પરિષદ-પ્રમુખનાં ભાષણો/૪૩
- બકુલ ત્રિપાઠીનો જન્મ ૨૬ નવેમ્બર ૧૯૨૮ના રોજ નડિયાદમાં થયેલો. ગુજરાતી સાહિત્યમાં તેઓ હાસ્યકાર અને નાટ્યકાર તરીકે વધારે જાણીતા હતા. તેઓ ૧૯૪૮માં સ્નાતક થયા. ૧૯૫૨માં અનુસ્નાતક થયા. ૧૯૫૩માં એલએલ.બી. થયા. ૧૯૫૩થી એચ.એલ. કૉલેજ ઑફ કૉમર્સમાં સેવાનિવૃત્ત થયા ત્યાં સુધી અધ્યાપનકાર્ય કર્યું.
બકુલ ત્રિપાઠીનું ઉપનામ ‘ઠોઠ નિશાળિયો’ હતું. ૧૯૫૧માં તેમણે નિર્બંધિકાઓ લખવાની શરૂઆત કરી. ૧૯૫૫માં તેમનો ‘સચરાચર’ નામે હાસ્યનિબંધોનો સંગ્રહ પ્રગટ થયો. ‘સોમવારની સવારે’ (૧૯૬૬), ‘વૈકુંઠ નથી જાવું’ (૧૯૮૩), ‘દ્રોણાચાર્યનું સિંહાસન’ (૧૯૮૫), ‘ગોવિંદે માંડી ગોઠડી’ (૧૯૮૭), ‘મન સાથે મૈત્રી’ (૧૯૯૦), ‘હિંડોળો ઝાકમઝોળ’ (૧૯૯૨), ‘અષાઢની સાંજે પ્રિય સખી અને ભજિયાં’ (૧૯૯૪), ‘લગ્નમંગલ અને હાસ્યમંગલ’ (૧૯૯૪) અને ‘શેક્સપિયરનું શ્રાદ્ધ’ (૧૯૯૪) તેમના હાસ્યનિબંધો, લલિતનિબંધો તેમજ હાસ્યકથાઓના સંગ્રહો છે. ૧૯૫૩થી તેમણે વર્તમાનપત્રોમાં લખવાનું શરૂ કર્યું. ‘ગુજરાત સમાચાર’ દૈનિક વર્તમાનપત્રમાં ઠોઠ નિશાળિયોના નામે ‘કક્કો અને બારાખડી’ની કટાર લખતા. પછી ૧૯૬૨થી એ જ વર્તમાનપત્રમાં ‘સોમવારની સવારે’ એ નામથી કટાર લખવા માંડેલી. મુંબઈના ‘જન્મભૂમિ’ વર્તમાનપત્રમાં પણ ‘તરંગ અને તુક્કો’ એ શીર્ષકથી કટારલેખન કરતા હતા. ‘વ્યક્તિ અને વિચાર’ નામે રેખાચિત્રોનો વિભાગ પણ તેમણે ચલાવેલો. ‘ટાઇમ્સ’માં નાટકો અને ચલચિત્રોની સમીક્ષા પણ કરતા હતા. બકુલ ત્રિપાઠીએ ‘કુમાર’ ઉપરાંત ‘અખંડ આનંદ’, ‘સંસ્કૃતિ’, ‘મિલાપ’ વગેરેમાં પણ નિબંધિકાઓ લખતા હતા. તેમની અભિવ્યક્તિનાં માધ્યમોમાં માસિકો, સામયિકો, દૈનિકો, રેડિયો, રંગભૂમિ, દૂરદર્શન વગેરેને ગણાવી શકાય. તેમણે રેડિયો ઉપર પ્રહસનશ્રેણી ચલાવેલી. એ ‘ગપસપ’ નામે ચાલતી હતી જે ખૂબ જ લોકપ્રિય થઈ હતી. તેમણે રેડિયો-નાટકો પણ રજૂ કર્યાં હતાં. બકુલ ત્રિપાઠીએ ‘લીલા’ નામે હાસ્યપ્રધાન-કટાક્ષપ્રધાન ત્રિઅંકી નાટક આપ્યું છે. આ સંગ્રહમાંનાં નાટકોમાં ભવાઈના સ્વરૂપમાંથી અંશો લઈને આધુનિક સામગ્રીમાં ઢાળીને નાટકની રજૂઆત કરી છે. ‘મેનાં ગુર્જરી’, ‘જસમા ઓડણ’માં લોકકથા, દંતકથા અને ઇતિહાસનું સંમિશ્રણ જોવા મળે છે. ‘લીલા’ નાટક અખિલ ભારતીય નાટ્યમહોત્સવમાં સ્થાન પામ્યું હતું. જ્યોતીન્દ્ર દવેના લેખોનું સંપાદન ૧૯૭૫ની સાલમાં તેમણે કરેલું. ગુજરાતી હળવા નિબંધના ક્ષેત્રમાં બકુલ ત્રિપાઠીનું એ વિશિષ્ટ અર્પણ છે. તેમના હાસ્યલેખોમાં કટાક્ષ, દંભ, પ્રપંચ, ભ્રષ્ટાચાર તેમજ શિક્ષણનાં અવમૂલ્યન કેન્દ્રસ્થાને રહેલાં છે. તેમની આ સેવા પાંચ દાયકા સુધી ચાલી છે. તેમના સંગ્રહમાં હાસ્યરસિક ટુચકાઓ, કટાક્ષયુક્ત સંવાદો તેઓ કુશળતાપૂર્વક આલેખે છે. તેમના લલિતનિબંધોમાં તેમનો કલમવિહાર સુપેરે પ્રગટ થાય છે. બકુલ ત્રિપાઠીના હાસ્યલેખોનાં પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમીનાં પારિતોષિકો પણ મળ્યાં છે. ૧૯૫૨માં ‘કુમાર ચંદ્રક’ એનાયત થયો. ૧૯૮૮માં ગુજરાત સાહિત્ય સભાનો ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ પણ તેમને મળ્યો હતો. ‘જ્યોતીન્દ્ર દવે પારિતોષિક’થી પણ તેઓ સન્માનિત થયા હતા. ‘સોમવારની સવારે’ માટે ગુજરાત સરકારનું પ્રથમ પારિતોષિક તેમને પ્રાપ્ત થયું હતું. બકુલ ત્રિપાઠીના પ્રથમ પુસ્તક ‘સચરાચર’ને આવકારતાં જ્યોતીન્દ્ર દવેએ યોગ્ય જ લખેલું, ‘શ્રી બકુલ ત્રિપાઠીનું આ પહેલું જ પુસ્તક પ્રસિદ્ધ થાય છે, પણ આપણે ત્યાં જે ગણ્યાગાંઠ્યા હળવા નિબંધના લેખકો છે તેમાં એમણે અત્યાર અગાઉ ક્યારનુંય સ્થાન મેળવી લીધું છે. ગંભીર વિષયોનું અગંભીર રીતે અને અગંભીર વિષયોનું ગંભીર રીતે નિરૂપણ કરી, પ્રથમ દર્શને ગળે ઊતરી જાય એવી છતાં હેત્વાભાસભરી દલીલોની પરંપરા ખડકી, માનવસ્વભાવમાં રહેલી નબળાઈઓ ને વિસંગતિઓનું હળવે હાથે પૃથક્કરણ કરી એમણે જે હાસ્યનું નિર્માણ કર્યું છે એ હંમેશાં નિર્મળ, નિર્દોષ ને નિર્દંશ રહ્યું છે. ક્વચિત્ કટાક્ષનો પણ એમણે આશ્રય લીધો છે; પરંતુ એમનો કટાક્ષ તીવ્ર કે વ્યક્તિગત કદી બન્યો નથી. વસ્તુ, પ્રસંગ કે વિચારમાં રહેલી અસંગતિ પારખી કાઢવાની સૂક્ષ્મ દૃષ્ટિ સાથે જ એનું રસભરી રીતે નિરૂપણ કરવાની સહજ શક્તિ એમને વરી છે. આથી એમનો વિનોદ સહજ શિષ્ટ અને માર્મિક બન્યો છે. હાસ્ય ઉપજાવવા માટે એમને ક્યાંય મહેનત કરવી પડતી હોય અથવા યુક્તિ-પ્રયુક્તિઓ કે કૃત્રિમ સાધનોનો આશ્રય લેવો પડતો હોય એમ દેખાતું નથી. પ્રથમ પ્રયાસે જ આ સિદ્ધિ દાખવનાર શ્રી બકુલ ત્રિપાઠીએ આપમા પ્રથમ પંક્તિના નિબંધકારોમાં સ્થાન લીધું છે એમ કહેવું વધારે પડતું નથી.’ ગુજરાતી સાહિત્ય પરિષદના તેઓ પ્રમુખ હતા તે દરમિયાન ૩૧ ઑગસ્ટ, ૨૦૦૬ના રોજ અમદાવાદમાં તેમનું અવસાન થયું. (૨૦૦૫ થી ૨૦૦૬) સર્જકતા : અદ્ભુત રોમાંચ, અદ્ભુત રહસ્ય મુરબ્બીઓ, મિત્રો, નમ્રતા અનુભવવી જોઈએ, ધન્યતા અનુભવવી જોઈએ, અનુગૃહીત થવું જોઈએ, આપણે, હું પણ થાઉં છું જ, એ સંસ્કારી વિનયી પરંપરા છે… પણ તે ઉપરાંત ખરેખર તો અનુભવું છું, ખૂબ ખૂબ રોમાંચ, ઉત્તેજના, ઉછાળો ઉલ્લાસનો! કારણ? પરંપરાગત રીતે તો ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ થવું એટલે શું? સાહિત્યજગતના શાણા સન્માનિત પુરુષો આપણને સન્માનિત બનાવી, પાઘડી પહેરાવી, ઊંચા આસને બેસાડે અને પછી કહે – વડીલ, હવે પલાંઠી વાળીને પ્રવચન આપો, જ્ઞાન આપો, અમને સંપ્રજ્ઞાત બનાવો, ધન્ય કરો. એ હતો પંડિતયુગ…. આજનો આપણો છે ખંડિત યુગ…. આપણો સમાજ ખંડિત થઈ રહ્યો છે, આપણાં મૂલ્યો ખંડિત થઈ રહ્યાં છે, આજનો માનવી સંવેદન-ક્ષમતાએ જડ થઈ રહ્યો છે, માનવીની માનવીમાં શ્રદ્ધા ખંડિત થઈ ગઈ છે. મને ખરેખર લાગ્યા કરે છે – મારે અહીં આવવાનું બન્યું છે કોઈ વરિષ્ઠ જ્ઞાનમૂર્તિ તરીકે નહીં, પણ તમારા બધા જેવા જ આજના યુગના, આજના સાહિત્યજગતના, આ નવા યુગના ખરા વાસ્તવને શોધવા, મથતા તમારા સાથીમિત્ર તરીકે.
