પરિષદ-પ્રમુખનાં ભાષણો/૪૩.૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શ્રી કુમારપાળ દેસાઈનું ભાષણ
તેંતાલીસમા અધિવેશનના પ્રમુખ (૨૦૦૬ – ૨૦૦૭)
શ્રી કુમારપાળ દેસાઈ

કુમારપાળ દેસાઈનો જન્મ ૩૦ ઑગસ્ટ, ૧૯૪૨ના રોજ રાણપુરમાં થયેલો. પિતાનું નામ બાલાભાઈ અને માતાનું નામ જયાબહેન. પિતાનું અંગત પુસ્તકાલય હતું તેના પરિણામે બાળપણથી જ સાહિત્ય પ્રત્યે પ્રીતિ હતી. ધર્મ પ્રત્યેની અભિરુચિ પણ પિતા પાસેથી વારસમાં મળેલી. ૧૯૬૩માં ગુજરાતી અને સંસ્કૃત સાથે બી.એ. થયા અને ૧૯૬૫માં એમ.એ. થયા. ૧૯૭૭માં ‘આનંદઘન : એક અધ્યયન’ એ વિષય ઉપર મહાનિબંધ લખીને પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. સાહિત્યનાં અનેક સ્વરૂપોમાં તેમની કલમ ચાલી છે. વિવેચન, સંશોધન, ચરિત્ર, બાલસાહિત્ય, ચિંતન, પત્રકારત્વ, નવલિકાસંગ્રહ, સંપાદન, અનુવાદ, હિન્દી પુસ્તકો અને અંગ્રેજી પુસ્તકો થઈને ૧૦૦ ઉપર તેમનાં પુસ્તકોની સંખ્યા થવા જાય છે. તેમણે લેખનનો પ્રારંભ અગિયાર વર્ષની ઉંમરે કરેલો. તેમની પ્રથમ વાર્તા ‘ઝગમગ’માં કુ. બા. દેસાઈના નામથી છપાયેલી. તેમણે લખેલાં ચરિત્રો ‘મહામાનવ શાસ્ત્રી’ (૧૯૬૬), ‘વીર રામમૂર્તિ’ (૧૯૭૬), ‘સી. કે. નાયડુ’ (૧૯૭૮), ‘બાળકોના બુદ્ધિસાગરસૂરીશ્વરજી’ (૧૯૭૯), ‘ભગવાન ઋષભદેવ’ (૧૯૮૩), ‘ફિરાક ગોરખપુરી’ (૧૯૮૪), ‘ભગવાન મલ્લિનાથ’ (૧૯૮૯), ‘આતમજ્ઞાની શ્રમણ કહાવે’ (૧૯૮૯), ‘ભગવાન મહાવીર’ (૧૯૯૦), ‘અંગૂઠે અમૃત વરસે’ (૧૯૯૨) વગેરે છે. એમણે જે ચરિત્રો આપ્યાં છે તેમાં ભવ્ય વ્યક્તિત્વવાળી, ઉદાત્ત ભાવનાવાળી અને દેશ માટે કશુંક કરી ગયેલી અને સમાજમાં જેમણે મોભાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે તેવી વ્યક્તિઓનાં ચરિત્રો તેમણે આપ્યાં છે. તેમણે કરેલાં સંશોધનોમાં ‘જ્ઞાનવિમલસૂરિકૃત સ્તબક’ (૧૯૭૯), ‘અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ’ (૧૯૮૨), ‘ગત સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ’ (૧૯૮૮), ‘વાચક મેરુસુંદરકૃત બાલાવબોધ’ (૧૯૯૦)નો સમાવેશ કરી શકાય. ‘આનંદઘન : એક અધ્યયન’ તેમણે કરેલી આનંદઘનની ૪૦૦ હસ્તપ્રતોના સંશોધનનું પુસ્તક છે. તેમણે જે વિવેચનો આપ્યાં તેમાં ‘શબ્દસંનિધિ’ (૧૯૮૦), ‘હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના’ (૧૯૮૮), ‘ભાવન-વિભાવન’ (૧૯૮૮), ‘શબ્દસમીપ’ (૨૦૦૨) અને ‘સાહિત્યિક નિસબત’ (૨૦૦૮). તેમના વિવેચનસંગ્રહોમાં વક્તવ્યની પારદર્શકતા, ભાષાની સરળતા, પ્રૌઢિ, શાલીનતા જેવાં તત્ત્વો પ્રગટી ઊઠે છે. ‘ઝાકળભીનાં મોતી’ (૧૯૮૩), ‘મોતીની ખેતી’ (૧૯૮૩), ‘માનવતાની મહેક’ (૧૯૮૪), ‘તૃષા અને તૃપ્તિ’ (૧૯૮૬), ‘ક્ષમાપના’ (૧૯૯૦), ‘શ્રદ્ધાંજલિ’ (૧૯૯૪), ‘જીવનનું અમૃત’ (૧૯૯૬), ‘દુઃખની પાનખરમાં આનંદનો એક ટહુકો’ (૧૯૯૭), ‘મહેક માનવતાની’ (૧૯૯૭), ‘ઝાકળ બન્યું મોતી’ (૧૯૯૮), ‘સમરો મંત્ર ભલો નવકાર’ (૨૦૦૦), ‘ક્ષણનો સાક્ષાત્કાર’ (૨૦૦૮) તેમનાં ચિંતનનાં પુસ્તકો છે. તેમનું ચિંતન શુષ્ક અને શાસ્ત્રીય ન બની રહેતાં તેની તાજગીપ્રદ રમતિયાળ શૈલીને કારણે આસ્વાદ્ય અને હૃદયંગમ બન્યું છે. તેમણે બાળસાહિત્યનાં જે પુસ્તકો આપ્યાં છે તેમાં ‘મોતને હાથતાળી’ (૧૯૭૩), ‘ડાહ્યો ડમરો’ (૧૯૬૭), ‘હૈયું નાનું, હિંમત મોટી’ (૧૯૬૭), ‘બિરાદરી’ (૧૯૭૧), ‘કેડે કટારી, ખભે ઢાલ’ (૧૯૬૯) વગેરે જુદી જુદી સંસ્થાઓ દ્વારા પુરસ્કૃત થયાં છે. તેમણે આફ્રિકન લેખક ઓસ્ટિન બૂકેન્યાની નાટ્યકૃતિનો અનુવાદ ‘નવવધૂ’ (૨૦૦૦) નામે આપ્યો છે. ‘એકાન્તે કોલાહલ’ તેમનો નવલિકાસંગ્રહ છે. ‘અખબારી લેખન’ તેમનું પત્રકારત્વનું પુસ્તક છે. તેમનું ‘અપંગનાં ઓજસ’ પુસ્તક હિંદી અને અંગ્રેજીમાં ભાષાંતરિત થયું છે અને તે બ્રેઇલ લિપિમાં પણ તૈયાર થયું છે. તેમનાં ક્રિકેટનાં પુસ્તકો હિંદી અને મરાઠીમાં અનૂદિત થયાં છે. તેમણે ઘણાં પુસ્તકો હિંદી અને અંગ્રેજીમાં પણ આપ્યાં છે. તેઓ જૈનદર્શન અને જૈન ધર્મના અભ્યાસી ચિંતક છે. તેમણે એ નિમિત્તે દેશ-વિદેશમાં પ્રવચનો પણ આપ્યાં છે. કુમારપાળ દેસાઈ સાહિત્યની સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. આ સંસ્થાઓમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ, ગુજરાત સાહિત્યસભા, ગુજરાત વિદ્યાસભા, રેડક્રૉસ સોસાયટી વગેરે સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દા ધરાવે છે. તેમનાં પુસ્તકોને અને કુમારપાળ દેસાઈને ઘણાં માન-સન્માન મળ્યાં છે. તેમાં ૨૦૦૪નો પદ્મશ્રી ઍવૉર્ડ એ.પી.