નીરખ ને/અંગત આઘાત અને કૃષ્ણમૂર્તિની જીવનકથા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

કલાકારો શું બીજાં મનુષ્યો કરતાં ઘણા બધા જુદા હોય છે? આપણે શા માટે જીવનને વિજ્ઞાની, કલાકાર, ગૃહિણી, દાક્તર એ રીતે વિભાજિત કરીએ છીએ? કલાકાર કદાચ થોડો વધુ સંવેદનશીલ, નિરીક્ષક કે જીવંત હોય એ બને, પણ માનવી તરીકે એને પણ પ્રશ્નો હોવાના. એ ભલે અનુપમ ચિત્રો પ્રદર્શિત કરે કે સુંદર કવિતા રચે કે હાથ વડે ચીજો ઘડી કાઢે છતાં એ ચિંતાતુર, ભયભીત, ઈર્ષાળુ, મહત્ત્વાકાંક્ષી હોવાને કારણે મનુષ્ય જ છે. ‘કલાકાર’ મહત્ત્વાકાંક્ષી કેવી રીતે હોઈ શકે? અને જો હોય તો એ કલાકાર રહેતો નથી. વાયોલિન કે પિયાનો વગાડનાર પોતાના વાદ્યનો ઉપયોગ ધન કમાવા માટે કે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે કરે તો એ સંગીતકાર નથી. અથવા તો વિજ્ઞાની સરકારો માટે, સમાજ માટે, યુદ્ધ માટે કાર્ય કરે એ શું વિજ્ઞાની કહેવાય? જ્ઞાન અને સમજણની ખોજ કરતો આ મનુષ્ય બીજાં મનુષ્યોની જેમ જ ભ્રષ્ટ થઈ ગયો છે. પોતાની પ્રયોગશાળામાં ભલે એ અજબ હોય કે કેન્વાસ પર એની અદ્ભુત અભિવ્યક્તિ હોય, પણ એ અન્ય જેવો જ અંદરથી વિચ્છેદાયેલો છે; એટલો જ ક્ષુદ્ર, લઘરવઘર, ચિંતિત, ભયભીત છે. નક્કી એક કલાકાર, એક મનુષ્ય, એક વ્યક્તિ આખી, અવિભાજ્ય, સંપૂર્ણ ચીજ છે. વ્યક્તિનો અર્થ અવિભાજ્ય વ્યક્તિ. પણ આપણે એ નથી; આપણે વેપારી, કલાકાર, દાક્તર, ભાંગી પડેલા, ખંડિત છીએ, અને એટલે આપણે એવું જીવન જીવીએ છીએ — અરે, એ વર્ણવવાની મારે જરૂર નથી, તમે જાણો છો. ...તમારે શા માટે પસંદગી કરવી પડતી હોય છે? જ્યારે કોઈ વસ્તુ સ્પષ્ટપણે દેખાતી હોય ત્યારે પસંદગીની જરૂરત ક્યાં ઊભી થાય છે? મન જ્યારે ગૂંચવાયેલું, અચોક્કસ અને અસ્પષ્ટ હોય ત્યારે એને પસંદગી કરવાની હોય છે. હું કાળા અને લાલ વચ્ચેની પસંદગીની વાત નથી કરતો, પણ માનસિક સ્તરે કરવાની પસંદગીની વાત કરું છું. તમે જો ગૂંચવાયેલા ન હો તો પસંદગીની વાત આવે જ ક્યાંથી? પરંતુ જો ખૂબ સ્પષ્ટ રીતે વિકૃતિ વિના જોઈ શકાય તો શું પસંદગીની જરૂર રહે ખરી? અહીં વિકલ્પો નથી. હા, જ્યારે બે ભૌતિક માર્ગો વચ્ચે પસંદગી કરવાની હોય છે – તમે એક કે બીજી દિશામાં જાઓ – ત્યારે વિકલ્પો હોય છે ખરા. ગૂંચવાયેલા – વિભાજિત મનને માટે પણ વિકલ્પોની હસ્તી હોય છે. માટે તો એ સંઘર્ષમાં છે, હિંસક છે. ... પણ જ્યારે તમે સમગ્રપણે હિંસાના મૂળ સ્વરૂપને – એના અત્યંત પાશવીથી અત્યંત સૂક્ષ્મ સ્વરૂપને – ખૂબ સ્પષ્ટ રીતે જોઈ શકો તો તમે એનાથી મુક્ત થઈ શકો.