આજે ટૅક્નૉલોજી, માસ કમ્યુનિકેશન, મીડિયા રેવૉલ્યૂશન–ભારતમાં નવા નવા લિબરલિઝેશન, ગ્લોબલાઇઝેશન તથા કમર્શિયાલિઝેશનના–ધમધમતા વંટોળિયાઓમાં સુક્કાં પાંદડાંની જેમ ચક્કર ચક્કર ઘૂમતા માનવીઓ છીએ આપણે. આમ તો આપણે આ તેજીલા, ઘોંઘાટિયા, રંગરંગીલા યુગમાં ધમધમતા કમાતાધમાતા મોંઘાં ને મોંઘાં ટી.વી., ફ્રીજ, વૉશિંગ મશીન, મોટરબાઇક, મોટરકાર ખરીદતાં સદા ઉત્તેજિત કન્ઝ્યુમર બની રહ્યા છીએ. સમૂહ-માધ્યમો આપણાં હાડકાં કચડી નાંખતાં સ્નેહ-આલિંગનમાં આપણને ભીંસી રહ્યાં છે. ચોવીસે કલાક જાણે દોડાદોડમાં પેલાઓએ આપણે માટે ઠરાવેલાં સંવેદનો સિવાય કોઈ માનવલાગણીની લેરખી ન પ્રવેશે આપણા હૃદયમાં, અને આપણે લાયકાત મુજબ(!) પપેટ કે રોબૉટ બની રહીએ એવી વ્યવસ્થા પ્રગટતી જાય છે. તમે કલાકાર હો તો તમને ઝગમગતા શોરૂમના દરવાજે ગોઠવાતાં મેનીકીન પૂતળાં બની રહેવાનું સદ્ભાગ્ય પણ મળે! અને, આ બધું છતાંય, આ બધા કોલાહલની વચ્ચે ક્યારેક યાદ આવી જાય છે આપણને આપણું ભીતરનું સાચકલું વ્યક્તિત્વ, આપણી સાચી સાહજિક લાગણીઓ, આપણા મનના ઊંડાણમાંનો આપણો પોતીકો શબ્દ, આપણી અંદરના ગોવર્ધનરામ, મુનશી, રમણલાલ, મેઘાણી, ઉમાશંકરનો શબ્દ, આપણા શૈશવનો, આપણાં માતાપિતાનો શબ્દ, આપણી અંદરના ખોવાયેલા સર્જકનો શબ્દ, આપણામાંના આપણું ગીત ગાઈ ઊઠવા ઉત્સુક ભાવકનો શબ્દ. આપણામાંના એ ભાવકનો, એ સર્જકનો જેને અણસાર મળ્યો તે સૌનું આ સ્નેહમિલન છે. પરિષદ અધિવેશન એટલે હૃદય-રસિયાઓનો મેળો. શું મેળવીશું આપણે, આ ત્રણ દિવસમાં? એ જ ખાતરી કે આપણે જીવીએ છીએ, આપણામાંનો સાહિત્યરસિયો જીવે છે. આપણી ગુજરાતી ભાષા અંગે જીવંત-જાગ્રત રસ સાથે આપણે પરસ્પરના હૃદયધબકાર સાંભળવા અહીં બોરીવલી-કાંદીવલીના સરસ્વતી યાત્રાધામના ચૈતન્ય ઉત્સવમાં હોંશભેર સામેલ છીએ. ગુજરાતી સાહિત્ય પરિષદ એ આપણને સૌને જોડતી, એકસૂત્ર રાખતી, રેશમી દોરી છે. તમે પરિષદના સભ્ય બનો છો ત્યારે તમારી ભાષાને, તમારી માતાને, તમે ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પીધેલા કસુંબલ રંગને, ઉમંગરંગને, જીવનઉલ્લાસને હોંશભેર ‘હા’ કહો છો! આપણી ગુજરાતી ભાષાનો આ અદ્ભુત વારસો આપણને આપી જનાર કવિ પ્રેમાનંદ કે અખા ભગતથી આજપર્યંતના સૌ સર્જકોના, આપણે ઋણી છીએ. આપણી આ પરિષદ સંસ્થાને ભારતભરની ભાષાઓમાં સૌથી પુરાણી, તત્સમયે સૌથી પ્રભાવવંતી, એવી આ સાહિત્યસંસ્થાને સ્થાપનાર, ઉછેરનાર શ્રી રણજિતરામ વાવાભાઈ મહેતા, શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી તથા સૌ વિદ્વદ્જનોના આપણે ઋણી છીએ. એમને સમરીએ અને એમનાં નામોને ગૌરવ અપાવે એ રીતે આગળ વધવા સંકલ્પબદ્ધ બનીએ. પરિષદ અધિવેશન એ ઉત્સવનું ટાણું છે તો એ ચિંતનટાણું પણ છે. પ્રશ્ન થશે જ આપણને, સ્વાભાવિક છે કે આજે, આજના સમયે, આપણું કર્તવ્ય શું? અને હા, તરત જ આપણને પ્રશ્ન થશે, ‘ઊભા રહો, આપણે… એટલે કોણ?’ મને અહીં અભિપ્રેત છે ત્રણ અંગો : સર્જક, ભાવક અને તંત્ર! (૧) સર્વનાકેન્દ્રમાં છે સર્જક-લેખક – The Creative writer અને એની સતત વર્ધમાન સર્જનશીલતા – Creativity. (૨) સર્જકની કૃતિનો જેણે પડઘો પાડવાનો છે તે ભાવકગણ, વધુ સરળ રીતે કહીએ તો વાચકો, સાહિત્યપ્રેમીઓ, પ્રજાજનો. અહીં હવે પ્રશ્નો ઊભા થાય છે સમાજસંબંધોના. પરિષદનું કર્તવ્ય અહીં ઘણું છે, અનેકદેશીય છે. (૩) આજના યુગમાં વિસ્તાર અને સંકુલતાને કારણે, કોઈ પણ સંસ્થાનું, આપણી પરિષદનું પણ આંતરિક તંત્ર, આપણા તંત્રના સ્વૈચ્છિક વહીવટદારો, વેતન-અવેતન કર્મચારીઓ, સમયબદ્ધ કાર્યક્રમો અને આ માટેના તંત્રનાં વહીવટ-સંચાલન સંબંધી તેમજ નાણાકીય પ્રશ્નોનું સ્મરણ પણ અહીં અનિવાર્ય. ઈ. સ. ૧૯૦૫થી આજ સુધી વિવિધ પ્રમુખશ્રીઓએ આ ત્રણ મહત્ત્વનાં, કહો કે અનિવાર્ય ઘટકો, પરિબળો સંદર્ભે વિચારો-માર્ગદર્શન આપ્યાં છે. આપણી ગુજરાતી સાહિત્ય પરિષદનો સંપૂર્ણ ઇતિહાસ હજી આપણને સુલભ નથી થયો પણ પરિષદપ્રમુખનાં ભાષણો બે ભાગમાં પ્રગટ થયાં છે, જેમાં ઈ. સ. ૧૯૭૩ના ૨૭મા અધિવેશન સુધીના પરિષદપ્રમુખોનાં ભાષણો સમાવાયાં છે. તે પછીના અધિવેશનોનાં ભાષણો મને અંગત રીતે પરિષદ કાર્યાલયમાંથી જોવા-વાંચવા મળ્યાં છે. (મારો અંગત સંગ્રહ પણ કેટલોક ખરો!). આશ્ચર્ય અને અહોભાવ પ્રેરે તેવી વિચારોની જ્ઞાનસરિતા છે આ. છેલ્લા બે-ત્રણ મહિનામાં જાણે કે જવાબદારી લેવાની પૂર્વતૈયારી રૂપે, આ સાહિત્યના પરિશીલનથી અજવાળું અજવાળું થયું ને પછી થવાયું અંતર્બહિર સંમુખ! આ વર્ષના, આ અધિવેશનના વરાયેલા પ્રમુખ માટે આ ચિંતન-પરિશીલન અનિવાર્ય હતું. કદાચ અગાઉના કોઈ વર્ષે આવો અભ્યાસ આટલો અનિવાર્ય ન બનત. આ વર્ષ, આ અધિવેશન, બે કારણે વિશિષ્ટ છે. (૧) પરિષદનું આ શતાબ્દી આસપાસનું અધિવેશન છે. ઈ. સ. ૧૯૦૫ના જૂન-જુલાઈના પ્રથમ અધિવેશન પછી ૨૦૦૫ના ડિસેમ્બરમાં આ અધિવેશન ભરાય છે. વૈધિક રીતે આ સંદર્ભને વીસરી જવાય કદાચ પણ આપણે સૌ જાણીએ છીએ કે ઊડીને આંખે વળગે એવો આ પ્રસંગ છે. કદાચ ઇતિહાસના બોધપાઠોની વિધિસરની તારવણી કરવાની આ તક આપણે જવા દઈએ, સાધનોની અને સમયની અનુકૂળતા-પ્રતિકૂળતાને કારણે કે કદાચ આપણા સામૂહિક મંદપ્રાણત્વને કારણે. પણ વાસ્તવમાં આ સભાનતા રહેશે જ, રાખવી જ છે આપણે, માત્ર નવાં સ્વપ્ન જોવાને ખાતર નહીં (એ તો કદાચ ખૂબ સરળ છે!) પણ વધારે તો નવી સદી અંગે દૃષ્ટિ પ્રગટાવવી છે અને આયોજનો આપણે વિચારવાનાં છે – તે કારણે. તેજીલો આરંભ (અંગ્રેજીમાં કદાચ આને કિક સ્ટાર્ટ–kick start કહીએ) તે સાહસ માટે આ ટાણું, આ નિમિત્ત, આપણે ચૂકવા જેવું નથી. મારા મનમાં આ અંગેની આપણી સૌની સહિયારી જવાબદારી સતત મને પજવ્યા કરે છે! (૨) બીજો એક સંજોગ પણ ઊભો થયો, સાવ જાણ્યે-અજાણ્યે! ઘણાં વર્ષો પછી પ્રમુખપદ માટે ઉત્સાહભેર (અને ગૌરવ આપણા સહુનું, ચૂંટણીમાં સંકળાયેલા દરેકનું કે) સંપૂર્ણ સ્વચ્છ રીતે ચૂંટણી પાર પાડવાની સિદ્ધિ આપણે મેળવી છે. જોગાનુજોગ પ્રમુખ ઉપરાંત મધ્યસ્થ સમિતિ, કાર્યવાહક સમિતિ અને મંત્રીગણ એ સર્વની રચનામાં એવાં જ તંદુરસ્ત સ્પર્ધા અને ઉમંગ દેખાયાં છે. (આપણે સમાજને કહી શકીએ કે વહાલા દોસ્તો, પ્રજાતંત્રમાં ચૂંટણી લડાઈ એમ કહેવાનું ન હોય, ચૂંટણી તો ઊજવાઈ એમ કહેવું જોઈએ! અમે ઊજવી!) આ ઘટનાનું એક આનુષંગિક પરિણામ એ આવ્યું કે ઘણા મોટા પ્રમાણમાં પરિષદના સભ્યોનાં વિચારો, ભાવનાઓ પ્રગટ થયાં. ક્યારેક ગંભીર અભિધામાં, ક્યારેક મનોરંજક વ્યંજનામાં! સાહિત્ય પરિષદની વીતેલી સદીના આપણા વડીલોને નમ્રતા સાથે દૃઢતાથી કહી શકીએ કે “હે પૂર્વજો, આપનું આખીય એક સદીનું, ગુજરાતની સંસ્કૃતિને શોભે એવું સંસ્કારસિંચન એળે નથી ગયું.” આ જાગૃતિ અને ઉત્સાહ સાથે આપ સૌએ, વિશેષે તો યુવાન ભાઈ-બહેનોએ નવી સદીને આવકારી છે એ વાત, આ વરાયેલા પ્રમુખશ્રીનાં મન-અંતરમાંથી પળભર વીસરાઈ નથી, વીસરાવાની નથી, ઊંડા ઋણભાવ સાથે. ઉપરોક્ત બે સંજોગોને કારણે આ પરિષદની સ્વ-ઓળખના, આપણા પૂર્વજોના પુરુષાર્થને આપણે સમજવો ઘટે – પરિષદ-પ્રમુખોના વિચારોના હાલ પૂરતા મર્યાદિત સ્મરણ દ્વારા. પરિષદની પ્રથમ સદીના આરંભે, ઈ. સ. ૧૯૦૫માં, પ્રથમ પ્રમુખશ્રી ગોવર્ધનરામભાઈના પ્રવચનમાંથી હું એક અવતરણ મૂકવાની રજા લઉં છું. તે સમયે પરિષદના શાસ્ત્રીય વિષયોની ચર્ચાઓ એ મુખ્ય લક્ષણ બની રહ્યું. અન્ય કોઈ, આખા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી શકે એવી સંસ્થા ન હતી. સાહિત્યના શાસ્ત્રીય વિષયોની ચર્ચાનો ઉલ્લેખ કરતાં ગોવર્ધનરામભાઈ કહે છે “…આટલા બધા ગૃહસ્થો આનંદ સાથે પધારેલા છે અને ૧૫-૧૬ ગૃહસ્થો પોતાનાં લખાણ મૂકશે, ને તમે કેટલી ધીરજથી સાંભળશો અને તમને એમાં રસ પડશે કે નહીં તે વિશે ગંભીર શંકા