નારીસંપદા : ટૂંકી વાર્તા/સોનેરી ક્ષણ
નીતા કઢી
"આ લો તમારી ટીકીટ, પાસપોર્ટ અને પેપર્સ વગેરે સાચવીને રાખો." નીતિનભાઈએ કહ્યું. "તમે જ રાખોને ભાઈ, આપણે સાથે જ તો છીએ." ભરતભાઈ બોલ્યા. ભરતભાઈ અને નીતિનભાઈ એર ફ્રાન્સ એરલાઇન્સમાં મુંબઈથી સ્કોટલેન્ડ જવા નીકળ્યા હતા. બંને ભાઈઓ જાણે રામલક્ષ્મણની જોડી હતા, તો તેમનાં પત્નીઓ પણ સીતા ઊર્મિલાની જોડી જ જોઈ લ્યો. નીતિનભાઈએ તો પોતાના ત્રીજા ભાઈ અંકિતભાઈને પણ પરાણે આવવાનું કહ્યું હતું, "ચાલોને, બધા સાથે હોઈશું, તો મજા આવશે." સંયુક્ત પરિવાર, ધીખતો ધંધો, તેમનાં માતાપિતા તો જાણે ત્રણ શ્રવણનાં જ માતાપિતા હોય તેમ ગર્વ અનુભવતા હતાં. વળી, પ્રપૌત્રો પણ જાણે શ્રવણનાં સંતાનો હોય એવા હતાં. ચેક ઇન અને બોર્ડિંગ કરાવી બધા પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા. બધા આગળપાછળ અલગ અલગ જગ્યાએ, પણ ગપગોળા, ઠઠ્ઠામશ્કરી અને મજાકમસ્તીમાં ડૂબી સ્કોટલેન્ડનાં સ્વપ્નો જોવા માંડ્યાં. ભારતીબેનની બાજુમાં સ્વીડનના વતની મિસિસ પિન્ટો અને એની બાજુમાં ભારતીબેનની દીકરી નમ્રતા બેઠી હતી. ધીરે ધીરે બધી ગોઠવણ કરી, સાથે કેવી રીતે બેસી જઈશું એમ વિચારવા લાગ્યા. ભારતીબેન સ્વભાવે વાચાળ, તો સામે પક્ષે મિસિસ પિન્ટો પણ કમ ન હતાં. ભારતીયો સાથે જાણે શું લગાવ હોય, એમ ખુશ ખુશ હતાં. ભારતીબેનને અંગ્રેજી બહુ ન આવડે, પણ તૂટીફૂટી અંગ્રેજી બોલી જાણે, તો મિસિસ પિન્ટોને ગુજરાતી, હિન્દી, મરાઠી ન આવડે, પણ ભારતીય ભાષા કન્નડ અને મલયાલમ આવડે. બંને વાચાળ હતાં. ચૂપ કેમ બેસાય? પ્રથમ મલકાઈને, બાદ દાંત દેખાડીને હાસ્ય અને બાદમાં સંકેતો દ્વારા વાત થતાં થતાં વાતચીતનો દોર જાણે ક્યારે, કેવી રીતે ચાલુ થઈ ગયો, એની ખબર જ ન પડી. મિસિસ પિન્ટોએ કહ્યું, "હું લગભગ દર બે ત્રણ વર્ષે ભારત આવું છું." "એમ?" ભારતીબેનને અચરજ થયું. "હું મૂળ કેરળની જ છું." ભારતીબેન આશ્ચર્યથી જોઈ રહ્યાં. તરત બોલ્યાં, "તો... સ્વિડન!" "સ્વિડન મારું વતન બની ગયું છે." મિસિસ પિન્ટો ભૂતકાળમાં સરી પડ્યાં. "When I was Six years old કેરળના Nancy Orphanage માંથી સ્વિડન દંપતીએ મને દત્તક લીધેલી." "તો તમારાં માતાપિતા?" "પિતાની તો ખબર નથી, પણ છ વર્ષની વય સુધી જોયેલો માનો ચહેરો હજુય બરાબર યાદ છે, સામે તરવરે છે." "ત્યાં તમારાં માતાપિતા..." સ્વિડન ગયા બાદ ત્યાં માબાપે સતત લાડપ્યારમાં રાખીને મોટી કરી. હું પોતે દસ વર્ષની થઈ, ત્યાં તેમને જોડિયા દીકરાઓનો જન્મ થયો. મને બે ભાઈઓ મળ્યા. માબાપ, મારા બે ભાઈઓ અને હું ખુશીથી, મસ્તીથી, આનંદથી સુંદર જિંદગી જીવતાં હતાં. પણ, અંદરખાને ઘણી વાર મને મારી જન્મદાતા માએ શા માટે મને અનાથાશ્રમમાં મૂકી હશે, એ કેવી રીતે હવે જીવતી હશે, કંઈ મજબૂરી હશે, એ વિચાર સતત