નીરખ ને/‘અલવિદા, સુરેશભાઈ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આપણે અદ્યતન ગુજરાતી સાહિત્યની એટલા નિકટ છીએ કે એનું અવલોકન કરતી વખતે આ નિકટતાને લીધે જ દૃષ્ટિમાં વિભ્રમ પેદા થાય એવો સંભવ છે. આથી તટસ્થ મૂલ્યાંકન કરવું હોય તો એને માટે જરૂરી એવી દૂરતા કેળવી લેવાનું અનિવાર્ય બની રહે છે. આપણા જ સમયમાં આપણે જે ઝડપભેર થતાં પરિવર્તનો જોયાં છે, આપણી સંવેદના પર પશ્ચિમનાં સાહિત્ય ને સંસ્કૃતિની જે પ્રચંડ અસર અનુભવી છે એ બધાને પરિણામે આપણને મૂંઝવી નાખે એટલા પ્રકારના ને એટલા સંપ્રદાયના કવિઓ મળ્યા છે. આવી પરિસ્થિતિમાં લોકોની સાહિત્ય માટેની રુચિ કેળવવાનું તેમને ભાગે આવ્યું છે એ સહુ, ધ્યાનપાત્ર બન્યે જતા કવિઓની પ્રશંસા યા નિન્દા કરે ત્યારે અત્યંત સાવચેતી જાળવે એ ખરેખર જરૂરી છે.

સુરેશ જોષી



‘અલવિદા, સુરેશભાઈ’

