નારીસંપદા : ટૂંકી વાર્તા/ફળશ્રુતિ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ફળશ્રુતિ

દિપ્તી વચ્છરાજાની

‘આ વખતે બજારમાં જાઉં ત્યારે સોઈ લઈ આવવી ન ભૂલાય. ટેરવાં તો જાણે બુઠ્ઠાં થાય પણ સોઈ બુઠ્ઠી ન હોવી જોઈએ’, શારદાએ સ્વગત કહેતાં સાંધેલું વસ્ત્ર ઊંચું કરીને જોયું. ‘હં...હ હવે બરાબર; કોઈ કહેશે આ કપડું ફાટેલું હતું!’ વસ્ત્ર બાજુ પર મૂકતાં શારદાથી હળવો નિઃસાસો નખાઈ ગયો. 'કોણ જાણે કેમ, આજે ભણકારા પડે છે. રાજલ આવી કે શું?’ 'મા, મા, મા... ભણકારા નહીં, હું ખરેખર આવી ગઈ.' રાજલ આવી શારદાને વળગી પડી. શારદાએ તેને વ્હાલ કરતા પૂછ્યું, ‘આમ ઓચિંતાની રાજલ?' રાજલે માના કરચલિયાળા ચહેરા પર હાથ ફેરવતાં કહ્યું. ‘એમાં જ તો મજા છે ને મા. હાલ મા, ઊભી થા.’ ‘કેમ, ક્યાં જાવું છે?’ શારદાએ પૂછ્યું. રાજલે માનો હાથ પકડી કહ્યું, ‘આહુતિ આપવા, મા.’ ‘આહુતિ? યજ્ઞનું આહવાન કર્યા વગર?’ શારદાને ખૂબ નવાઈ લાગી! ‘અરે મારી મા, આહવાન તો થયું જ છે ને વર્ષોથી! આજે તો શારદાબેન, પૂર્ણાહુતિ પહેલાંની છેલ્લી આહુતિ.’ રાજલે માને આંગણામાં લઈ જવા હળવેથી ખેંચી. આંગણામાં જમીન પર તેણે ચોરસ આકૃતિ દોરી. ‘હું બોલું તેમાં સૂર પૂરાવીશ ને મા?’, રાજલે પૂછ્યું. શારદા આશ્ચર્યના ભાવ સાથે તેને જોઈ રહે છે. રાજલ આહુતિ આપતી મુદ્રા સાથે બોલે છે, ‘અમને ઘેરી વળેલાં વર્તુળો અને તેના તમામ પરિઘો સ્વાહા... 'સ્વાહા', શારદા સાથ પુરાવે છે. 'અમારી લાગણીઓ અને ચેતનાનો શિકાર કરનારા શિકારીઓ સ્વાહા.' 'સ્વાહા', શારદાએ કહ્યું. ‘તમામ અશ્રુઓ, સામટાં... સ્વાહા...' 'સ્વાહા', શારદા સાથ પુરાવે છે અને તરત બન્ને ચોંકીને પાછળ ખસે છે! 'જોયું મા, આ... આ આંસુથી જવાળા કેવી ઊંચી ઊઠી મા...’, રાજલે કહ્યું. શારદાએ ગુંચવાઈને પૂછ્યું, 'આ કેવી વાતો કરે છે તું?’ 'હવે યજ્ઞની ફળશ્રુતિ. સાંભળ અને સાથ આપજે મા.', રાજલે કહ્યું. 'અમને માદાઓને પોતાને જણી પોતાને મળવાની શક્તિ પ્રાપ્ત હો.' 'પ્રાપ્ત હો.', શારદાએ સૂર પુરાવ્યો. 'અમને અમારાં વિરામચિહ્નો પ્રાપ્ત હો.' 'પ્રાપ્ત હો.' રાજલે હવે ભારપૂર્વક કહ્યું, 'હસવા રડવામાં અમને અમારી ગણતરી પ્રાપ્ત હો.' 'પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો...', શારદાએ એવો જ ભારપૂર્વક સૂર પુરાવ્યો. 'હવે તો કહે બેટા, આ આહુતિ ને...' રાજલ વચ્ચેથી જ શારદાને રોકીને કહે છે, 'હવે આહુતિની વાત ન કર મા, તારે હવે એ તરફ જોવાનું ય નથી.' 'મારી દીકરી’, શારદાએ કહ્યું, ‘એમ તો હજી આ પગમાં જોમ છે.' રાજલે હળવેથી માનું મોઢું બન્ને હાથોમાં પકડ્યું, 'ઓ મા, તને ઓળખું છું, પણ મા, તને કોઈ દી' છાંયડો ન મળ્યો! અને એટલે જ વૃક્ષો મને ગમતાં થયાં.' શારદાએ તેના ખભે હાથ મૂક્યો, 'ફક્ત વૃક્ષો ક્યાં, તને પંખીના માળાનું જતન પણ ગમવા લાગ્યું.' 