નીરખ ને/સર્જક-પરિચય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સર્જક-પરિચય
Manju Jhaveri Gujarati writer.jpg


‘ફાર્બસ સભા ત્રૈમાસિક’નાં પૂરા સમયનાં સન્નિષ્ઠ અને દૃષ્ટિવાન સંપાદક તરીકે તેમજ બૌદ્ધિક વિચારક-લેખક તરીકે મંજુ હિંમત ઝવેરી(૧૯૨૬-૨૦૦૯)ની શાખ ઘણી ઊંચી હતી. ૧૯૬૧થી ફાર્બસ ગુજરાતી સભામાં સહાયક મંત્રી તરીકે જોડાયાં એ પછી ૧૯૭૪થી ૨૦૦૬ સુધીના ત્રણ દાયકા એમણે ‘ત્રૈમાસિક’નાં સંપાદક તરીકે, સાહિત્ય અને વિચારના એ સામયિકને સમૃદ્ધ કર્યું. સંપાદકની એક મહત્ત્વની ભૂમિકા તરીકે એમણે સાહિત્ય, ફિલસૂફી, સમાજકારણ અને રાજકીય વિચારધારા—એવા વ્યાપક વિષયો પર સંગીન સંપાદકીય લેખો કર્યા. એના પરિણામ સ્વરૂપે ‘નીરખ ને’(૧૯૯૨) તથા ‘પ્રતિસાદ’(૧૯૯૮) એવા બે ગ્રંથો મળ્યા. એમાંનો વિચારવિમર્શ આજે પણ એક સૂક્ષ્મ ને સ્પષ્ટવક્તા છતાં સૌજન્યશીલ સ્વસ્થ વિચારક-ચિંતક તરીકે એમનું મહત્ત્વનું સ્થાન અંકિત કરે છે. મંજુબહેન ૧૯૪૨ના ‘હિંદ છોડો’ના આંદોલનમાં જોડાયેલાં ને જેલવાસ સ્વીકારેલો. એ દરમ્યાન એમણે માર્ક્સનું વાચન-અધ્યયન કર્યું. માર્ક્સવાદી જૂથમાં પણ જોડાયાં. પરંતુ ભ્રાન્તિ-નિરસન થતાં એ વિચારધારામાંથી એમણે મન પાછું ખેંચી લીધું. એમના પર સૌથી મોટો અને ઊંડો પ્રભાવ પડ્યો ગાંધીવિચારનો. એ વિચારણાના ફળસ્વરૂપે એમની પાસેથી ‘ગાંધીજી : આરપાર વીંધતું વ્યક્તિત્વ’(૨૦૦૩) પુસ્તક મળ્યું. આપણા વિચક્ષણ વિદ્વાન લોર્ડ ભીખુ પારેખ સમેત અનેક વિચારકોએ એમાંની મંજુ ઝવેરીની વિચારણાના વિમર્શાત્મક પ્રતિભાવો આપ્યા. બાળપણથી જ, અનેક વિષયોનાં પુસ્તકોના વાચને એમની રુચિને ઘડી. ઉત્તમ અંગ્રેજી વિચાર-ગ્રંથોના વાચન-પરિશીલને પણ એમના વિચારણીય લેખોને સઘન અને સબળ બનાવ્યા. પ્રારંભિક કારકિર્દીમાં એમણે કેટલાંક અંગ્રેજી પુસ્તકોના અનુવાદો પણ કરેલા. આવી સમ્પન્ન રુચિવાળાં આ લેખક-સંપાદક પાસેથી આપણને ઘણી દ્યોતક વિચારણા મળી છે એનું મૂલ્ય ઘણું છે.

—રમણ સોની