જે. અબ્દુલકલામના હસ્તે એનાયત થયો હતો. આ ઉપરાંત ઇંગ્લૅન્ડમાં હેમચંદ્રાચાર્ય ઍવૉર્ડ, ઉત્તર કૅલિફૉર્નિયાના જૈન કેન્દ્ર દ્વારા ‘ગૌરવ પુરસ્કાર’, ‘નાનુભાઈ સૂરતી સંસ્કૃતિ ઍવૉર્ડ’, ‘જૈન જ્યોતિર્ધર ઍવૉર્ડ’, ‘ગુજરાત રત્ન ઍવૉર્ડ’, ‘હરિ ૐ આશ્રમ ઍવૉર્ડ’ વગેરે. માંડવીમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્ઞાનસત્ર ભરાયું, ત્યારે તેમણે પ્રમુખપદ ધારણ કરેલું. સંવેદના, સહૃદયતા અને સજ્જતા विन्देम देवतां वाचम् ।। સાહિત્યપ્રિય સ્વજનો, ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સાહિત્યની ભવ્યોજ્જ્વલ પરંપરા ધરાવતી સંસ્થાના પ્રમુખ થવું તેનો આનંદ જરૂર હોય, પણ એ સાથે વિનમ્રતાથી મારા પૂર્વસૂરિ સારસ્વતપ્રમુખોની હરોળમાં મારું નામ મૂકું છું ત્યારે સ્વાભાવિક રીતે જ સંકોચ થાય છે. મુખ્યત્વે હું ગુજરાતી ભાષા સાથેની મારી નિસબતના પરિણામ રૂપે આ પદને જોઉં છું. આ પદ સાથે જોડાયેલા ઉત્તરદાયિત્વથી હું અભિજ્ઞ છું, પણ આપ સહુની ઉષ્મા અને સાથ મારા એ ઉત્તરદાયિત્વને અદા કરવામાં મદદરૂપ થશે, એવી શ્રદ્ધા છે. હું અહીં છું એ એક વ્યવસ્થા છે. આપણે સહુ અહીં છીએ એ પરિષદ ને એનો આત્મા છે. સંવેદનશૂન્યતા તરફ ગતિ Your science will be valueless, you’ll find And learning will be sterile, if inviting Unless you pledge your intellect to fighting Against all enemies of mankind. [Brecht : Collected Poems, Methnen Edition, p. ૪૫૦] માનવજાતના શત્રુ સામે તમારી બુદ્ધિનો અને શક્તિનો ઉપયોગ કરો તો જ વિજ્ઞાનનું મૂલ્ય છે અને તો જ વિદ્યા વાંઝણી થતી અટકશે. આ કાવ્ય છે ૨૦મી સદીની રંગભૂમિ પર સૌથી વધુ પ્રભાવક અને લોકપ્રિય એવા જર્મન નાટ્યકાર બ્રેખ્તનું. હિટલરના સમર્થકોએ એનાં પુસ્તકોની હોળી કરી હતી અને બ્રેખ્ત દંપતીને અંધારી રાત્રે જર્મની છોડીને સોવિયેત સંઘ તેમજ ભારત થઈને અમેરિકા જવું પડ્યું હતું. મૂલ્યોની કટોકટી આજે આપણે સહુ સાંસ્કૃતિક કટોકટીની એવી ક્ષણ પર ઊભા છીએ કે જ્યારે પ્રજા તરીકે અને વ્યક્તિ તરીકેનું આપણું અસ્તિત્વ જોખમમાં આવી પડ્યું છે. આપણી ચારે બાજુ તમામ ક્ષેત્રોમાં નાની-મોટી, હળવી-ગંભીર એવી સતત મૂંઝવનારી સમસ્યાઓનો અનુભવ થાય છે. આ અસ્તિત્વને ટકાવી રાખવા માટે જેમ બીજાં ક્ષેત્રોમાં સફળ-અસફળ પ્રયત્નો થઈ રહ્યા છે, તેવું સાહિત્યમાં પણ છે. કદાચ બાહ્ય દૃષ્ટિએ એમ પ્રતીત થાય કે સાહિત્યની કટોકટીની અસર પ્રજાના જીવન પર નહિવત્ અથવા ઘણી ઓછી છે, પરંતુ સમગ્ર પ્રજાજીવનની કટોકટીના મૂળમાં સાહિત્યની કટોકટી જોવા મળે તો કદાચ નવાઈ નહીં. પ્રજાના વ્યક્તિત્વનું ઘડતર તેના આંતરસત્ત્વ પર બંધાય છે. પ્રજાની ભૌતિક સમૃદ્ધિ એ એના આંતરસત્ત્વનો માપદંડ નથી, પણ પ્રજાજીવનમાં નૈતિક મૂલ્યો કેટલાં સચવાયાં છે તેના પરથી તેનું આંતરિક સત્ત્વ મપાય છે. આ મૂલ્યોમાં સત્ય, ન્યાય, અહિંસા ઉપરાંત વીરત્વ, નિષ્ઠા, વૃત્તિ અને સહૃદયતાનો સમાવેશ થાય છે. આ આંતરિક સત્ત્વનું પોષણ-સંવર્ધન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાહિત્ય અને કલા દ્વારા થતું રહે છે. આ આંતરસત્ત્વનાં મુખ્ય બે અંગો છે : જ્ઞાન અને આનંદ. પ્રજાના સંસ્કારજીવનમાં આ બે અંગોને વિકસાવવામાં સાહિત્ય અને કલાનો ફાળો બહુ મોટો છે. આજે આપણે સાહિત્યની કટોકટીની વાત કરીએ છીએ. આ કટોકટી તે મૂલ્યોની કટોકટી છે, સહૃદયતા અને સજ્જતાની કટોકટી છે. આંતરસત્ત્વની સામેનાં દુરિતોનો સામનો કરવાનો છે અને એ માટે સહુએ સહિયારો પુરુષાર્થ કરવાનો છે. આજની સમસ્યા સહૃદયતાની ઊણપની સમસ્યા છે. સહૃદયતાનું મૂળ સંવેદના છે. માત્ર સૌંદર્ય પ્રત્યેની સભાનતામાંથી સંવેદના આવતી નથી. એ માનવહૃદયનો ગુણ છે. એ ગુણ કેળવવાની તક આજની પેઢીને મળી નથી એ માટે આપણે શિક્ષણપ્રથાને કે વહીવટી તંત્રને જવાબદાર ગણી શકીએ, પણ આપણે આપણી જવાબદારીમાંથી છટકી શકીએ નહીં, કારણ કે માનવતા એ સર્વજનીન વિશિષ્ટતા છે. સંવેદના માનવતામાંથી જન્મે છે અને આજે એ માણસાઈનું સુકવણું થઈ રહ્યું હોય તેમ લાગે છે. સંહારક શસ્ત્રોની વિભીષિકાએ માનવીને મૂંઝવી નાખ્યા છે, પરંતુ એથીય વિશેષ એક નવી વિભીષિકા એની રુચિ, એનાં મૂલ્યો અને એની સંવેદનાના સંદર્ભમાં સર્જાઈ રહી છે. સંવેદના એ સાહિત્યસર્જનનો ‘લાઇવ વાયર’ છે. એક સમયે સર્જકને સમસ્યાઓ મૂંઝવતી હતી, એ આજે કાલગ્રસ્ત થઈ ગઈ છે. ગોવર્ધનરામ કે ન્હાનાલાલ, કાન્ત કે કલાપી, મણિલાલ નભુભાઈ કે પ્રિયકાન્ત મણિયારે અનુભવેલાં પ્રણયવિભાવના-વિષયક દ્વંદ્વો આજે ન હોય તો ભલે, પરંતુ હવે એ પ્રણયનું જ સ્થાન વ્યક્તિના જીવનમાં કેટલું? આપણાં મૂલ્યો દ્રાવણપાત્રમાં આવીને ઠર્યાં છે. આપણી