નીતિન મહેતાનાં કાવ્યો/આવે ત્યારે
લખાયેલા શબ્દોમાં
ખાલીપણું
ચુપચાપ પેસી ગયું છે
હવે આ છેલ્લી ચાલમાં
ભલે કોઈ સાથી નથી
માત્ર મારે જ ચાલવાનું છે
જાણું છું
તું હાંફળું હાંફળું થયું છે
જલદી મને છોડશે નહીં
હજીયે તું મને
થોડું ચલાવશે
થોડું થોડું હંફાવશે
વધારે ને વધારે થકાવશે
વારંવાર રિબાવશે
હું તો ચાલીશ હાંફીશ થાકીશ રિબાઈશ
પણ શરણે તો નહીં જ
દરેક માંદગી મને થોડો થોડો
ભૂંસતી જાય છે
ને તારી છબિ ચોખ્ખી થતી જાય છે
પણ
તું મને બદલી શકશે નહીં
ચાલ બહુ થયું
હવે ભાષા વિનાના પ્રદેશમાં
પહેલાં હું પહોેંચું
તું શું છે એ જાણવા
તને થોડો સમય મળી રહેશે.
અચ્છા તો –
તું પાછળ પાછળ આવ