છે… સાધારણ રીતે આપણે વખત વિચારીને એવી યોજના કરી છે કે જે વિચાર મુકાશે અને જેમનાં લખાણ વંચાશે તે સંબંધ ચર્ચા રાખવાની નથી… હાલ તો વકીલની માફક પુરાવો એકઠો કરવો છે. કોઈ કહેશે જુદા જુદા અભિપ્રાય દર્શાવે તેમાં ફળ શું પરંતુ તેમાં જ ફળ છે. સૌ ઊભરા કાઢ્યા પછી… અનેક ચર્ચા થયા પછી જે ‘ઉત્તમ’ હશે તે જય પામશે. હાલ વસ્તુમાં તમારું કામ સાંભળી રહેવાનું છે અને ધૈર્ય રાખવાનું છે. (પરિષદ પ્રમુખોનાં ભાષણો, ભાગ-૧, પૃષ્ઠ ૩-૪) આ અભિગમને પરિણામે કે – તે સમયની જરૂરિયાત હશે તેથી – જે હશે તેને કારણે શ્રી ગોવર્ધનરામભાઈ (ઈ. સ. ૧૯૦૫)થી છેક શ્રી આનંદશંકર બા. ધ્રુવ (ઈ. સ. ૧૯૨૮) સુધીના પ્રમુખોનાં પ્રવચનોમાં, સ્વ. કેશવલાલ હ. ધ્રુવ (ઈ. સ. ૧૯૦૭)ના શબ્દોમાં પરિષદપ્રમુખોની ગતિ “અગતિક શિક્ષાગુરુ” જેવી ગણાઈ છે; જાણે હજી સાહિત્યજગતના પ્રમુખ વિદ્વદ્જનો ઘણા બધા સાહિત્યિક ખ્યાલોની વ્યાખ્યા બાંધતા હોય કે સાહિત્ય પરિષદની વિભાવના સ્પષ્ટ કરતા હોય એમ દેખાયા કરે છે. આ પછી પરિષદના કાર્યવિસ્તાર અંગે, શું સમાવવું, શું ટાળવું એ ચર્ચા – વધુ તેજીલો સંવાદવિવાદ વધતો જાય છે. શ્રી કનૈયાલાલ મુનશી આ વિવાદના પ્રેરક અને પ્રતીક બની રહ્યા. વધતા કાર્યવિસ્તારને કારણે એક બાજુ ઉમંગ-ઉત્સાહ વધતા ચાલ્યા તો બીજી બાજુ વહીવટ-વ્યવસ્થાની સમસ્યાઓ પણ વધતી ચાલી. આ બધા ઉત્સવ-કોલાહલમાં પેલો કેન્દ્રસ્થ સર્જકલેખક – સાહિત્યસર્જક – જેને સગવડ ખાતર આપણે ‘કવિ’ કહીશું, તે બિચારો મોં પહોળું કરીને વિસ્મય અનુભવતો બાજુએ ઊભેલો હોય એવું દેખાય છે, પ્રવચનો પરથી! હા, સાહિત્યના રસરુચિતરસ્યા ભાવકો અને સાહિત્યના રસ વિનાના ઉત્સવઘેલાઓ પ્રસન્ન હતા એવું, તે સમયની અન્ય વાતો પરથી લાગે છે! (ઉમાશંકરભાઈએ આ ‘કવિ’ શબ્દને સર્વ રીતના સર્જકો, વિવિધ સાહિત્યરૂપોના સર્વે સર્જકોના, પ્રતિનિધિરૂપ ગણી લીધો છે એમાં અમને ઘણા મુખ્યત્વે ગદ્યના લેખકોને માઠું લાગ્યું છે પણ હવે જે ચાલ્યું છે તે ચાલ્યું છે, શું કરીએ!) લગભગ, ૨૪મા અધિવેશન (૧૯૬૮)માં શ્રી ઉમાશંકર જોશીના પ્રવચનથી ‘કવિ’(શબ્દ-સર્જક)ની સર્જનશીલતા પર ધ્યાન કેન્દ્રિત થવા માંડ્યું દેખાય છે. એક બાજુ વિશાળતા આવી, વૈશ્વિકતાનો સંદર્ભ વધ્યો તો બીજી બાજુ પરિષદ-પ્રમુખશ્રીઓએ સાહિત્યનું કોઈ એક વિશિષ્ટ અભિવ્યક્તિસ્વરૂપ લઈને એની ઊંડી વિચારણા પીરસવાનું રાખ્યું. આમાં નવલકથાનું સ્વરૂપ, કવિતા તથા વિવેચનનું સ્વરૂપ વગેરે વિષયો ચર્ચાયા. આનાથી સમાજની અને ઊગતા સર્જકોની પણ સાહિત્યસમજને ઘણો લાભ થયો. પરિષદ-અધિવેશનોને વિશ્વવિદ્યાલય(“યુનિવર્સિટી”)ના શિક્ષણવર્ગનું સ્વરૂપ મળ્યું. કવિ શ્રી સુંદરમે (ઈ. સ. ૧૯૭૦ના અધિવેશનમાં) દર્શાવેલી ભાવના ફળીભૂત થવા લાગી. તેઓશ્રી કહે છે, “આપણે અત્યારના લોકશાહીવાળા ડેમોક્રૅટિક બંધારણ હેઠળ છીએ. છતાં એનાથી એકાદ કદમ આગળ વધાય તો વધીએ” અને પછી તત્ત્વસાધક સુંદરમ્ ઉમેરે છે, “પરિષદ તો આગળ વધીને હવે ઉપનિષદ બનવી જોઈએ. આપણી સંસ્કૃતિના આદિકાળમાં જેવી રીતે વિદ્યાસંપન્ન ગુરુની પાસે બેસીને વિદ્યાર્થીતત્ત્વની પ્રાપ્તિ કરતો, ગુરુનું જ્ઞાન, ગુરુની મેધા, પ્રતિભા, ગુરુનું વ્યક્તિત્વ–એના એ નિકટના સંપર્કમાં આવીને તેનું તે પાન કરતો, તેનાથી પુષ્ટ અને વૃદ્ધિંગત થતો, કંઈક એવી રીતે આપણી પરિષદની અંદર આપણા પ્રગતિશીલ સાહિત્યકારોની આસપાસ તેમના નિકટના સંપર્કમાં પહોંચાય, તેમનું સ્નિગ્ધ સાન્નિધ્ય સેવાય અને એમાંથી આપણી નવી નવી પેઢીઓ પુષ્ટ થતી જાય એવું કંઈ થવું જોઈએ.” (પરિષદપ્રમુખનાં ભાષણો, ભાગ-૨, પૃષ્ઠ-૪૯૬) અંગત રીતે મને પરિષદની પ્રવૃત્તિઓનો જ્ઞાનલાભ તથા આનંદલબ્ધિ પણ, ૧૯૫૫થી જ નહીં, એનાથીય વહેલેરાં એટલે કે મારી ત્રેવીસની વયથી થતાં આવ્યાં છે. (અહીં, પરિષદના આજના સ્વરૂપના બીજરૂપ લેખક-મિલનમાં છેક ૧૯૫૧-’૫૨ -થી છેલ્લી હારમાં બેસીને રસઘૂંટ ભરતા રહેતા, ઊગતા મુગ્ધ લેખક તરીકેનાં વર્ષો ખૂબ ઉમળકાભેર સંભારી લઉં છું) મને લાગે છે કે સુંદરમ્ની આ ભાવના ધીરે ધીરે પરિષદસ્વરૂપમાં સિદ્ધ થતી રહી છે. એક જ દૃષ્ટાંત : છેલ્લાં કેટલાંક વર્ષોમાં આપણા કવિ નિરંજન ભગતની સળંગ વાર્તાલાપશ્રેણીઓથી ઉપનિષદભાવનાનું સાતત્ય જળવાયું છે. જ્ઞાનસત્રો અને અધિવેશનો પણ ઉપનિષદભાવનાની દૃષ્ટિએ સંતર્પક બની રહ્યાં છે એમ લાગે છે. પરિષદની આ સાહિત્યિક, જ્ઞાનલક્ષી પ્રવૃત્તિઓ માટે આપણે ગૌરવ લઈ શકીએ એમ છીએ. વીતી ગયેલી સદીના છેલ્લા દાયકાઓની વાત કરતાં બીજી એક સ્વપ્રસિદ્ધિ માટે પણ આપણે અભિમાન લઈ શકીએ એમ છીએ. કઈ એ સિદ્ધિ? ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૩મા અધિવેશન પ્રસંગે (ઈ. સ. ૧૯૬૫), આગલા અધિવેશનના નિવૃત્ત થતા પ્રમુખ રસિકલાલ છો. પરીખે કહ્યું છે. “…સાહિત્ય પરિષદે પ્રારંભકાળમાં જ કેવળ કૉન્ફરન્સ ન રહેતાં, દિન-પ્રતિદિન કામ કરતી સાહિત્યસંસ્થા બનવાના પ્રયાસો કર્યા છે. સાહિત્ય પરિષદ ગમે તે કાર્યક્ષેત્ર સ્વીકારે પણ એ ક્ષેત્રને ખેડવાની, એનું સામર્થ્ય શી રીતે વધે એનો તાત્કાલિક વિચાર કરવાની જરૂર છે. પરિષદને હજી પોતાનું મકાન નથી, પોતાનું ગ્રંથાલય નથી, પોતાનું કાર્યાલય તેવી કચેરી નથી. એ કેવી રીતે થાય અને તે માટે શાં પગલાં ભરવાં જોઈએ તે વિચારી લેવું જોઈએ.” (ગુજરાતી સાહિત્ય પરિષદ ૨૩મું સંમેલન, અહેવાલ પાનું ૧૬) શ્રી પરીખ આ પછી ચિંતા વ્યક્ત કરે છે કે “આ બધું કોણ કરશે?” (દેખીતું જ છે, તેઓ વ્યક્તિનો નહીં પણ સ્થાન-અધિકાર-કાર્યભાર-સંચાલનસૂઝનો વિચાર કરતા હતા. “આ વિશે વિચાર કરવો પડશે.” આપણા ચિંતક-વિવેચક છેલ્લે એમની પછીની પેઢીને જાણે પડકાર ફેંકે છે. ઈ. સ. ૧૯૬૫ની આ વાત. અને વિસ્મય અને આનંદ સાથે આપણે જોઈએ છીએ (અન્ય પણ એકાધિક પ્રમુખશ્રીઓએ જેને વિશે ચિંતા અનુભવેલી તે) પ્રભાવક વાસ્તવિક સગવડો આજે આપણી સામે ઊભી છે–સાબરમતી નદીને કિનારે! ભારતના જાહેરજીવનની સંસ્થાઓની છેલ્લા કેટલાક દાયકાઓની મૂલ્યસભાનતા અંગે શંકાઓ પ્રેરતી ગતિવિધિ જોતાં, આપણી પરિષદ સંપૂર્ણ નાણાકીય પ્રમાણિકતા અને નિતાંત નૈતિક સામાજિક ગૌરવ સાથે આ બધું ઊભું કરી શકી છે–એ અત્યંત પ્રસન્નતા સાથે નોંધવું જોઈએ. પરિષદની પ્રથમ સદીને અંતે અને દ્વિતીય સદીને આરંભે, આ સિદ્ધ કરનાર આપણા જ સાથીઓ, ગુર્જરભૂમિના સાહિત્યસર્જકો, સાહિત્યપ્રેમીઓના, સમયશક્તિના સમર્પણને અને ઉત્સાહપૂર્ણ પુરુષાર્થને આપણે વીસરી જઈએ તો આપણે નગુણા જ કહેવાઈએ. આગળ વધવાની આપણી અધીરાઈ, પૂરાં ૧૦૦ વર્ષનું જે પ્રશસ્ય, તેને ભુલાવી દે એવી તો ન જ હોવી ઘટે ને? ગુજરાતી સાહિત્ય પરિષદે શું શું કર્યું એ ગણાવવું પડે કદાચ આજના ઉત્સાહી કિશોર આગળ. એક સૈકાના વિશાળ સમયપદ પર સારસ્વતોની પેઢીઓએ પરિષદ માટે, ગુજરાત માટે જે કર્યું છે, જે સત્ત્વ પ્રગટાવ્યું છે અને એક રીતે ગુજરાતને જે ઘડ્યું છે તેનો રોમાંચક ઇતિહાસ પૂરો લખાશે ત્યારે જ આ ‘શું કર્યું?’ એ પ્રશ્નનો ઉત્તર સૌને સુપ્રાપ્ય થશે. મને પોતાનો પરિષદપ્રમુખોનાં ભાષણોના બે ગ્રંથો વાંચતાં જ ગુજરાતી ભાષાભાષીઓના સ્વપ્નિલ મનસૂબા અને વ્યવહારુ પુરુષાર્થ માટે, એક ગુજરાતી જન તરીકે, અચૂક ઋણભાવ પ્રગટે છે. આ પરિષદ સાહિત્યપરિદૃશ્યની નિરીક્ષક પણ બની રહી છે, પરિષદ-અધિવેશનોનાં અન્ય પ્રવચનો અને જ્ઞાનસત્રોની દ્વિવાર્ષિક પરિચયસમીક્ષાઓ દ્વારા, એ ખરેખર આનંદિત થવાય એવું છે. પરિષદની દ્વિતીય સદીનો આરંભ, ભલે અતિઝાઝાં ઢોલનગારાં વિના પણ, કાંદીવલી, બોરીવલી, મુંબઈના આ રંગમંડપમાં આજે સવારે થયેલા, જય જય ગરવી ગુજરાતના ગાનથી થઈ જ ચૂક્યા છે. ગુજરાતી ભાષાસાહિત્ય અંગે સર્જનનિષ્ઠા અને સર્જનસિદ્ધિની નવી મહત્ત્વાકાંક્ષાઓ પ્રગટે છે આ પ્રસંગે.
