પરકમ્મા/જેરામભાની મર્દાઈ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
જેરામભાની મર્દાઈ

બાળક રતનશીએ દીઠેલ આ દૃશ્ય એક વેપારીની વીરમૂર્તિને ખડી કરે છે. વડોદરા જેવા અડીખમ રાજ્યની શસ્ત્રસજ્જ પલટનોને ભૂંજી નાખી વાઘેરો કિલ્લો સર કરી બેઠા હતા તેવા ધગતા કાળમાં એ જ વિજેતા વાઘેરોને મોઢામોઢ ગાળો ચોડતો ભાટીઓ યુવાન લધુભા મધ્યયુગની જે માટીનો બનેલો હતો તે માટી વિચારમાં નાખી દ્યે છે. પણ રતનશીભાઈની સાહેદીને સાંભળતા હજુ આગળ વધીએ— મારા દાદા રામજીભા દ્વારકામાં જ રોકાયા, ને એના ભાઈ જેરામભા બેટ શંખોદ્ધાર ગયા. એણે વાઘેરોની વિરૂદ્ધમાં ગાયકવાડી વહીવટનો પક્ષ લીધો. સિપાહીઓને કહ્યું કે ‘તમે ખૂટશે નહિ. બેટનો કિલ્લો ન સોંપજો.’ સિપાહીઓ : અમારે ખાવું શું? જેરામભા : હું સગવડ કરી દઉં. મંદિરમાં તૂટો નથી. પોતાનાં છોકરાને શંખનારાયણના મંદિરમાં મૂકી દઈને જેરામભા બેટનો કિલ્લો ઘેરી લેનારાં વાઘેર-દળોની વચ્ચે, કિલ્લા પર ચડી ‘ખબરદાર! ખબરદાર!’ એવી હાક દેતા રાતે ચોકી કરે, કપાસીઆ અને તેલ સળગાવી કિલ્લા પર દીવા માંડે, કિલ્લા પર વાઘેરો ચડી શકતા નથી, વાઘેરો સમજ્યા કે જ્યાં સુધી જેરામભા છે ત્યાં સુધી કિલ્લો નહિ લઈ શકાય, માટે દ્વારકા જઈ જોધા માણેકને અને રામજીભાને તેડી લાવીએ ને જેરામભાને સમજાવી બહાર કાઢીએ. જોધો માણેક ને રામજીભા આવ્યા. નીચેથી જિલ્લાવાસી જેરામભાને સાદ કર્યો : ‘જેરામભા, તું ઊતરી જા.’ જેરામભા જવાબ વાળે છે : ‘ના જોધા માણેક! ન ઊતરું. તું બે હજારની ફોજ લાવીને કિલ્લો ભલે જીતી લે. બાકી તો હું ઊતરી રહ્યો.’ જોધો : જેરામભા, હું તને શરમાવવા આવ્યો છું. પછી વેળા નહિ રહે. રામજીભા : જેરામ, હવે હુજત ન કર. જેરામભા : જોધાભા, આંઈ મુંકે હકડી બાંયધરી ડિનાં?’ [તમે મને એક બાંહ્યધરી દેશો?’] ‘કુરો?’ [શું?] ‘કે કિલ્લામાંના કોઈ પણ આદમી પર અવાજ ન કરવો. બધાને સલામત ચાલ્યા જવા દેવા.’ જેરામભાએ જઈ સિપાઈઓને કહ્યું, ‘હવે બચી શકાશે નહિ. વાઘેરો કાપી નાંખશે. કિલ્લો છોડવો પડશે. ચાલો તમને હું સલામત બહાર કાઢી જાઉં. સિપાહીઓને લઈને ચુપચાપ નીકળી ગયો. શંખા તળાવની પાસે પહોંચતાં તો બીજા વાઘેરો આડા ફર્યા. કહે કે એક ધીંગાણું તો અમે કરશું; કેમકે આ સિપાહીઓએ અમારા એક આદમીને માર્યો છે. જેરામભાએ આડો લીંટો કરીને કહ્યું :‘ જો આ લીંટો વળોટીને તમે આવો તો તમને જોધા માણેકની આણ! રણછોડરાયજીની આણ!’ બસ થઈ ગયું. લોહીના તરસ્યા વાઘેરો પાછા વળી ગયા. જઈને તેઓએ જોધા માણેકને વાત કરી. જોધો શું કહે છે! ‘હે ભેંણે કુત્તાઓ! હી કુરો કરેતા! ભજી વિનો.’ (હે કૂતરાઓ! આ શું કરો છો તમે? ભાગી જાવ.) કાળ-નાટકનાં આ દસ્તાવેજી પાનાં તો ઉકલો વાચકો! પોતડીદાસ વેપારી ભાટીઆઓની જવાંમર્દી બોલે છે, સર્વસહિયારી સિપાહીગીરીના બોલ. જેરામભાને વાઘેરઘેર્યા કિલ્લા પર કપાસીઆના દીવા સાથે પહેરેગીરી કરતો, ‘ખબરદાર!’ શબ્દે રાત્રિનાં તિમિર કમ્પાવતો કલ્પો; ‘કિલ્લો નહિ સોંપું, કિલ્લેથી નહિ ઊતરું, પ્રાણ વહાલા નથી, ઈજ્જત વહાલી છે, જોઈએ તો જીતીને કબજે કર જોધા!’ એ શબ્દો એક હીંગતોળના છે. છેવટે કિલ્લો છોડવાની કબૂલાત આપે છે, પણ કેવી શર્તે? પોતાના શબ્દના ઈતબાર પર જેઓ અણખૂટ્યા ઊભા હતા તે સર્વ કિલ્લેદારોનો વાળ પણ વાંકો ન થવો જોઈએ એવી શર્તે. તેની સામે વાઘેરોની નીતિ નિહાળો : પોતાના જણનો જાન લેનારા સિપાહીઓમાંથી એક જાનના બદલામાં પાંચપચાસના પ્રાણ માગવાની, કે વગરપૂછે શરણાગતો પર તૂટી પડવાની અર્વાચીન યુદ્ધક્રૂરતા ત્યાં નહોતી. માગણી તો હતી ‘એક ધીંગાણું’ કરી લેવાની : સામી છાતીએ આવી જવાની. આડો એક ધૂળ–લીંટો થાય છે; સરદારનાં ને પ્રભુનાં બે સમોવડ મનાતાં નામોની દુહાઈ દેવાય છે; રક્તપિપાસુઓ પાછા વળી જાય છે. ઓ માનવીઓ! સરખાવો તો ખરા, ને પછી કહો, પૈસાને-બસ ફક્ત પૈસાને માટે જ ગાયકવાડની કુમકે પહોંચનાર વિદેશી મંદિર-ભંજકોનાં બેશુમાર દળકટકમાંથી એક જણ નીસરણીએ ચડ્યો તેના કીર્તિલેખ છાજે? કે આ જોધાનો? જેરામભાનો? રામજીભાનો? કે આ દુહાઈનો ધૂળ–લીંટો ભાળી પાછા વળી જનાર સાધારણ વાઘેર યોદ્ધાઓનો? ખેર, રતનશીભાની સાહેદીને અજવાળે આપણે આગળ ચાલીએ. શસ્ત્રસરંજામવિહોણા રંક વાઘેરોના બળવાનો ભયાનક અંજામ ચોથે જ દહાડે આવી ઊભો રહે છે! ટાંચણ બોલે છે કે— હથિયાર ન છડ્યું ‘ચાર દિવસે સાત આગબોટ દેખાણી સમીઆણીની દીવાદાંડી પાસે, ત્રણ દેખાણી નાની ખાડીમાં. વાઘેરોએ હાજી કરમાણીશા પીરની જગા પાસે જઈ નાની તોપો વછોડી, સામા મોટા ગોળા આવ્યા. વાઘેરો બોલી ઊઠ્યા : ‘હે ભેંણે હેડ હેડે જો તો વદાડ ન વો.’ (આવડા આવડા તોપગોળા ફેંકવાનો તો કરાર નહોતો થયો!) જાલી બોટમાં બેસીને આગબોટવાળાઓ પાણી માપી ગયા. એક સ્ટીમર હડમાનદાંડીથી આવી, ગોળા વછોડ્યા. રાઘુ શામજી નામે ભાટીઓ, અંગ્રેજી બોલી જાણે, તેણે ગામને બચાવ્યું. વાઘેરોને કહ્યું : ‘વષ્ટી કરીએ.’ વાઘેરોએ ધોળો વાવટો ચડાવ્યો. દરિયાઈ ફોજનો કેપ્ટન આવ્યો. બુઢ્ઢા વાઘેરોને એની પાસે લઈ ગયા. કેપ્ટને કહ્યું : ‘કદમમાં હથિયાર મૂકો ને કિલ્લો સોંપો.’ વાઘેરોએ જવાબ વાળ્યો : ‘હથિયાર તો ન છડ્યું. હીં કિલ્લો સોંપી ડ્યું.’ (હથીઆર નહિ છોડીએ. આમ ને આમ કિલ્લો સોંપી દઈએ) ગોરો શેનો માને? એણે તો હલ્લો કીધો. રૂની મલીઓની આડશવાળી, કોઠા પાસેની એક ગલી હતી. ત્યાં ખાડા કરી ચાર વાઘેર ઊભા રહ્યા. એમાંથી બે જણ બીના. એને બીજા બેએ કહ્યું : ‘હે ભેંણેં! મૂરતમેં જ માઠો વેણ! ભજી વીનો.’ [ ફિટકાર છે. મૂરતમાં જ મોળી વાણી! ભાગી જાવ] બે ગયા બે ઊભા રહ્યા. પાંચસો ગોરા સોલ્જરો બેટકાંઠે ઊતર્યા. કાંઠે પણ સોલ્જરોની ચોકી બેઠી. બે વાઘેરોએ રૂની મલીઓમાં તોપ ગોઠવી. તેમાં કચ્છી ઢીંગલા ભર્યા હતા. તોપ દાગી. કિનારે ઊતરેલા હતા તેમાંથી પચીસ સોલ્જરોને ઘાયલ કર્યા, ને બે વાઘેરો પાંચસો સોલ્જરોની ફોજમાં ઠેકી પડ્યા. સાંકડે રસ્તે એ બે જણાએ ૩૦-૪૦ માથાં કાપી બાકીનાને પાછા કાઢ્યા. સોલ્જરોએ ફેર (ફાયર) કર્યા, અને વાઘેરોને ચાર ચાર ગોળી વાગી. બેઉ ખલ્લાસ. બેય લાશોને વાઘેરો ઉપર (કિલ્લા પર) લઈ ગયા. સોના માટે મંદિર-ધ્વંસ રાત પડી, સોલ્જરોની ફોજે હલ્લો કરી કિલ્લે સીડી માંડી. કિલ્લાના પહેરા પર એક વાઘેર છોકરો. એણે સીડી મંડાયેલી દીઠી, બૂમ પાડી. દેવો માણેક દોડ્યો, એણે ખુરમા પર ચડીને સીડીના બાંયાને ધક્કો દીધો. સીડી પટકાઈ, લેફ્ટીનેન્ટ પડ્યો. પણ દેવો સીડીને હડસેલવા જતાં એની છાતી દીવાલ બહાર ઊંચી નીકળેલ તેથી ગોળીબારથી વિંધાઈ ગઈ. કિલ્લા પરથી બીજા વાઘેરો પાણા નાખવા