છઠ્ઠી સપ્ટેમ્બર, ૧૯૮૬ - સાહિત્યજગતની એક મોટી હસ્તી વિલય પામી. મૃત્યુ નિશ્ચિત છે. નિશ્ચિત નથી માત્ર કોણ કોને છેલ્લી વિદાય આપે છે તે. જે જાય છે એ મૂકી જાય છે વેદના અને વ્યર્થતા. ફરી પાછી એ રફતાર. સુરેશભાઈએ વાવંટોળ સાથે ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ કર્યો. તે સમયનાં પ્રસ્થાપિત સાહિત્યિક મૂલ્યો ઉપર ઉગ્ર પ્રહારો કર્યા; શુદ્ધ સાહિત્યનો ઝંડો લહેરાવ્યો. પહેલો પ્રતિભાવ હમેશાં આત્યંતિક હોય છે. એટલે સુધી કે જે એમના મત સાથે સંમત ન હોય એની માણસમાં પણ ભાગ્યે જ ગણના થાય. સુરેશભાઈ વ્યક્તિ મટી સાહિત્યવિશ્વમાં વિદ્રોહનું પ્રતીક બની રહ્યા. પ્રયોગશીલતાનો અને સ્વાતંત્ર્યનો જાણે કે સાહિત્યજગતમાં કાળ બેઠો. પ્રસ્થાપિતતા સામે સુરેશ જોષી એક સ્તંભ બનીને ઊભા હતા – એવું એમનું image હતું. એમની માત્ર હાજરી આધુનિક યુવાસર્જકોને બળ આપવા પૂરતી હતી. એમના જવાથી એમના ચાહક વર્ગ ઘેરી નિરાધારતાની લાગણી અનુભવી. સુરેશભાઈનું સાહિત્ય પ્રત્યેનું devotion અપ્રતિમ હતું. શિક્ષણમાં સાહિત્યરુચિ – સાહિત્યપ્રીતિ જગાડવાનું ભગીરથ કાર્ય એમણે કર્યું અને આપણે કેટલાક તેજસ્વી સર્જકો અને વિવેચકો મેળવવામાં ભાગ્યશાળી બન્યા. અનેક સાહિત્યિક જૂથો પ્રવર્તતાં કહેવામાં છે. એમ સુરેશ જોષીનું પણ એક જૂથ કહેવાતું. છતાં ત્રૈમાસિકને બિરદાવતાં એમણે કહ્યું કે It cuts across all groups. જ્યાં કંઈ સાહિત્યિક નિષ્ઠા દેખાય – એ એમને અનેરો આનંદ આપતી. મિત્રોની બીજી ગણતરીઓથી પ્રેરાયેલું સમાધાનકારી વલણ પણ એમને એટલું જ દુઃખ દેતું. નિષ્ઠાભર્યા મિત્રોના મતભેદો એમણે ઉદાર મને સહ્યા છે. બીજાઓની ટીકાઓથી ઘણી વાર એ અકળાઈ ઊઠતા અને તાત્કાલિક એમનો પ્રતિભાવ કંઈક અંશે touchy, ઉગ્ર રહેતો. અને છતાં છેલ્લે છેલ્લે અણઘટતી, દાઢમાં કરાયેલી ટીકા પણ એમને ગમ ખાઈને સાંભળી રહેતા જોયા છે. ત્યારે શૂળ ભોંકાયું છે. ઉપરછલ્લી રીતે ક્યારેક એમના તીવ્ર પ્રત્યાઘાતો આવ્યા છે. પણ અંદરથી એ એકદમ સાબૂત, સત્ત્વશીલ હતા એવો અનુભવ રહ્યો છે. જોઈએ – શું કહેવું છે એમને પોતા વિશે? ‘...આમ છતાં આ બધું કર્યે જવાનું વૈતથ્ય કોઈ વાર ભારે નિર્વેદ લાવી દે છે. મારી આજુબાજુ, મારી આ સાહિત્યપ્રીતિને કારણે જ, ઘણી ગેરસમજોનો વંટોળ ઊભો થયા કરે છે. મારા જુવાન મિત્રો મારાથી વધુ મહત્ત્વાકાંક્ષી હોઈ શકે તે હું સુખપૂર્વક સ્વીકારું છું. વળી અમુક રીતિ કે અભિવ્યક્તિની પદ્ધતિઓ જ સાચી એવો દુરાગ્રહ તો કોઈ જ ન રાખે. છતાં મારા પર એવા દુરાગ્રહનું આરોપણ કરવામાં આવે છે. કેટલાક પીઠ પાછળ મારી દયા પણ ખાતા હશે. પરાણે ‘માન જાળવવું’ પડે એવી પરિસ્થિતિ ઊભી થાય તે મને પસંદ નથી. માન કરતાં પ્રમાણિક મતભેદને જ હું તો આવકારું. વળી કોઈના પર, બે-પાંચ વર્ષ પાસે ભણ્યા હોય તે જ કારણે, ગુરુપણું ઠોકી બેસાડવાનું પણ મને ગમતું નથી. ઘણા ‘પ્રભાવ નીચે નથી આવ્યા’ એવું બતાવવા ખાતર આક્રોશપૂર્વક વિરોધ કરે ત્યારે મને હસવું આવે છે. આક્રોશપૂર્વક અને અભિનિવેશપૂર્વક મેં ઘણું કહ્યું હશે, કર્યું હશે. સ્થિતસ્ય સમર્થનની જડતા મને કદી ગમી નથી. બનતાં સુધી હું વલણોની જ ચર્ચા કરું છું. વ્યક્તિવિશેષને કશામાં સંડોવતો નથી. તેમ છતાં ‘દાના દુશ્મન’ તો નીકળવાના જ. લોકસંપર્ક ગમે છે. માનવ્યની હૂંફનું મોટું મૂલ્ય છે. ઔપચારિકતા મૂંઝવી નાખે છે. મિજલસ કે પાર્ટીનો જીવ હું નથી. સમારંભોમાં શ્વાસ રૂંધાય છે. મિત્રોની મંડળી જેવું એક્કેય સુખ નહિ. બારે દહાડા સાહિત્યની જ વાત ફૂટ્યા કરવી એ મને ગમતું નથી. ઘણા મિત્રો એવા છે જેની સાથે સાહિત્યનો ’સ’ બોલવાની ય જરૂર પડતી નથી. અપેક્ષા અને ક્રિયા-પ્રતિક્રિયાના લેખ માંડવામાં હું કાચો રહી ગયો છું. વાસ્તવમાં એવો કોઈ પ્રપંચ મને ભયભીત કરી મૂકે છે.’ એમના સાહિત્યનું મૂલ્યાંકન – પુનર્મૂલ્યાંકન થયા કરશે. એમના પ્રદાન વિશે વિવાદ જાગ્યા કરશે. આ બધું થશે અને થવું જોઈએ. સ્વાભાવિક જ અહીં એ બધું અભિપ્રેત નથી. આપણે એમના મૃતદેહને ફૂલો અને ફૂલોના હારોથી સજાવી દીધો. એમનું અપૂર્ણ કામ પૂરું કરવાના શપથ લીધા. જીવતા માણસને પ્રેમ કરવાની આપણી અશક્તિ અને અસહાયતાને હું તાકી રહું છું. સુરેશભાઈ, તમારી સ્મૃતિને મારા જુહાર.


[ઑગસ્ટ, ૧૯૮૬