થાળીમાં બીજી બે રોટલી મૂકી. ‘મને વધારે નહીં જોઈએ.’, રમેશ બોલ્યો. પણ એ વાક્ય પૂરું કરે એ પહેલાં જ દુલાભા બોલી ઉઠ્યા, ‘આજે કંસાર ના કર્યો?’ સીધા સાદા લાગતા વાક્યમાં ભારોભાર કટાક્ષ ભરેલો હતો. ફરી સમયને અટકવાનું બહાનું મળ્યું. રમેશના મોઢા સુધી ગયેલો હાથ ખચકાઈ ગયો. કોળિયો એણે પાછો થાળીમાં મૂક્યો. રેવાબાએ આ જોયું. એમનું માતૃત્વ છલકાઈ ગયું. ‘શાંતિથી ખાવા તો દો છોકરાને.’ ‘શાંતિનો ભંગ થયો એમ?’ વળી દુલાભાએ બળતામાં ઘી હોમ્યું. રમેશ ઊઠી ગયો. થાળી ચોકડીમાં મૂકી હાથ ધોઈ નાખ્યા. બાપા એનું પાછા ફરવું સરળતાથી નહીં સ્વીકારે એવો ભય તો એને હતો જ પણ આવા ચાબખા મારશે એવી કલ્પના નહોતી. આના કરતા એમણે ગુસ્સો કર્યો હોત તો પણ ખમી લેવાત પણ આવા ટાઢા ડામ...? માલતી અજબ સ્વસ્થતાથી જમી રહી હતી. દુલાભાને એના પર ગર્વ થયો અને રેવાબાને અણગમો. રમેશે પરસાળના બારણા પાસે મૂકેલો થેલો હાથમાં લીધો. રેવાબા હાંફળાંફાંફળાં થઈ ગયાં. પતિની ઉપરવટ જઈને દીકરાને રોકે તો દુર્વાસા જેવા પતિના ક્રોધનો ભોગ થવું પડે અને ન રોકે તો કદાચ દીકરો કાયમ માટે આંખ સામેથી ચાલ્યો જાય. આખરે માતૃત્વ જીતી ગયું. ‘રહે, દીકરા, પાછો જઈશ નહીં.’ રમેશ અટકી ગયો. એણે બાપા સામે જોયું. બાપાના મુખ પર નહોતો હકાર કે નહોતો નકાર. બસ, એક નિર્લેપતા હતી. પ્રશ્ન ભાવે એ પિતા તરફ જોઈ રહ્યો. ‘માલતી સ્વીકારે તો...’ દુલાભા એટલું જ બોલ્યા. અત્યાર સુધી પરિઘમાં રહેલી માલતી અચાનક કેન્દ્રમાં આવી ગઈ. હાથમાં થેલો લઈ પતિ દરવાજા પાસે ઊભો હતો. ક્યારેય એના જીવનમાં પોતાને સ્થાન ન આપનાર પતિ તરફ એણે જોયું. ચાર વર્ષથી ઘૂંટેલી નફરત હજી પણ હૃદયમાં ઠરવાને બદલે વહી રહી હતી. પોતાને ત્યજવાનું અપમાન, પુત્રીની ઉપેક્ષા – એ બધું ભૂલીને અને કોઈપણ જાતના અપરાધભાવ વગર, પોતાનો સ્વીકાર થશે એવી અહંકારી ધારણા લઈને પાછા ફરેલા પતિનો સ્વીકાર એ કરી શકશે? એનાથી થશે? રમીલા આવીને એની સોડમાં ભરાઈ. એણે નીચે જોયું. રમીલાની આંખોમાં ઉત્સુકતા હતી. એને એનો બાપ ઘરમાં રહે કે નહીં એની સાથે કોઈ નિસ્બત નહોતી. પણ રોજ કરતાં કંઈક જૂદું જ ઘરમાં થઈ રહ્યું હતું. કોઈ વાર્તા જાણે ઘડાઈ રહી હતી અને એનો અંત મમ્મીના હાથમાં હતો એવું જાણે એ સમજી ગઈ હોય એમ એ માલતી સામે જોઈ રહી. માલતીએ પાછી ઉપર નજર કરી. આઠ આંખો એની સામે જોઈ રહી હતી. સવિતાના મુખ પર ભાઈને જોઈને થયેલો હર્ષ અને હવે જતો રહેશે એવી આશંકા – એ બંને ભાવ વારાફરતી આવી રહ્યા હતા. રેવાબાની આંખો સજળ હતી. વણસંતોષાયેલી મમતા જાણે રડી રહી હતી. દુલાભા હંમેશની માફક નિશ્ચળ દેખાતા હતા પણ હાથની મુઠ્ઠીઓ વળી ગઈ હતી. અને પતિ અસહાય ભાવે એની તરફ જોઈ રહ્યો હતો. જાણે આચરેલા ગુનાની માફી માંગતો હોય ! એને જોઈને માલતીના હૃદયમાં કોઈ આર્દ્રતાનો ભાવ જાગ્યો નહીં પણ દુલાભાની મુઠ્ઠીએ ઘણું બધું કહી દીધું. આ ઉંમરે છતે દીકરે એમને ઢસરડા કરવા પડતા હતા. પતિથી તેર વર્ષ નાની સવિતાના ભણતર અને લગ્નનો ખર્ચો ઉઠાવવા એમના ખભા હવે સબળ ન હોય એમ જરા ખૂંધા વળી ગયા હતા. હજી તો રમલીને મોટી કરવાની છે. જૂના ખંડેર થઈ ગયેલા ઘરને રીપેર કરાવવાનું છે. પોતાના લગ્ન વખતે ગીરવે મૂકેલા સાસુના દાગીના છોડાવવાના છે. યાદી ખૂબ લાંબી હતી. કોઈ અજાણી કેડી જેવી. એ કેડી પર ચાલવા કોઈ સંગાથની જરૂર હતી પણ કેડી સુધી જવા સ્વાભિમાનનો ઉંબરો ઓળંગવાનો હતો. પતિ હજી પણ ઉંબરે ઊભો હતો. કેટલીક ક્ષણોથી થોભીને સમય જાણે બધાંને જોઈ રહ્યો હતો. માલતીએ ખાસી વાર સુધી જવાબ ન આપ્યો એટલે એને નકાર સમજીને રમેશ ઉંબરો ઓળંગવા ગયો પણ ધ્યાનચૂક થતાં એને ઉંબરાની ઠેસ વાગી. ‘ખમ્મા !’ રેવાબાનાં મુખમાંથી નીકળી ગયું. ‘ઊભા રો’...’ માલતીથી બોલાઈ જવાયું. રમેશ પાછો ફર્યો. ખુરશીમાં બેઠો અને ઉંબરાની ઠેસથી ઘાયલ થયેલ પગને પંપાળવા લાગ્યો. પણ માલતી પોતાને વાગેલી ઠેસને પંપાળી શકી નહીં.