નારીસંપદા : ટૂંકી વાર્તા/સિક્સટીન સિક્સટી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સિક્સટિન સિક્સટી

ગીતા દેવદત્ત શુક્લ

“મમ્મા.. ઊંઘ આવે છે... ચાલ ને... હવે ઘરે જઈએ.” નાની સ્વીટીએ ઉર્વીનો હાથ ખેંચ્યો. “હા... હા... બેટા થોડી વારમાં જઈએ હોં...” “મમ્મી, તમે અને સ્વીટુ રિક્ષામાં નીકળો. અમે થોડી વાર કાકી પાસે બેઠાં છીએ. એમને પણ સારું લાગે ને ! તમે ઘરે જઈને આરામ કરો.” ઉર્વીએ કાકી પાસે બેસતાં કહ્યું. “પણ... તમે, તમે જાવને હું મારી રીતે આવી જઈશ. આમ પણ સ્વીટી તમારા વગર બહુ પજવે છે.” રાગિણીબેન સ્વીટીને માથે હાથ ફેરવતાં બોલ્યાં. “મમ્મી, ઉર્વીની વાત સાચી છે. તારી હવે ઉંમર થઈ. ઘરે જઈને આરામ કર. આમ પણ મારે અને ઉર્વીને એક ફ્રેન્ડને ત્યાં જવું છે. તો મોડું થશે. કાકી, મમ્મી હવે સિનિયર સિટિઝનમાં આવી ગઈ હોં...” મલય હસતાં હસતાં બોલ્યો. -અને રાગિણીબેન સ્વીટીને જેમ તેમ ઊંચકીને રિક્ષાસ્ટેન્ડ પર આવ્યાં. આખા રસ્તે સ્વીટુએ ઊંઘવા માટે ધમાલ કરી. ઘરે પહોંચી તેને દૂધ પીવડાવીને સૂવડાવી. માંજેલા વાસણ તેના સ્થાને ગોઠવાવાં રાહ જોતાં પડ્યાં હતાં. સાંજે શું રસોઈ બનાવવી તેનો વિચાર કરતાં કરતાં તેમણે વાસણ ગોઠવ્યાં. દોરી પરથી કપડાં લઈને ગડી વાળવા બેઠાં. સૂરજદાદા તેના કેસરિયા રંગને લઈને વિદાય થયા. તેની જગ્યાએ અંધારાએ તેની ડ્યુટી સંભાળી લીધી. રાગિણીબેને મલય અને ઉર્વીની રાહ જોઈને વટાણા-બટાકા-ટામેટાનું શાક કુકરમાં વઘારી દીધું અને સ્ફૂર્તિથી પરોઠાનો લોટ બાંધી દીધો. પરોઠા બનાવી તેઓ પોતાના પતિ પરાગભાઈની રાહ જોવા લાગ્યાં. પરાગભાઈને આવે એટલે તરત જમવાનું તૈયાર જોઈએ એટલે જોઈએ જ. નહીં તો પારો આસમાને. તેમણે ટી.વી. ઑન કર્યું. ઘડિયાળમાં નજર નાખી. ઓહ ! હવે બે મિનિટમાં બેલ વાગશે અને તેમની ગણતરી પ્રમાણે ડોરબેલ ગાજી ઊઠ્યો. દરવાજો ખોલતાં જ પરાગભાઈનો ગુસ્સાથી તમતમતો અવાજ ગાજી ઊઠ્યો, “શીટ... યાર કેટલો ટ્રાફિક... કંટાળી ગયો.” રાગિણીબેન પાણી લાવ્યાં. પરાગભાઈનું મોઢું બગડી ગયું. “યાર આવું ગરમ લાહ્ય પાણી ! માણસ ગરમીમાં કંટાળીને આવતા હોય ત્યારે ઠંડુ પાણી પણ તું ન આપી શકે? તું પંખા નીચે આરામથી ટી.વી. જોયાં કરે એટલે તને શું ખબર પડે કે અમે કેટલાં હેરાન થતાં હોઈએ છીએ?” “અરે ! પણ મલય અને ઉર્વી આજે ઘેર હોવાથી... તમને તો ખબર છે કે મલયને ખાલી બાટલા ફ્રીઝમાં મૂકવાની ટેવ છે. બાટલા ભરવાની તો આળસ જ.” “બસ...બસ...હવે, તારાથી ન જોવાય?” “હું કેટલી જગ્યાએ ધ્યાન આપું?” રાગિણીબેન કંટાળીને બોલ્યાં. “હા...હા...