આવતો રહેતો હતો. મિસિસ પિન્ટોએ નિસાસો નાખ્યો. હવે તો એ વાતને વર્ષો વીતી ગયાં. ભારતીબેને મિસિસ પિન્ટોનો હાથ પકડી લીધો, જાણે પોતાની જ બહેન ન હોય! ભારતીબેને પૂછ્યું, "તો તમારાં લગ્ન? બાળકો?" એ માતાપિતાએ સ્વિડનનો સરસ દેખાવડો, કમાતો છોકરો જોઈ પરણાવી. સરસ પતિ, સરસ ઘર અને બે બાળકો સાથે ખૂબ ખુશ છું. આજે તો બંને બાળકો પિતા સાથે ધંધામાં સેટ થઈ ગયા છે. "ત્યાં તમે સંયુક્ત કુટુંબમાં રહો છો?" હા, બધાં સાથે જ રહીએ છીએ. મોટા દીકરાના લગ્ન થઈ ગયાં છે, નાના દીકરાનું પણ નક્કી કરી લીધું છે. હમણાં એ ધંધો વધારવાને કારણે બાજુના સિટીમાં રહે છે, પણ શનિવાર રવિવાર અને તહેવારોમાં સાથે જ રહેવાનું, જમવાનું અને પિકનિક મનાવવાની." "તમે કેરળમાં હજુ માને શોધો છો?" "હા, મારા પતિ પણ બે વાર મારી સાથે આવ્યા છે, અને એક વાર દીકરો પણ આવ્યો હતો. કાયદાના હિસાબે Orphanage વાળા તો કોઈને જણાવી ન શકે, તેથી જણાવે નહિ, પણ હું જાઉં ત્યારે ત્યાંની આજુબાજુની બધી ગલીઓમાં ફરું છું, મારી મા પણ મારાં જેવી જ દેખાતી હશે ને? કયાંક એ મને મળી જાય! હું એને સ્વિડન મારી સાથે લઈ જાઉં. ન જાણે એની કેવી મજબૂરી હશે કે એણે મને છોડવી પડી હશે!" એમણે જોરથી ભારતીબેનનો હાથ પકડી લીધો. કહ્યું, "મારી પાસે બધું જ છે. હું બધું જ સુખ એને આપવા માંગુ છું." મિસિસ પિન્ટોની આંખમાં પાણી તરી આવ્યાં. ભારતીબેન પણ ભાવુક થઈ ગયાં. મિસિસ પિન્ટો કેરળમાં "Nancy Orphanage" માં જઈને બને તેટલી મદદ કરે. માને મળવાની દરેક શક્યતાઓ પર પ્રયાસ કરે. "Nancy Orphanage" આજે એમનું પિયર બની ગયું છે. ત્યાં તો અચાનક પ્લેનમાં અવાજ આવવા માંડ્યો. સીટ બેલ્ટ બાંધવાની તાકીદ કરવામાં આવી. વિમાન ડાબે જમણે ડોલવાં લાગ્યું. કદાચ કોઈ પંખી અથડાયું હશે, એવી ધારણાઓ બાંધવા માંડ્યાં. હવામાન અચાનક બદલાયું હશે? અનેક અનુમાનો કરવા લાગ્યાં. વારંવાર આંચકાઓ લાગવા માંડ્યા. પાછળ બેઠેલા યુરોપિયન દંપતીને લેફ્ટ વિંગના એન્જિનમાં આગના તણખા દેખાયા. એમણે એરહોસ્ટેસને જણાવ્યું. પાઇલોટને તાકીદ કરે ન કરે, ત્યાં તો સૂચનાઓ ઝબકવા લાગી. ફાયર વોર્નિંગ લાઈટ ચાલુ થઈ ગઈ. ઓબ્જેક્ટ ટેમ્પરેચર રેન્જ ઓફ ફાયર ઓન ધ ટોપ બતાવવા લાગ્યું. એરક્રાફ્ટ એન્જિનમાં સ્મોક એન્જિન સૂચવતું હતું. અચાનક યુરોપિયન મિ. જ્હોનની ચીસ સંભળાઈ. "Oh my God, there is fire!" બધાંનું ધ્યાન એમની તરફ કેન્દ્રિત થયું. બધાં ઊંચાનીચા થઈ ગયાં. તણખાએ આગનું સ્વરૂપ ધર્યું. બંને પાઇલોટ્સ બને ત્યાં સુધી જલ્દીથી ક્યાંક સલામતીથી લેન્ડિંગ કરવાની તક શોધતા હતા. એરહોસ્ટેસ બધાને શાંત રહેવાની સૂચના આપતી હતી. ઘણાં પોતે જેમાં શ્રદ્ધા ધરાવતાં હોય એ ભગવાનને પોતપોતાની રીતે પ્રાર્થના કરવા માંડ્યા. સીટ બેલ્ટ બાંધવો કે છોડવો એની