ભાવનાઓનો ક્રૂર સંહાર થયો છે. એક સ્વાર્થમય, લેન-દેન આધારિત, સંવેદનશૂન્યતા પ્રત્યેની તીવ્ર ગતિમાં આંતરમંથનો અને વ્યાપક સંવેદનોની ઊપજ કેટલી? એક સમયે સર્જક – હું કોણ છું? જીવન શું છે? મૃત્યુ શું છે? સાચો સ્નેહ કોને કહેવાય? પરમ આનંદની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે? એવા પ્રશ્નોની ખોજ કરતો હતો અને સાહિત્યમાં એની એ આંતરખોજનું પ્રતિબિંબ ઝિલાતું હતું. માણસની વૃત્તિએ એનું વૈચારિક માળખું ધરમૂળથી બદલી નાખ્યું છે. મૂલ્યહ્રાસ, ભ્રષ્ટતા, ટૂંકા માર્ગો લેવાની વૃત્તિ, સંકુચિત સ્વાર્થ વગેરે વકરી રહ્યાં છે. જીવનને બદલે ‘બજાર’ની શોધ શાહમૃગ આફ્રિકાના રણમાં જ નથી, આપણી વચ્ચે પણ છે. ટૅક્‌નૉલૉજીના આ સમયગાળામાં જીવનમાં બધી બાબતોનો રોકડિયો પાક ઉતારવામાં આવે છે. રાજકારણ, અર્થકારણ, નોકરશાહીના દબાણ ઉપરાંત લોકો એક રેટ-રેસમાં સામેલ થયા છે અને તેને પરિણામે આપણે જીવનમાંથી ઘણું ભૂલી રહ્યા છીએ. ઘરના આંગણામાં છોડ વાવીએ છીએ, પણ છોડમાં આવેલી નવી કૂંપળનો ઉત્સવ ઊજવતા નથી. આનંદના ઉપહાર રૂપે અન્યને બૂકે આપીએ છીએ, પરંતુ એ ફૂલોની સુવાસનો અનુભવ કે એના રંગોનો આનંદ આપણે લેતા નથી. મેદાન પર પથરાયેલા લીલાછમ ઘાસનું મંદ મંદ હાસ્ય કે પછી સમુદ્રની લહેરોનો આનંદ કે હિમાચ્છાદિત શિખરોની ભવ્યતા ભૂલી ગયા છીએ. એને માટે આપણી પાસે ન તો આંખ રહી છે કે ન તો એને સાંભળવા માટેના કાન. આ અંધબધિર અવસ્થાએ માનવીના ભીતરને મૂક બનાવી દીધું છે. વાસ્તવની ઉપેક્ષા, વાસનાપૂર્ણ કામેચ્છા અને માનવીય ભાવનાઓનું વ્યવસાયીકરણ, રુચિનું નિમ્નસ્તરીકરણ – આ બધાંને કારણે માનવી ભીતરનો આનંદ, સમભાવ અને સંવેદના ખોઈ રહ્યો છે. મશીન દ્વારા માનવીનું વિસ્થાપન, મહાનગરનાં સિમેન્ટ–કૉન્ક્રીટનાં જંગલોનું નિર્માણ અને પ્રગતિના નામ હેઠળ ખેલાતી સત્તાની રાજનીતિ અને વ્યવસ્થા કે લોકતંત્રને નામે થતી જોહુકમી – આ બધી બાબતોનો વિચાર કરવો જોઈએ. આજે ગ્લોબલાઇઝેશનને કારણે માણસ જાણતાં કે અજાણતાં ‘બજાર’ બની ગયો છે. બજાર અને માલનું કેન્દ્ર દૃઢ બન્યું છે અને તેનો છેડો અર્થ ઉપર છે. બીજું સઘળું ગૌણાતિગૌણ બની રહ્યું છે. દરેક દેશ અને તેનો માણસ જીવન નહીં, બજાર શોધે છે. રૉબોટની જેમ તે એના જીવનની સિસ્ટમ બજારના સંદર્ભમાં ગોઠવી રહ્યો છે. માણસના સંદર્ભો સાથે સાહિત્યની ગતિ પણ બદલાય. સાહિત્યે માણસને પ્રતીત કરાવવાનું છે કે તે પોતે ‘વસ્તુ’ અથવા ‘બજાર’ નથી, પણ ચૈતન્યથી, ભાવસંવેદનથી ભરી ભરી પ્રાણશક્તિ છે. સાહિત્યકારે સંવેદનાસભર મનુષ્યની છબી ઉપસાવવાની છે. સંવેદનાસભર જીવન શું છે, તેને પ્રત્યક્ષ કેમ કરી આપવું તે મથામણ આપણા સમયમાં સૌથી મોટી બાબત બની છે. વાદો આવ્યા ને ગયા, આવશે ને જશે; પણ અવશેષમાં માણસ ન રહ્યો તો સઘળું ગયું સમજવાનું. આજે વાદો અને વાદોના પુરસ્કર્તાઓનાં વલણ નરમ પડ્યાં છે, શમ્યાં છે, બદલાયાં છે, વિશ્વ સાંકડું બન્યું છે અને ભાષાઓ નજીક આવી છે. માહિતીવિસ્ફોટ થયો છે. સમૂહ-માધ્યમોને કારણે વિશ્વવ્યાપી ઘટનાઓ સાથે સદ્ય પરિચિત થવાનું બન્યું પણ આની સામે સર્જન એવી ફાળ ભરી શક્યું છે કે કેમ તે પ્રશ્ન છે. સમૂહમાધ્યમોનો પ્રભાવ સમૂહમાધ્યમોની ગતિ વિપરીત નીવડી છે. માનવજાત માટે કેવું અદ્‌ભુત પરિવર્તન આણશે એવી આશા સાથે આવેલું ચલચિત્ર બહુધા સ્થૂળતા અને રંજકતામાં સરી ગયું. રેડિયોનું માધ્યમ હવે ઉપેક્ષિત બન્યું છે અને ટેલિવિઝને દીવાનખંડમાં પ્રવેશીને એક એવા આતંકવાદને જન્મ આપ્યો છે કે જેને પરિણામે માનવજીવનની કેટલીય મધુર, સૂક્ષ્મ, સંવાદી, ઉદાર અને સૌંદર્યમંડિત ભાવનાઓ રસાતળ જઈ રહી છે. દોસ્તોયેવસ્કીએ કહ્યું હતું કે કેવળ ‘સૌંદર્ય’ જ દુનિયાને બચાવી શકશે. આ સૌંદર્ય એટલે પૂર્ણતાની શોધમાં નીકળેલો સક્રિય મનુષ્ય. એ સૌંદર્ય એટલે જીવનનાં સુખમાં અને દુઃખમાં, સંવાદ અને વિસંવાદમાં, કટુ અને મધુર ભાવોમાં વસેલું સૌંદર્ય. આજે એ સૌંદર્યનું વ્યાપારીકરણ થઈ ગયું છે. સમૂહમાધ્યમોએ સાહિત્ય પર આક્રમણ કર્યું એમ કહેવું તે અર્ધસત્ય છે. બન્યું એવું કે રેડિયો, ચલચિત્ર અને ટેલિવિઝન જેવાં સમૂહમાધ્યમો સાહિત્યને વશ થવાને બદલે સાહિત્ય સમૂહમાધ્યમોને વશ થઈ રહ્યું છે. સમૂહમાધ્યમોમાં ભાષાશુદ્ધિથી માંડીને એના વિષયો અને એની પ્રસ્તુતિ સુધીના અનેક પ્રશ્નો ઊભા થયા છે. આને પરિણામે એ માધ્યમોના સ્તર અંગે સવાલ જાગે છે. આપણે ઘણી બાબતો માટે પશ્ચિમને જવાબદાર ઠેરવીએ છીએ, એની ટૅક્‌નૉલૉજીને કારણભૂત માનીએ છીએ; પરંતુ હકીકત એ છે કે ટૅક્‌નૉલૉજી જરૂર પશ્ચિમમાંથી આવે છે પણ એને દિશા-દર્શન આપવાનું