હવે તારી ઉંમર થઈ અને તેની સાથે બુદ્ધિ પણ બહેર મારી ગઈ છે. ઘરડી થઈ ગઈ હવે તું.” કહી પરાગભાઈએ મોટું લેક્ચર આપી દીધું. રાગિણીબહેન મનમાં બોલ્યાં, ‘એ ઘરડો થયો હોય એટલે જ તો થાકી જાય છે. પ્રાઈવેટ જૉબ છે એટલે, નહીંતર ક્યારનોય રિટાયર્ડ...’ પરાગના શબ્દો તેના દિલમાં વાગીને કાયમની જેમ કાનમાંથી સરી ગયા. એટલામાં મલય અને ઉર્વી વાવાઝોડાંની જેમ દાખલ થયાં. ઉર્વી આવતાંની સાથે જ બોલી ઉઠી, “તમે નકામા ટેન્શન કરતાં હતાં. મમ્મીજી તો જુઓને બરાબર જ પહોંચી ગયાં છે.” મલય અકળાઈને બોલ્યો, “મમ્મી, તું ફોન કેમ નહોતી ઉપાડતી? તને પર્સમાં રાખવા માટે લઈ આપ્યો છે? ‘સાઠે બુદ્ધિ નાઠી’ તેવું છે. અમને કેટલું ટેન્શન થયું. પાછી સ્વીટુ પણ તારી સાથે... બીજું તો કંઈ નહીં પણ પડી આખડી હોય તો... આ ઉંમરે હવે ફ્રેક્ચર થાય તો સંધાતાં વાર લાગે. મારા ફ્રેન્ડની મમ્મીને ત્રણ લાખ થયા તો પણ ચલાયું જ નહીં.” “પણ... તું મારી વાત તો સાંભળ. હું આવતાંની સાથે જ કામમાં લાગી ગઈ. સ્વીટુ પણ રડતી હતી તેને દૂધ પીવડાવી સૂવડાવી તેમાં...” પણ તેમણે જોયું તો તેમની દલીલ સાંભળવા કોઈ હાજર નહોતું. તેમના શબ્દો દીવાલેથી અથડાઈને પાછા આવતા હતા. તેઓ બધાં તો ક્યારનાય ફ્રેશ થવા પોતપોતાના રૂમમાં ચાલ્યાં ગયાં હતાં. તે મનમાં સમસમીને બોલ્યાં, “ટેન્શન થતું હતું તો વહેલા ઘરે ન અવાયું? આટલા મોડાં તો આવ્યાં !” એક દિવસ મલયે ફિલ્મ જોવાનું ગોઠવ્યું. પરાગભાઈએ ના પાડી. “મમ્મી, તારે આવવું છે?” “હા... મેં તો કેટલાય ટાઈમથી ફિલ્મ નથી જોઈ. હું આવીશ.” તે તૈયાર થઈને બહાર આવ્યાં. “મમ્મીજી, તમને હવે આવાં કપડાં નથી શોભતાં, હેં ને મલય ! તું શું કહે છે? સિમ્પલ અને સોબર ડ્રેસ કરાવવા જોઈએ. મલય, તારું શું કહેવું છે?” “હા...હા,... મમ્મી, ઉર્વીની વાત તદ્દન સાચી છે. હીલ્સ પણ પહેરવાની માંડી વાળ. હવે તારી ઉંમર નથી હીલ્સ પહેરવાની. મોજડી પહેર. ફેશનેબલ ચંપલ પહેરીને નીકળશે અને પડી જશે તો બધા કહેશે, ‘ઘરડી ઘોડી લાલ લગામ’ હો...હો...” મલયના હાસ્યમાં પરાગભાઈએ પણ સૂર પૂરાવ્યો. તેમની આવી મશ્કરી રાગિણીબેનના કાળજાને વીંધી રહી હતી. તે ચૂપ હતાં. પણ આંખની ભીનાશ દિલની ચૂભન જાહેર કરતી હતી. તે ધીમેથી માથે હાથ રાખી બોલ્યાં, “ઓહ, મારાથી ફિલ્મ જોવા નહીં આવી શકાય. મારું માથું દુઃખે છે. તમે જઈ આવો.” કહીને કપડાં ચેઇન્જ કરવા રૂમમાં જતાં રહ્યાં. જતાં-જતાં તેમણે મલયના શબ્દો સાંભળ્યા, “હા...