નીરખ ને/‘અલવિદા, સાર્ત્ર’

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

‘કાલે જ હું વાંચતી હતી, જર્મનીમાંથી ગીત પક્ષીઓ અદૃશ્ય થવાનાં કારણો વિશે. ...આ આધુનિક યંત્રસંસ્કૃતિ! મારું મન ખિન્ન થયું, મનુષ્યજાતિએ ગુમાવેલા આનંદ માટે નહીં, પણ આ નિરાધાર નાનકડા જીવોના વિનાશના વિચારે મારી આંખમાં પાણી આવી ગયાં... દરેક વસ્તુ મને એટલી તીવ્રતાથી સ્પર્શે છે કે કદાચ એ અસ્વાભાવિક હોય. કોઈ વાર મને લાગે છે કે હું માનવી જ નથી, પણ માનવીના રૂપમાં પક્ષી કે પશુ છું. અહીંના ભંગાર જેવા બાગમાંયે યા એથીયે વધુ મધમાખીઓથી ગૂંજતાં ઘાસનાં મેદાનોમાં મને એકાદા પાર્ટી અધિવેશન કરતાં વધુ આત્મીયતા લાગે છે. આ હું તને કહી શકું છું, કારણ કે તને આમાં સીધો સમાજવાદ પ્રત્યે દ્રોહ નહીં દેખાય. તું તો જાણે છે કે ફરજ પર યા શેરી-સંઘર્ષમાં યા જેલમાં હું મૃત્યુ પામું એવી મારી અંતરની ઇચ્છા છે. તો પણ મારું અંતરતમ વ્યક્તિત્વ તો પાર્ટી-બિરાદરો કરતાં પંખીઓ સાથે જ વધુ છે. એ એટલા માટે નહીં કે આધ્યાત્મિક રીતે નાદાર એવા અનેક રાજપુરુષોની જેમ હું પ્રકૃતિમાં આશ્રય અને શાંતિ શોધું છું. બલ્કે, પ્રકૃતિમાં તો ડગલે ને પગલે મને એટલી ક્રૂરતા દેખાય છે કે હું અત્યંત વેદના અનુભવું છું.’

રોઝા લક્ઝમ્બર્ગ



‘અલવિદા, સાર્ત્ર’

આજે આપણને સીમોન દ બુવારને પણ છેલ્લી સલામ કહેવાનો વારો આવ્યો છે. તા. ૧૪-૪-૮૬ને દિવસે એમણે વિદાય લીધી. સીમોનનું સાર્ત્રનાં છેલ્લાં દસ વર્ષોને આવરી લેતું (૧૯૭૦-૧૯૮૦) પુસ્તક (‘Adieux - A Farewell to Sartre’) ૧૯૮૧માં પ્રગટ થયું. સીમોને આ પુસ્તક સાર્ત્રને જે ચાહતા હતા, ચાહે છે અને ચાહશે એવા સાર્ત્ર-પ્રેમીઓને અર્પણ કર્યું છે. સીમોન સાર્ત્રને ઉદ્દેશીને કહે છે, ‘આ મારું પ્રથમ પુસ્તક છે – બેશક એક માત્ર – જે છપાયા પહેલાં તે વાંચ્યું નથી. એ તદ્દન સંપૂર્ણપણે તને સ્વાર્પણ થયું છે, અને તને એની અસર નથી....તારી બાજુમાં જ મને દાટવામાં આવશે તોપણ તારી અને મારી રાખ વચ્ચે કોઈ સંક્રમણ નહીં હોય. જ્યારે હું ‘તને’ કહું છું ત્યારે તે એક દંભ છે, નરી વાગાડંબરી પ્રયુક્તિ છે. કોઈ સાંભળતું નથી. હું કોઈ સાથે વાત કરી રહી નથી. વાસ્તવમાં હું સાર્ત્રના મિત્રો સાથે વાત કરી રહી છું, – જેમને સાર્ત્રનાં છેલ્લાં વર્ષો વિશે વધુ જાણવું ગમશે.’ આ વૃત્તાંત મુખ્યત્વે સીમોને છેલ્લાં દસ વર્ષો દરમ્યાન રાખેલી રોજનીશી અને એકત્ર કરેલી જુબાનીઓ ઉપર આધારિત છે. આમાં સાર્ત્રની મુલાકાતનો પણ સમાવેશ છે, જેમાં સીમોને વિગતે ખોજ ચલાવતા પ્રશ્નો પૂછ્યા છે, અને સાર્ત્રની લાક્ષણિક જીવંત છબી ઊઠી આવી છે. સાર્ત્ર સાહિત્યજગતના એક એવા પ્રતિનિધિ હતા જેમના વચનનું વજન પડતું, અને કોઈ રાજકીય સત્તા માટે એને તદ્દન ઉવેખવાનું સહેલું નહોતું. એમની ચેતના વૈશ્વિક હતી. વિશ્વના કોઈ પણ ખૂણાનો અન્યાય એમણે પોતાનો ગણ્યો હતો. સમાનતા અને સ્વતંત્રતા એ એમનાં પાયાનાં માન્ય સત્યો હતાં. મનુષ્ય મનુષ્ય વચ્ચેની સમાનતામાં એ સંપૂર્ણપણે માનતા, પણ એમણે સ્પષ્ટ કર્યું હતું કે આ સમાનતા પ્રતિભા અને સાધારણતા (મિડીયોક્રિટી) વચ્ચે નહીં, પણ પોતાની અંદરના વાસ્તવને વફાદાર રહેલા લોકોની વચ્ચેની સમાનતાની વાત છે. સાહિત્ય, તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, સંગીત, ચિત્રકળા, રાજકારણ – એવું એકે ક્ષેત્ર નથી જે સાર્ત્રે સર ન કર્યું હોય, જેને સાર્ત્રનું મૌલિક ચિંતન લાધ્યું ન હોય. આવા સાર્ત્રનાં છેલ્લાં દસ વર્ષો કેવાં ગયાં? એમની જીવનસંધ્યા સાથે એમણે કેવું કામ પાર પાડ્યું? એમણે જે હંમેશાં વરણી-choiceની વાત કરી છે એનો ઠોસ અનુભવ આપણને આ વૃત્તાંતમાં થાય છે ખરો? આપણે કથા-રોજનીશી ઉપર નજર દોડાવી જોઈએ – શું નીપજે છે? અહીં જેમ સીમોનની અપૂર્વ પ્રેમ-મૈત્રી એમ સાર્ત્રના જીવન ઉપર પ્રકાશ પાડતી નાની નાની વિગતોની સચ્ચાઈપૂર્ણ રજૂઆત સુપેરે છતી થાય છે. કેટલાંક સામયિક-સમીક્ષકોને આ વિગતો રસહીન લાગી છે. પણ જેમને માત્ર રંગદર્શી ભાથું મેળવવાથી સ્પૃહા નથી, પણ નક્કર કંઈક જીવનનું સ્વરૂપ સમજવું છે એમને માટે સીમોનનો આ શ્રમ ખૂબ આવકારદાયક છે. વૃત્તાંતમાં સાર્ત્રના સ્વાસ્થ્યના પ્રશ્નો – ઘેરી ચિંતા અને આશા વચ્ચે ઝોલા ખાતા હોય છે. રોજનીશીની શરૂઆત ૧૯૩૦ના વર્ષથી થાય છે. વર્ષની શરૂઆતમાં સાર્ત્રની તબિયત ચિંતા પ્રેરતી નહોતી. પણ પછી એક દિવસ સાંજે સાર્ત્રે ખૂબ વૉડકા પીધો. બીજે દિવસે બપોરે એમના પગોએ સમતુલા ગુમાવી અને જ્યાં ત્યાં ફર્નિચર સાથે અથડાયા. અને પહેલી વાર સીમોન નોંધે છે, “This little apartment so cheerful since I came back has changed its colour. The pretty velvet-piled carpet brings mourning to mind. That is how life will have to beઃ with happiness and moments of delight when all goes well, but with the threat hanging there - life set between parenthesis.’ ૧૯૭૧ના મે મહિનામાં સાર્ત્રે ફરી પગની સમતુલા ગુમાવી, વાણી અસ્પષ્ટ થઈ, મોં વાંકું બન્યું. સાર્ત્રે રોજની જેમ વ્હીસ્કી પીવાનો આગ્રહ રાખ્યો. પરિણામે શબ્દો બહાર આવવા મુશ્કેલી અનુભવવા લાગ્યા. જૂનના અંત સુધીમાં તો સ્થિતિ ઘણી બગડી ગઈ. ખાવામાં અને બોલવામાં ખૂબ દર્દ થતું, જીવવાની બાબતમાં સાર્ત્ર લગભગ નિરપેક્ષ બની ગયા : “When you are old it no longer has any importance.’ વચમાં થોડો સારો ગાળો આવ્યો, જ્યારે એ ખૂબ પ્રસન્ન હતા. પણ પછી ડિસેમ્બરમાં એમને લાગ્યું કે ફ્લૉબેર ઉપરનું પુસ્તક એ પૂરું નહીં કરી શકે. સીમોને પૂછ્યું, ‘તને એનું દુઃખ છે?’ સાર્ત્રે કહ્યું, ‘હા, એનું દુઃખ છે.’ ૧૯૭૨ના વર્ષમાં સાર્ત્રને દાંતે તકલીફ આપવા માંડી – જાહેર સભાઓમાં કે અંગત સભાઓમાં પણ સાર્ત્રનું બોલવાનું બંધ થયું. સાર્ત્રને લાગ્યું કે એ બોલી ન શકે તો રાજકીય જીવનમાંથી નિવૃત્તિ લેવી પડે. વચમાં વચમાં સ્મૃતિ પણ ચાલી જવાની સાર્ત્રે ફરિયાદ કરી. પણ આથી મૃત્યુ સમીપ છે એમ એમને નહોતું લાગ્યું. બીમારીની વ્યથા અને ફરી પાછું પુનર્જીવન એમ છેક અંત સુધી ચાલ્યા કર્યું. ૧૯૭૩નું વર્ષ – “Sartre obstinately drank and smoked and we were horrified.’ ડૉક્ટરે સાર્ત્રને ચેતવણી આપી : ‘શરાબ અને તમાકુ તમારા સૌથી મોટા દુશ્મનો છે.’ શરાબ છોડવાની વાતથી સાર્ત્રને લાગ્યું કે મારા સાઠ વર્ષના જીવનને હું વિદાય આપી રહ્યો છું. આ વર્ષમાં સાર્ત્રે લગભગ દૃષ્ટિ ગુમાવી દીધી. સાર્ત્રે આશા રાખી હતી કે ત્રણ મહિનામાં એની દૃષ્ટિ પાછી આવશે. અર્ધ અંધત્વની હકીકતમાંથી છૂટવા એ વધુ ને વધુ ઊંઘી રહેતા. છેવટે સાર્ત્રને લાગ્યું કે એ હવે કદી વાંચી શકશે નહીં. સીમોન લખે છે, “Then he looked with a look of anxiety and almost of shame. ‘Shall I never get my eyes back?’ I said I was afraid he would not. It was so heartrending that I wept all night long.’ ૧૯૭૪ની શરૂઆતમાં બીજી બધી રીતે ડૉક્ટરે સાર્ત્રનું સ્વાસ્થ્ય સારું કહ્યું. પણ આંખ સારી થવાની કોઈ આશા ન રહી. સાર્ત્રે પૂછ્યું, ‘And my eyes? What did he say about my eyes?” સીમોન લખે છે કે “I was shattered. It is apalling to watch the death agony of a hope.’ ૧૯૭૫માં સાર્ત્રને ખ્યાલ આવી ગયો કે એની તબિયત સુધરતી નહોતી. પણ એમની બૌદ્ધિક કક્ષા ફરી સાબૂત થઈ ગઈ હતી. સીમોનને એમણે કહ્યું, ‘ઘણા વખતથી નહોતી એવી મારી બુદ્ધિ કામ કરતી થઈ ગઈ છે.’ વર્ષને અંતે કોઈએ સાર્ત્રને પૂછ્યું કે ‘તમારે માટે કઈ શુભેચ્છા વાંછવી?’ સાર્ત્રે આતુરતાપૂર્વક કહ્યું, ‘દીર્ધ જીવન.’ ૧૯૭૬માં તબિયત પ્રમાણમાં સારી રહી. એક વખત લાંબે ફરવા જતાં સાર્ત્રે સીમોનને પૂછ્યું, ‘તને કંટાળો તો નથી આવતો ને આવા નાના પ્રાણી સાથે ચાલતાં?’ સીમોને ના પાડી. સીમોન લખે છે કે સાર્ત્ર ચાલી શકતો હતો એ વાતથી જ હું સુખી હતી. ૧૯૭૭ની શરૂઆતમાં પ્રમાણમાં તબિયત સારી હતી – કોઈ બીજી વધારે તકલીફ ઊભી ન થઈ. ચાલવામાં એમને મુશ્કેલી પડતી હતી. એ ખૂબ ધૂમ્રપાન કરતા એટલે સુધરવાની તો આશા નહોતી પણ એમનો મૂડ ખૂબ સરસ હતો. માર્ચ મહિનામાં સાર્ત્રની તબિયત બગડી – હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ડૉક્ટરે ખૂબ ભારપૂર્વક સાર્ત્રને કહ્યું કે જો પગ બચાવવા હશે તો ધૂમ્રપાન છોડી દેવું પડશે. ધૂમ્રપાન બંધ કરી દો તો શાંત વૃદ્ધ જીવન અને નોર્મલ મૃત્યુની ખાતરી આપી શકાય. નહીં તો પહેલાં પગનાં આંગળાં અને પછી પગ કાપવાનો વારો આવશે. આની અસર સાર્ત્ર ઉપર થઈ લાગી. સીમોન લખે છે કે સાત્રને જીવવું ગમતું – સાચું પૂછો તો જીવનનો એ આશક હતો – પણ એક શરતે કે એ કામ કરી શકે તો. કામનું તો એને વળગણ જ હતું. માથે લીધેલું કામ પૂરું કરવાની એનામાં શક્તિ નહોતી રહી. એટલે વધુ પડતાં ઉત્તેજક પીણાંઓ લેતો. આથી લકવાનો હુમલો નિવારી શકાય એમ નહોતો. અર્ધ અંધાવસ્થા એને ભયંકર લાગતી. સાર્ત્રને પોતાને આરામ આપવો હોય તો બીમારી જ એક રસ્તો હતો. આ લખ્યા પછી સીમોન સભાન બની જાય છે અને લખે છે કે જો કે આ કલ્પિતાર્થને (હિપોથિસિસ) આજે હું એકદમ માનતી નથી – આ કલ્પિતાર્થ ખૂબ આશાવાદી છે. કારણ કે સાર્ત્રને પોતાની નિયતિનો સ્વામી બનાવે છે. ચોક્કસપણે એટલું જ કહી શકાય કે છેલ્લાં વર્ષોની સાર્ત્રના જીવનની કરુણતા એ જે રીતે જીવન વિતાવ્યું એના પરિણામરૂપ છે. સાર્ત્રની પડતી અને મૃત્યુ એ એના જીવનનાં બોલાવ્યાં આવ્યાં હતાં. એટલે કદાચ એણે એ શાંતિપૂર્વક સ્વીકાર્યાં. પણ પછી સીમોન તરત ઉમેરે છે કે મને ભ્રમો નથી. સાર્ત્રના મનની શાંતિ ઘણી વાર ઝાંખી બની જતી. અને વધારે ને વધારે શરાબની પ્યાલીની જરૂરિયાત એને મહેસૂસ થતી. ૧૯૭૮માં સીમોન લખે છે કે સાર્ત્રને ઘણી તરુણ સ્ત્રીઓને મળવાનું થયું. સાર્ત્રે જ્યારે ફરિયાદ કરી કે એ કોઈ ખાસ કામ નથી કરી શક્યો ત્યારે સીમોને હસતાં હસતાં કહ્યું, “ઘણી યુવાન સ્ત્રીઓ!’ પણ મારે માટે એ ઘણું ઉપયોગી છે,’ એમ એણે જવાબ આપ્યો. અને સીમોન કહે છે કે ખરેખર હું માનું છું કે સાર્ત્રનો જીવનનો સ્વાદ ટકાવી રાખવામાં એમનો મોટો ફાળો હતો. બીજાં તત્ત્વોએ પણ ૧૯૭૮માં એના આશાવાદને ટકાવી રાખ્યો હતો. ચિંતા માત્ર પૈસાની હતી – બધાંને ખૂબ પૈસા આપી વળ્યો હતો. ૧૯૩૯માં તબિયત જેમની તેમ છે, અને ૧૯૮૦નું વર્ષ આવી પહોંચ્યું. હૉસ્પિટલની જાંચ-તપાસ જૈસે થે પરિસ્થિતિ બતાવતી હતી. પ્રવૃત્તિઓમાં સાર્ત્રને રસ પડતો હતો. તરુણ સ્ત્રીઓ સાથેનો સંબંધ અને રમૂજ આપતો હતો. નાદુરસ્ત તબિયત છતાં જીવન એને આનંદપ્રદ લાગતું હતું. સ્વાસ્થ્ય જાળવવા છોડી દીધેલું તમાકુ પાછું શરૂ નહોતું કર્યું. છતાં એક રવિવારની સવારે એ એના શયનખંડની ભોંય ઉપર પડેલો મળી આવ્યો. સીમોન લખે છે કે અમને પછી ખબર પડી કે એણે જુદી જુદી તરુણ સ્ત્રીમિત્રો પાસેથી વ્હિસ્કી અને વૉડકાની બાટલીઓ મેળવી લીધી હતી. સાર્ત્ર માટે શરાબ ખતરનાક છે એની એમને બિલકુલ ખબર નહોતી. શનિવારે રાત્રે – હમણાંની એ એક જ રાત એણે એકલાં ગાળી હતી – એણે એ શરાબ પીધો... આની કંઈ તરત અસર ન થઈ. I could not understand the return of this passion for drinking, મારા પ્રશ્નોને એણે હસતાં હસતાં ઉડાવ્યા : ‘તને પણ પીવું ગમે છે.’ ૧૯મી માર્ચ ૧૯૮૦ – સીમોન અને બૉક સાથે સાર્ત્રે ખુશનુમા સાંજ વિતાવી. બીજે આ દિવસે સવારે નવ વાગે સીમોન સાર્ત્રને જગાડવા માટે એમના ખંડમાં ગયાં ત્યારે સાર્ત્ર પોતાના બિછાનાની કિનાર ઉપર શ્વાસ માટે વલખા મારતા બેઠા હતા. સવારના પાંચ વાગ્યાથી આમ ચાલતું હતું. સાર્ત્રને હૉસ્પિટલમાં ખસેડવા આવ્યા. હૉસ્પિટલમાં થોડા દિવસ વીત્યા બાદ એક દિવસે સાર્ત્રે પૂછ્યું, ‘આપણે સ્મશાનયાત્રાનો ખર્ચ કેવી રીતે કાઢીશું?’ બીજા એક દિવસે બંધ આંખે સીમોનનો હાથ પકડી સાર્ત્રે કહ્યું, ‘I love you very much, my dear castor.” સીમોન લખે છે કે ૧૪મી એપ્રિલે હું હૉસ્પિટલ પહોંચી ત્યારે એ સૂતો હતો. એ જાગ્યો અને આંખો ખોલ્યા વગર થોડુંક બોલ્યો. Then held up his lips to me, I kissed his mouth and his cheek. he went back to sleep. These words and these actions were unusual for him; they were obviousley related to the prospect of his death. ૧૫મી એપ્રિલે બધું પૂરું થઈ થયું. આ છેલ્લાં વર્ષોમાં સાર્ત્ર નિષ્ક્રિય નહોતા. ગંભીર બીમારીઓની વચ્ચે એ અનેક પ્રવૃતિઓમાં ગૂંથાયેલા રહ્યા હતા. સામયિકોમાં લખવું, અન્યાય થયેલા અનેક લોકોને માટે નિવેદનો કરતાં રહેવાં, સંપાદન-કાર્ય કરવું, દમન-શોષણ વિરુદ્ધ સંઘર્ષ કરતાં સંગઠનો સ્થાપવામાં મદદ કરવી, સાહિત્યિક પ્રવૃતિઓ કરવી – ફ્લૉબેર પરનું પુસ્તક પૂરું કરવામાં વ્યસ્ત થવું, પ્રવાસો કરવા, ટેલિવિઝન કાર્યક્રમો યોજવા, મુલાકાતો આપવી, સભાઓને સંબોધવી – એમ જુદે જુદે સ્તરે સાર્ત્ર વિહરતા રહ્યા. તો હવે પ્રશ્ન એ થાય છે કે સાર્ત્ર શું એમનું પસંદગીનું મૃત્યુ પામ્યા હતા? એમની વરણીનું એ પરિણામ હતું? એમની વૃદ્ધાવસ્થાને શું એ દિશા આપી શક્યા હતા? સાર્ત્રને જીવવું ગમતું – જીવનને એમણે પ્રેમ કર્યો છે. છતાં એ ગંભીર બીમારીઓમાં, અર્ધ અંધત્વમાં, ડૉક્ટરોની શરાબ અને તમાકુ વિરુદ્ધ અનેક ચેતવણીઓ છતાં ઢસડાતા ગયા. અંધત્વ એ સહેલાઈથી સ્વીકારી નહોતા શક્યા. સાર્ત્રે જીવનના માર્ગ માટે કોઈ સભાન પસંદગી કરી હોય એવો અનુભવ આપણને થાય છે ખરો? છેલ્લાં વર્ષોને કોઈ દિશા સાંપડી હોય એવું બન્યું છે? ના, લાગે છે માત્ર drifting – પ્રકૃતિત જિવાતું જીવન. આપણે પણ બધા શું જીવનમાં આમ જ તણાતા નથી જતા? પસંદગી તો ક્યારેક જ કરવાની આવતી હોય છે, એ પસંદગીમાં પણ કઈ સ્વતંત્રતા હોય છે? એ પણ શું પ્રકૃતિગત જ નથી હોતી? કઈ સત્તા છે આપણી પાસે? કદાચ એક સત્તા છે – નિરીક્ષક બની રહેવાની – પોતાની પ્રકૃતિના અને જગતના. સાર્ત્ર આ દિશાની ખોજમાં વળ્યા નથી. બહુ તરત એ સારા અસ્તિત્વના સ્વરૂપ અંગે નતીજા ઉપર આવી ગયા. પૂર્ણપણે પોતાની અનુભૂતિઓને નાણી જોવાનો અવકાશ ન આપ્યો. એમની ચેતના જેટલી બિહર્મુખી રહી એટલી અંદર ન વળી. વિશ્વમાં અત્યાર સુધી અનેક વિપ્લવો થયાં; ફ્રાન્સના ૧૯૬૮ના વિધાર્થીઓના આંદોલને તો સાર્ત્રમાં આશાનાં પૂર જગવ્યાં. પણ કંઈ વળ્યું નહીં. કાં તો એ પરિણામકારી ન બન્યાં કે વિકૃતિઓ પેસી ગઈ. શા માટે આમ બન્યું? – સાર્ત્રે એવો પાયાનો પ્રશ્ન પૂછ્યો ખરો, પણ એની સન્મુખ ન થયા, અને આશા વિપ્લવનું પ્રભાવક પરિબળ છે એમ કહી મન મનાવ્યું. છતાં સાર્ત્ર આ યુગની મહાન વ્યક્તિ હતી. મોટા ગજાના સર્જક હતા અને એમનું તંત્ર માનવદુઃખોથી સદાય કંપાયમાન રહેતું. સાર્ત્રને આપણા જુહાર. સાર્ત્રે સીમોનના પ્રશ્નોના ઉત્તરમાં એક ખૂબ સૂચક અને રસપ્રદ વાત કરી છે. લોકોને જો સાર્ત્રના તત્ત્વજ્ઞાન અને સર્જન વચ્ચે પસંદગી કરવાની હોય તો સાર્ત્ર ઇચ્છે કે લોકો એના સર્જનને પસંદ કરે. સાર્ત્ર જે સત્ય સર્જન દ્વારા પ્રગટ કરી શક્યા એ એમને એમના તત્ત્વજ્ઞાનીય સિદ્ધાંતો કરતાં વધારે પોતાનું, મૌલિક લાગ્યું. સીમોન દ બુવારનું આ વૃત્તાંત એમની અદ્ભુત સત્યપ્રીતિ અને પારદર્શી પ્રમાણિકતાનું દ્યોતક છે. અશોક મિત્રની જેમ આપણને પણ કુતૂહલ છે કે સાર્ત્ર વગરના છ વર્ષો સીમોને કેવી રીતે પસાર કર્યાં? એમની કાચી-પાકી નોંધ પણ જો આપણને સુલભ થાય તો આ અસાધારણ યુગલ- સંબંધ વધુ પ્રકાશમાન થાય.

[મે, ૧૯૮૬