આપણે ઘણાં વર્ષો પછી પરિષદ-અધિવેશન માટે મુંબઈ નગરીમાં મળીએ છીએ. આપણે જોયું છે કે મુંબઈનાં અધિવેશનો-જ્ઞાનસત્રો હંમેશાં અનન્ય ઉમંગથી ઊભરાતાં બની રહેતાં હોય છે. કદાચ મુંબઈની ગુજરાતી પ્રજાનો સાહિત્યપ્રેમ જ અનોખો છે. મુંબઈની આર્થિક સમૃદ્ધિ અને દાતાઓનું ઔદાર્ય પણ પ્રેમને વ્યક્ત કરવાની અનુકૂળતા કરી આપે છે. ઈ. સ. ૧૯૦૫નું પ્રથમ અધિવેશન અમદાવાદમાં યોજાયું. પછી તરત ઈ. સ. ૧૯૦૭નું અધિવેશન મુંબઈમાં યોજાયું! તે સમયના પરિષદપ્રમુખ શ્રી કેશવલાલ હ. ધ્રુવના આ શબ્દો સાંભળો. “અહીં (મુંબઈમાં) એક તરફ મહાસાગર ગંભીર ગાન કર્યા કરે છે. સદાગતિ કોઈ સમયે વાંસળીનો તો કોઈ સમયે ભેરીના સૂર કાઢતો વહી જાય છે… અહીં સ્પર્ધામાં ધૂંઆપૂંઆ થતા સંચાઓ વેગભેર ભમી રહ્યા છે, ધાઈઘેલી વરાળની અને વીજળીની ગાડીઓ એક છેડેથી બીજે છેડે દોડધામ કરી રહી છે ને વ્યાપારનાં શેતરંજનાં મહોરાંઓ સર્વત્ર ફેલાઈ જઈ, અનેકાનેક દાવ ખેલતા ચોપાટનું ધાંધલ મચાવી રહ્યાં છે… મુંબઈનું વાતાવરણ વ્યાપારના કોલાહલોને તેમજ વિદ્યાનાં આંદોલનોને અવકાશ આપવા પૂરતું વિશાળ ને અનુકૂળ છે. અહીં દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, ત્રિમાસિક ને અન્ય સામયિકપત્રો સર્વદેશી ચર્ચા ચલાવ્યાં કરે છે. અનેક વિદ્યાપરાયણ સંસ્થાઓ લેખથી ને ભાષણથી શોધખોળ અને વિદ્યાવૃદ્ધિમાં આગળ ને આગળ પગદંડો કર્યે જાય છે.” (પરિષદપ્રમુખોનાં ભાષણો, ભાગ પહેલો, પૃષ્ઠ ૩૩-૩૪) આજે મુંબઈ વિશેનું આ અવતરણ વાંચતાં મને શ્રી ઉમાશંકરભાઈની કાવ્યપંક્તિઓનું સ્મરણ થાય છે. એ કાવ્યમાં મુંબઈનો સીધો ઉલ્લેખ નથી. પણ જે જનમણગણ કોલાહલભરી નગરી, જે ટેકરી (મલબાર હિલની?), જે છલકતા બે મહેરામણોનો ઉલ્લેખ છે તેમાં કવિના મનનું મુંબઈ જ સૂચિત થાય છે! ઉમાશંકરના ‘નિશીથ’ કાવ્યસંગ્રહમાંની આ પંક્તિઓ યાદ કરો :
“એવો મહા વિરલ પ્રેરક સત્ત્વપુંજ
સંક્ષુબ્ધ આ તરલ માનવરાશિ માંગે
કે કંઈ કર્યે જીવન જાગી ચગે હુલાસે”
અહીં હુલાસ એટલે ઉલ્લાસ, માનમહેરામણમાં ઉલ્લાસની ભરતી આવે, અને તે વળી, સર્વના જીવનને સાર્થક કરે, એવા સત્ત્વપુંજની કવિ ઝંખના કરે છે. આ ‘સત્ત્વપુંજ’ એટલે કોણ? કોઈ વ્યક્તિ? કોઈ મહામાનવ કે પયગંબર? ના, કવિ સરસ શબ્દ વાપરે છે, ‘સત્ત્વપુંજ’ વાયવી શબ્દ છે, પણ કવિના સ્વપ્નમાં, આપણા સ્વપ્નમાં, શોભી ઊઠે એવો શબ્દ છે. આ કાવ્ય વાંચ્યું, લગભગ અડધી સદી પહેલાં, ત્યારથી મન પૂછ્યા કરે છે મનને જ, એવા કયા સત્ત્વપુંજની પ્રતીક્ષા કરવી કે જેના થકી સૌનુંય જીવન ઉલ્લાસપૂર્ણ બની રહે? મારે મન, એ સત્ત્વપુંજ તે આપણી સૌની, કોઈ પણ માનવસમાજની, વિશુદ્ધ તેજસ્વી સાહિત્ય-સર્જકતા! પ્રજાનો કવિ, કવિગણ, માનવસંવેદના તીવ્રપણે અનુભવે, તેના પ્રત્યાયન માટે શબ્દો શોધે, કૃતિ સર્જે અને તે થકી સંવેદના પ્રગટાવે ભાવકના–વાચકના મનમાં… એ થઈ સર્જનપ્રવૃત્તિ. માનવીની આ શક્તિ તે સર્જનશક્તિ, સર્જકતા, સર્જનશીલતા. આપણી સૌ સારસ્વતોની જીવનશ્રદ્ધા છે કે સર્જન-સરિતાનું આ પ્રગટવું, વહેવું, સદાકાળ વહેતા રહેવું એ જ ધન્ય કરે છે માનવસમાજને. માનવીનો જીવનવ્યાપાર અપાર વૈવિધ્યમય છે પણ એ વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે, આપણા મનમાં વસી છે, સાહિત્યસર્જનપ્રવૃત્તિ, શબ્દસર્જકતાની પ્રવૃત્તિ, વાઙ્મયપ્રવૃત્તિ. સાહિત્ય પરિષદ અનેક વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરશે, શાસ્ત્રજ્ઞોના બૌદ્ધિક આનંદ માટે કે ભાવકોના રંજન માટે પણ અંતે તો મૂળભૂત પ્રશ્ન આ જ ઊઠે છે કે આપણી સર્જકતા કેવી અને કેટલી પ્રગટી? કેન્દ્રમાં તો પેલો કવિ જ! જો સર્જન જ સૌષ્ઠવયુક્ત ન હોય, જો સર્જકતા જ મંદપ્રાણ હોય, તો આપણાથી નિસાસો નાખી દેવાશે, “અરેરે, ઇસ ભોજન પર દ્વાદશ ટીલા?” એ તો થયો અર્થસમૃદ્ધિવાળો છતાંય ભાવસમૃદ્ધિ વિનાનો પ્રાણીજીવનસમાજ. અહીં માનવસંસ્કૃતિ ક્યાં? મારે આજે આપ સૌ સમક્ષ સુસંસ્કૃત કહેવાવાનો અધિકાર ધરાવતા માનવસમાજની ભાવસમૃદ્ધિની ગંગોત્રી, એની ‘સર્જકતા’ (ક્રિયેટિવિટી)ની વાત કરવી છે. સર્જકતાનો સત્ત્વપુંજ રચાતો આવ્યો છે આપણા ગુજરાતી ભાષાભાષીઓના જીવનમાં. આપણા સાહિત્યકારોની જે સર્જકતાનાં સુફળોનો રોમાંચ આપણે માણતા આવ્યા છીએ એ સર્જકતાનું રહસ્ય શું? અદ્ભુત છે આ રોમાંચ, અદ્ભુત છે આ રહસ્ય.. સર્જકતાનું!
સૌંદર્યની સાપણ ક્યાંકથી ડસે વ્યાપી જતું ઝેર તરત રગે રગે લીલાં ત્વચામાં પડતાં ચકામાં કાવ્યો કહાયાં જનવાયકામાં કવિશ્રી નિરંજન ભગત મને – એટલે કે તમને – સાહિત્યસર્જકને, ચેતવે છે! આ જીવનમરણનો ખેલ છે! સૌંદર્યની, પણ પ્રતીક રૂપે સાપણ સાથે રમવાનું છે અને ઝેરથી બચવાનું નથી. રાત્રે દૂરના વનના રાફડાનો નાગ રાજકુમાર રૂપે આવી રાજકન્યાને ગર્ભવતી બનાવી જાય એ લોકકથા, મિથ, મને યાદ આવે છે. રાજકન્યાનેય મંજૂર છે! ‘કબૂલ?’ ‘કબૂલ’! સર્જકતાનો સર્જનપ્રક્રિયાનો આ રોમૅન્ટિક ખ્યાલ સર્જકતાના ઉદયકાળે મને સ્પર્શી ગયો હતો. અને નશો ચડવા માંડે છે. ‘રવીન્દ્ર વીણા’ના મંજુલ સ્વરો સાથે ઝવેરચંદ મેઘાણી પાનો ચડાવે છે : આજ ઊડઊડ થવા તલખતી પાંખ તુજ પ્રથમ જાગરણના નવપ્રભાતે પંખીનો બાળ માળા મહી સૂઈ રહે, ક્યમ બને વ્હાણલાં વ્યોમ વાતે? અને મેઘાણીભાઈ ક્ષિતિજનો ઉજાસ ચીંધે છે! (રામનારાયણ વિ. પાઠકની ‘ડુંગરે દેખાડી એક દે’રી જી’ યાદ આવે!) તાહરા વેગવંટોળલે સિંધુના ઊછળશે નીલ દૂધલ તરંગો… પ્રકૃતિના પ્રચંડ ઝંઝાવાત સામે તારે ઊડવાનું છે અને પાર જવાનું છે! પેલી બાજુ ઉમાશંકરભાઈ ‘આત્માના ખંડેર’માં ઉશ્કેરે છે મહત્ત્વાકાંક્ષાને… ગર્જી રહ્યો અતિથિનો પુલંકત આત્મા આ ભૂમિનો બનીશ એક દિ’ હું વિજેતા પણ ચતુર કવિ જાણે છે આ અહંકેદ્રી મહત્ત્વાકાંક્ષાનો અર્થ! જરાક વ્યંગમાં એ વર્ણવે છે : દિશા ઘેરી ઘેરી ફરી ફરી અહંઘોષ સ્ફુરતો જવા વિશ્વે વ્યાપી અદકી વધતી આત્મની વ્યથા થતું હૈયાને કે ક્ષણક્ષણ કહું મારી જ કથા. આપણી અંદરની સર્જકશક્તિ પ્રથમ પ્રગટ થાય છે ત્યારે કેવી તો આકાંક્ષાઓ જાગે છે! ને કેવો તો રોમાંચ અનુભવાય છે! કલાકાર માઇકેલૅન્જેલોની જીવનકથાને ઇર્વિંગ સ્ટોને નામ આપ્યું છે, “એગની ઍન્ડ એક્સ્ટસી!” ખરી વાત છે! ખબરદાર મનસૂબાજી ખાંડાની ધારે ચડવું છે! આધ્યાત્મિક સાધનાથી જરાય ઓછી કસોટી નથી સર્જનસાધનામાં. આપણી અંદર એકલા ને એકલા ઊંડે ઊતરવું, મૂંઝાતા, ગૂંગળાતા, રૂંધાતા શ્વાસે હાથ પ્રસરાવતાં ક્યાંક કશાક સ્પર્શનો રોમાંચ શોધવો… અને અંતે? “દિન રાત દરિયામેં ગોતે લગાના… કાહે મોતી મિલે કાહે મચ્છી મિલે, કાહે મોટી મિલે, કાહે છોટી મિલે…”! સંવેદન-વાસ્તવ વ્યવહારજન્ય કે તીવ્ર કલ્પનાજન્ય – એ મનમાં ઘૂમે, અથડાય, ઘોળાય, ચકરચકર ફરે, સભાનપણે કે અસંપ્રજ્ઞાતપણે આ થાય, ધૃતિવંત બનીને આ જીરવવું, કાને ઝીલેલા કે આંખે ઊંચકી લીધેલા શબ્દ-સંસ્કારો આ સંવેદન સાથે રાસ રમે, કંઈક અભિવ્યક્તિ થવા માંડે, કદાચ કામક્રીડાથી માંડીને તે શિશુના જન્મ સુધીના જીવનઉદ્ગમની ઉપમા આપું ડરતાં ડરતાં અને દાયણ બનીને વધાવી લે શિશુને આપણું જાગ્રત, સામાજિક, સંપ્રજ્ઞ મન, વસ્ત્ર આચ્છાદનથી સુસંસ્કૃત બનાવે એ શિશુને… અને “લો, આ મારું કાવ્ય!” આપણામાંનો કવિજન હર્ષભેર ભાવકને કહે છે! કેવો તો રોમાંચક, કેવો તો વેદનાભર્યો–આનંદભર્યો, કેવો તો ‘મિસ્ટિક’ લાગે છે આ અનુભવ! ધાર્યું કંઈ થાય, ધાર્યું નયે થાય, ધાર્યા ન ધાર્યાનોય શો અર્થ? પ્રેરણાદેવીને માત્ર પ્રાર્થના-અનુનય કરવાનાં જ રહે, સુંદરમ્ની રીતે, રમણિક અરાલવાળાની રીતે, “દેવી! આવો ને મારી દેરીએ”! આપણા કાબૂની વાત છે કઈ? ભાવક તો વીનવે, પ્રકાશક તો લલચાવે પણ કવિ જાણે છે. ક્ષણો અગણ્યમાંથી ક્ષણ એકાદ બે ઝડપવી કહી જગે રાચવું કવન અમ આ જુઓ લસે! નારીને ધન્ય કરતી માતૃત્વપ્રાપ્તિ જોડે સરખાવાય છે આ ક્રિયાને. અંતરમાં પ્રભુદર્શન કરાવતી અધ્યાત્મસિદ્ધિ જોડે સરખાવાય છે આ પ્રાપ્તિ. પણ ના, સંપ્રજ્ઞાત-અસંપ્રજ્ઞાત મનની આ રાસલીલા, વાસ્તવ નિરીક્ષણ અને અમૂર્ત કલ્પનનું આ યુગલગાન, સંપૂર્ણ સર્જન સ્વાયત્તતાનો હૃદયપોકાર અને સામાજિક ઉત્તરદાયિત્વના પરસ્પર હાકલા-પડકારા અને પેલા “નહીં જન્મેલા”ના સતત રિસામણાં, કે ક્યારેક ધમકી, કે “જાઓ નથી જનમવું… આ બધાંની વચ્ચે સર્જકની, સતત આશા-નિરાશાની ચડતીપડતી સાથે આ કસોટી થાય, આ સર્જનપ્રક્રિયામાંથી પસાર થવાનું રહે છે. અને… ‘નંદ ઘેર આનંદ ભયો’ થયા પછી એ ક્ષણે એકાદ વાર પકડાઈ ગઈ તેમાં જ જીવનભર રાચવું અને પુનરાવર્તન એની એ કૃતિનું કર્યા કરવું ને સન્માનો લીધાં કરવાં અને ઊગતા લેખકો માટે આશીર્વચનો ઉચ્ચારતાં રહેવાં… જીવનભર કદાચ? કે સહજ સર્જકતાના સાતત્યને અવિરામ ઝંખતા રહેવું, અજંપો અજંપો, તરફડતા રહેવું? ન દૈન્યં, ન પલાયનમ્? કદાચ અહંકાર અહીં એની લીલા પ્રસારવાની તક લઈ લેતો હશે! કદાચ સર્જકની મનોસૃષ્ટિમાં શું ગૌરવવંતું અને શું નહીં–એ અંગેની નમ્રતા કે હઠીલાઈ, સર્જક મનના અભિપ્રેરણ (મોટિવેશન) રૂપે રમત રમી જતાં હશે? કવિ મિલ્ટનને એનો અંધાપો નડ્યો હતો. ‘બ્લાઇન્ડનેસ’ વિશેના એના સૉનેટમાં એની સિસૃક્ષાનો ચિત્કાર સંભળાય છે, “ડથ ગૉડ ઍક્સ્પેક્ટ ડે લેબર લાઇટ ડિનાઇટ”?.. અંતે “ધે ઑસ્લો સર્વ હૂ સ્ટૅન્ડ ઍન્ડ વેઇટ” એ શબ્દોથી કવિ શાતા મેળવે છે. સમરસેટ મૉમ પૂરેપૂરી યુક્તિપૂર્વક (અલબત્ત, પ્રમાણિક પુરુષાર્થ-પૂર્વક) ‘લિઝા ઑફ લેમ્બેથ’થી છેક ઊંચે જઈ ‘ઑફ હ્યુમન બૉન્ડેજ’ની પરાકાષ્ઠાએ પહોંચ્યા પછીય સૌષ્ઠવયુક્ત ‘મૂન ઍન્ડ સિક્સ પેન્સ’ અને ‘ધ રેઝર્સ એજ’ આપે છે. માર્ક ટ્વેન ‘ટોમ સોયર’ અને ‘હકલબરી ફિન’નાં ક્લાસિક્સ આપ્યા પછીય કંઈનું કંઈ અવનવું આનંદદાયક પીરસ્યા કરે છે. પણ… પુત્રીના મૃત્યુ પછી પરમેશ્વર પર ક્રોધે ભરાય છે! અને કંઈક સરસ તો શું પણ સહ્ય લખવા માટે પણ જિંદગીનાં છેલ્લાં વર્ષોમાં તરફડે છે, વેદના સાથે, ક્લેશ સાથે, ‘સિનિક’ બની જાય છે. આલ્ડસ હક્ઝલી ઊગતા લેખકને એક ચેતવણી, સહેજ વ્યંગ સાથે, આપે છે. “ટાઇમ મસ્ટ હૅવ એ સ્ટૉપ” નવલકથાનો યુવાન કલાકાર સેબેસ્ટિયન દેશભક્ત–ક્રાંતિકારીઓને મદદરૂપ થવા જતાં નિર્દોષપણે, અજાણતાં, એ જ ક્રાંતિકારીઓ પર ભયંકર આફત લાવી દે છે. એનું મન ડંખ અનુભવે છે, પોતે તો રાજકારણમાં સારું કરવા ગયેલો! એના મિત્ર જેવા વડીલ કહે છે, તારું એ કામ નહોતું! તું કવિ થવા જન્મ્યો છે, શબ્દ જ તારી જીવનસાધના છે પણ તું વ્યવહારનાં આકર્ષણોમાં–ઉત્તેજનામાં પડવાનો જ! અરેરે… “યુ વિલ ગો આફ્ટર કમિટી મિટિંગ્ઝ ઍન્ડ કોરસ ગર્લ્સ..ઍન્ડ (યુ) વિલ નોટ ડુ ધ વન થિંગ યુ આર આર્ડેઇન્ડ ટુ ડુ”! શું થાય? હરિ! હરિ! અર્નેસ્ટ હેમિંગ્વેની ‘સ્નોઝ ઑફ કિલિમાંજારો’ની કથામાં કથાનાયક-કથાસર્જક આફ્રિકાના કિલિમાંજારો પર્વતમાં બરફઆચ્છાદિત શિખરો જોતો, વેરાન જંગલમાં રોગથી શારીરિક વેદનાથી પીડાતો, મૃત્યુ સન્મુખે છે. એને શહેરની હૉસ્પિટલમાં લઈ જવા માટેનું નાનું વિમાન તો હજી આવવાનું છે. પ્રતીક્ષા છે, અર્ધતંદ્રા છે… અને સંસાર-વ્યવહારે સફળ લેખકની આંખ આગળ આવે છે, પોતાના વ્યર્થ ગયેલા સર્જક-જીવનનાં ચિત્રો! સફળતાઓ જ એની નિષ્ફળતા બની રહી છે! હેમિંગ્વે પોતાના જીવનમાં આ ભૂલ કરતો નથી, સર્જનશીલતાના માર્ગેથી વિચલિત થવાની ભૂલ. એ ગજબનો સ્વનિષ્ઠ લેખક છે. એના પ્રલંભ જીવનકાળમાં એક છેડે છે ‘ફેરવેલ ટુ આર્મ્સ’ અને બીજે છેડે… દાયકાઓ પછી અચાનક ઝળહળતી પ્રગટી ઊઠે છે તદ્દન નિરાળી, તદ્દન જ નિરાળી એવી ‘ધ ઓલ્ડ મૅન ઍન્ડ ધ સી’! આપણા ભારતીય સાહિત્યમાં કંઈક સદ્યસંતોષની વૃત્તિ વધારે પડતી હશે? એક પ્રચંડ સિદ્ધિ અને પછી… કંઈક દેખાવ પૂરતી એવી સાહિત્ય પ્રવૃત્તિ, કંઈક પુનરાવર્તન, બસ! શું હશે? સહજ શાંતિપ્રાપ્તિ? આસુતોષપણું? મનથી ગુપચુપ અકાળે સ્વીકારી લેવાતી હાર? સાચો વૈરાગ્ય? ખાસ કશું આવે નહીં, જીવન ચાલ્યા કરે. ઉમાશંકર ‘ગંગોત્રી’ પછી ઊંચું શિખર સર કરે છે – ‘નિશીથ’માં. પણ પછીય ‘પ્રાચીના’, ‘ધારાવસ્ત્ર’, ‘શોધ’…કવિ મહાકાવ્યનો છંદ શોધવાની મથામણથી આળસી જતા નથી. “ચડીપડી આખડી કાળભેખડે, પંજા વતે બાઝી કરી કહીં કદિ; રે ટોચ છો ને સર ના કરી શકું, મારી રહો મોજ મથામણોની!” કવિએ, હું ધારું છું, ‘આતિથ્ય’માં ગાયું છે. સિદ્ધિ તો હાથ લાગે ન લાગે, આ મથામણની શક્તિ કેમ મેળવવી? વ્યવહારની ભાષામાં, અભિપ્રેરણ (મોટિવેશન) કેમ જાળવવું? ‘નેપથ્યે નર્તિકા’માં ઉમાશંકરભાઈ પ્રેમથી શીખવે છે, ટકી રહેવું મધુર કલ્પનાથી! ધસે શ્વસો હૃદય હે! સુકુમાર ધીરે! કવિ કહે છે નર્તિકાને, હમણાં જ રંગમંચ પરથી નેપથ્યે નાનકડા વિરામસમયે આવેલી ઉત્તેજિત, વ્યથિત, હાંફતી યુવતીને કવિ કહે છે. હજી તો ફરી જવનિકા ઊપડવાની છે, ફરી રંગમંચ પર જવાનું છે. ધીરે શ્વસો… “અંગાંગમાં મચવિયાં મદતાંડવો ને વંટોળ આમ જ તણાઈ સ્વયં જશો કે?” ન રોકાવાય, ન હારી જવાય. સામેના પ્રેક્ષકગણમાં, બને, કે કાચની જ આંખો હોય, સ્થૂળતાના જ પૂજારીઓ હોય. “એકે દીઠાં નયન, ને સ્તનભાર અન્યે.” તારા ઉત્ફુલ્લ આત્માને કદાચ કોઈએ નહીં પારખ્યો હોય! નિરાશ ન થાય, યાદ કર, કવિ ભવભૂતિએ શ્રદ્ધા રાખેલી જ ને? ક્યાંક કોક હશે જ સમાનધર્મી! ખરેખર હોં, કવિ કહે છે નર્તિકાને, “તને જોવા” આજે તો વધારી’તી રસિક પૂર્વજની સવારી! સ્વર્ગેથી ઋષિમુનિઓ પધારેલા તારું દિવ્ય નૃત્ય જોવા! ક્ષણભર પણ આશંકાગ્રસ્ત ન બનતી, “શું નૃત્ય કોઈ જ સમાજ સમીપ વ્યર્થ? રે સ્થાપવા જગવિષે લય જે સમર્થ!” શ્રદ્ધા ન ગુમાવ! તારું નૃત્ય તો છે અમર, અનંત, ચાલો જાઉં, પુનઃ પ્રવેશો રંગમંચ પર, જગત જવનિકા ઊપડે પણે જો! (ઓહ! એક ભાવસમાધિમાં લખાઈ રહી છે સર્જન અનુભવના રોમાંચની આ વાતો! અવતરણો જોડે અંગત સ્મૃતિ અટકચાળા કરી રહી છે! ક્ષમા કરશો ને મિત્રો?) વિશ્વમાં બધે જ આ થતું આવ્યું છે વારંવાર – કોલાહલ કોલાહલ સર્જકમનને થકવી નાખે છે. ટીકા, પ્રશંસા, અવગણના, ઉપહાસ, ઉપદેશ, લાલચો, આકર્ષણો જાતજાતનાં! સિતાંશુ ઉમાશંકર જેવા મુગ્ધ નથી રહી શકતા. ક્યાંથી રહે? સિતાંશુનો યૌવન-રોમાંચ આગળના ગાંધીયુગનો નથી, ૩૯-૪૫ના મહાયુદ્ધનો છે. એમણે સર્જનો તપોભંગ કરાવતાં આકર્ષણો સામે વ્યંગનું, સંવેદન-પ્રેરિત વ્યંગનું, સાધન પ્રયોજવું પડે છે. મગનકાવ્યોનો મગન, એને સાહિત્ય માન-અપમાન આપનારાઓથી જ બિચારો મૂંઝાઈ જાય છે. “મને ન કઠતાં દુઃખો વિતથ સૌમ્ય જેવા કઠે…” આગલી સુખી પેઢી જે જ્ઞાન જીવનને અંતે પામી, તે ચતુર સિતાંશુ તો સર્જક-જીવનને પ્રારંભે જ પામી ગયા છે. બધાં જ માન-અકરામથી ગભરાયેલો, અકળાયેલો આતંકિત મગન કહે છે, મારે આ કંઈ ન જોઈએ, – “મારે તો… જીવવું છે!” ક્યારેક સર્જકકવિ ઉપહાસ કરવા જેટલો નિર્મમ નથી બની શકતો. એ ભાવુક જ રહે છે. ઊલટું, એના કવિપણાના ઉપહાસ સામે એ ટકી રહે છે દૃઢતાથી! કવિવર ટાગોરનું ‘કવિનું વય’ વાંચી જજો. કવિ, તમે ઘરડા થયા, હવે પ્રભુનું નામ લો, કોઈ કહે છે. અને કવિ કહે છે, “કવિ શીશ હલાવીને આપત ઉત્તર, માલૂમ છે મારી સાંજ પડી… નથી સાંભળતો જમ હાક, મજાક કરો નવ કાય ભલે લથડી” કેમ? કારણ “મારા કાન મંડાયા છે સામેના ગામની રાણ-કરેણ દિશાની વિશે” ત્યાં પેલાં પ્રેમઘેલુડિયાં આંખમાં આંખ પરોવીને પ્રેમમાં મસ્ત છે. એ પ્રેમગુંજનને હું વિણ વાણીમાં કો’ વણશે? જાઓ! હું તો મારી મુક્તિની જુક્તિ વિચારવાનો નથી. મારે નથી જોઈતી ‘મુક્તિ’. સંભળાય છે પડઘો નરસૈયાનો? ‘વૈકુંઠ નથી જાવું!’… હું તો ‘માંગું જનમ જનમ અવતાર રે!’ વાત છે સર્જકતાનો રોમાંચ ક્ષણેક્ષણ માણવાની. મળ્યાં વર્ષો તેમાં ઘૂંટડે ઘૂંટડે જીવનરસ પીવાની. કેવી રીતે પ્રગટે છે આ રોમાંચ આ કવિવરોના હૃદયમાં? શું છે રહસ્ય સર્જકતાના આ આનંદનું, સર્જકતાની આ પ્રક્રિયાનું, સર્જકતાની આ રંગરંગીન અવનવી અભિવ્યક્તિનું! મનુષ્યજીવનને ધન્ય કરતી, આ પૃથ્વી પરની જિંદગીમાં જ પરમેશ્વરપણાનો અનુભવ કરાવનારી આ સર્જકતાનું શું છે રહસ્ય? કવિએ તો આનંદ માણ્યા કર્યો પણ સર્જકતાના રહસ્યને તપાસવા આવી પહોંચ્યો છે હવે… વૈજ્ઞાનિક! ખબર છે ને? આ ૨૧મી સદી છે! કોઈનેય છોડવાના નથી આ વૈજ્ઞાનિકો! રહસ્ય અદ્ભુત છે? સંગોપિત છે? તો તો અમે એનો પાર પામીને જ જંપીશું, વૈજ્ઞાનિક, માનસશાસ્ત્રી, કમ્પ્યૂટર-નિષ્ણાત કહે છે. જોકે હજી તો ફીફાં ખાડી રહ્યો લાગે છે બિચારો વૈજ્ઞાનિક! પણ બને, કેમ ન બને, કે એને કંઈક કંઈક જરા સમજાવા માંડ્યું પણ હોય! કોણ જાણે છે, કદાચ એ જે જ્ઞાન મેળવી રહ્યો છે તે આપણી ક્યાંક ક્યાંક થાકવા આવેલી સર્જનશક્તિ માટે નવયૌવન પામવામાં નિમિત્ત બનેય ખરું!