હા... હવે મમ્મીને આવી ફિલ્મ નહીં ગમે. ચાલો, સ્વીટીને રાખવાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો.” તે મોટેથી બોલ્યો, “મમ્મી, ખાલી પાઉંભાજી બનાવજે. બીજું કંઈ વધારે કંઈ ન કરતી. તને સ્વીટી સાથે સહેલું પડશે.” તેઓ રૂમમાં આવ્યાં. જોયું તો પરાગભાઈ અપ ટુ ડેટ તૈયાર થઈ ગયા હતા. પરફ્યુમના મઘમઘાટથી આખો રૂમ મઘમઘી રહ્યો હતો. તે બોલી ઊઠી, “અરે ! તમે ક્યાં જાવ છો?” “રાગિણી, આજે મારે ગેટ ટુ ગેધર જેવું છે. બધા જ જૂના ફ્રેન્ડ્સ મળવાના છીએ. તું મારું જમવાનું ન બનાવતી. મને કદાચ આવવામાં મોડું થશે.” રાગિણીબેન ધીમેથી બોલ્યાં, ‘મને એમ કે આપણે કોઈ ગાર્ડનમાં...’ પણ પરાગભાઈ તો સાંભળ્યા વગર ચાવી ઘુમાવતા બહાર નીકળી ગયા. ઘરમાં સુનકાર વ્યાપી ગયો. સ્વીટુ ઘસઘસાટ ઊંઘતી હતી. તે આડી પડી તો તેની સામે સોળ વર્ષથી રાગિણી પ્રગટ થઈ. તે જોરજોરથી હસી રહી હતી. “કેમ છે?” તે કહી રહી હતી. “તને નથી લાગતું કે સિક્સટિન અને સિક્સટી લાઈફમાં મોટો ભાગ ભજવે છે? જેવી છોકરી સોળ વર્ષની થાય એટલે...હા... મારાં દાદી પણ હું સોળમા વર્ષમાં પ્રવેશી ત્યારે કહેતાં, મોટી ગોધા જેવડી થઈ પણ કંઈ વળોટ જ નથી આવ્યો ! ‘સોળે સાન આવે તો આવે, નહીં તો-’ મમ્મી બોલતી, ‘બેટા, તું સોળ વર્ષની થઈ, હવે નાની નથી. બેસતાં-ઊઠતાં ધ્યાન રાખવાનું. થોડી સિન્સિયર બન. મોડે સુધી મહોલ્લામાં છોકરાઓ સાથે ન રમાય. રખડવાનું બંધ કર.’ ફ્રેન્ડ્સ બોલતી, ‘શું આમ મણિબેનની જેમ માથામાં તેલ નાખીને વાળ ઓળે છે? હવે આપણે ટિન-એજ છીએ. ફેશનેબલ કપડાં પહેરાય. બધાં મણિબેન કહેશે.’ મા બોલતી, ‘ગિલ્લીદંડા ન રમાય. છોકરા સાથે ન બોલાય.’ એક વાર તો દાદીએ હદ કરી. મને ડાન્સ કરતાં જોઈ ગયાં. અને પગમાં વેલણ ફટકાર્યું ! ‘આ શું સિનેમાની નટીની જેમ નાચ્યાં કરે છે? શરમ નથી આવતી? આપણા ખાનદાનમાં આવું શોભે? ખબરદાર જો આજ પછી – ટાંટિયા તોડી નાખીશ.’ અને ‘મા’ ભીની આંખે ચૂપચાપ જોઈ રહી. દાદીએ તેને પણ કંઈ કહેવામાં બાકી ન રાખ્યું. ‘તારી છોકરીને દુનિયાદારીનું ભાન શીખવ. હવે સોળ વર્ષની થઈ. જ્યાં હશે ત્યાં રોટલા જ ટીપવાના છે. ભણીગણીને પણ વળોટ જ નથી !’ દાદી ગયાં પછી મેં ગુસ્સામાં તેના ચાળા પાડ્યા તો મમ્મી ખીજાઈ ગઈ, ‘વડીલ કહેવાય. આવું બધું તું ક્યાંથી શીખી? મારો ઉછેર ન લજવતી.’ પછી તો ડાન્સમાં ગુપચુપ ભાગ લીધો અને પ્રથમ ઈનામ મળ્યું તે પણ દાદીથી છાનું કબાટમાં સંતાડી દીધું. મારા આનંદનો ભાગીદાર માત્ર કબાટ જ ખિલખિલાટ હસતું દેખાતું. સોળ વર્ષે પણ કેટલું સાંભળવાનું ! કેમ મોડું થયું? શું કરતી હતી? ઓહ ! કેટલા સવાલ ! તેણે આજે પણ કાન પર હાથ મૂકી દીધો. સોળ અને સાંઠનું કેટલું મહત્ત્વ જિંદગીમાં – ‘સોળે બુદ્ધિ આવે ને સાંઠે જાય’ ઓહ ! કેવું છે આ બધું? એટલામાં ફોનની