કામ આપણું હોય છે અને એમાં આપણે નિષ્ફળ ગયા છીએ. મહારાષ્ટ્ર અને બંગાળમાં માધ્યમોનું ધોરણ પ્રમાણમાં ઊંચું રહ્યું; તેનું કારણ સમૂહમાધ્યમો પર સાહિત્યકારોનો પ્રભાવ જોઈ શકાય. દૃશ્યશ્રાવ્ય માધ્યમથી પુસ્તકો લખાવાનાં બંધ થવાનાં નથી. સમૂહમાધ્યમથી સાહિત્યનું ધોરણ નીચું આવતું નથી. સામાન્ય ઘટનાની સનસનાટીપૂર્ણ દીર્ઘ રજૂઆત કરતા સમાચારો, ઉપભોક્તાવાદને બહેકાવતી વિજ્ઞાપનો અને ફૉર્મ્યુલાબદ્ધ ધારાવાહિકોની ભરમારમાં સાહિત્યિક કૃતિ ભાગ્યે જ જોવા મળે છે. ટેલિવિઝનથી સાહિત્યિક રુચિના સંવર્ધનની વાત તો દૂર રહી, હવે તો શિષ્ટ રુચિને પણ આઘાત થવા લાગ્યો છે. રંજકતા એવી લીલા છે કે જેની પાછળ માધ્યમ ઘેલું બને તો બધી જ મર્યાદા નેવે મૂકી દે. દર્શકની બુદ્ધિ અને રુચિ વિશેના એના ખ્યાલો ચિંતાપ્રેરક છે. દરેક માધ્યમનો એક સમયગાળો હોય છે. આરંભમાં એ ચોંકાવી દે એવું આકર્ષણ જગાવે છે અને સમય જતાં મોળું પડે છે, એથી જ આ સમૂહમાધ્યમની તેજ રફ્તાર વચ્ચે અત્યાર સુધી સાહિત્ય પોતાની મુદ્રા જાળવી શક્યું છે. કારણ કે એની પાસે માનવ-અંતસ્તલને સ્પર્શવાની શક્તિ અને કૌવત છે. પરિણામે આજના ગુજરાતના સાહિત્યકાર સામે સમૂહમાધ્યમ પડકાર નથી, પરંતુ એને માટે પોતાની આંતરશક્તિની વાક્-સ્તરે સમુચિત અને વિશિષ્ટ અભિવ્યક્તિ એ પડકાર છે. માધ્યમોની ગતિ અમુક આવરદાવાળી અને જલદી લાભ અંકે કરી લેવાના મિજાજવાળી હોય છે. સાહિત્ય એ એક એવું માધ્યમ છે કે જેની નેમ અને નિયત નિશ્ચિત રહી છે અને એ છે મનુષ્યત્વનું નિરૂપણ અને એનું ઉન્નયન. આજના સાહિત્યકારે એના અનુલક્ષમાં જ સર્જનના ઘટાટોપને વિસ્તારવાનો છે. તત્કાળ આનંદ અને લાભ કરાવે તેવી વસ્તુ માધ્યમને જોઈએ, જ્યારે સાહિત્ય એ દીર્ઘકાળ સુધી માનવને મૂલ્યો અને આનંદનો અનુભવ કરાવનાર છે. માનવઆત્માનો અવાજ સમૂહમાધ્યમનો પ્રભાવ ગમે તેટલો હોય, અગાઉ નિર્દેશ્યું તેમ, સાહિત્યસર્જન તો ચાલુ જ રહેવાનું. સાહિત્યમાં નિહિત છે માનવઆત્માનો અવાજ. આ સૂરની ફાવટ સમૂહમાધ્યમોને નથી, તેથી સાહિત્યનો એ અવાજ સમૂહમાધ્યમમાં કાં તો ગૂંગળાય છે અથવા તો કચડી નખાય છે. પરંતુ માનવઆત્માનો અવાજ સાહિત્યમાં કેવો સંભળાય છે તે સાહિત્યનો એ અવાજ ઉત્તર આફ્રિકાના સેનેગલ દેશના કવિ સેમ્બેને ઓસમનેમાંથી પામી શકાય. Fingers નામના કાવ્યમાં સંગેમરમરમાં સુંદર આકૃતિ સર્જતી સ્થપતિની આંગળીઓ કે પછી જમીનને હળથી ખેડ્યા બાદ ખાડો ખોદી વાવણી કરતા ખેડૂતની આંગળીઓની વાત કરતાં એ એવી આંગળીઓ પ્રતિ પણ લક્ષ દોરે છે કે જે જીવનનો નાશ કરે છે. કવિ કહે છે, The finger of a soldier Across the rivers and languages Of Europe and Asia Of China and Africa, Of India and the Oceans Let us join our fingers to take away All the power of their finger Which keeps humanity in mourning. [Sambene Ousmane, ‘Fingers’ quoted in Lotus Awards ૧૯૭૧, Published by the Permanent Bureau of Afro–Asain Writers.] લોકઆંદોલનોમાંથી જાગતો નિર્ભીક અને સ્વતંત્ર અવાજ બીજા કોઈ પણ માધ્યમ કરતાં સાહિત્ય સ્પષ્ટ રીતે આપી શકે છે, તેથી જ માધ્યમોની પ્રભાવક પ્રચારની દુનિયાને સાહિત્યિક કૃતિ અજંપો આપી જાય છે. પ્રજાનો અંતરાત્મા સાહિત્યમાં વ્યક્ત થતો હોવાથી માત્ર સરમુખત્યારો જ નહીં, પણ સત્તાલોભીઓને પણ મૂંઝવે તેવા સવાલ સાહિત્ય કરતું આવ્યું છે. The spirit of resistance સાહિત્ય દ્વારા જ વ્યક્ત થાય. વર્તમાન સમયમાં હું માત્ર અધ્યાપક, ફક્ત ડૉક્ટર કે પછી વિજ્ઞાની કે અર્થશાસ્ત્રી છું એમ કહ્યાથી કામ સરવાનું નથી. વર્તમાન વૈશ્વિક સંદર્ભમાં વ્યક્તિ પોતે ક્યાં ઊભી છે તેની એણે ખોજ કરવાની છે. અસમાનતા પર આધારિત સમાજમાં એ ક્યાં ઊભો છે? અન્યાય, આતંક અને આક્રમણનાં વિઘાતક પરિબળો રાષ્ટ્રજીવનથી આરંભીને છેક વ્યક્તિગત જીવન પર પ્રભાવક છે તે સ્થિતિમાં એ સ્વયં શું અનુભવે છે? એ અંગે પોતે શું વિધાયક કાર્ય કરે છે? પોતાની સંવેદનશીલતા અને માનવતાને અને પોતાના નિજાનંદને અવરોધતાં પરિબળો સામે એ કઈ રીતે મથામણ કરી રહ્યો છે? વાણીસ્વાતંત્ર અને માનવ-અધિકારો પર છાશવારે થતા આઘાતો સામે એની પોતાની ક્રિયા-પ્રતિક્રિયા કેવી છે? – આ બધાંનો વિચાર કરવો જોઈએ. ફાસીવાદી પરિબળો પ્રજાસમૂહને કોઈ એક યા બીજા બહાના હેઠળ કેવી રીતે અળગો કરે છે, તેની વાત કરતાં માર્ટિન નીમોલેર (Martin Niemoeller) ‘TO the Faculty’ કાવ્યમાં કહે છે : In Germany they first came for the communist And I did not speak up because I wasn’t a communist Then they came