દ્વિધામાં ચીસો પડાવા મંડી. એક રશિયન કપલ મસ્ત રીતે સુતું હતું. એમને કોઈ ફરક પડ્યો નહિ. ભારતીબેનના પરિવારના લગભગ દરેક સભ્યો પાછળની બાજુએ જ હતા. આગે જોર પકડ્યું. સૌ કોઈ ગભરાયેલા હતા. બે જણાએ ઉશ્કેરાટમાં આવી જઈ સીટ બેલ્ટ છોડી નાખ્યો. પોતાની જગ્યાએથી ઊભા થવા ગયા, એકબીજાનો ધક્કો લાગ્યો. એમાં એક નીચે પડ્યો. એર હોસ્ટેસ માંડ માંડ બેલેન્સ સંભાળતી આવી. બંનેને શાંત પાડવા મથી રહી. બંનેને એમની જગ્યાએ બેસાડ્યા. સીટ બેલ્ટ બાંધવાનું કહ્યું. ધમાચકડી મચી હતી. પાઇલોટ લેન્ડિંગ કરવાની તજવીજ સાથે મહેનત કરતા હતા. આગે તો તબાહી મચાવી હતી. પાછળના ભાગમાં બેઠેલા દરેકને આગે ઝડપમાં લેવા માંડ્યા. કેટલાક આગથી બચવાની આશામાં સીટની નીચે ભરાઈ ગયા. તેઓ તો આગમાં તરત ભૂંજાઈ ગયા. ભારતીબેનનાં બંને જેઠ- જેઠાણી તેમ જ છોકરાઓ, અન્ય મુસાફરો આગના ગોળામાં તરફડવા લાગ્યાં. કોઈ એક વ્યક્તિએ એક વર્ષનું બાળક રાડ પાડીને ફેંક્યું. મિસિસ પિન્ટોની નજર પડી. એમણે બાળકને તો આબાદ પકડી લીધું. પોલેન્ડ એરપોર્ટ પર તાકીદનું ઉતરાણ કરવાની રજા લેવામાં આવી. એરપોર્ટ પર ફાયર ટ્રક્સ તૈયાર રાખી હતી. ડોક્ટર્સ અને અન્ય સગવડો પર્યાપ્ત રાખી હતી. પાઇલોટની સૂઝબૂઝને કારણે મહામુસીબતે પ્લેન પોલેન્ડ પર ઇમરજન્સી લેન્ડ થયું, ત્યાં સુધીમાં વિમાનનો પાછળનો મોટો ભાગ બળી ગયો હતો. પોલેન્ડ એરપોર્ટ પર ઇમરજન્સી દરવાજો ખોલી નાખી બચેલાઓને ઝડપથી નીકળવાનું કહ્યું. એમાં સરકતી વખતે ભારતીબેનને હાથમાં માર વાગ્યો અને ફ્રેકચર આવ્યું. ભારતીબેનના પતિ ભરતભાઈ, દીકરી નમ્રતા, મિસિસ પિન્ટો, મિસ્ટર પિન્ટો બાળકી સાથે આગળના ભાગમાં હોવાથી ફટાફટ બહાર આવી ગયાં. તેત્રીસ યાત્રીઓ બચ્યાં હતાં. એક ક્રુ મેમ્બર અને પાઇલોટ્સ પણ બચ્યા હતા. બધાં બહાર આવી ગયાં. વિમાન ખૂબ બિહામણું લાગતું હતું. પોતાનો જીવ બચી જતાં ભગવાનનો આભાર માનવા લાગ્યાં. આ યાત્રીઓને પોલેન્ડથી સ્કોટલેન્ડ જવા બીજા વિમાનની સગવડ કરી આપી. પણ ભરતભાઇ, ભારતીબેન અને નમ્રતાએ મુંબઈ પરત જવાનું જણાવ્યું. મિસિસ પિન્ટો અને મિસ્ટર પિન્ટોએ પણ મુંબઈ પરત થવા વિનંતી કરી. ભારતીબેનને આશ્ચર્ય થયું. ભારતીબેને મિસિસ પિન્ટો સામે જોયું. આ ગોઝારા અકસ્માતમાં એક વર્ષની બાળકી નિરાંતે મિસિસ પિન્ટોના ખભા પર સૂતી હતી. વિમાન મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. ઘડીકમાં હતું ન હતું થઈ ગયું. લગભગ દરેકે પોતાનું સ્વજન ગુમાવ્યું હતું. સ્વસ્થતા ગુમાવી બેઠેલાં ભારતીબેને મિસિસ પિન્ટોને ધીમા અવાજે પૂછ્યું, "તમે... તમે... ક્યાં જશો?" તો મિસિસ પિન્ટોએ બાળકીને છાતીએ ચાંપી દીધી અને કહ્યું, "Nancy Orphanage, કેરળ". "મને મારી મા મળી ગઈ. મારી માનો આ પુનર્જન્મ હશે. મારી જિંદગીની આ સોનેરી ક્ષણ છે."