રીંગ રણકી ઊઠી, “હા, બોલ, સલોની, બેટા, મજામાં ને, જમાઈરાજ કેમ છે?” તેણે વાત પતાવી રિસીવર જોરમાં પટક્યું. તે પણ કેવું કહી રહી હતી? મમ્મી, અમે ફરવા જવાનાં છીએ. તું મારા છોકરાવને રાખજે. પછી તે જ લેક્ચર – તારું ધ્યાન રાખજે. ખાંડ અને તેલવાળું ઓછું ખાજે. આ ઉંમરે જ ડાયાબિટીસ અને હાર્ટ પ્રોબ્લેમ થાય. મમ્મી, તારે ચાલવામાં ધ્યાન રાખવાનું, કેલ્શિયમની ટિકડી લેવાની વગેર વગેરે... ઓહ ! ડોરબેલ રણકી ઊઠી. તે ઊભી થઈ. “અરે ! બેલા, તું? ઘણા સમયે?” “હા. આ વખતે આપણે સિનિયર સિટિઝનવાળાએ ટૂર ગોઠવી છે. તું પણ ચાલ. મેં તારું નામ લખાવી દીધું છે. બહાનું નહીં કાઢતી.” બેલા એકશ્વાસે ઘણું બોલી ગઈ અને ઘણી સમજણ પણ આપી. “ના...ના... આ વખતે કોઈ બહાનું નહીં કાઢું.” “તો તું કાલે રેડી રહેજે. તારા પૈસા ભર્યા છે.” બેલા જતાંની સાથે જ રાગિણી સિક્સટિનની થઈ ગઈ. તેણે પેકિંગ ચાલુ કરી દીધું. “અરે ! રાગિણી, તું કશે જવાની તૈયારી કરે છે? મને પૂછતી પણ નથી?” પપ્પાનો અવાજ સાંભળી મલય અને ઉર્વી પણ દોડી આવ્યાં. “મમ્મી, કશે જાવ છો?” “હા. બેલા આવી હતી. તે લોકો સાથે ફરવા જાઉં છું. તેણે મારા પૈસા પણ ભરી દીધા છે. તે મને કહે કે, ઉંમર થઈ. છોડ હવે આ બધું. આપણે થોડા દિવસ કૉલેજના દિવસોની યાદ તાજી કરી લઈએ. તેથી હું પંદરેક દિવસ ફરી આવું. આમ પણ વર્ષોથી કશે જ ગઈ નથી અને આગળ જતાં ક્યારેય નહીં જવાય.” “પણ મમ્મીજી તમારી તબિયત... હવે આ ઉંમરે તમને એકલાં મોકલતાં જીવ નથી ચાલતો.” “બેટા, હવે હું પરવારી જ ગઈ કહેવાઉં. કદાચ કંઈ થઈ જાય તો પણ લીલી વાડી મૂકીને જ ગઈ કહેવાશે. હું સવારે છ વાગ્યે નીકળીશ.” રાગિણીબેનના મક્કમ નિર્ણયને કોઈ ફેરવી ન શક્યું. સાત-આઠ દિવસ પછી સવારમાં પપ્પાના આનંદની ચિચિયારી સાંભળી મલય અને ઉર્વી દોડી આવ્યાં. પરાગભાઈ આનંદથી બોલી ઉઠ્યા, “જુઓ તમારી મમ્મીએ વૉટ્સેપ પર ફોટા મોકલ્યા છે. જીન્સ અને ટી-શર્ટમાં કેટલી સુંદર લાગે છે. એકદમ યંગ, લગ્ન વખતે હતી તેવી જ.” “હા...યાર... મમ્મી કેટલી બ્યુટિફુલ લાગે છે અને આ શેનો વીડિયો મોકલ્યો છે?” તેમણે ડાઉનલોડ કર્યો તો મમ્મી ડાન્સ કરી રહી હતી અને બીજા ફોટામાં ટ્રોફી સ્વીકારતી મમ્મી. “વાહ ! મમ્મી શું એન્જોય કરે છે ! પણ આપણને અહીં કેટલી તકલીફ પડે છે? પપ્પા, કામવાળી પણ નથી આવતી, તમે મમ્મીને કહી દો કે પ્રવાસ ટુંકાવીને પાછી આવી જાય. ઘરની તો પથારી ફરી ગઈ છે. ઉર્વીને પણ મણકામાં સોજો આવી ગયો છે.” પણ પરાગભાઈનું ધ્યાન તો મોબાઇલ જોવામાં જ મશગૂલ હતું. તેમની આંખોમાં આનંદ સ્પષ્ટ જોઈ શકાતો હતો. કદાચ રાગિણી અહીં હોત તો...