for the jew and And I didn’t speak up because I wasn’t a jew Then they came for the trade unionists And I didn’t speak up because I wasn’t a trade unionist Then they came for the catholics And I didn’t speak up because I was a protestant They they came for me – and by that time no one was left to speak up. સહૃદયતા અને મૂલ્યહ્રાસ સહૃદયતા એ પ્રત્યેક સર્જકને પ્રેરનારો અને પોષનારો મહત્ત્વનો ગુણ છે. આ સહૃદયતા જેટલા મોટા ફલક પર આપણા સર્જકોમાં પ્રવર્તતી હોય એના પ્રમાણમાં આપણા સાહિત્યને ઉચ્ચાવચ્ચ કોટિમાં ગોઠવી શકાય. આનું દૃષ્ટાંત ગઈ પેઢીના આપણા કવિઓ અને નવલકથાકારોમાંથી મળી શકે તેમ છે. એક સમય એવો હતો કે જ્યારે રમણલાલ દેસાઈ જેવા નવલકથાકાર પોતાની નવલકથાનાં પાત્રો સમકાલીન સમાજમાંથી લેતા હતા અને તેને વાસ્તવિક ભૂમિકા ઉપર આદર્શનો ઓપ આપીને રજૂ કરતા હતા. પચાસના દાયકામાં યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઈ એક કૉલેજમાં વ્યાખ્યાન આપવા ગયા. તાજું જ સ્વરાજ્ય મળ્યું હતું. કાળાબજાર, ભ્રષ્ટાચાર, સત્તા માટેની હોંસાતોંસી – આ બધું જોતાં સ્વરાજ વિશેનો એમનો ભ્રમ ભાંગી ગયો હતો અને તેઓ નિરાશ થઈ ગયા હતા. એમણે કૉલેજના યુવાનો સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરતાં કહ્યું કે હું ઝોળી લઈને આવ્યો છું. મને પાત્રો આપો. ચારે બાજુ નજર કરતાં મને એ પાત્રો મળતાં નથી. આજે પચાસ વર્ષ પછી રઘુવીર ચૌધરી જેવા નવલકથાકાર રમણલાલ દેસાઈની જેમ પોતાના જમાનાની ઘટનાઓ અને વ્યક્તિઓને નવલકથામાં ગૂંથે છે તેમને પણ આજની પેઢીમાંથી તેમના ઉચ્ચાશયો સિદ્ધ કરી આપે તેવાં પાત્રોની શોધનો પ્રશ્ન રહ્યો હશે જ. સહૃદયતા અને મૂલ્યહ્રાસને કાર્યકારણ સંબંધ છે. આજનો સર્જક કે આજનો શિક્ષક – એ બધા મૂલ્યહ્રાસના બોજ હેઠળ જીવે છે અને તેથી ઉદારતા, નિઃસ્વાર્થતા કે સમર્પણભાવ કેળવાતો નથી. દરેક વ્યક્તિ સ્વત્વના સંકુચિત વર્તુળમાં જાણે કે કેદ થઈ ગયો છે. માનવજાત સર્વનાશના ઓથાર હેઠળ જીવી રહી છે. સિત્તેરેક વર્ષ પૂર્વે ટી. એસ. એલિયટે એમ કહ્યું હતું કે, નવલકથા મૃત્યુ પામે છે. એ પછી એડમન્ડ વિલ્સને કવિતા વિશે એવી જ ઘોષણા કરી. હકીકતમાં સાહિત્યના વિકાસમાં ભરતી-ઓટ આવે છે. તેના કેટલાક પ્રદેશો કે પ્રકારો સૂકા કે લીલા દેખાય, પણ કોઈ ને કોઈ રીતે પ્રજાજીવનમાં સાહિત્યઝરણું વહેતું રહીને અમીસિંચન કરતું રહ્યું છે, પરંતુ આજે તો સાહિત્યની આવરદા અંગે જ સંશય પ્રગટ થાય એવી સ્થિતિ છે. એક સમયે કોઈ સાહિત્યપ્રકાર નામશેષ થઈ જશે એવો ભય હતો, હવે એનાથીય વધારે મોટો ભય એ છે કે સાહિત્ય સ્વયં પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે કેટલું ગજું કાઢી શકશે. મનુષ્યજાતિ સ્થિતપ્રજ્ઞયોગના બદલે અસ્થિરતાયોગની સાધના કરે છે. આજે માનવી ભૌતિકતા અને બાહ્ય પ્રાપ્તિની પાછળ આંધળી દોટ મૂકી રહ્યો છે. એનું સમગ્ર ચેતોવિશ્વ આ બધાની પાછળ દોડી રહ્યું છે. વળી એની આ દોડમાં જુદાં જુદાં વળાંકો અને પરિવર્તનો આવે છે. એ સતત ગતિ બદલે છે અને માણસનું મન પણ એમ અનેકશઃ બદલાતું જાય છે. એવામાં ધારો કે કોઈને કોઈ વાર્તા લખવાની પ્રેરણા થાય, ચિત્તમાં એ આકાર ધારણ કરે, એનો ઘાટ અને પાત્ર મનમાં નક્કી થાય અને ત્યાં તો એ જૂની થઈ જાય, એના સંદર્ભ અપ્રસ્તુત બની જાય! સર્જકને પોતાને એમાં જૂનાપણું લાગે! ટી. એસ. એલિયટની સામે ૨૦મી સદીના આરંભે સાહિત્યને પ્રચલિત-દૂષિત ખ્યાલોથી મુક્ત કરી વૈજ્ઞાનિક યુગમાં તેની અગત્ય સિદ્ધ કરી આપવાનો પ્રશ્ન હતો. તેણે વિજ્ઞાનની જેમ કળા પણ ‘વર્કશૉપ’માં જ, સતત મથામણ પછી આકાર ધારણ કરે છે તે દર્શાવી એને બિનઅંગતતાની બુનિયાદ ઉપર સંસિદ્ધ કરવા પર અનિવાર્યપણે ભાર મૂક્યો. આપણી ૨૧મી સદીમાં કળાના અસ્તિત્વનો પ્રશ્ન છે. વીજાણુયંત્રો, માહિતીવિસ્ફોટ અને તે કારણે પ્રાપ્ત થયેલી સુવિધાઓ સામે લિખિત શબ્દો વિશે ચિંતા થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. આપણે આપણી સદીમાં સાહિત્યની ઉપકારકતા સિદ્ધ કરી આપવાની રહે છે. કેવી રીતે, કેવા માર્ગે કે કેવા પ્રયત્ને તે આપણા સૌની ચર્ચાનો વિષય બનવો જોઈએ. ભાષાસાહિત્યનું શિક્ષણ સૌથી પહેલો પ્રશ્ન છે ગુજરાતી ભાષાસાહિત્યના શિક્ષણનો. ભાષાના અધ્યાપનમાં એક મોટી ગંભીર ભૂલ એ થઈ કે આજે સાયન્સ અને ટૅક્‌નૉલૉજીના અભ્યાસના સંદર્ભમાં એને જરૂરી મહત્ત્વ મળ્યું નથી. પ્રાથમિક શાળામાંથી જ બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવીને આપણે એને રાષ્ટ્રીય ચેતના, સાહજિક વ્યક્તિત્વ અને ભારતીય દૃષ્ટિકોણથી દૂર – વંચિત રાખીએ છીએ. એનામાં ભાષાની અસ્મિતા જ પ્રગટતી નથી. ભાષાશિક્ષણ એ સાહિત્યવિકાસની આધારશિલા છે. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ જોઈએ તો ખ્યાલ આવશે કે આપણા ઘણા સર્જકોની સાહિત્યરુચિની માવજત અને સંવર્ધન એમના માધ્યમિક શિક્ષણ દરમિયાન થયાં છે. આજે માધ્યમિક શાળામાં અપાતા ગુજરાતીના શિક્ષણનો વિચાર કરીએ. ઉચ્ચતર માધ્યમિક શાળાનાં પરિણામો જોઈએ તો આઘાત લાગે કે ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં અનુત્તીર્ણ થાય છે. ગુજરાતી ભાષાને માટે સજ્જ શિક્ષકોનો અભાવ ખૂંચે તેવો છે. આને પરિણામે ગુજરાતી સાહિત્ય પર જ નહીં બલ્કે ગુજરાતી ભાષા, દર્શન, સમાજ, સાહિત્ય અને સંસ્કૃતિ – એ બધાં પર વિઘાતક અસર થઈ છે. માતૃભાષા છીનવાઈ જતાં વ્યક્તિ મૂળસોતી ઊખડી જાય છે અને માતૃભાષાનાં મૂળિયાં સંવર્ધન પામ્યાં હોય તો બાળક સરળતાથી અન્ય ભાષા આત્મસાત્ કરી શકે છે. ગુજરાતી ભાષાસાહિત્યના વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન થવું જોઈએ. જુદી જુદી વિદ્યાશાખાના કોશ તૈયાર થવા જોઈએ. એમના પરિભાષા-કોશ હોવા જોઈએ. બાળગીતો અને બાળવાર્તાઓના માધ્યમથી બાળકોમાં માતૃભાષાનું સિંચન કરવું જોઈએ. આને માટે કોઈ એક પ્રવૃત્તિ નહીં પણ એક આંદોલન સર્જવું જોઈએ. એક ડાળીની સંભાળ લેવાથી વૃક્ષની સંભાળ લેવાતી નથી. સાહિત્યની એક પ્રવૃત્તિથી સમગ્ર સાહિત્યનું કામ થાય નહીં. ૧૯૦૯ના ઑક્ટોબરમાં રાજકોટમાં યોજાયેલી ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષદમાં પરિષદપ્રમુખનું ભાષણ આપતાં સ્વ. અંબાલાલ સાકરલાલ દેસાઈએ કહેલું : “અંગ્રેજી શાળાઓમાં અપાતું અંગ્રેજી ભાષા સિવાયનું સર્વ જ્ઞાન ગુજરાતી ભાષામાં આપવું જોઈએ… જગતમાં કોઈ પણ સ્થળે સામાન્ય જ્ઞાન પરભાષામાં આપવાનો આપણા દેશના જેવો વિપરીત શિક્ષણક્રમ નહીં હોય.” અંગ્રેજી સિવાયના બધા વિષયો માતૃભાષા દ્વારા શીખવવામાં આવે તો શ્રી અંબાલાલ દેસાઈ નોંધે છે તેમ, “વિદ્યાર્થીઓને પડતો શ્રમ કમી થઈ શાળાઓમાં ભણતા દરેક યુવાનના આવરદાનાં કમીમાં કમી બેચાર અમૂલ્ય વર્ષ ઊગરે એટલું જ નહીં, પણ આપણાં બાળકોનાં તનની, મનની ને હૃદયની શક્તિઓનો ઉકેલ ઘણો સારો થાય. કેળવણીનો ખર્ચ પણ કમી થાય.” આજે અંગ્રેજી માધ્યમમાં ટોળાબંધ વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે. મુંબઈમાં સ્નાતક કક્ષાએ માત્ર ચાર કૉલેજોમાં ગુજરાતી પૂર્ણ વિષય તરીકે શીખવવામાં આવે છે અને એમાં કુલ સોળેક વિદ્યાર્થીઓ છે. જો અંગ્રેજી માધ્યમનું આ ઘોડાપૂર અટકશે નહીં તો આવતી કાલે ગુજરાતની પણ આવી પરિસ્થિતિ થાય. આજે માત્ર શહેરોમાં જ નહીં પણ ગામડાંમાં પણ અંગ્રેજી માધ્યમ તરફ ધસારો જોવા મળે છે. વિડંબના તો એ છે કે અંગ્રેજી માધ્યમમાં ભણનાર વિદ્યાર્થી બીજી ભાષા તરીકે પોતાની માતૃભાષાને બદલે ફ્રેન્ચ પસંદ કરે છે. આ પરિસ્થિતિ અંગે માત્ર સાહિત્યકારે જ નહીં બલ્કે સમાજના તમામ વર્ગોએ ગંભીરતાપૂર્વક વિચાર કરવાની જરૂર છે. માધ્યમિક શાળાકક્ષાએ માતૃભાષાનો જુવાળ વધે તેમ કરવું પડશે. શુદ્ધ ગુજરાતી બોલાય, લખાય તે વિશે પણ ચિંતા-ચિંતન કરવાં પડશે. કૉલેજ-કક્ષાએ ગુજરાતી સાહિત્ય પ્રત્યે રુચિ વધે તેવું વાતાવરણ પણ સર્જવું પડશે. નર્મદના સમયથી માતૃભાષા દ્વારા શિક્ષણની વાત કહેવાઈ છે. એનાં સારાં પરિણામો દુનિયાભરમાં જોવા મળે છે. આજે અંગ્રેજી એક દેશની નહીં, બલ્કે આંતરરાષ્ટ્રીય વ્યવહારની ભાષા બની હોવાથી એ ભાષાનો પરિચય આવશ્યક છે, પરંતુ દીવાનખાનામાં બેસાડવાને લાયકને રસોડામાં પેસવા દેવાય નહીં. આપણા સંસ્કાર, આપણી પરંપરા, આપણો ઇતિહાસ – એ બધું શીખવા માટે અંગ્રેજી ભાષાને બદલે આપણી માતૃભાષાનો ઉપયોગ થવો જોઈએ. સામયિકો, દૈનિકો અને પૂર્તિઓ ફૂલીફાલી રહ્યાં છે. સંસ્થાઓ દ્વારા પુસ્તક-પ્રકાશન માટે સહાય મળે છે. પ્રકાશકો પણ વધ્યા છે અને ઢગલાબંધ સાહિત્ય ઠલવાતું રહે છે. આમાં સાહિત્યના જેટલી જ સાહિત્યેતર ગણતરીઓ પણ રહી હશે. શું આપણું આજનું ‘સરેરાશ’ સાહિત્ય એ જ આપણું સત્ય છે? ભાવકની નાડ પારખીને જ સર્જકે લખતા રહેવાનું છે? આવા પ્રશ્નો તો અનેક છે. પુસ્તકાલયો દ્વારા ઘણી મોટી ખરીદી કરવામાં આવે છે. અકાદમીઓ અને સંસ્થાઓ દ્વારા પ્રકાશન માટે સહાય કરવામાં આવે છે. આ બધું થવા છતાં વાચનની વ્યાપક અભિરુચિ જાગી નથી. પુસ્તક ખરીદીને વાંચનારાઓની સંખ્યા સતત ઘટતી જાય છે. પુસ્તકમેળામાં થતાં પુસ્તકોનાં વેચાણમાં બાળસાહિત્ય, અધ્યાત્મ અને વાનગીનું સાહિત્ય જ અગ્રસ્થાન ભોગવે છે. તેથી સંખ્યાતીત પ્રકાશનોમાં ઊછળી