પરકીયા/ગમગીનીને
ગમગીનીને
સુરેશ જોષી
ગમગીની, મારે તારી કાળી પાંખ જોઈએ છે.
આટલો બધો સૂરજ, પોખરાજમાંનું આટલું બધું મધ
એક એક કિરણ હસે
ખેતરોમાં,
અને મારી ચારે બાજુ પુષ્કળ પુષ્કળ પ્રકાશ;
બધું ઊંચે હવામાં ગણગણતી મધમાખીના જેવું.
તેથી જ તો કહું છું
કે મને
તારી કાળી પાંખ આપ,
બહેન ગમગીની!
કોઈક વાર મને થાય:
નીલમનો પ્રકાશ હોલવી નાંખવો જોઈએ;
અને વરસાદની ત્રાંસી જાળ
પાથરી દેવી જોઈએ.
દરિયાની ખાડીમાં ભાંગીતૂટી
જીર્ણ નૌકાને જોવાનું મન થાય.
વળી જોવા ઇચ્છું
અન્ધકારમાંનું એ મોટું ઘર
અને મારી મા
પેરેફિન શોધતી,
દીવામાં પૂરતી;
નિસાસો નાંખ્યા વિના એ કદી
દીવો પ્રકટાવતી નહીં.