જે. કૃષ્ણમૂર્તિ



અંગત આઘાત અને કૃષ્ણમૂર્તિની જીવનકથા

જીવનમાં એવી તો ભયાનક કટોકટી આવીને ઊભી રહે છે કે જ્યારે સમગ્ર સર્જનાત્મક સાહિત્ય, તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો બિલકુલ ઠાલાં, અનાવશ્યક અને છીછરા લાગે છે. આપણને કહેવામાં આવ્યું છે કે દરેક તબક્કે આપણને જીવનમાં પસંદગી કરવાની આવતી હોય છે. બલ્કે આપણને પસંદગી કરવાની સ્વતંત્રતા છે, કહો કે સજા છે – We are condemned to freedom. પણ અચાનક જીવનની વિકરાળ મોંફાડ તમારું અંતરતમ એવું તો હડપ કરી જાય છે કે ત્યારે કોઈ તમારી પસંદગી પૂછવા રહેતું નથી. મન પોકારી પોકારીને પૂછે છે કે આ જીવન શું છે? આ રિયાલિટી શું છે? આ કેવો ફારસ છે? મન ઢૂંઢે છે અનેક જ્ઞાનીઓનાં અને સંતોનાં દ્વાર, પણ બુદ્ધિનિર્ભર મન માટે સાંત્વના ક્યાં આસાન છે? જીવન-મૃત્યુ પ્રત્યેનો ભૌતિક અભિગમ – મૃત્યુ સાથે બધું સમાપ્ત થાય છે – બુદ્ધિને સ્વીકાર્ય હોય તોપણ સમગ્ર લાગણીતંત્ર માટે અસહ્ય બની જાય છે. તો બીજી બાજુ તર્કાતીત થવાનું, બીજાં આશ્વાસનો મેળવવાનું પણ એને માટે દુષ્કર છે. ત્યારે કદાચ એને આ સંદર્ભમાં કૃષ્ણમૂર્તિ આશ્વાસક – સંતર્પક ઠરી શકે કે સ્વસ્થતાપૂર્વક પોતાને અને આજુબાજુ નીરખી શકે – રહસ્ય સમક્ષ ઊભો રહી શકે. મેરી લુટિયેન્સે વિશિષ્ટ સંવેદનશીલતા અને વસ્તુલક્ષી પ્રમાણભૂતતાથી લખેલી કૃષ્ણમૂર્તિની જીવનકથા-જાગૃતિનાં વર્ષો પૂરી દાદ માંગી લે છે. કૃષ્ણમૂર્તિની ગમે એટલી ‘કૉમેન્ટરીઝ ઑન લિવિંગ’ કેમ ન પ્રગટ થાય પણ આ જીવનકથા વગર બધું અધૂરું રહેત. કૃષ્ણમૂર્તિના પરિવારમાં કે પછીથી થિયોસૉફિકલ સોસાયટીના જે પરિવેશમાં એ વર્ષો સુધી રહ્યા એમાંથી આજના પ્રજ્ઞાવાન મુક્ત કૃષ્ણમૂર્તિ ઊભા થાય એવો કોઈ મોકળો માર્ગ નહોતો, એવો સંદેહ સુધ્ધાં આપણને ન થાય. એ માત્ર પોતાની આંતરિક શક્તિને કારણે જ બને એની દૃઢ પ્રતીતિ જેમ જેમ એ અદ્ભુત બીના જીવનચરિત્રમાં ખૂલતી જાય છે એમ આપણને થાય છે. ઈ.સ. ૧૮૯૫ની સાલમાં કૃષ્ણમૂર્તિનો જન્મ થયો. પિતા રૂઢિવાદી હતા, પણ છતાં થિયોસૉફિકલ સોસાયટીના સભ્ય પણ હતા. આધ્યાત્મિકતાનાં કોઈ ખાસ દર્શન એમનામાં આપણને થતાં નથી. માતા ખૂબ પ્રેમાળ અને આસ્તિક હતાં. એમની વત્સલતાની ગાઢી અસર કૃષ્ણમૂર્તિ ઉપર પડી હતી. કૃષ્ણમૂર્તિ દસેક વર્ષના હતા ત્યારે માતાનું અવસાન થયું અને એ મા-વિરહનું દર્દ કદાચ એમના અભાન મનમાં એવું પડી રહ્યું હતું કે એમને રોઝાલિન્ડ કે હેલનમાં માતાનાં દર્શનનો આભાસ થયો અને લેડી એમિલી