આવે તેવી સાહિત્યિક કૃતિઓનું પ્રમાણ કેટલું? કોઈ એક દાયકાના સાહિત્યનો અભ્યાસ કરવો હોય તો ‘ઉત્તમ’ની વાત બાજુએ મૂકો. સારી કહી શકાય તેવી કૃતિઓની સંખ્યા કેટલી? આજે સાહિત્યક્ષેત્રે સ્થિર અને નવોદિત ઘણા સર્જકો કાર્ય કરે છે, પરંતુ છવાઈ જાય એવી ઉન્નત પ્રતિભાઓ અતિ વિરલ થવા માંડી છે. ગુજરાતી સાહિત્યક્ષેત્રે નવી પ્રતિભા અને નવીન વિષયવસ્તુનો દુષ્કાળ પ્રવર્તે છે એવી ફરિયાદ કોઈ કરે તો તેમાં તથ્ય નથી એવું ભાગ્યે જ કહી શકીશું. આજે રચાતા થોકબંધ સાહિત્યમાંથી ખરા અર્થમાં ઉપયોગી એવું સાહિત્ય કેટલું છે તે વિચારવું જોઈએ. આલ્ડસ હક્સલી, જેને ‘અશિષ્ટ સાહિત્ય’ કહે છે તેવું સાહિત્ય વધુ ફેલાતું જાય છે. માત્ર નફાની દૃષ્ટિએ પુસ્તકો માટે ‘બજાર’ બનાવવામાં આવે છે. એક સમયે સાહિત્યાકાશ પર કેવા કેવા મહાન સર્જકો છવાયેલા હતા! રવીન્દ્રનાથ ટાગોર, પ્રેમચંદ, ઇકબાલ, ગાલિબના જેવા. ગુજરાતમાંયે નર્મદ, ગોવર્ધનરામ, કનૈયાલાલ મુનશી, ન્હાનાલાલ, ઉમાશંકર જોશી જેવા સર્જકો હતા. આજે સાહિત્યની એવી સ્થિતિ છે એમ કહી શકીશું? વિચારશીલો માટે, સર્જક માટે, સાહિત્યસંસ્થાના ધુરીણો માટે, ગ્લોબલાઇઝેશનનો આજનો સમય એય એક મોટો પડકાર છે. ભાવકસંદર્ભે પણ જે રુચિસંપન્ન ભાવકો છે તેને ટકાવવાના છે, તો નવા પણ ઊભા કરવાના છે. રુચિને પરિષ્કૃત કરતું સાહિત્યસર્જન આજની યુવા પેઢીને શું વાંચવું ગમે છે, કેવા પ્રકારનું સાહિત્ય ગમે છે તેનો વિચાર પણ થવો ઘટે. એ એક મોટા ને ચેતનાથી ભર્યાભર્યા વર્ગની અવગણના થઈ શકે તેમ નથી. તેની રુચિને સંપન્ન કરે તેવા સાહિત્યની મહત્તા તે સમજે તેવી વાચનાદિની શિબિરો, પ્રત્યક્ષ વાર્તાલાપો, ગોષ્ઠીઓ મુક્તપણે થાય તેવી સ્થિતિ પણ ઊભી કરવી પડશે. સમાજને અનુકૂળ આવે અને સાથે સાથે તેની રુચિને પરિષ્કૃત કરે તેવા સર્જનની ઊણપ દૂર કરવા પણ સાહિત્યિક સંસ્થાઓએ વિચારવું પડશે. ચોક્કસ પ્રકારનાં ધોરણથી લખનાર, સંશોધન કરનાર, સાહિત્યમાં વિશિષ્ટ છાપ અંકિત કરી શકે તેવાઓ માટે લખવાને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા ‘રાઇટર્સ હટ’નો ખ્યાલ પણ સાકાર કરવો જોઈએ. મરાઠી રંગમંચમાં પ્રયોગધર્મી રંગમંચ અને મુખ્ય પ્રવાહ વચ્ચે વિવાદ કે વિરોધ નથી. મરાઠી કે બંગાળી સાહિત્યકારો પાસે ભિન્ન સમાજનો જે અનુભવ છે તેવો અનુભવ ગુજરાતી સર્જકોમાં બહુધા જોવા મળતો નથી. આપણે લઘુરૂપોમાં વધુ રાચીએ છીએ. ગીત-ગઝલથી આગળ વધતા નથી. લાંબી નેરેટિવ પોએટ્રી ઘણી ઓછી મળે છે. મોટા ફલક પર કલ્પનાનો આવિષ્કાર જોવા મળતો નથી. મરાઠી નાટક મહારાષ્ટ્રનો જીવંત સાંસ્કૃતિક સ્રોત બન્યું છે. જ્યારે ગુજરાતીનું પહેલું નાટક મરાઠીના અનુવાદથી શરૂ થયું હતું અને એ પછી અંગ્રેજી નાટકોના અનુવાદનું પૂર આવ્યું. ‘હરિશ્ચંદ્ર’ પણ મૌલિક નાટક નથી. આથી અમદાવાદના ભદ્ર વિસ્તારમાં પહેલી નાટકમંડળી નાટક ગુજરાતીમાં કરતી અને ગીત મરાઠીમાં ગવાતાં હતાં! રંગભૂમિ પર ભજવાય એવાં અને તેમાંય નવાં મૌલિક નાટકો સ્થિતિ સુધરી હોવા છતાં પ્રમાણમાં ઓછાં મળે છે. આને કારણે મરાઠી કે બંગાળી રંગભૂમિની છે તેવી વ્યાપક અસર ગુજરાતી રંગભૂમિની નથી. આનું એક કારણ એ છે કે મરાઠી નાટક એના ઉગમથી જ મૌલિકતા અને નૂતનતા ધરાવતું હતું. મરાઠીના આદ્ય નાટકકારોમાં વિષ્ણુદાસ ભાવે, અણ્ણાસાહેબ કિર્લોસ્કર, ગોવિંદ બલ્લાળ દેવલ, રામ ગણેશ ગડકરી વગેરેનો ફાળો વિશિષ્ટ હતો. સામાન્ય રીતે સર્જન પહેલું હોય અને પછી વિવેચન આવે. આધુનિક સમયમાં પાશ્ચાત્યવાદો વિશે ગુજરાતીમાં વિવેચન પહેલાં લખાયું અને પછી એના સિદ્ધાંતોને ચરિતાર્થ કરવા કવિતા, ટૂંકી વાર્તા લખાતી ગઈ. એક અર્થમાં કહીએ તો અવળા ગણેશ બેઠા! વિવેચનમાં પણ સર્જનની જેમ ઉમળકાજનક સ્થિતિ સર્જાવાની બાકી છે. હા, કેટલાક સ્ફુલિંગો જરૂર છે, પણ વ્યાપી રહે તેવું તેજ ક્યાં છે? સાહિત્યિક સંવેદના સતત પરિવર્તિત થઈ રહી છે, ત્યારે પ્રયોગનું મહત્ત્વ પ્રગટ કરવાનું કામ વિવેચકનું છે. અભિવ્યક્તિમાં પણ બદલાવ આવ્યો છે. રાજકારણ અને નફાલક્ષિતાના ભાર હેઠળ દબાયેલું શિક્ષણ, વિલુપ્ત થતી કુટુંબપરંપરાને કારણે ખોરવાયેલું સમાજજીવન, સતત વધતાં જતાં આર્થિક દબાણો તેમજ સ્થાનપરિવર્તનને કારણે ઘણું બધું બદલાઈ રહ્યું છે. પરિવેશ અને પ્રકૃતિનો છેદ ઊડતાં નવા પ્રશ્નો પણ ઊભા થયા છે. વિવેચકે આ નવીન સંદર્ભોમાં, નવી સંભાવનાઓ સાથે કામ પાડવાનું છે. પ્રાચીન અને પરિચિત સાહિત્ય સાથે તુલનાત્મક પૃથક્કરણ કરીને તેનું મહત્ત્વ પ્રતિપાદિત કરવાનું છે. વિવેચક વાચકની માનસિક ક્ષિતિજનો વિસ્તાર કરવાનું, એની સહ-અનુભૂતિ ખીલવવાનું, પરિવર્તનમાંથી