પરકીયા/શિશુનાં ચરણ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


શિશુનાં ચરણ

સુરેશ જોષી

શિશુનાં ચરણને હજી ખબર નથી કે એ ચરણ છે,
એને હજી પતંગિયું કે સફરજન થવાનું ગમે છે.

પણ સમય જતાં પથરા ને કાચના ટુકડા,
શેરીઓ, સીડીઓ,
અને ખરબચડી ધરતી પરના રસ્તાઓ
એ ચરણને પઢાવે છે એ ઊડી નહીં શકે,
કે એ શાખા પરથી લચી પડતું ફળ નહીં થઈ શકે.

પછી શિશુનાં એ ચરણ
હારી જાય છે, યુદ્ધમાં
ઢળી પડે છે.
કેદી બને છે
જોડામાં પુરાઈને જીવવાની એને સજા ફટકારવામાં આવે છે.

ધીમે ધીમે, એ અંધારામાં,
એ દુનિયાને પોતાની રીતે ઓળખતા શીખી જાય છે,
એના સાથીથી વિખૂટું, પુરાયેલું.
આંધળાની જેમ જીવનને ફંફોસતું.
એ પોચા પોચા
ચકમક જેવા ચમકતા નખ
ભેગા ઝૂમખામાં ગુંથાયેલા
કઠણ બને,
અપારદર્શી પદાર્થમાં ફેરવાઈ જાય,
શીંગડાં જેવાં કઠણ બને.
અને શિશુનાં નાનકડાં પાંખડી જેવાં આંગળાં
કશી ગોઠવણી વિનાનું ઝૂમખું બની જાય
આંખ વગરના પેટે ચાલનારાં પ્રાણી જેવાં,
એનું ત્રિકોણાકાર માથું, જંતુ જેવા.
પછીથી, એઓ ગંઠાઈ જાય
મરણના ઝાંખા જ્વાળામુખીઓથી ઢંકાઈ જાય
પછી બરછટ બની જાય, એ સ્વીકારવું ગમે નહિ.
પણ એ આંધળાં અવિરત ચાલ્યા કરે,
કદી થંભે નહીં
એક ચરણ, પછી બીજું.
ઘડીમાં પુરુષનું,
ઘડીમાં સ્ત્રીનું.
ચઢાણ ચઢે
ઢોળાવ ઊતરે
ખેતરોમાં, ખાણમાં
બજારોમાં, સચિવાલયોમાં
પાછળ ખસે, અંદર વળે.
આગળ જાય.
આ ચરણ એના જોડામાં શ્રમ કરે
પ્રેમમાં કે નિદ્રામાં પોતાને અનાવૃત
કરવાની પણ એને ભાગ્યે જ તક સાંપડે;
એ ચાલે છે, બંને ચાલ્યા જ કરે છે,
માણસ આખો ઊભા રહેવાનું ઇચ્છે ત્યાં સુધી.
અને પછી એ ઊતરે છે
ભૂગર્ભમાં, અણજાણપણે,
ત્યાં તો બધું જ, બધું જ હોય છે નર્યું કાળું.
એને ખબર નથી કે
એ ચરણ મટી ગયું છે
કે એને જો કોઈ દાટી દે તો એ ઊડી જઈ શકે છે
કે એ સફરજન બની જઈ શકે છે.