સર્જનપ્રક્રિયાનું રહસ્ય શું? સર્જન કેવી રીતે થાય છે? આનું કુતૂહલ તો માનવજાતને સેંકડો વર્ષથી હશે જ. પણ આ અદ્ભુત પ્રક્રિયા વિશે કશું જાણવું અઘરું હતું. એટલે સારો રસ્તો હતો એને જાદુ ગણી લેવાનો. સંસ્કૃતિ વિકસતી ગઈ તેમ તેમ એને, કવિતારચનાને, પ્રભુદત્ત ગણવામાં આવી. ઈશ્વરપ્રેરિત ચમત્કાર! કવિ કાલિદાસની સૌને આંજી નાખતી પ્રતિભા કેવી રીતે સ્વીકારવી, સમજાવવી? લોક તો પૂછે ધર્મજ્ઞાતા–સર્વજ્ઞાતાને! એમણે કહ્યું હશે કે પછી ઘેલાં લોકે જાતે કલ્પી લીધું હશે કે કવિ પર સરસ્વતીમાએ કૃપા કરી અને જીભ પર લખી નાખ્યું વરદાન. પછી તો કાળિયો ઉર્ફે કાલિદાસ આવી કવિતા લખે જ ને? શી નવાઈ? આ ચમત્કાર-થિયરીનો આપણને સર્જકોને પણ એક લાભ હતો. આપણા તરફ વધુ માનથી જોવાય! આપણે કંઈ સમજાવવાની જરૂર નહીં અને ન તો સમજવાનીય હવે જરૂર. ભાયાણીસાહેબ, સ્વ. હરિવલ્લભ ભાયાણીનું એક ચર્ચામાંનું વાક્ય મારી નોંધપોથીમાંથી નીકળે છે – તારીખ નથી. સ્થળ અમદાવાદ. એમણે કહેલું, એમની લાક્ષણિક રીતે હસતાં હસતાં અને માથું હલાવતાં હલાવતાં કે આમાં હવે કંઈ ફેર પડે નહીં! ચમત્કારનું સૌના મનમાં બેસી ગયું છે એટલે બેસી ગયું છે! સર્જકતા-ક્રિયેટિવિટી – અંગેના આપણા સમાજમાં પ્રચલિત થયેલો એક તો આ ચમત્કારનો – દૈવી અનુગ્રહનો ખ્યાલ. અને બીજો ખ્યાલ તે જીવનની અર્થહીનતાનો, નિરર્થકતાનો. માનવનિષ્ફળતાનો, વ્યર્થતાનો ભાવ. સર્જકતાની અર્થહીનતાનો ખ્યાલ અનેક યુગોમાં, અનેક સ્થળોમાં યુવાનોને ફાવી જાય છે, કદાચ આની પણ એક મોજ છે, મસ્તી છે! હું એ મિત્રોના એ ‘મૂડ’ માણવાના અધિકારને સસ્મિત આવકારું છું. સર્જક જીવને અંગત સિદ્ધિની પ્રતીક્ષા કરતાં આવો ‘માસ્ક’ ધારણ કરવો ગમે. મનેય ગમતો હતો, મારી ઉમ્મરે! ક્યારેક જાહેર પ્રસિદ્ધિ, પ્રશંસા, પુરસ્કાર અંગેનો પ્રતીક્ષાભાવ દેખાઈ જાય તો એ અંગેની અંગત શરમને આપણે જગતની-જીવનની વ્યર્થતા, સર્જકસિદ્ધિની અશક્યતા કે ‘તોડોફોડો બધુંય!’ એવી મોટી જાહેરાતોનો ધોધ પ્રગટાવીને છુપાવી દઈ શકીએ છીએ! ભલે આનંદો એ રીતે મિત્રો! પણ પેલી આગલી વાત, “સર્જકતા એ તો માત્ર ચમત્કાર જ છે” એ અગમ્યવાદ હું સ્વીકારી શકતો નથી આજે. “પોઍટર્સ આર બોર્ન, ન૧ટ મૅડ” એ માન્યતા ધરાવતી પેઢીઓની પેઢીઓને હું શુભ સમાચાર આપવા માગું છું. વિશુદ્ધ સર્જકતાના પ્રાગટ્યમાં માનવપુરુષાર્થને, સ્વપુરુષાર્થને સ્થાન છે જ, સાહિત્યકાર એ આખરે તો માનવી જ છે અને એણે માનવ જ્ઞાન-વિજ્ઞાનની વિવિધ શાખાઓ સાથેનો સંપર્ક નહીં જ રાખવા માટે કોઈ કારણ નથી! મનોવિજ્ઞાન અને હવે તો ન્યૂરૉલૉજી અને ભાષાવિજ્ઞાનમાં પણ છેલ્લાં ૧૦૦ વર્ષમાં, ના, છેલ્લાં ૧૦ વર્ષમાં ખૂબ પ્રગતિ થઈ છે. એમણે માનવ-મગજની એવી તો અદ્ભુત સંકુલતાઓ પારખી છે, વિશ્લેષી છે, સમજાવી છે કે સાહિત્યસર્જક પણ અવશ્ય એનાથી પ્રભાવિત થશે જ. હા, અન્ય રીતની સંકુલતાઓ, જેમ કે યાદશક્તિ, એની પ્રક્રિયા જેટલી સમજાઈ છે એટલી સર્જન-પ્રક્રિયા સમજાઈ નથી. કમ્પ્યૂટરે માનવીની યાદશક્તિની સંપૂર્ણ સમજૂતી લગભગ આપી દીધી છે અને કમ્પ્યૂટર બનાવી નાખ્યું છે! સર્જકતાનું તો એવું નથી જ બની શક્યું. અત્યારના જ્ઞાન પ્રમાણે તો કમ્પ્યૂટર સાહિત્યસર્જકનું સ્થાન લઈ શકવાનું નથી. બહુ બહુ તો સર્જનપ્રક્રિયા અંશતઃ સમજાવાના અણસાર મળે છે. તેનું સાર્થક્ય આજના સર્જકને કંઈક સહાયરૂપ થવા પૂરતું જ છે. સંપૂર્ણ ચમત્કાર કે માત્ર ઈશકૃપાના આધારે કંઈક નિઃસહાય રીતે, કંઈક પ્રમાદી રીતે સર્જકજીવન જીવવાનું આજના માનવી માટે જરૂરી નથી. તમે તમારી અને પરમેશ્વરની ૫૦%-૫૦% ભાગીદારીનું ગૌરવ તો અનુભવી શકો જ! ગુજરાતી વિદ્વાનોએ ઊગતા સર્જકોને ઉત્તેજન આપવા વારંવાર પ્રયત્નો કર્યા છે, એ નોંધવું જોઈએ. એમાં સર્જકપ્રયત્નોને બાધારૂપ બનતાં બાહ્ય પરિબળોની વાત થાય છે. એક ખૂબ જૂનો એવો લેખ સંભારું? એ લેખ તે મોટે ભાગે ત્રીશીનાં પાછલાં વર્ષોમાં ‘પ્રસ્થાન’માં પ્રગટ થયેલો-શીર્ષક ‘પ્રતિભાબીજની માવજત’! લેખક બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. (તમને એ લેખ કદાચ ‘વિવિધ વ્યાખ્યાનો’માં જડે) સર્જકતાને પોષક નહીં એવી માનવકલ્યાણની ગણાતી પ્રવૃત્તિમાં સર્જક ભાવનાવાદી રીતે (કે કદાચ માનસન્માનની આશાએ) જોડાય ત્યારે, અંતે સર્જકશક્તિને હાનિ પહોંચવાનું જોખમ રહે છે જ, એવો કંઈક ખ્યાલ વારંવાર પ્રગટ થયા કર્યો છે. જોકે પછી તો સમાજધર્મ તરીકે સર્જક પૂરી ગંભીરતાથી સર્જનેતર કહેવાય એવી પ્રવૃત્તિઓમાં પણ જોડાય, એ ઠીક ઠીક પ્રચલિત બનવા માંડ્યું. સામ્યવાદે તો આ રીતનો ધર્મ જ જાહેર કરી દીધો! અને મજા તો જુઓ, જેને આપણે ધર્મ કહીએ છીએ, ધર્મપંથો–ધાર્મિક સમુદાયો, એમણે ભોળા સાહિત્યસર્જકની સેવાઓ કબજે કરી લેવાનું તો સૈકાઓથી રાખ્યું છે! (ગોવર્ધનરામભાઈએ એમના પરિષદપ્રમુખ તરીકેના પ્રવચનમાં પૂરી નમ્રતા સાથે એ કાળે તો હિંમતપૂર્વકની ગણી શકાય એવી, ચર્ચા કરી જ છે.) આજેય મૂંઝવણ રહે છે આપણને – કવિ નરસૈંયાને વૈષ્ણવ નરસિંહ મહેતાથી જુદો કેમ પાડવો તેની! છતાંય ઠીક હતું, કદાચ અનિવાર્ય હતું, એ સદીઓમાં. પણ આજે ધર્મપંથો સાથે દોસ્તી કેળવતાં હું ડરું! ધર્મપંથો વડીલ ઉમ્મરના સર્જકોને કદાચ આધ્યાત્મિક શાંતિ આપતા હશે. (મારે કહેવું, પડે, નો થૅંક્યૂ! મારે પરમેશ્વર જોડે અને એ મોકલવાનો છે તે મૃત્યુ જોડે બધું બરાબર ગોઠવાઈ જ ગયું છે, અત્યારથી જ!) ધર્મપંથો સર્જકને વાચકવર્ગમાં પ્રતિષ્ઠા અપાવે છે (મને લાગે છે આ વેપારમાં મને જે કંઈ મળે તેના કરતાં હું ગુમાવું છું વધારે!) ધર્મપંથો અને સર્જકોની દોસ્તીમાં ધનલાભ પણ ખરો, સ્વાભાવિક છે. (કૉર્પોરેશનો કે સરકારશ્રી જોડેની દોસ્તીમાં મને વધારે ધનલાભ થાય!) વિશુદ્ધ સર્જકને સમાજકલ્યાણમાં ભાગીદારી મળ્યાનો સંતોષ પણ મળે! (હું સમાજકલ્યાણ મારી રીતે મારી અનુકૂળતાએ કરીશ.) મારે – અંગત કુટેવ છે – હસવાનું સંપૂર્ણ સ્વાતંત્ર્ય જોઈએ છે. ધર્મપંથો પરમેશ્વર જેટલા સહનશીલ થઈ શકશે? રાજકીય પક્ષો તો નથી જ થઈ શકતા! પણ આ થઈ મારી અંગત વાત! અત્યારે વિવાદનો આ મહત્ત્વનો મુદ્દો નથી. આજના યુગમાં સદ્ભાગ્યે વિશુદ્ધ સર્જકતાનો ખ્યાલ ઠીક ઠીક ટકી શકે તેમ છે. સર્જકની પૂર્ણ સ્વાયત્તતાનો ખ્યાલ મહદ્ અંશે સર્વત્ર સ્વીકારાતો જાય છે. સર્જક આજે સ્વાયત્ત ગણી શકાય. એ સ્વાયત્તતામાં પસંદગીની સ્વતંત્રતા છે. સર્જકનો રાજકીય કે ધાર્મિક કંઠી નકારવાનો અધિકાર આજે સ્વીકારાય છે. તો એ જ તર્કથી, આવી કંઠી બંધાવવાનું સ્વાતંત્ર્ય પણ એને છે જ. ગાંધીવાદની, પ્રગટ રીતે નહીં પણ પ્રચ્છન્ન કંઠી બંધાવનારનો આપણે ઉપહાસ કરતા હતા. આજે, ગયા સપ્તાહે જ, નોબેલ પુરસ્કાર-વિજેતા હેરોલ્ડ પિન્ટરે સ્પષ્ટપણે એના નોબેલ પુરસ્કાર સ્વીકારના પ્રવચનમાં એના રાજકીય વિચારો હિંમતભેર – ‘કમિટમેન્ટ’ કહી શકાય એટલી સ્પષ્ટતાથી – દર્શાવ્યા છે. અંતે તો સચ્ચાઈની કસોટી એ જ માપદંડ થવાનો. સર્જક અંતે તો પોતાને વફાદાર હોવો જોઈએ. પોતે સચ્ચાઈપૂર્વક જે અન્ય વફાદારી સ્વીકારી હોય, એને વફાદાર રહેવું, એમાં હવે સ્વાયત્તતા ગીરે મુકાયાનું મનાતું નથી. સાહિત્યસર્જકની આ સર્જકતાને મનોવિજ્ઞાન આજે વિશ્લેષી રહ્યું છે. જે વૈજ્ઞાનિક દૃષ્ટિવાળો વિશ્લેષક છે તે સર્જકના મનમાં સીધો જઈ શકતો નથી. અને જે સર્જક છે તેને વિજ્ઞાનની કાર્યપદ્ધતિનું જ્ઞાન નથી. આ એક મોટી મુશ્કેલી છે. પણ આવી મુશ્કેલી તો મનોવિજ્ઞાની માનવમનની બીજી શક્તિઓને