નારીસંપદા : ટૂંકી વાર્તા/માનતા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
માનતા

યામિની પટેલ

રોશની સિદ્ધિવિનાયકના દર્શન કરી બહાર નીકળી. એણે પ્રસાદ મોઢામાં મૂક્યો. આજે એની વર્ષગાંઠ હતી એટલે એ અહીં દર્શન કરવા આવેલી. એને સિદ્ધિવિનાયકમાં બહુ શ્રદ્ધા હતી. અત્યારે જે ટી.વી. ચેનલ ‘ટુ ડે’માં કામ કરતી હતી. ત્યાં ઇન્ટરવ્યુ પર જતી વખતે પણ એ અહીં મંદિરમાં દર્શન કરવા આવેલી. એને નોકરી મળી ગઈ ત્યારે પણ એ ગણપતિ બાપ્પાનો આભાર માનવા આવેલી. એમના આશીર્વાદથી જ રોશનીને આટલી સારી ચેનલમાં નોકરી મળેલી એમ એનું દૃઢ માનવું હતું. એટલું જ નહીં, ખૂબ ટૂંકા સમયમાં એણે ઘણી પ્રગતિ કરેલી. ચેનલમાં એને તરત જ એક શો મળી ગયો હતો જે એ હોસ્ટ કરતી કરતી. એના કામથી ચેનલના માલિક મિ. વાલેચા પણ ખૂબ ખુશ હતા. રોશની ‘માનતા’ કરીને શો હોસ્ટ કરતી. એમાં જુદા જુદા લોકોની, જુદી જુદી જાતિઓની શું શું માનતા છે, કેમ છે એના માટે લોકો શું શું કરે છે, એ ફળે છે કે નહીં વિગેરે વિષે ચર્ચા કરતી. દર વખતે એક જગ્યા કે વિધિને એ કવર કરતી. એનો શો બહુ પોપ્યુલર હતો. એને સિદ્ધિવિનાયકના મંદિર અને લોકોને તેમાં રહેલી શ્રદ્ધા વિષે એક શો કરવાની બહુ જ ઇચ્છા હતી પણ એની એ પ્રપોઝલ મૂકાઈને ઘણા દિવસ થયા, હજુ મિ. વાલેચાએ એ પાસ નહોતી કરી. આજે એણે ગણપતિ બાપ્પા પાસે એ જ માંગ્યું હતું. તમારા આશીર્વાદ મને ફળ્યા છે એમ બીજા હજારો લોકોને પણ ફળ્યા છે અને મારે એના વિષે મારા શોમાં કહેવું છે. પ્લીઝ મારું આટલું કામ કરો. તેણે પ્રાર્થના કરી હતી. ઑફિસ પહોંચતા મોડું ના થઈ જાય માટે એણે ઉતાવળે ટેક્સી સ્ટેન્ડ તરફ ડગ માંડ્યા. ઑફિસ પહોંચી તો બધો સ્ટાફ એને વિશ કરવા ઊમટી પડ્યો. કોઈએ ચોકલેટ તો કોઈએ ફૂલ આપ્યાં. અમુક જણા તો એના માટે કાર્ડ્સ લઈ આવેલા. ગળગળી થઈ ગઈ રોશની. આટલો પ્રેમ ! એને થયું મિ. વાલેચાને પણ મળી લઉં. એ વિશ કરવા કૅબિનમાંથી મને શોધતા આવે એના કરતાં હું જ જઈ આવું. એ મિ. વાલેચાની પી.એ. સ્વાતિ પાસે ગઈ. સ્વાતિ સરની પી.એ. બનતા પહેલાં રોશનીની ફ્રેન્ડ હતી. એની ઓળખાણથી જ સ્વાતિને આ જોબ મળેલી. બન્નેમાં સ્કૂલના સમયથી મિત્રતા હતી. સ્વાતિએ કહ્યું, ‘હમણાં નહિ જા. એમનો ફોન ચાલુ છે. પછી જા.’ એટલામાં બીજો ફોન આવ્યો. બીજા ફોનને એણે હોલ્ડ પર રાખ્યો પછી એ પણ એણે ટ્રાન્સફર કર્યો. જ્યારે બન્ને ફોન ડિસ્કનેક્ટ થઈ ગયા ત્યારે રોશનીને જવા ઇશારો કર્યો. રોશની હજુ અંદર જવા જ જતી હતી કે મિ. વાલેચાએ સ્વાતિને ફરી ફોન કરી કહ્યું, ‘મને થોડીવાર કોઈ ડિસ્ટર્બ ના કરશો.’ રોશની હવે એનું કામ પતાવી પાછી આવી અને પછી મિ. વાલેચાને મળી. રોશનીએ એમને સિદ્ધિવિનાયકનો પ્રસાદ આપ્યો. એ તો ભૂલી જ ગયેલા કે આજે રોશનીનો બર્થ ડે હતો. એમણે વિશ કર્યું એટલે પછી આભાર માની રોશની ત્યાંથી નીકળી ગઈ. રોશની હવે આજના શોની તૈયારીમાં લાગી ગઈ. એના શોની એક ખાસિયત હતી. એનું હંમેશા જીવંત એટલે કે લાઈવ પ્રસારણ થતું. જ્યારે પણ શો લાઈવ પ્રસારિત થવાનો હોય ત્યારે એ હોસ્ટની બહુ હોશિયારી માંગી લે. સતર્ક રહેવું પડે. રીટેક પણ ના થાય. પ્રશ્ન પૂછવા એવા જ લોકો શોધવા પડે જે વિના ભૂલે જવાબો આપે. એવા લોકોને ટોળામાંથી, ભીડમાંથી ઓળખી કાઢવા પડે. એટલામાં મિ. વાલેચાએ એને કૅબિનમાં બોલાવી. શું હશે વિચાર કરતી રોશની ગઈ તો ખરી પણ ત્યાં પહોંચીને એની ચિંતા ઊડી ગઈ. મિ. વાલેચા ખૂબ ખુશ હતા. એમણે કહ્યું, ‘બર્થડે ગિફ્ટ જોઈએ છે?’ રોશની બોલી, ‘ના સર. નો ફોર્માલિટિસ.’ એ બોલ્યા, ‘એવું કાંઈ ચાલે? મારે તને તારી બર્થ ડે પર કંઈ આપવું છે. તું કેટલા વખતથી સિદ્ધિવિનાયક પર શો કરવા માંગતી હતી ને? તો કાલે કરી નાખ. ચાલ હવે ખુશ?’ ખુશીની મારી રોશની ઉછળી પડી. ‘સર, સાચે જ? ઓહ ! થેન્ક યુ સો મચ ! આ મારી બર્થ ડેની બેસ્ટ ગિફ્ટ છે. પણ આટલા ટૂંકા સમયમાં તૈયારી કેવી રીતે થશે?’ મિ. વાલેચા બોલી ઉઠ્યા, ‘મને તારા પર વિશ્વાસ છે કે તું એ કરી જ નાખીશ. ચલ, ઓલ ધ બેસ્ટ.’ હવામાં ઊડતી જાણે એ કૅબિનમાંથી બહાર નીકળી. એની ખુશી સમાતી નહોતી. એણે વિચારવા માંડ્યું કે કાલે એ કેવી રીતે શો કન્ડક્ટ કરશે, મંદિરના કયા ભાગમાં કોને શું પૂછશે, મંદિરમાં અંદર કેમેરામેન તથા સ્ટાફને લઈ જવા પરમિશન લેવી પડશે વગેર વગેરે. ત્યાં તો મિ. વાલેચાનો ઇન્ટરકોમ આવ્યો, ‘રોશની, સિદ્ધિવિનાયક મંદિરની બરાબર સામે મારા ફ્રેન્ડ મિ. દસ્તૂરનો ફ્લેટ છે. એમની બાલ્કનીમાંથી આખે આખું મંદિર દેખાય છે. હું એમને વાત કરી દઈશ. એ તને કો-ઓપરેટ કરશે. તું ત્યાં સમયસર પહોંચી જજે. એઝ યુઝ્વલ ત્રણ વાગે તારું ટેલિકાસ્ટ થશે.’ ‘પણ સર, મેં વિચાર્યું હતું કે...’ ‘એ બધું કંઈ નહીં, હું કહું છું તેમ કર.’ મિ. વાલેચા આમ તો સ્ટાફને બધી છૂટ આપતા. બધા હોસ્ટ એમની રીતે નિર્ણયો લઈ શકતા. આવી છૂટને લીધે જ કામ સારું થતું અને એટલે જ ચેનલનું આટલું નામ હતું. આજે પહેલીવાર એમણે એમની ઇચ્છા પ્રદર્શિત કરી હતી તો રોશનીને થયું, ‘કંઈ નહીં. એમનું કહ્યું કરું. ઇટ્સ ઓકે. મારી મનપસંદ જગ્યાનો શો તો કરવા મળે છે !’ પાછો સાંજે મિ. વાલેચાનો ઇન્ટરકોમ આવ્યો. રોશનીને મળવા બોલાવી. આવતી કાલની તૈયારી વિષે પૂછપરછ કરી. રોશનીએ એમને બધા રિપોર્ટ આપ્યા. ‘તારી સાથે કાલે કોણ કોણ આવવાનું છે?’ એમણે પૂછ્યું. રોશની બોલી, ‘એઝ યુઝ્વલ જૂલી, પ્રકાશ અને કેમેરામેન પાંડે.’ ‘એક કામ કર. હજુ બે જણાને સાથે રાખ. હું કેદાર અને ગોપીને પણ તારા માટે ફ્રી કરી દઉં છું.’ ‘પણ કોઈ જરૂર નથી સર. પબ્લિકમાં પણ નથી જવાનું. હું કરી લઈશ.’ ‘તો પણ હું કહું છું એમ કર.’ એમને હા પાડીને રોશની કૅબિનમાંથી નીકળી. પણ એ થોડી ગૂંચવાયેલી લાગતી હતી. કેમ મિ. વાલેચા આજે એના શોની આટલી બધી ચિંતા કરે છે? કોઈ દિવસ મિ. વાલેચાએ એના કામમાં માથું નથી માર્યું, તો આજે કેમ? એણે પોતાની જાતને કહ્યું, ‘ક્રાઈમ રિપોર્ટરનું કામ કરી કરીને તારું દિમાગ આવું ચાલે છે. અત્યારે તું તારા શોની તૈયારી કર. ડિટેક્ટિવ બનવાની કોશિશ ના કર.’ એ કામે તો લાગી પણ વારેઘડીએ મિ. વાલેચા બાબત વિચારતી. એને એમનું વર્તન નોર્મલ નહોતું લાગી રહ્યું. બીજા દિવસે સવારે એ ઘરેથી નીકળી ત્યારે બહુ ખુશ હતી. પણ ઑફિસ પહોંચી પછી મિ. વાલેચાએ પાછી શો માટે પૂછપરછ કરી ત્યારે એના મનમાં શંકા ગઈ કે કેમ મિ. વાલેચા આમ વર્તી રહ્યા છે? બરાબર એક વાગે એ, એનો સ્ટાફ અને વાન મિ. દસ્તૂરને ત્યાં પહોંચી ગયાં. મિ. વાલેચાએ ભલામણ કરી હતી એટલે એમને કોઈ તકલીફ ના પડી. એમની જે બાલ્કનીમાંથી મંદિર દેખાતું હતું ત્યાં કેમેરા ફિક્સ કરી દીધા. ફરવાનું તો હતું નહીં એટલે કેમેરા સ્ટેન્ડ પર સેટ કરી દીધા હતા. એણે બાલ્કનીમાં ઊભા રહી કેમેરામેન પાંડેને પોઝિશન લેવા કહ્યું. થોડું ઘણું ડાબે જમણે કરી કેમેરામેને પોઝિશન નક્કી કરી. હવે રોશનીની બાજુમાં આખું મંદિર ઉપરની ધજા સાથે દેખાતું હતું. પાંડે બોલ્યો, ‘પહેલી વાર આપણે આમ એક જ જગ્યાએ ઊભા રહી આ શો કરીએ છીએ, નહિ? તને યાદ છે રોશની, સીએનએનનો શો આવતો હતો એમાં પેલી બાલ્કનીમાં ઊભી રહી બોલતી હતી અને પાછળ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટાવર દેખાતા હતા; એમ જ અહીં મંદિર દેખાય છે.’ રોશનીની આંખો પહોળી થઈ ગઈ. આ શું બોલી ગયો પાંડે? સીએનએન? વર્લ્ડ ટ્રેડ સેન્ટર? ઓહ ! ત્યારે તો વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર પ્લેનથી હુમલો થયેલો અને સીએનએનના લાઈવ ટેલીકાસ્ટમાં એ દેખાયેલું. તો શું અત્યારે પણ એવું કંઈ અજુગતું થવાનું છે? એ વારે વારે મનને મનાવતી પણ મન, માંકડાની જેમ પાછું ત્યાં જ જતું. એણે સ્વાતિને મોબાઇલ પર ફોન કર્યો. ‘સ્વાતિ, કાલે સવારે કે પરમ દિવસે સર પર કોના કોના ફોન હતા?’ ‘કેમ એવું પૂછે છે?’ ‘હું પૂછું એના જવાબ આપ.’ ‘રોશની, એ પ્રાઇવેટ ઇન્ફોર્મેશન છે. હું ના આપી શકું.’ ‘સ્વાતિ પ્લીઝ, આ જરૂરી છે. નહીંતર હું તને ફોર્સ ના કરત.’ ‘આનો કોઈ ગેરઉપયોગ નહિ કરે ને તું?’ ‘ના. સ્વાતિ, તું મને ઓળખતી નથી? હું? ગેરઉપયોગ? કમ ઓન નાઉ !’ ‘ઓકે. તારે શું જાણવું છે?’ ‘એ જ કે, કોઈ શંકાસ્પદ ફોન કોલ હતા? કોઈ એવું મળવા આવેલું?’ ‘ના. મળવા તો કોઈ નહોતું આવ્યું. પણ કાલે સવારે...’ આટલું બોલી સ્વાતિ અટકી. ‘બોલ, બોલ. કાલે સવારે શું?’ ‘કહું કે નહિ એમ થાય છે.’ ‘જલ્દી બોલ, સમય નથી.’ ‘કાલે સવારે કોઈનો ફોન હતો. મેં લાઈન અંદર આપી અને થોડીવારમાં બીજો ફોન આવતા ભૂલથી એ જ ફોન ઉપાડી લીધો અને મેં સાંભળ્યું કે ‘ફેમસ હોને કા હૈ?’ તરત મને મારી ભૂલ સમજાઈ એટલે ડિસ્કનેક્ટ કરી બીજો ફોન ઉપાડ્યો.’ ‘ફેમસ હોને કા હૈ? આનો શો મતલબ?’ ‘મને શું ખબર?’ ‘તેં બીજું કંઈ સાંભળ્યું?’ ‘ના. કહ્યું ને કે પછી મેં ડિસ્કનેક્ટ કરી નાખી લાઈન.’ ‘એ કોનો અવાજ હતો? પુરુષનો કે સ્ત્રીનો?’ ‘પુરુષનો.’ ‘ઓકે. થેન્ક્સ સ્વાતિ. ટ્રસ્ટ મી. તને કોઈ નુક્સાન નહિ થાય.’ હવે રોશની ચકરાવે ચડી. એણે સ્વાતિને પાછો ફોન કર્યો. ‘સ્વાતિ, આ કેટલા વાગે ફોન હતો?’ ‘મને સમય બરાબર યાદ નથી પણ તું મળવા નહોતી આવી? મેં તને ઊભી રાખી. ત્યારે જ એ ફોન ચાલુ હતો. તારી સાથે વાત કરતાં કરતાં બીજો ફોન આવેલો ત્યારે ભૂલથી પેલો ફોન જ ઉપાડાઈ ગયેલો.’ ‘ઓકે સ્વાતિ, થેન્ક્સ.’ રોશનીએ ફોન કાપ્યો. હવે એ વિચારવા લાગી. સવારે એક ફોન આવે છે. એ માણસ મિ. વાલેચાને કહે છે કે ફેમસ હોને કા હૈ? પછી ફોન મૂકી મિ. વાલેચા ‘ડૂ નોટ ડિસ્ટર્બ’ એવું કહે છે, પછી રોશનીને મળે છે, પછી પાછી બોલાવે છે, સિદ્ધિવિનાયકના શોનું કહે છે ત્યારે ખૂબ ખુશ હોય છે, પાછી શો માટે આટલી પૂછપરછ કર્યા કરે છે, મારી સ્ટાઇલ પબ્લિકમાં શૂટ કરવાની છે છતાં મને અહીં મિ. દસ્તૂરને ત્યાં મોકલે છે, બે જણા વધારાના મારી સાથે મોકલે છે !!! શું મિ. વાલેચા કોઈ ગેમ રમી રહ્યા છે? ના. ના. રોશની ! એવું ના હોય ! આ તારા મનના વહેમ છે. ના. ના. વહેમ ના હોય અને ખરેખર કંઈ ખોટું થાય તો? એને થયું, કોઈને તો વાત કરવી જોઈએ. કોને કહું? એને ઇન્સ્પેક્ટર ખેડેકર યાદ આવ્યા. ટૂ ડે ચેનલમાં નોકરી લેતા પહેલાં બીજી ચેનલમાં એ ક્રાઈમ કવર કરતી. એના માટે એને ઘણીવાર ક્રાઈમ થયો હોય ત્યાં, પોલિસ સ્ટેશન બધે જવું પડતું. એણે ઘણીવાર ખેડેકરના ઇન્ટરવ્યુ પણ લીધેલા. એણે તરત ખેડેકરને ફોન જોડ્યો. એના અવાજમાં ચિંતા સાંભળી ખેડેકર સતર્ક થઈ ગયા. એણે ટૂંકમાં બધી વાત ખેડેકરને સમજાવી. છેલ્લે બોલી, ‘જુઓ, આ ખોટું પણ હોય. પણ મને એવું લાગે છે કે કોઈક મોટી વાત થવાની છે એટલે તમને ફોન કર્યો. કાલે સવારે ફોનનું આવવું અને મને આજે આ શો માટે અહીં મોકલવી જરા શંકાસ્પદ લાગે છે.’ ખેડેકર બોલ્યા, ‘થેન્ક્સ રોશની. સામાન્ય નાગરિક જો આટલી અવેરનેસ રાખે તો અમારા પોલિસનું કામ ઘણું આસાન થઈ જાય. તું હવે ચિંતામુક્ત થઈ જા. શોની તૈયારી કર. બધું મારા પર છોડી દે.’ ખેડેકરે ફોન મૂક્યો અને ફટાફટ કામે લાગ્યા. પહેલા તો મિ. વાલેચાના નંબર પર આવેલો એ પોન ક્યાંથી હતો એ તપાસ કરાવી. એ ફોન પાકિસ્તાનથી હતો. રોશનીની શંકા સાચી હતી. કોઈક મોટી ગડબડ છે. આતંકવાદીઓ મુંબઈમાં ઘૂસ્યા છે એની માહિતી પણ ખેડેકર પાસે હતી. એમનું ખબરીઓનું નેટવર્ક ખૂબ જોરદાર હતું. પણ એ લોકો શું કરવા માંગે છે, ક્યારે અને ક્યાં એ ખબર નહોતી. શું એ લોકો સિદ્ધિવિનાયક પર હુમલો કરવા માંગે છે? આજે તો અંગારખી છે અને પાછો મંગળવાર. સૌથી વધારે ગર્દી હોય આજે મંદિરમાં. શું એટલા માટે આજે મંદિરને ટાર્ગેટ બનાવ્યું હશે? ત્યાં મંદિરમાં સિક્યોરિટી હંમેશા ટાઈટ હોય છે. બધાની બેગ અને શરીર તપાસાય છે. પોલિસની એક ચોકી પણ મંદિરમાં જ છે. પણ શું એ આતંકવાદ સામે લડી શકવા સજ્જ છે? ખેડેકરે જાતે ત્યાં તરત જવાનું નક્કી કર્યું. તેઓ જીપમાં હવાલદારોને લઈ નીકળ્યા. રસ્તામાં એમણે મંદિરમાં આવેલી ચોકીના ઇન્સ્પેક્ટર સાથે વાત કરી. તેમને સજાગ રહેવા તથા કંઈ પણ શંકાસ્પદ લાગે તો પગલા લેવા સૂચવ્યું. ખેડેકર ત્યાં પહોંચ્યા કે એ અને એમના હવાલદાર કામે લાગી ગયા. ખેડેકરે ખુદ આખા મંદિરમાં અંદર અને બહાર આંટો માર્યો. સિક્યોરિટી ટાઈટ કરાવી દીધી. અઢી વાગી ચૂક્યા હતા. બસ, ત્રણ વાગે રોશનીનો લાઈવ શો ચાલુ થશે અને સાડા ત્રણે પતશે. જો કંઈ થવાનું હશે તો એ અડધા કલાકમાં જ થશે. ત્યાં સુધી હું જેન્ટ્સ બાથરૂમ ચેક કરી લઉં એમ વિચારી ખેડેકર બાથરૂમમાં પ્રવેશ્યા. એક નજર બધા ઊભેલા લોકો પર નાખી. બન્ને ટોઇલેટનાં બારણાં બંધ હતાં. અંદર કોઈ હશે. ખેડેકર પાછા નીકળ્યા. એમના નાકમાં ફૂલોની સુગંધ પહોંચેલી. એમણે ચાલતા વિચાર્યું, ટોઇલેટમાં ફૂલોની સુગંધ? પૂજાનાં ફૂલ લઈને કોઈ ટોઇલેટમાં શું કામ જાય? પછી એ ફૂલ થોડા ભગવાનને ચડાવાય? આમ વિચારતાં વિચારતાં એ થોડા દૂર નીકળી ગયેલા પણ તરત સ્ફૂર્તિથી ઊંધા ફરી જેન્ટ્સ બાથરૂમ તરફ દોડ્યા. અંદરથી બે જણા હાથમાં પૂજાપાની થાળી અને ફૂલોનો મોટો હાર લઈ નીકળ્યા. ખેડેકરને દોડતા જોઈ હવાલદાર પણ એમની પાછળ દોડવા માંડેલો. ખેડેકર અને હવાલદાર બન્નેએ મળી પેલા બન્ને જણાને પકડ્યા અને ચોકીમાં લઈ ગયા. પૂજાપાની થાળીમાં તપાસ કરી. એમાં કંઈ નહોતું. એમના કપડાં કઢાવી તપાસ કરી. બન્નેએ શરીર પર બોમ્બ બાંધેલા હતા. ખેડેકરે પહેલા જ બોલાવી લીધેલી બોમ્બ સ્ક્વોડે બોમ્બ ડી-ફ્યુઝ કર્યા. ત્યાં પૂજાની થાળીના નિશાન પરથી પૂજાપાવાળાને પણ પકડી લેવામાં આવેલો. એણે જ ફૂલો સાથે બોમ્બ ઘુસાડી, પૂજાપાની થાળીમાં ફૂલો નીચે દબાવી પેલા બન્ને આતંકવાદીઓને આપેલા. એ બન્નએ ટોઇલેટમાં જઈ પોતાના શરીર પર બોમ્બ બાંધેલા. એ બન્ને માનવબોમ્બ હતા. બોમ્બ ફૂટતાં જ આજુબાજુના ઘણા લોકો સાથે તે પણ નાશ પામત. સાડા ત્રણ થયા. રોશનીનો શો પત્યો. એને થયું કંઈ અજુગતું નથી થયું. લાવ મંદિરે જઈ આભાર માનું અને જો ખેડેકર મળે તો સૉરી કહી દઉં. મંદિરે પહોંચી જુએ છે તો ધમાચકડી મચેલી છે. પબ્લિકને મંદિરમાં આવતા રોકવામાં આવે છે. મંદિર ખાલી કરાય છે. લોકોને બહાર કઢાય છે. રિપોર્ટર હોવાને લીધે એમને અંદર જવા દેવાય છે. રોશની દોડતી ખેડેકર પાસે પહોંચે છે. ખેડેકર રોશનીનો આભાર માનતા બોલ્યા, ‘રોશની, તારા લીધે આજે કેટલાય લોકોના ઘરમાં અંધકાર વ્યાપી જતો અટક્યો છે. તેં તારા નામને સાર્થક કર્યું છે.’ ત્યાં તો રોશનીની પાછળ પાછળ કેમેરામેન અને ક્રૂ પહોંચી ગયા. રોશનીએ ખેડેકરની પરમિશન લઈ ઇન્ટરવ્યુ લીધો. રોશનીએ પૂછ્યું, ‘તમને શંકા કઈ રીતે ગઈ કે અહીં હુમલો થવાનો છે?’ ખેડેકર બોલ્યા, ‘એક સજાગ નાગરિકની સતર્કતાને લીધે આ બધું થયું છે. એ નાગરિકનું નામ...’ રોશનીએ આંખો મોટી કરી ઇશારો કર્યો. રોશનીની પીઠ કેમેરા તરફ હતી એટલે કોઈને દેખાયું નહીં. ‘એ નાગરિકનું નામ નહિ કહું. એના પર પણ હુમલો થઈ શકે છે.’ ‘પણ તમને કઈ રીતે ખબર પડી કે આ બે જણા આતંકવાદી હતા અને એમની પાસે બોમ્બ હતા?’ ‘મને જેન્ટ્સ બાથરૂમમાંથી ફૂલોની સુગંધ આવી. લેડિઝ બાથરૂમમાં એમણે નાખેલા ગજરાને લીધે સુગંધ આવી શકે પણ જેન્ટ્સ બાથરૂમમાં ફૂલોની સુગંધ? કોણ ભગવાનને ચડાવવાનાં ફૂલો લઈ બાથરૂમમાં જાય? આપણે હિન્દુઓ તો નહિ જ. મને એટલે શંકા ગઈ કે નક્કી દાળમાં કંઈ કાળું છે. એટલે પછી ફૂલો લઈ ટોઇલેટમાંથી બહાર આવતા બન્ને જણને પકડી લીધા. એક્સક્યુઝ મી ! પણ હજુ મંદિરમાં પણ બોમ્બ રખાયા હોય તો એની તપાસ બોમ્બ સ્ક્વોડ કરી રહી છે. મારે જવું જોઈશે.’ કેમેરામેને કેમેરા ઓફ કર્યો. ખેડેકરે જતાં જતાં રોશનીને સલામ મારી. કેમેરામેન પાંડે પૂછવા લાગ્યો, ‘રોશની મેડમ, કેમ ખેડેકરે તમને સલામ મારી?’ ‘એ તો એવું છે ને પાંડે, આપણે સમયસર પહોંચીને કવરેજ કર્યું ને એટલે. ચાલ હવે ઑફિસે પહોંચીએ? આ ટેલિકાસ્ટ કરવું પડશે ને?’ બધા ઑફિસે પહોંચ્યા. ત્યાં જઈને જોયું તો મિ. વાલેચા બહુ ધૂંધવાયેલા લાગતા હતા. એમણે સળંગ પોતાની ઑફિસમાં બેસીને રોશનીનો આખો શો લાઈવ જોયેલો. પેલા ફોનમાં વાત થઈ એવું કશું જ થયું નહોતું. રોશનીએ બધાને સિદ્ધિવિનાયકના મંદિરમાં બોમ્બ પકડાયાના સમાચાર આપ્યા. ફૂટેજ બતાવ્યું. તરત જ એનું ટેલિકાસ્ટ શરુ થઈ ગયું. ‘ટૂડે’ ચેનલે સૌથી પહેલાં આ સમાચાર પ્રસારિત કરતાં ‘ટૂડે’ ચેનલ ફેમસ થઈ ગઈ હતી. બધાએ રોશનીને ખૂબ શાબાશી આપી. બધાને એમ હતું કે રોશનીને પ્રમોશન મળશે. એના બદલે બીજા જ દિવસે રોશનીએ રાજીનામું આપી દીધું અને સાથે સાથે સ્વાતિએ પણ.