પ્રત્યેની એમની સંકુલ લાગણીમાં પણ એ પ્રગટ થયો. માતા એમની દેવ-દેવતાઓની છબીઓ સાથે એની બિસંટની છબી પણ રાખતાં. લગભગ ચૌદ વર્ષની વયે કૃષ્ણમૂર્તિ અને એમના ભાઈઓ પિતા સાથે ખૂબ જ ખરાબ શારીરિક હાલતમાં મદ્રાસ પાસે અદિયારમાં થિયોસૉફિકલ સોસાયટીની જાગીર બહાર એની બિસંટની સંમતિથી એક જર્જરિત મકાનમાં રહેવા ગયા. એ અરસામાં તે વખતના અત્યંત પ્રભાવશાળી થિયોસૉફિસ્ટ લેડબીટરની નજરે કૃષ્ણમૂર્તિ પડતાં એઓ કહે છે, ‘એની આસપાસ પોતે કોઈ દિવસ જોયું નહોતું એવું અદ્ભુત તેજોવલય હતું – સ્વાર્થના એક પણ કણ વગરનું... એક દિવસ એ આધ્યાત્મિક આગેવાન અને મહાન વક્તા બનશે.’ આ પછી લેડબીટરે નાના કૃષ્ણમૂર્તિને પોતાની પાંખમાં લીધા. આરોગ્ય-સંભાળ, શારીરિક સ્વચ્છતાથી માંડીને અનેક વિષયોમાં અને ભાષામાં પારંગત બનાવવા માટે પ્રબંધ થયો. એમના ઉપર અનેક અકલ્ટ પ્રયોગો થયા અને દીક્ષા અપાઈ. વખત જતાં એની બિસંટે એમને જગદ્ગુરુ તરીકે જાહેર કર્યા, અને એમનો પયગામ ઝીલવા માટે ‘ઑર્ડર ઑફ ધ સ્ટાર ઇન ઇસ્ટ’ નામની સંસ્થાની સ્થાપના કરી. દરમ્યાન કૃષ્ણમૂર્તિ તીવ્ર શારીરિક દર્દો સાથે અનેક અનુભૂતિઓમાંથી પસાર થયા. થિયૉસૉફિકલ સોસાયટીના અકલ્ટ આગેવાનોથી ઉદાસીન થતા ગયા, અને ૧૯૨૯ની સાલમાં પોતાનો જગદ્ગુરુ તરીકે ઇન્કાર કરી ‘ઑર્ડર ઑફ ધ સ્ટાર’નું વિસર્જન કર્યું. એક ઉમરાવે બક્ષેલાં કિલ્લો અને ૫૦૦૦ એકર જમીન તેના માલિકને પાછાં આપ્યાં. થિયૉસૉફિકલ સોસાયટીમાંથી પણ રાજીનામું આપ્યું. એમણે કહ્યું કે સંગઠન એક ટેકણલાકડી, એક નબળાઈ, એક બંધન બની જતું હોય છે. મેરી લુટિયેન્સ લખે છે, ‘K Seemed to reach the culmiration of all those years of physical agony in the attainment of an ecstasy that has never left him. It seems to have been at about this time (૧૯૨૨), when he had reached a consciousness, that he lost his memory of the past almost entirely.’ કૃષ્ણમૂર્તિ ૩૦મી ડિસેમ્બર, ૧૯૩૧ના લેડી એમિલી પરના એમના પત્રમાં લખે છે – જે એમની સારી જીવનધારા ઉપર પ્રકાશ ફેંકે છે : ‘I wanted to understand, I wanted to conquer sorrow, this pain of detachment and attachment, death, continuity of life, everything that man goes through, everyday. I wanted to understand and conquer it. I have. So, my ecstasy is real and infinite, not an escape. I know the way out of the bog of this sorrow. No, this is not an escape.

[મે, ૧૯૮૩