મંડ્યા. ( બાપડા! દારૂગોળાવિહોણા!) દેવાને અને બીજા બે મુએલા વાઘેરોને કિલ્લા પર ઘી તથા રૂથી દેન દેવાયું. બાકીના વાઘેરે ભાગી છૂટ્યા બાલાપુર તરફ. ભાટીઆ જેરામ આણંદજી અને રાઘુ શામજી બીકના માર્યા ભંડકમાં પેસી ગયા હતા તે બહાર નીકળ્યા. જુએ તો વાઘેરો ભાગી ગયેલા. બન્ને જણ સાહેબની પાસે ગયા. બન્નેને બાવડે ઝાલીને ઉપાડ્યા. ગોરાએ કિલ્લો સર કર્યો. ત્રણ કલાકમાં મંદિરોની મૂર્તિઓ ઉઠાવી જવાની મહેતલ આપી. પણ દરમ્યાનમાં ગોરાઓને સોનાનો એક લાટો જડ્યો. ગોરા સમજ્યા કે મંદિરમાં સોનું જ ભર્યું હશે! એટલે દેરાંને સુરંગે ઉડાડ્યાં, દેરાંના ભુક્કા થયા, લૂંટ ચાલી, દારૂ ઢિંચાણા, ચકચૂર થઈ ગોરા નીકળી પડ્યા. રસ્તે જેને દેખે તેને ગોળીઓ મારે, કૂતરાંને પણ. ગોરો કપ્તાન આવીને દારૂડિયા સોલ્જરોને સોટીએ મારી પાછા લઈ ગયો. પછી તો જોધો માણેક બહારવટે નીકળ્યો. એ બહારવટાંની રોમાંચક કરુણ કથા મેં બહારવટીઆ ભા. ૨ માં કરી છે. તેમાંનો આ કિસ્સો રતનશીભાઈ પાસેથી સાંપડ્યો છે— જોધાને જોવાના કોડ બાર્ટન સાહેબની મડમ, નામે મેરી. જોધાને જોવાનું એને બહુ મન. રામજીભાને કહ્યું. રામજીભા કહે કે ‘સાહેબને પૂછો. એ હા પાડે તો દેખાડું.’ સાહેબે હા પાડી. રામજીભા કહે છે કે ‘ન પકડો તો ભેટાડું.’ કે ‘ભલે’ રામજીભાએ જોધાને કહેવરાવ્યું : ‘સારું થાય તેવું છે. માટે આવો.’ આવ્યો રાતે. મડમ કહે : ‘ના, સાહેબની કચેરીમાં ન લાવશો. વખતે દગો થાય. બ્હાર લઈ જાવ.’ ગામ બહાર સીમમાં જોધો માણેક રામજીભાને બથમાં ઘાલીને મળ્યા. બોલ્યા : ‘રામજીભા! જીરે જીરે મિલ્યા સી પાણ. પાંકે ભરોંસો તો ન વો.’ (જીવતે જન્મારે મળ્યા ખરા આપણે. મને તો ભરોસો નહોતો.) સાહેબને મળ્યા. સાહેબે કહ્યું કે ‘હું બહારવટું પાર પડાવું પણ મારે જોધા માણેકને નજરકેદ રાખવા પડશે.’ જોધો કહે ‘રામજી શેઠ જામીન થાય તો હું નજરકેદ રહેવા કબૂલ છું.’ સાહેબ :– હું લાચાર છું. એવો કાયદો નથી, બાકી રાજની રીતે નજરકેદ રાખું. રામજીભા કહે ‘જોધાભા, ચાલ્યા જાવ.’ સાહેબે જવા દીધા. ગયો. કોડીનાર ભાંગ્યું. પછી તો મુઓ તેનું બયાન તો સો. બ. ભાગ બીજામાં આપ્યું છે. તે પછી એક દી’— ‘જોધા માણેકની દીકરી નામે ગગીબાઈ. પડછંદ. બહુ રૂપાળી. પોલીટીકલ એજન્ટ કીટીન્જ સાહેબે જોધાની વહુઓને પૂછ્યું, ‘મહારાજ ખંડેરાવ ગાયકવાડ સાથે દીકરીનું સગપણ કરાવીએ તો વાઘેરોનો પ્રશ્ન સરસ રીતે પતે ને વળી બાઈના પેટના બહુ જોરાવર પાકશે.’ બાઈઓએ ખુલાસો ન દીધો. આખરે એક દિવસ, વાધેરોનું બહારવટું નિર્મૂલ બન્યા પછી, રામજીભાના કહેવાથી ગાયકવાડે જોધા માણેકની બેઉ સ્ત્રીઓને રૂા. ૩૦-૩૦ ની જીવાઈ બાંધી આપી, ઘર ચણાવી દીધાં, વાડી દીધી. ઢેઢ મૂરૂ ટાપુ ત્રણેક કલાક ધારાવાહી રહેલી રતનશી ડોસાની કથા અહીં ખતમ થઈ. એ સમાપ્તિભાગને સહન કરવા માટે જે વજ્રહૃદય જોઈએ તે મારામાં નહોતું. બળવાની લીલાભૂમિ નિહાળી. થાનકો જોયાં, સમુદ્રકાંઠો જોયો, એ કાંઠેથી જળજંતુઓએ કસબ કરેલા નાના પાણકા અને જળ-ઝાડવાંનાં ડાંખળાં વીણ્યા. પંજા પીર, સુણી-મેહારના ડુંગરા નામનું બે ખડકોનું જળતીર્થ, જ્યાંથી વાઘેરો વગર વહાણે ઊતરી ગયા તે શંખોલીઓ કાંઠો, ક્યુ નામનો બેટ, માનમરોડી ટાપુ, ધબધબા ટાપુ, સાવઝ ટાપુ, લેફામૂરડી ટાપુ, એ દૂરદૂરથી દીઠાં. પ્રથમ આરંભડા ગામથી મછવામાં બેસી બેટમાં ગયો ત્યારે જળમાં ઊભેલા સાતમુર, પારેવો ને ઢેઢમૂર નામનાં બેટડાં પણ જોયાં. ઢેઢમૂરૂ નામ અર્થપૂર્ણ છે. બેટ શંખોદ્ધારની એ છેલ્લામાં છેલ્લી અણી : ઢેઢ લોકોને ખુદ બેટની ધરતી પર પગ મૂકવાની મનાઈ હતી. મંદિરોના માલિકો તરફથી! અસ્પૃશ્યોએ તો દેવની ઝાંખી એ ઢેઢમૂરૂ નામના ખડક પરથી જ કરીને પાછા વળવાનું હતું. જેઓએ દેવને આટલા બધા આભડછેટીઆ બનાવ્યા તેઓ આખરે શું કમાયા? ગોરાઓના હાથથી મંદિરોનો સુરંગ-ધ્વંસ! દૈવી ન્યાયને ચોપડે તો પાપપુણ્યનાં ચક્રવર્ધિ વ્યાજ ચડે છે. પણ આ પ્રારબ્ધ-લેખાં સમજાતાં નથી એટલે જ આ દેવમંદિરના રક્ષકોએ હજુ તો પાંચેક વર્ષ પર અસ્પૃશ્ય–સેવક ઠક્કરબાપાને ગોમતીસ્નાન કરવા નહોતું આપ્યું. ‘હું પંદર વર્ષની હતી’ બેટમાં રતનશી શેઠ મળ્યા, તેમ આરંભડામાં દાદીમા મળી ગયાં. મને ઓખામંડળમાં લઈ જનાર શ્રી ભૂપતસિંહભાઈ વાઢેર (તે વખતે ભાવનગર રેલ્વેના ગાર્ડ) હતા. ઓખામંડળના જમીનધણી બે : વાઘેરો ને વાઢેરો. બેઉને ગાયકવાડે જીવાઈદારો બનાવી દીધા. આ ભૂપતસિંહભાઈનો પણ જીવાઈભાગ હતો. દર વર્ષે ચડત જીવાઈ લેવા પોતે આરંભડે જાય. ત્યાં વાઢેર દરબારોના ગઢમાં પોતે મને લઈ ગયા અને એક નેવુંક વર્ષનાં રાજપૂતાણી દાદીમાની સામે લઈ જઈ બેસાડ્યો. વાઘેર–બળવાનાં સગી નજરનાં આ બીજા સાક્ષી દાદીમા બોલતાં ગયાં ને હું ટાંકતો ગયો— ‘અમારા વડવા રાણા સંગ્રામજી સં. ૧૮૦૦ પૂર્વે થઈ ગયા. એમની બેટમાં ગાદી. દરિયાનાં વહાણ લૂંટે. એક વાર એક સાહેબનો બરછો લૂંટી એમાંથી સાહેબની મઢમને લઈ ગયા, બેન કરી રાખી. પછી અંગ્રેજોની ચડાઈ આવી. મઢમને પાછી લઈ ગયા, અને સંગ્રામજીને પકડીને સૂરતમાં રાખ્યા, પોતે ફળફૂલનો જ આહાર કરતા. મઢમના જ કહેવાથી એમને ગોરા પાછા આંહી મૂકી ગયા. આરંભડામાં જ એ ગુજરી ગયા.’ ‘એના અભેસંગજી. એની પછી જાલમસિંગજી. વાઘેરોએ રાજપલટો કર્યો તે વખતે તેમણે આવીને જાલમસિંગજીને કહ્યું કે ‘ચાલો, તમને બેટની ગાદી અપાવીએ. એમાં રાતના ભવાયા રમે. વાઘેરો જોવા ગયા. એટલે જાલમસિંગજી, પૂજોજી વગેરે ભાગીને નગર ચાલ્યા ગયા. ‘આંહીં મનવારો આવી. લડાઈ ચાલી. હું પંદર વર્ષની હતી. પરણીને આવ્યાં બેજ વર્ષ થયા હતા. મેડી ઉપર ઊભી રહીને હું લડાઈ જોતી હતી. ધરતી ધણેણતી હતી. બિચારા વાઘેરો પાસે તોપો નહોતી. ‘અમે તો ટાંકાની અંદર પડીને મરી જવાનું નક્કી પણ કરેલું (કારણ? કારણ કે ગોરા ઊતરીને શું ન કરે!) પણ નાગરેચી (કચ્છ)થી જાલમસંગજીના સસરા ચાંદોભાઈ, દીકરીના સમાચાર પહોંચી જવાથી આવી પહોંચ્યા. સરકારને ખબર દઈ કહેવરાવ્યું કે આવીને વાવટો ચડાવી જાવ! પછી માંડવી બંદરનું એક ભાંગલ વહાણ જે સમું થવા અહીં આરંભડે આવેલ તેમાં અમને બેસારીને લઈ ગયા. વહાણ ભાંગલું હતું, વચ્ચે વહાણમાં પાણી ભરાણું, તોફાન ઊપડ્યું, પણ ખારવાઓએ અમને બચાવ્યા. બે છોકરાં મરી ગયાં.’ સામે જ દેખાતા બેટ શંખોદ્વાર પરનો અંગ્રેજ–વાઘેર સંગ્રામ જેણે મેડીએ ચડીને નજરોનજર જોયો હતો, જેવાં સાહેદની આ પ્રાપ્તિ વિરલ કહેવાય. એ બન્ને સીધા સાહેદો આ જગતને છોડી ગયાં છે. મને સંતાપ થાય છે કે હું આ દાદીમા અને રતનશીભાની પાસે વધુ દિવસે કેમ ન રોકાયો! પ્રશ્નો પૂછી પૂછી અન્યથા અપ્રાપ્ય એવી હકીકતો હું કઢાવી શક્યો હોત. પણ આપણાં જીવનમાં ઘર નામે એક બંદીખાનું છે. ઘરસંસાર એ એક સોનાની શૃંખલા છે. ગળામાં એક રસી પડી છે. રસીનો એક છેડો પકડીને ગૃહજીવનને મોહાસૂર બેઠો છે. જરાક દૂર જાઓ ત્યાં રસી ખેંચાય છે. સ્વ. ટાગોર જેને ‘ઘરછાડા’ કહી ઓળખાવે છે તે બન્યા વિના સાહસ શું? સાહિત્યનું સર્જન શું? આ ‘ઘરછાડા’ સાહસબુદ્ધિની શું એકલા વેપારમાં, ઉદ્યોગમાં કે વિજ્ઞાનશોધમાં જ જરૂર પડે છે તે સાહિત્યમાં નહિ? વાણીવ્યાપાર એ શું આરામ ખુરસીની વસ્તુ છે? એથી કદાચ ઊલટું જ છે. વાણી તેજ પકડતી નથી કરણ કે વાણીને આપણે ઘરના એકાદ શીતળ સુંવાળા ખૂણામાં મેજ કે ગાદીની જોડે ઝકડી રાખી છે. શારદાનું વાહન મોર કે હંસ છે. તે એક જ વાત આપણે વીસરી બેઠા. ગામભાગોળ સુધીનાં પર્યટનોથી મોરલા ને હંસલા સંતોષાતા નથી. મોરનાં અને હંસનાં મહોડ્ડયનોને ભૂલી જઈ હું ઝટપટ આગગાડી પકડી પાછો પળ્યો; અને ઓખામંડળથી જામનગર સુધીના એ જાડેજી બોલીના જે સંસ્કારો મને રતનશીભાએ પાયા હતા તેના પ્રતાપે ટ્રેનમાંના એક બુઢ્ઢા કાંટીઆ મુસાફરના આ બોલ મીઠા લાગ્યા: જોગી તા હિન જુગજા, ખાય ખનૂ ને ખીર; રાતજો ચડી સુવે પલંગ મથે, ડિંજો તા ચોવાય પીર; હેન ઓદતજા વીર, ઉદેસી અગે વિયા! ૨ જો ભાયેં તું જોગી થિયે, તો દિલમેં ધૂંઈ ધુપાય; કર કાયાજી કીનરી, મીંજ તનજ્યું તંદુ પાય; મુંજા સ્વામીડા! સૂર વજાય, કડે ઈંદાં કાપડી. ડુંગર મથે વીલડી, તેજાં સોભાતીલાં ફૂલ; કોઈ કાણું કોઈ કોજડો, કોઈ માણક તુલ.

1 જુઓ માણસાઈના દીવા : ‘કોણ ચોર, કોણ શાહુકાર’નો કિસ્સો.

પરકમ્માનો પહેલો પોરો કડીનો મલ્હારરાવ યુરોપના અનેક દેશોમાંથી નાસતા બળવાખોરો બ્રિટનને ખોળે શરણું મેળવતા. સોરઠદેશે પણ મહાન રાજસત્તાઓના બહારવટીઆને ઓશીકું આપ્યું કહેવાય છે. મુગલ શાહજાદા દારા શિકોહને કરાળકાળ આલમગીરથી સંઘરનારો મીતીઆળાનો કિલ્લો આજે ઊભો છે. દારાએ શસ્ત્રો ઘડવા ત્યાં લોઢાં ગાળ્યાં હતાં તેવું ત્યાંનાં લોકો, હજીયે ખેદાઈ નીકળતો ખેરીચો બતાવીને બોલે છે. સમ્રાટ અકબરશાહનો બળવાખોર ગુજરાતનો છેલ્લો સુલતાન વીર નહનૂ મુઝફ્ફર પણ સોરઠમાં જ સંઘરાયો અને એને ખાતર ભૂચર મોરીના ભયાનક સંગ્રામમાં કાઠિયાવાડના કલૈયા રાજપુત્રો ને બુજરગો તોપે ફૂંકાયા. એવો ત્રીજો બંડખોર હતો કડીનો મલ્હારરાવ. મૂળ તો ગાયકવાડ કુળનો જ કુમાર. કડી પર સૂબાગીરી લઈને આવ્યો. પ્રજાને સુખી કરતો ને પોતે રંગરાગ માણતો. એવો તો બળવાન બની બેઠો કે વડોદરાને ‘ફિરંગીની ફોજ’ લઈ કડી પર ઊતરવું પડ્યું. વિક્રમશાળી મલ્હારરાવ જુદ્ધમાં દીપતો છેવટે નાઠો અને સોરઠદેશમાં ઊતર્યો તેની એક સાહેદી મારા ટાંચણમાં પડી છે:— ‘કળમોદર ને કોટીલું બે ગામ : તેના ધણી ઓધડ ને માત્રો : જખ્મીનો મલ્હારરાવ પાલખીમાં : પાલખીને ભોઈ ઉપાડ્યે આવે : વાંસે વિઠોબાની ફોજ. ‘કડી મેલીને ઓળે આવ્યો છું : છે તો દરિયા સામાં પાણી, પણ બે દી થાક દ્યો.’ ઓધડ-માત્રો કહે : ‘રો’. અમારાં માથાં પડ્યા પછી તમે વિઠોબાના હાથમાં આવશો.’ વિઠોબાએ બાતમી મેળવી. ફોજ લઈને વિઠોબા કળમોદર ગયો. આઠ દિવસ કમળાના ડુંગર માથે ધીંગાણું રહ્યું. છેવટે થાકેલા કાઠીએ કહ્યું: ‘મલ્હારરાવ, ભાગો.’ ‘શી રીતે ભાગું? મને તો મડદાની માફક ભોઈ ઉપાડ્યે આવશે.’ જખ્મી મલ્હારરાવે જવાબ વાળ્યો. ‘કાંઈ વાંધો નહિ. તમારો મિયાનો મોખરે, વાંસે કાઠી ને એની વાંસે ફોજ વિઠોબાની.’ વિઠોબાના સૈનિકો ઢૂકડા આવી જાય ત્યારે વારને હાકલવા ઓઘડ-માત્રો પોતે પાછા ફરે, હટાડીને પાછા મલ્હારરાવ ભેળા થઈ જાય. થોરડી ને આદસંગ સુધી એમ ત્રણચાર ધીંગાણાં કરી કરી મલ્હારરાવને બચાવ્યા. વિઠોબાની ભેળો ઝર ગામનો કાઠી દરબાર માણશીઓ હતો, કે જેના બાપ ભોજવાળાને વિઠોબાએ હાથીને પગે બાંધીને ચીરેલ. માત્રાએ ચારસો ઘોડે વિંટાયેલ વિઠોબા ઉપર બરછીનો છૂટ ઘા કર્યો. વિઠોબાની કાનસૂરીએ અડીને બરછી જમીનમાં ગઈ. એટલે તરવાર વાપરીને માત્રે જેતમાલ જમાદારને કાંડે ઘા કર્યો. માણશીઓ ઝર વાળો થડમાં જ હતો. એણે ઘા કર્યો માત્રા ઉપર. બરછી ન વાગી, પણ માત્રાએ માણશીઆને ભાળ્યોલે એટલે કહ્યું— ‘હું તારા બાપુનું વેર લઉં છું, ને તું મારે માથે ઘા કરછ?’ આઠ દિવસ સુધી ઠેઠ ચાચઈના ડુંગર સુધી મલ્હારરાવનો બચાવ કરતા કરતા પહોંચાડ્યા. પછી મલ્હારરાવ ઓઘડ–માત્રાને કહે કે ‘તમે નાસી છૂટો. મને મારશે નહિ, તમને તો મારશે.’ ‘અરે ના, ના, તો તો કરી કમાણી ધૂડ ને! મારો વિચાર તો તમને બરડે ને ઠાંગે ડુંગરે લઈ જવાનો છે.’ (પછી મલ્હારરાવનું શું થયું તે વિશે ટાંચણ ચુપ રહીને આગળ ચાલે છે.) પરીક્ષા થઈ ચૂકી માત્રાવાળાને દીકરો નહિ. ઓઘડને બે દીકરા. ભાગતાં ભાગતાં બહારવટામાં દસ વરસ થઈ ગયાં. માત્ર કાયો. (થાક્યો.) ચામઠાંનાં પખાંમાં (પડાવમાં) કટુંબ લઈને સંતાઈ ગયાં. ઓઘડની બાઈ બોલ્યાં : ‘આપો પેટખોટા છે. અમારું પણ નિકંદન કાઢશે!’ માત્રાએ સાંભળ્યું. એણે કહ્યું કે ‘તો હું જઈને તરવાર છોડું.’ પોતે જેતપર આવ્યા. કાઠી ડાયરાની સલાહ લીધી. ગયા અમરેલી. છડીદારે જઈને વિઠોબાને ખબર આપ્યા. : ‘સાહેબ, માત્રો નાજાણી, હાલરીઆને ધણી, આવ્યો છે તરવાર છોડવા.’ વિઠોબા બથમાં ઘાલીને મળ્યા. કહ્યું કે ‘તારા હજાર ગુના માફ. પણ હેં માત્રાવાળા! આદસીંગ પાસે તમે મને બરછી મારી તે ઓળખીને કે ન ઓળખતાં?’ માત્રો :– જો ઓળખ્યા હોત તો તમે જીવતા ન જાત. એવી મારત કે ઓલ્યે પડખે વેંત નીકળત. વિઠોબા પાસે રહેનારો જેતમલ નામનો માણસ બોલ્યો, ‘સાહેબ, ઈ કાઠી કૂતરાંની જાત છે.’ માત્રો ઉભો થઈ ગયો : સાહેબ, આ રજપૂત અમને કાઠીને કૂતરાની જાત કહે છે. પણ આ પટસાળ છે, હુકમ કરો, જો મને જેતમાલ મારે તો કાઠી એટલા કૂતરા, ને જો હું એને મારું તો કાઠી સાવઝ. વિઠોબા :–માત્રાવાળા, તું સાવઝ ખરો. પાંચસો ઘોડાં વચ્ચે મને બરછી લગાવી, હવે વળી પરીક્ષા શી! ફિરંગીઓને ઉતારવાનું મહાપાપ ‘ફિરંગીઓની ફોજ’ને ઉતારવાનું મહાપાપ આ ટાંચણમાં ડગલે ડગલે ડોકાય છે. ગાયકવાડે પોતાના દુલ્લા મલ્હાવરાવ પર ગોરાં કટકો ઉતાર્યાં, ઓખાના વાઘેરો ઉપર પણ કંપની સરકારનાં સૈન્યોને નિમંત્ર્યાં, અને એ જ પ્રમાણે કાઠિયાવાડનાં નાનાં મોટાં રાજપૂત રાજ્યોએ ગાયકવાડી ફોજો પાડોશીઓને જેર કરવા બોલાવી. ટાંચણમાં એવો પ્રસંગ મોરબી-માળીઆ વચ્ચેનો આવે છે અને એવા વિવેકભ્રષ્ટ સંઘર્ષોની વચ્ચેથી વ્યક્તિગત શૂરાતનનાં છેલ્લાં સોરઠ–તેજ ચમકી ઉઠે છે :— દોઢસો વર્ષ પર : માળીઆ ઠાકોર ડોસાજીને મોરબી ઠાકોર જિયાજીએ કેદ કરી રાખેલ તે વખતે માળીઆના મિંયાણા સરમાળ લધાણી વગેરે છ જણા મોરબી ગયા, નળ પર થઈને મેડીએ ચડ્યા, ડોસાજીના ઓરડામાં જઈ એને ઉઠાડ્યા, કહ્યું કે ‘ચાલો.’ કેદી ડોસાજી કહે : ‘મારાથી ન અવાય. તમે પલંગ ઉપાડી જાવ.’ ડોસાજી સૂતા હતા તે સહિત પલંગ નીચે ઉતારી, એને ચારે પાયે માટલાં બાંધી, બે કાંઠે પૂરમાં આવેલ મચ્છુ નદીમાં મિંયાણા તરાવતા તરાવતા ડોસાજીને લઈ ગયા માળીએ. પછી જિયાજી ઠાકોરે દગાબાજી કરી નાગડાવાસથી મિંયાણા મુખીઓને ગોઠ કરવા બોલાવ્યા. એંશી જણા હતા તેને રાતે દારૂ ગોસ ખૂબ ખવરાવ્યું, પછી એક મોટો ખાડો કરી તેના ઉપર પાંદડાં નાખેલ હતા તેમાં એ બેભાન મહેમાનોને નાખી દઈ દાટી દીધા. એક જ માણસ બચ્યો એણે જઈ સરમાળ લધાણીને વાત કરી. સરમાળની ફોજ નીકળી. ગામડાં ઉજ્જડ કર્યાં. મોરબીએ વિઠોબાને ઉતાર્યા. માળીઆનો કિલ્લો તૂટ્યો. સરમાળ ઘવાયો. એક બાઈ એને સૂંડલે નાખી વાંઢીએ લઈ ગઈ. પછી સાજો થઈને સરમાળ બારવટે નીકળ્યો. મોરબીના પાદરમાં આવી, બાઈઓને ભેગી કરીને તેમની પાસે ‘ઠાકોર જિયાજીનો આજો’ લેવરાવ્યો અર્થાત છાજીઆં લેવરાવ્યાં, અને પછી કોરી કોરી કાપડાની દીધી : ‘ભેણું! હી ગનો. કોરી કોરી આંકે મોઈ ઘીણું, આંયોસી કાપડેજી દિયાંતો. (બહેનો, આ કોરી કોરી કાપડાની દઉં છું.) (અળખામણા હાકેમની કે પ્રતિસ્પર્ધીની ઠાંઠડી કાઢીને બાળવાનો અર્વાચીન રિવાજ મૌલિક નથી જણાતો ત્યારે તો!) સરમાળે વાગડ–કાનમેરના ડુંગર પર કિલ્લો બાંધ્યો, પાણીનો હોજ રચાવ્યો. ત્યાંથી કચ્છનો મુલક લેવા ગયો. અંજાર માંડવી કબજે કર્યા. માત્ર ભુજ રહ્યું. રાવ ભારાજીએ સરકારની મદદ માગી. સરકાર હળવદથી રણમાં જાય ત્યાં કાનમેરના કિલ્લામાંથી સરમાળ ને ચાંદોજી (પળાંસવાના) ઊતરીને કાપી નાખે. પછી ભારાજીએ સરમાળને કહેવરાવ્યું કે નીચે મળવા આવો. ત્યાં લશ્કર ગોઠવેલું. ડુંગરથી ઊતરતાં બન્નેને ગોળીએ દીધા. ત્યાં બન્નેની ખાંભીઓ છે. દુહો રચાયો ને ગવાયો.

ભારા! ભૂ૫ ન મારીએ ચાંદો ને સરમાળ; જીવતા હત જમરાણ તો ફિરંગી દેશમાં ફરત નૈ. આત્મવંચના નહોતી ફિરંગીઓ–ગોરાઓ–ખાસ કરીને અંગ્રેજો આ દેશમાં ફરી વળ્યા તેની શરમ અને વેદના સોરઠી લોકજીભેથી વારંવાર ગવાતી રહી છે. ધ્વનિ એકજ ઊઠે છે કે ભાઈ, આપણે સામસામા ભરી પીત; પણ આ પરદેશી ગોરાને શીદ આપણા બેઉનાં નખ્ખોદ વાળવા બેલાવ્યો? ઓગણીસમી સદીના સોરઠી ઈતિહાસગાનનું એ ધ્રુવપદ બન્યું છે. ગોરી ફોજોથી કે એનાં મહાસંહારક શસ્ત્રસાધનોથી ડરવા ગભરાવાની કે શેહમાં અંજાવાની તો આ મુકાબલામાં મરતે મરતે પણ વાત નહોતી કોઈ વ્યક્તિને. હરએક નાનામોટા બહાદુરે ગોરાની સામે મર્દાઈનો પડકાર જ દીધો છે. એ પડકારના પડઘા સોરઠી કવિતાસાહિત્યમાં પડ્યા છે. મરણાન્તે પણ ગોરાને શરણે ન જવાનો મુદ્દો સચવાયો છે. ગોરામાં મર્દાનગી કે ખેલદિલીનું આરોપણ કોઈ ઠેકાણે થયું નથી. ‘ગોરો બાપડો શું કરી નાખવાનો હતો!’ અને ‘ગોરાને શરણે ગયા તો લ્યાનત હજો!’ એ બે તેમના યુદ્ધબોલ હતા. ગોરો ફાવ્યો તે તો ઘરના કુસંપથી, કાવાદાવાથી અને સંહારસામગ્રીની સરસાઈથી, એ તેમની નિશ્ચલ માન્યતા હતી. એ દૃષ્ટિએ સોરઠનું જૂનું માનસ નિરોગી હતું. ગોરો ન ઊતર્યો હોત તો વ્યવસ્થા કોણ સ્થાપત, વિદ્યા કોણ વિસ્તારત ને રેલગાડી તારટપાલ કોણ ચલાવત, એ અહોભાવના પડદા હેઠળ છુપાઈ રહેલી હિચકારી આત્મવંચના તો તે પછીની નવી પેઢીની પેદાશ છે. ખડ વાઢનારા ટાંચણ–પાનું માળીઆના મિંયાણાની એક વધુ વાત આપે છે— મિંયાણો પરબત જેડો માળીઆનો ગરીબ માણસ હતો. અબુબકર નામનો કોઈ વડોદરાનો માણસ પણ માળીઆમાં રહેતો. બન્ને ગરીબ મિત્રો ઘાસની ગાંસડી વાઢવા સીમમાં રોજ જાય. પાછા આવતી વખત થાકે ત્યારે ગાંસડી નીચે મૂકીને પરબત બોલે કે ‘ભાઈ, ભારી કે પાણ ઉપાડુ અંઈ, હણે પાણ હન મથે વિયે. હન પાંજા ઘોડા.’ (અત્યાર સુધી આપણે ભારીને ઉપાડી છે, તો હવે આપણે એને માથે બેસીએ. આ આપણા ઘોડા કહેવાય.) એમ કહીને ભારી પર બેસે, પછી બેઉ થાકેલા ગરીબો વાતો કરે— ‘ઓ ખુદા, ઘોડા દે!’ ‘પણ એકલા ઘોડામાં શું!’ ‘ત્યારે?’ ‘હું માળીઆનો ઉપરી થાઉં.’ ‘ને હું વડોદરાનો ઉપરી થાઉ.’ ‘તો તો આપણે લડવાના.’ ‘ના, કોલ દઉં છું. હું ફોજ લઈને પાછો વળી જાઉં.’ દૈવને કરવું છે તે બન્નેની માગણી ફળી. એકવાર અબુબકર વડેદરાની ફોજ લઈને માળીઆ પર આવ્યો. પરબત જેડો ફકીર-વેશે છાવણીમાં જઈ ઝાઝાં વર્ષો પર પરના કોલની યાદ આપી ઊભો રહ્યો. પરસ્પરને ઓળખ્યા. પછી અબુબકર કાંઈક બહાનું કાઢીને ફોજ ઉઠાવી પાછો ચાલ્યો ગયેલો મેઘકંઠીલા પીંગળશીભાઈ ટાંચણમાં એક પુનિત ખાંભી નજરે પડે છે. મારા મુર્શદ કહી શકું તેવા, ભાવનગર રાજકુળના દસોંદી સ્વ. પીંગળશી પાતાભાઈનો એ સ્મરણસ્થંભ છે. અડીખમ દેહના એ મેઘકંઠીલા ચારણનું ગરવું ગંભીર વ્યક્તિત્વ એમણે એકેય કવિતા ન રચી હોત તો પણ સોરઠી જીવનને સમૃદ્ધ કરવા બસ હતું. એમની દિલાવરી, એમનો રોટલો, એમની અજાતશત્રુતા, માથું વાઢી લેવા વાંચ્છનારને પણ ખમા કહેનારી એમની મનમોટપ, એની વાતો તો ઘણાંઘણાં હૃદયોમાં સંઘરાઈને પડી રહેશે. એમનાં પ્રભુભક્તિનાં, પ્રેમલક્ષણાયુક્ત પદો અત્યારે પણ મીરાં નરસિંહ, જીવણ આદિ સંતોની વાણીની સાથે સ્થાન મેળવી એકતારાના તાર પર ગવાઈ રહ્યાં છે. એ ભક્તહૃદય ભડ પુરુષ સવારે બપોરે પોતાની ડેલીની ચોપાટમાં બેઠા હોય, હું જઈ ઊભો રહું, જૂની માહિતીઓ માગું તેના જવાબમાં ઘનગંભીર કંઠે ‘હા...આ... આ!’ એવો અવાજ કરી, આંખ સકોડી, યાદશક્તિને ઢંઢોળી પછી વાતો કરે, પોતાના જૂના ચોપડાના ઢગલામાંથી એમના પિતાએ લખેલ પુરાણા અક્ષરવાળાં ચારણી કાવ્યોની હસ્તપ્રત વાંચી મને ઉતરાવે, પ્રોત્સાહન આપે, પીઠ થાબડે, એ મનોમૂર્તિ નખશિખ મોજૂદ છે. એમના પોતાના કુળની તવારીખ પૂછતાં પોતે આ રીતે વર્ણન કર્યું – અમારા વડવા લાખણશી કવિ જેઠવા રાજકુળના દસોંદી તરીકે આવેલા તે પાટનગર છાંયામાં રહેતા. એક દિવસ એક નધણીઆતું વહાણું ઘસડાઈને છાંયાના બારામાં આવ્યું. અંદર ઈંટો ભરેલી. સૌ થોડી થોડી ઈંટો ઘેર લઈ ગયા. દરબારગઢમાં પણ એ ઈંટોથી પાણીઆરાની ચોકડી ચણાઈ. દરબારગઢમાં રોજ પગ ધોતી વખત એ ઈંટોના ચણતર પર પગ ઘસાતાં ઘસાતાં સોનું ઝબક્યું! તમામ ઈંટો અંદરથી સોનાના લાટા હોવાનું જણાતાં જેઠવા રાણાએ બધા પાસેથી ઈટો પાછી મગાવી, લાખણસી કવિને પણ પાછી આપવા કહ્યું. લાખણસીભાએ કહ્યું કે ‘મેં તો પાણીઆરૂં ચણી લીધું છે.’ ‘તોય કાઢી આપો.’ ‘જેઠવો ઊઠીને પાણીઆરૂં તેડશે? તો આ લે તારું આ ઘર.' કહીને ચાલ્યા આવ્યા પોતાના સસરાને ઘેર ગારીઆધાર. પછી કોણ જાણે શા કારણથી લાખણશી ચારણ પોતાના સસરા સામે બહારવટે નીકળ્યા, અને સસરા ગારીઆધારના ગોહિલ ઠાકરના દસોંદી હતા એટલે એ બહારવટું ગોહિલ ઠાકોર પર પણ ચલાવ્યું.