વિશ્લેષવામાં પણ અનુભવે છે જ. સર્જકતાની તપાસ કંઈક વધુ અઘરી લાગે છે. જેમ કે, શબ્દવ્યવહારની શક્તિની તપાસ વધુ ઊંડે સુધી જઈ શકી છે અને એનો લાભ સ્વિચ થેરાપી, વક્તૃત્વકળાનું શિક્ષણ, ભાષાવિષયક શૈક્ષણિક પાઠ્યપુસ્તકોની રચના વગેરેમાં લઈ શકાય છે. પણ અન્ય ઉદ્દેશોથી થયેલો શબ્દવ્યવહાર અને સર્જકમન જે શબ્દશક્તિ દર્શાવે છે એ બેમાં ઘણો ફેર છે. થોડોક – તમે કહી શકો ઉપરઉપરનો અને પ્રાથમિક પ્રતીકાર્થ જ – પરિચય કરીએ અહીં! આનો હેતુ, સર્જકતા કદાચ દૈવી ભેટ હશે તોપણ, ‘સર્જક-લેખકની કાર્યશિબિર’ (રાઇટર્સ વર્કશૉપ) યોજવી એ તદ્દન નિરર્થક નથી એટલું જ દર્શાવવાનું છે. સર્જક પોતે પણ પોતાના મનમાં પોતાને માટે આવી વર્કશોપ રચ્યા કરે તો ખોટું નહીં. (૧) ફ્રૉઇડ, જુંગ વગેરેનાં મનોવૈજ્ઞાનિક નિરીક્ષણો તો જૂનાં થઈ ગયાં, પણ એના પરથી આગળ વધીને થતાં સંશોધનો મનુષ્યની સ્વસ્થતા, અસ્વસ્થતા, એની કાર્યશક્તિ, એનાં મૂળભૂત વલણો, એનો કેટલો વિકાસ કરી શકાય વગેરેનું જ્ઞાન તપાસે છે જ. એક બાજુ વૈદકમાં તો બીજી બાજુ શાળાશિક્ષણમાં આ તપાસ કામ આવે છે. સર્જકમન આનો લાભ લઈ શકે છે. જેમ કે લેખકની સર્જકતા ક્યારેક એકદમ સુકાઈ જાય છે, અટકી પડે છે. (રાઇટર્સ બ્લૉક) ત્યારે મનોવિજ્ઞાને શિખવાડેલી કેટલીક રીતો માનસિક બાધાઓને દૂર કરતી જણાઈ છે. (૨) સર્જકતામાં એક મોટો પ્રશ્ન છે અભિપ્રેરણનો. સર્જકે સર્જન-પ્રક્રિયા દરમ્યાન અન્ય બાહ્ય વ્યવહારમાં ‘ગેરહાજર’ રહેવું પડે છે! આ અગવડભર્યું થઈ પડે છે. પણ અહંભાવથી પડકાર તરીકે ઊંડા સમુદ્રમાં ડૂબકી મારવાનું અને એકલા પડી જવાનું સ્વીકારાય તો સર્જનપ્રવૃત્તિ વધુ ઉત્સાહથી થાય છે. સર્જક પણ આખરે તો માણસ જ છે ને? “બધું મનમાં ગોઠવાઈ ગયું છે પણ લખવાનું શરૂ કરતાં આળસ આવે છે” જિંદગી આખી આ લાગણીમાં પસાર થઈ જાય છે ઘણી વાર! અને… મનોવિજ્ઞાનની મદદ લેવાનું ગમતું નથી. આપણો સ્વગૌરવનો ખ્યાલ વચમાં આવે છે! આનો ઉપાય ઇગોમૅનેજમેન્ટ દ્વારા થઈ શકે. અલબત્ત, વાત હું કહું છું એટલી સરળ નથી. મનોવિજ્ઞાનની મદદ મારી પાસે રામાયણ-મહાભારત તો નહીં જ લખાવી શકે! (૩) બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન મનુષ્યદેહના ‘મગજ’ની તપાસ વધી. યુદ્ધમાં ઘાયલ કેટલાક સૈનિકોના મગજ પર અમુક રીતની અસર થાય, બીજા પર ન થાય કે જુદી જ રીતની થાય – એનું વર્ગીકરણ કરતાં જણાયું કે મગજની જમણી બાજુના ભાગના કોષો, ડાબી બાજુના કોષો કરતાં જુદાં જ કામ સંભાળે છે. શિસ્ત, સુવ્યવસ્થા, વ્યવહારુ જવાબદારી, શિખવાડેલી માહિતીનો વિનિયોગ કરવો વગેરે વગેરે ડાબા મગજનાં કામ અને વધારે કલ્પનાશીલ, બાલસહજ, ‘ઇમ્પલ્સિવ’ પ્રવૃત્તિઓ કરવી એ જમણા મગજનું કામ. હવે વ્યવહારુ શિક્ષકો જમણા મગજને કેમ વધુ સક્રિય બનાવવું અને ફલદાયી રાખવું એનું શિક્ષણ આપવામાં મચી પડ્યા છે! જમણા મગજ પર કામ કરવાની પદ્ધતિઓ પણ હવે વિકસવા માંડી છે. આપણા માટે જમણું મગજ વધુ રસપ્રદ છે! (૪) આપણે એક અંદાજી કલ્પના-વિહાર કરીએ. ઉશનસ્ની કવિતામાં અને રમેશ પારેખની કવિતામાં શો ફેર? રમેશની કવિતામાં ક્યારેક શબ્દે શબ્દે વળાંક હોય છે, વિસ્મય હોય છે. માત્ર જાણીતા-અજાણ્યા શબ્દ-ભંડોળનો સવાલ નથી. શબ્દ જોડેના સ્વાભાવિક સ્મૃતિ-સાહચર્યોનો પ્રશ્ન છે. એ સાહચર્યોને સહજ રીતે સ્વીકારવાં કે એનાથી ભિન્ન સાહચર્યોને પ્રગટવાની ટેવ પાડવી? સામાન્ય વ્યવહારમાં દરેક શબ્દ સાથે એના અનુસંધાનમાં – સંસ્કૃતિ, સંસ્કાર, સમાજ-વ્યવહાર, શિક્ષણ વગેરે મુજબ બીજો શબ્દ સહજ બનતો હોય છે. ‘પેન’ કહીને આગળ વધવું હોય તો સહજપણે કાગળ, ટેબલ, શાહી કે લેખન.. કદાચ આગળ વધીને લાકડી કે બૅટરીટૉર્ચ કે આંગળી કે રિવૉલ્વર પણ યાદ આવે. આવી સળંગ સાંકળો રચાઈ હોય છે. સર્જક-શબ્દાવલિ પ્રગટાવવામાં આ રીતની સાહચર્યવ્યવસ્થા જાણે-અજાણે ઘણી સક્રિય બનતી હોય છે. હવે એક પ્રયોગ કરો. એક શબ્દ બોલીને અને પછી તરત એની નજીકનો નહીં પણ એનાથી ખૂબ ખૂબ દૂર, બને એટલો દૂરનો શબ્દ બોલી બતાવો! ભેંસ, શિંગડાં, બ્રાહ્મણ, લાડુ, દડો, ક્રિકેટ, વેલણ ફેંકવું… એ તો ચાલ્યા કરશે પણ ભેંસ, સપ્તર્ષિ, દંડો, ચપ્પુ, વાંદરો, સૂરજમુખી… આવી સાંકળ ઝડપથી રચી બતાવો… સૂરજમુખી, બટાકો, ભૂંગળ, ભૂંડ… ભૂંડ ન ચાલે! કારણ ઉચ્ચારસામ્યની સરળતાએ તમારા મગજના પ્રમાદને પોષ્યો! કે ‘રામલીલા’ પણ ન ચાલે, કારણ ભૂંગળે તરત ભવાઈની મારફત રામલીલા લગી તમને પહોંચાડી દીધા. ‘ભૂંગળ’ જોડે ‘છાશ’ ચાલે આપણી રમતમાં! કે ભૂંગળ જોડે ચાલે ગાય કે ગોકળગાય! પણ ગાય પછી ગોકળગાય ન ચાલે! ગાય પછી ‘ચર્ચિલ’ ચાલે! શો ઉપયોગ આ રમતનો? એ સર્જનપ્રમાદને પડકારે છે. કલ્પના-શીલતાની પહોંચ વધારે છે. અસંપ્રજ્ઞાત મનમાં કુસ્તી ઉશ્કેરે છે! રમેશનાં અનેક કાવ્યોમાં ભાવકને વિસ્મય આનંદ (કે વિસ્મય આંચકા) વધારે મળે છે, શબ્દથી શબ્દ એમ પ્રવાસ કરવામાં. જોકે કૃતજ્ઞ પ્રયત્નથી કાવ્યરચના કરવા વખતે આ કરવાની જરૂર નથી. અકારણ ખૂબ શક્તિ ખર્ચાશે! પણ અન્યથા, અવકાશે મગજને આ રમત રમાડવી એ ખોટું નહીં. સાહિત્યસર્જનમાં પશ્ચાત્ભૂમાં એક ઊંડી સાતત્યભરી સમજ હોય છે, એ જ કૃતિને સાહિત્ય બનાવશે… (૫) એક ઉપયોગી ખ્યાલ ‘ડાયવર્ઝિવ થિંકિંગ’ અને ‘કૉન્સેન્ટ્રિક થિંકિંગ’નો અભિગમભેદ સ્વીકારવાનો છે. મગજમાં કેન્દ્રબિંદુથી દૂર જવું, ગમે તેટલા દૂર જવું, ગમે તે દિશામાં જવું, બેફામ દિશા-ગતિ બદલતા રહેવું એ રોજિંદા જીવનવ્યવહારમાં ન ચાલે! પણ તમારી મનોસૃષ્ટિમાં તમે ‘ડાયવર્ઝિવ થિંકિંગ’ના ઉપાસક બની શકો. તમારી એ અંગે સ્વભાવગત વૃત્તિ છે કે નહીં એ જુદી વાત છે. વ્યવસાયી મૅનેજમેન્ટ શિક્ષકો આની તાલીમ આપવા મથે છે. સાહિત્ય સર્જકતાને પણ આ સહાયક નીવડશે એવી માન્યતા છે. સર્જકતાનાં વૈજ્ઞાનિક સંશોધનોથી કંઈ વિસ્મય દૂર નથી થતું પણ સર્જકતા એ પરમેશ્વરના સીધા ચમત્કારને બદલે મનુષ્યદેહ-રચનાના પરમેશ્વરના સમગ્ર ચમત્કારમાં મનુષ્યે પુરુષાર્થે કરેલું ઉમેરણ છે એવું તો ગણી જ શકો તમે! આવા પુરુષાર્થની શક્યતાના સ્વીકાર સાથે સાહિત્યમાં વિષયવ્યાપ, લાગણીનું વૈવિધ્ય, માવજતની નવીનતા–ઘણું બધું પ્રાપ્ત કરી શકાશે અથવા એ વિશે સભાન કુતૂહલ વિકસાવાશે. ગુજરાતી સાહિત્યમાં આ નથી, કે તે નથી-ના નિરાશાવાદી ઉદ્ગારોને પડકાર તરીકે લેવાનું, આનંદભેર બની શકશે. ગુજરાતીમાં ‘આરણ્યક’, ‘આરોગ્યનિકેતન’ કે ‘ન હન્યતે’ કેમ ન લખાઈ તેનાં કારણો તપાસી શકાશે પણ એથી વધુ ગુજરાતીમાં પણ એવી નવલકથાઓ લખાશે, લખી શકાય એવી સર્જનશક્તિ વિકસાવવા માટે મનની લવચીકતા કેળવાઈ શકાશે કદાચ. પશ્ચિમમાં તો લેખકો સર્જનશક્તિની વૈજ્ઞાનિક રીતે સમજીને એનો વિકાસ કરવાનું સ્વાભાવિક રીતે સ્વીકારતા થયા છે. આપણે પણ પ્રાયોગિક અભિગમ કેળવીને વધુ આત્મશ્રદ્ધા દર્શાવી શકીએ. એકંદરે સર્જકતા અંગેની વિજ્ઞાનની કેટલીક વાતો અહીં કરી. આને વધુ વિશ્વસનીય રીતે સમજવા તો જે તે શાસ્ત્રોના વિદ્વાનો પાસે જ જવું પડે. સર્જકતા અંગે, ગુજરાતી સાહિત્યમાં આજની અને અપેક્ષિત સર્જકતા અંગે, હમણાં કહ્યું તેમ સ્વાયત્ત, સ્વનિર્ભર સર્જકતા અંગે, આપણે અલ્પથી સંતોષાઈ બેસી રહેવાનું જરૂરી નથી. જીવનનિષ્ઠ સંવેદનાને સતત સંકોરતા રહેવા દ્વારા આપણે આપણામાંની સર્જનશીલતાને વિશાળ-વ્યાપક અને સઘન બનાવવી, વધુ નિષ્ઠાવંત, વધુ પ્રતાપી બનાવવી – અને વધુ સ્વતંત્ર, સ્વપ્નિલ અને ઉલ્લસિત બનાવવી એ સંકલ્પ આપણે અવશ્ય કરીએ, પરિષદની આ નવી સદીના શુભારંભ ટાણે.