'હા મા, તેં પીપળે પાણી રેડી રેડી પ્રભુ ગોત્યા'. ‘અને તેં રાજલ, પાંદડે પાંદડે શ્રદ્ધા ગોતી.' 'હા મા, કારણકે, “કુદરત ખુલ્લંખુલ્લાં મ્હોરે પાને પાને બસ, એને ક્યાં કંઈ માણસ જેવું અંદરખાને બસ!" ‘મા, બોલને, તને મ્હોરવાની જગ્યા મળી? પાંચ પાંચ દીકરીઓને માણસે બનાવેલા પિંજરામાં એકલપંડે ઉછેરી.' શારદાએ એક ઊંડો શ્વાસ લઈ કહ્યું, 'એ તો શું થાય, એક દીકરાની આશામાં તારા બાપ દીકરી પર દીકરી દેતા ગયા અને પછી... પોતે ચાલ્યા ગયા.’ 'પણ મા, આ બધા સંજોગો અને સમય દરમિયાન તું હસતી કેવી રીતે રહી એ કહેને.’, રાજલે માનો ખભો પકડીને કહ્યું. શારદા હસીને બોલી, ‘એ જ તો રહસ્ય છે, હું કહીશ. પણ તું યે ક્યાં ઓછી છે! નાની ઉંમરમાં ચણની જવાબદારી તેં ઉપાડી લીધી.' 'મા, તારો વગડો મારાથી ન્હોતો જોવાતો!’ 'અને એટલે જ વડવાઈઓમાં હીંચકા ખાતી તું, મારાથી દૂર ગઈ…’, શારદાએ કહ્યું. 'અને આજે પાછી આવી ગઈ મા. આપણું સાચુકલું વન શોધીને.' હવે શારદાની ધીરજ ખૂટી, 'હવે ભઈશાબ, કોયડાની ભાષા છોડીશ! વન...! કયું વન? કેવું વન?' રાજલે બન્ને હાથ ગાલ પર રાખી ઉત્તેજીત થઈ કહ્યું. 'જો મા, દૂરથી આપણને બોલાવતો અસંખ્ય પક્ષીઓનો કલરવ તને સંભળાય છે?’ શારદાએ કાન માંડી કહ્યું, 'એ સાચું, સંભળાય છે ખરો.' 'મા, મારું જી.પી.એસ.સી.નું રિઝલ્ટ આવી ગયું. તારી દીકરી જાય છે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની ટ્રેઇનીંગમાં!!!', આટલું કહેતાં રાજલ શારદાને વળગી પડી. શારદાએ રાજી થતાં અસમંજસના ભાવ સાથે પૂછ્યું, ‘તે તારું પોસ્ટિંગ વનમાં થશે એમ?' રાજલે શારદાની આંખમાં આંખ પરોવી કહ્યું, 'તેં વેઠ્યું એ વન નહીં મા, આ તો આપણી જિજ્ઞાસાનું વન, આપણી મહેચ્છા અને શક્યતાનું વન.' થોડું અટકી રાજલ બોલી, ‘મા, આ મારા ટહુકાઓનું અને તારા રખોપાનું વન.' રાજલે શારદાના બન્ને હાથ પકડી લીધા, ‘કયું વન સારું મા? ક્યાં પશુ સારાં?' શારદા ગળગળા અવાજે કહે છે, ‘કોણે ધાર્યું હતું કે લગ્ન પછી પણ તું...?' રાજલે મક્કમ પણ રણકતા સ્વરે કહ્યું, 'લગ્ન પછી? મા, ફક્ત લગ્ન પછી નહીં, પણ છૂટાછેડા પછી... મા, એ ઘરમાંથી પહેરે લૂગડે બહાર નીકળ્યા પછી... ભાંગી પડ્યા પછી... આમ બેઠા થવાય, ને પછી ઊભા થવાય ટટ્ટાર, ને પછી… પછી ખાલી ખિસ્સે, ખાલી મુઠ્ઠીના ફાકા મારી મારી ભણાય અને ભણ્યા પછી છે...ક ઊંચે, ત્યાં... ત્યાં પહોંચાય.' રાજલે મલકાતાં મલકાતાં આગળ કહ્યું, 'બે ધ્રુવનું સર્જન કરાય. મા, એ પગથિયાં ઉતરતો ગયો અને હું ચડતી રહી.' રાજલે ફુદરડી ફરવા મા સામે હાથ લંબાવ્યા અને ફુદરડી ફરતાં ફરતાં કહ્યું, 'તારે ચોપગા વરુ જોવાં’તાંને? અને હાલ મા, તને સાચ્ચું કાગડો કા... યે સંભળાવું.' બન્ને ફુદરડી ફરતાં રોકાય છે અને શારદા આનંદથી કહે છે, ‘તું મને પૂછતી હતી ને કે હું કઈ રીતે હસતી રહી? તો સાંભળ, આપણે આપણી અંદર એક ઘેલીને જીવતી રાખવી. મેં ય રાખી છે અને તું યે રાખજે!’