૧૯૮૨માં હું પહેલી વાર અમેરિકા ગયેલો ત્યારનું એક સ્મરણ કહું? (પ્લીઝ, અમેરિકા ગયેલો, એ વાત કોઈ કશી બહાદુરી દર્શાવવા નથી કહેતો. અમદાવાદથી અમેરિકા જવા વિશેની વાતો એ હવે અંધેરીથી આણંદ જવા જેટલું બગાસાં-પ્રેરક બની રહ્યું છે!) મને તે વખતે અમેરિકામાં ચકાચૌંધ કરી મૂકેલો તે વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનિઝેશનના બે મિનારાઓએ નહીં કે સ્વાતંત્ર્યદેવીની પ્રતિમાએ પણ નહીં (બેઉ પર પછી તો આફત આવી ગઈ, એક પર સ્થૂળ અર્થમાં, બીજા પર આલંકારિક રીતે!)… મને તે વર્ષોમાં ખુશ કરી નાખેલો મેળાઓમાંનાં રોલર કોસ્ટરોએ! હવે તો મુંબઈમાં એ આવી ગયાં છે, તમે એમાં ન બેઠા હો તો બેસી આવજો! એવું તો ઊછળવાનું, ગબડવાનું, ચત્તા-ઊંધા થઈ જવાનું આવે છે પ્રચંડ રોલર કોસ્ટરોમાં કે જાણે હાડકાં હમણાં ખડખડ ખખડતાં થઈ જશે! આજે વિશ્વ આખું – અને ભારત દેશ પણ – રોલર કોસ્ટર પર ઘૂમી રહ્યો છે! સુખદુઃખ નિદ્રાજાગૃતિ, સ્વપ્નવાસ્તવનાં જોડકાં તો પહેલેથી હતાં. સંસ્કૃત કવિએ કહ્યું જ છે, चक्रवत् परिवर्तन्ते सुखानि च दुःखानि च! પણ એ ચગડોળ આપણા ગામડાના ગોકળઆઠમના મેળાની ચગડોળ જેવી એક જ તાલ, એક જ રિધમની હતી. માણસજાત એનાથી ટેવાઈ ગયેલી, મુંબઈવાળા ટ્રામો અને વિક્ટોરિયાથી ટેવાઈ ગયેલા તેમ! પણ આજે તો બધું જ, બધે જ મહા રોમાંચક રોલર કોસ્ટરની જેમ ઊછળી રહ્યું છે, ઘૂમી રહ્યું છે. આમાં એક બાજુ મજા આવતી લાગે છે અને બીજી બાજુ કશું જ સમજાતું નથી! દેહ ઊંચે જાય છે ને નીચે જાય છે પણ જીવ અધ્ધર ને અધ્ધર રહે છે! મૂલ્યો ઉપરતળે થઈ ગયાં છે અને આપણાં મગજ સખળડખળ થઈ ગયાં છે. હવે બે જ રસ્તા છે. એક તો જરાક ગભરાઈ જઈને પછી હસી પડવાનો કે રડી પડવાનો અને ત્યાં રોકાઈ જવાનો! અને બીજો તે સહેજ હસી, હિંમત ભેગી કરી જે કંઈ સુચિંતિત, વાસ્તવિક અને કારગત ઉપાયો સૂઝે, કાર્યો, વિચારો મનમાં ઊગે તેને હિંમતભેર અજમાવી જોવાનો. તો છેલ્લે આ પ્રશ્ન – આપણા સમાજજીવનમાં અચાનક હુડુડુડુ ઊભા થઈ ગયેલા આ રોલર કોસ્ટર પર પ્રશિષ્ટ ભરતનાટ્યમ્ કેમ કરવું? કે પછી ભારતનાટ્યમ્, કથકલી કે કથક ત્રણેય વિકલ્પો છોડીને, આંચકાભેર ક્રાંતિ કરીને રંબા-સંબા કે બ્રેક ડાન્સનો પ્રયોગ આરંભી દેવો? (આપણાં બાળકો એ પ્રયત્ન કરી રહ્યાં છે!) પણ તરત યાદ આવે છે એય કરવા પડવાના છે આ રોલર કોસ્ટર પર જ! ઉફ! આજે ૨૧મી સદીના ગુજરાતી સાહિત્યને કેમ જોવું? કેમ નિભાવવું? કેમ સમૃદ્ધ–સુસંપન્ન–સમુજ્જ્વલ કરવું? કેમ આપણા જીવનને સાહિત્ય-રસવંતું કરવું? આપણા બાળગોપાળના કલરવથી શોભતાં ગુજરાતી કુટુંબોના વડીલોની, આપણી આ નિસ્બત છે, ગુજરાતનાં સર્વ સંસ્કારી જનોની આ નિસ્બત છે. આપણી ગુજરાતી સાહિત્ય પરિષદની આ નિસ્બત છે. સર્જકતાની વાત મેં પહેલી કરી – સુપેરે કરી – કારણ એ આપણી પ્રથમ નિસ્બત છે. પણ સર્જકતાનું તો બરાબર, તે ઉપરાંતની ચિંતાઓનું શું? સમસ્યાઓ–પડકારો અહીં નહીં ગણાવું. એકંદરે ગુજરાતી સમાજનું, ગુજરાતી સર્જકો-વિદ્વાનો અને ભાવકોનું મગજ ઠેકાણે છે. જીવનનાં અનેક અનેક ક્ષેત્રોમાં ગુજરાતીઓ ભવ્ય રીતે સફળ થઈ રહ્યાં છે. પણ એનો અર્થ એ નહીં કે નવા યુગના સાહિત્યસર્જકો અને ભાવકો અંગેનાં સમસ્યા-પડકારો ભૂલી જવાં. તમે સૌ જાણો છો આ સમસ્યાઓ અને આ પડકારો! “થોડા જ દાયકામાં પૃથ્વી પરથી ગુજરાતી ભાષા વિલાઈ જશે, વીસરાઈ જશે, ધ્વંસ પામી જશે” એવાં નિવેદનોથી માંડીને તે “પરિષદ કશુંય કરે છે ખરી, કરી શકે એમ છે ખરી?” એવા કાકુપ્રશ્ન સુધી, વિવિધ રીતે, વિવિધ દૃષ્ટિથી, વિવિધ તરેહની નિસ્બત સાથે, વિવિધ કક્ષાના ક્લેશ કે ઉમંગ સાથે આપણે આ સમસ્યાઓને મમળાવી રહ્યાં છીએ. પૂરેપૂરા ઉત્તરો મારી પાસે નથી, કોઈની પાસે નથી. કોઈ એકની પાસે હોય – એવું કોઈ માનતું હોય તો આપણે શું કરી શકીએ?! સંપર્ક, સંવાદ, સહચિંતન, સૌની સામેલગીરી અને સર્વત્ર સર્જકતાની વૃદ્ધિ એ પાંચ મુદ્દા આપણને સ્વાભાવિક સૂઝે છે. પણ આ તો શરૂઆત થઈ, એક રીતનો ‘એપ્રોચ’ થયો. વિચાર કરવાની કાર્યપદ્ધતિ થઈ. પરિષદ આખા ગુજરાતની છે. પરિષદ ગુજરાતની સૌથી પ્રાચીન અને સન્માનનીય સાહિત્યસંસ્થા છે. પરિષદમાં પ્રજાતંત્રની રીતે સફળ ચૂંટણીઓ થાય છે, થઈ શકે છે. આજે હવે તમારા ચૂંટેલા ચાલીસ અને બીજી વૈધિક રીતે સમાવાયેલા સભ્યોની – લગભગ સિત્તેરેક જેટલા સભ્યોની મધ્યસ્થ સમિતિ છે. તમારી ચૂંટેલી કાર્યવાહક સમિતિ છે. તમારા ચૂંટેલા મંત્રીઓ છે. આપણે ઘણું બધું કરી શકીશું અને એનો યશ તમને જ, સમગ્ર પરિષદના સભ્યમંડળને, સમગ્ર ગુજરાતી પ્રજાને જ મળવાનો છે. આ સાહિત્યસંસ્થાનાં સામાજિક કર્તવ્યો, એનો અગ્રતાક્રમ તથા માત્રા, આ અંગે આપણા સૌના વિવિધ અભિપ્રાયો છે – એ આપણું સદ્ભાગ્ય છે. સમયે સમયે આપણે વિવિધ પ્રશ્નો ઉકેલ્યા છે જ અને આપણે આગળ વધતા આવ્યા છીએ. એક સદીના સુગ્રથિત સંસ્થાજીવને પ્રેરેલી આત્મશ્રદ્ધા આપણી પાસે છે. શા માટે શ્રદ્ધા, હિંમત, ઉમંગ ન રાખવાં કે જે ગુજરાતે ઈ. સ. ૧૯૦૫થી ૨૦૦૫ સુધીની ગતિશીલતા – ભલે રૂક કે ચલી રૂક કે ચલી ગતિશીલતા પણ એકંદરે પ્ર-ગતિ અવશ્ય રાખી, તે ગુજરાત ઈ. સ. ૨૦૦૫થી ૨૧૦૫માંય નવાં નવાં યાત્રાશિખરો સર નહીં કરે? ક્યાંક ઉપર પહોંચીશું અને ત્યાં શિખર પર મંદિરમાં મહાદેવ નહીં હોય તો પાછા ફરીશું! વળી નવી અજમાયશ, વળી, નવું શિખર-ચઢાણ! નવી સદીનો પડકાર આપણે હોંશીલા ગુજરાતીઓ ઉમંગ-ઉલ્લાસથી ઝીલી લઈએ! પૂર્વજો, આશિષ આપો!