સ્થાયી તત્ત્વોને શોધવાનું અને જીવનને સહિષ્ણુ બનીને અખિલાઈથી જોવાનું સામર્થ્ય આપે છે. એક પરિપ્રેક્ષ્ય માટે, મૂલ્યબોધ અને સંસ્કૃતિની ખોજ માટે, આ સમયગાળામાં વધતી જતી બર્બરતા સામે એક સામાજિક ચેતના જગાવવા કાજે, નૈતિક તાણાવાણા માટે અને ભાષા નામના રહસ્યના સન્માન માટે વિવેચકનું હોવું મહત્ત્વનું છે. આજે સંશોધનની અનુકૂળતા વધી છે. સંશોધનનાં સાધનો પણ ઉપલબ્ધ થયાં છે, પણ સંશોધનની કક્ષા ચિંતાપ્રેરક છે. સંશોધન નિમિત્તે લખાતા મહાનિબંધો, લઘુશોધનિબંધો અને સંશોધનપત્રોની કક્ષા ચકાસવી જોઈએ અને તેમાં ખંત, ચીવટ તથા અભ્યાસશીલતાનું ઉમેરણ કઈ રીતે થાય તેનો વિચાર કરવો જોઈએ. દલિત સાહિત્ય અત્યારે લગભગ સ્થિર થઈ ધ્યાન ખેંચે છે, પણ આદિવાસી સાહિત્ય હજી ઉપેક્ષિત છે. લોકસાહિત્ય પ્રત્યે અભ્યાસીઓ વળ્યા છે એ શુભચિહ્ન છે, પરંતુ લુપ્ત થતા લોકસાહિત્યને સાચવવા અંગે કોઈ સઘન પ્રયાસ થતો નથી. લોકસાહિત્ય અને લોકસંસ્કૃતિ પ્રત્યે મૌખિક સહાનુભૂતિ રાખવામાં આવે છે, પણ એમાં મનોરંજન માટેનાં સાંસ્કૃતિક આયોજનો જ બહુધા થાય છે. થોડા કલાકારો વિદેશ જાય છે કે થોડાં આયોજન થાય, એથી આ કલા જીવી જશે એમ કહી શકાય નહિ. હકીકતમાં તો આ કલા એ લોકોના જીવનનો હિસ્સો બનવી જોઈએ. બાળસાહિત્ય માટે ચર્ચા થાય છે, પણ તેનું પરિણામ શું? આજે જગત બદલાયું છે. બાળસૃષ્ટિ બદલાઈ છે, બાળમાનસ બદલાયું છે. આ નવું પર્યાવરણ ધરાવતું બાળસાહિત્ય આપણે ત્યાં કેટલું? બાળમાનસનો સર્વસામાન્ય બુદ્ધિ-લબ્ધિઆંક અગાઉની પેઢીનાં બાળકો કરતાં ઘણો વધ્યો છે એ સંદર્ભે તેને તુષ્ટ કરે, તોષે તેવું બાળસાહિત્ય રચાય તે આજની તાતી જરૂરિયાત છે. ઘણી દિશાઓ એ તરફની ખોલવાની રહે છે. ભાષાનું સતત સંમાર્જન આપણો શબ્દકોશ ઘણો દરિદ્ર છે. આપણી પૂર્વેની પેઢીઓ જે શબ્દો પ્રયોજતી હતી, તેનો વિશાળ ભંડાર આપણે ગુમાવ્યો છે. નવા શબ્દો સર્જવાને બદલે અંગ્રેજી શબ્દોથી કામ ચલાવીએ છીએ, પરિણામે પરિભાષાનો મોટો સવાલ ઊભો થયો છે. ભાષાનો સાર્થક ઉપયોગ કરવાને બદલે એનો અમુક પ્રયોજન માટે ઉપયોગ થાય છે. વળી ભાષામાં સતત સંમાર્જનનું જે કાર્ય થવું જોઈએ, તે થતું નથી. ફિસ્સા કે લપટા શબ્દોને દૂર કરવામાં આવતા નથી. અર્થવિસ્તાર સાધી ચૂકેલા અથવા તો નવી ચેતનાને પ્રકટ કરતા નવા શબ્દોને આમેજ કરવાના રહે છે. ભાષાને લગતો પ્રશ્ન એક બાજુએ મૂકીને હું આપ સહુને અપીલ કરું છું કે ગુજરાતી ભાષાની સમૃદ્ધિ વધે અર્થાત્ ગુજરાતી શબ્દકોશ વધુ ને વધુ સમૃદ્ધ થાય, તેવું આપ સહુ કરી શકો તેમ છો. ‘સાર્થ જોડણીકોશ’માં છે, તેનાથી ઘણા વધારે શબ્દો આપણી પ્રજાના જીવનમાં રોજબરોજના વ્યવહારમાં વપરાતા રહે છે, જેનો આપણને ભાગ્યે જ ખ્યાલ છે. છેક ઉમરગામથી ગાંધીધામ સુધીના ગુજરાતના પ્રદેશમાં કેવી પ્રસન્નતા અર્પે તેવી ભાતીગળ ભાષા બોલાય છે! આ પ્રદેશોની ભાષા અને બોલીઓના સંખ્યાબંધ શબ્દો આપણા કોશમાં ઉમેરવાની જરૂર છે. આપ સહુને સાહિત્ય પરિષદનું ઇજન છે કે દરેક પ્રદેશમાંથી ‘સાર્થ જોડણીકોશ’માં હોય નહીં તેવા ઓછામાં ઓછા પચાસ શબ્દો પરિષદના કાર્યાલયમાં મોકલી આપે. એ શબ્દો પરિષદના મુખપત્રમાં છપાય તેવી વ્યવસ્થા કરી શકાશે. આપણા ગ્રામજીવનને સ્પર્શતી નવલકથા, નવલિકા અને કવિતાઓ રચાય છે. તેમાંથી પણ કોઈ અભ્યાસી કે વિદ્યાર્થી આવા શબ્દો પસંદ કરીને મોકલી શકે છે. ડાયસ્પોરા સાહિત્યનો ચહેરો સામે આવ્યો છે અને સાહિત્યકાર તે વડે કશુંક નૂતન અંકે કરી લેવાનો પ્રયાસ કરે છે. હમણાં હમણાં પરદેશમાં વસતા ગુજરાતીઓનો ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ માટેનો પ્રેમ વધુ ઉત્કટ રૂપે પ્રગટ થતો રહ્યો છે તે આનંદની વાત છે. આપણે ઇચ્છીએ કે પરદેશમાં વસતાં ગુજરાતી કુટુંબો પોતાની રીતે ગુજરાતી ભાષાને સજીવ રાખે અને નવી પેઢીને આ ભાષાને ‘ગુજીંગ્લિશ’ની રીતે નહીં, પણ શુદ્ધ સ્વરૂપમાં ઉપયોગ કરવાની તાલીમ આપે. ગુજરાતી સાહિત્યે હવે ટૅક્‌નૉલૉજીના યુગમાં પ્રવેશવું પડશે. આધુનિક શોધખોળોનો લાભ લઈને દુર્લભ હસ્તપ્રતો કે જૂનાં સામયિકો કાલગ્રસ્ત થાય તે પહેલાં બચાવી લેવાં જોઈએ. ગુજરાતી કાવ્યસંગ્રહ સાથે એની સીડી પણ મળવી જોઈએ. સર્જકોના અવાજ અને એમના કાર્યને દૃશ્ય-શ્રાવ્ય માધ્યમમાં જાળવવા માટે હજી ઘણું કરવાનું બાકી છે. જૂના મૂલ્યવાન ગ્રંથોને સીડીમાં ઉતારીને જાળવી રાખવા જોઈએ. વેબસાઇટ અને ઇન્ટરનેટ દ્વારા અદ્યતન સાહિત્યિક સામગ્રી અને પ્રવૃત્તિથી વાચક વાકેફ રહી શકે. કૉન્ફરન્સ દ્વારા અમેરિકામાં વસતો કવિ લંડન અને અમદાવાદમાં પોતાની કાવ્યરચના સંભળાવીને એની વિવેચના તત્કાળ મેળવી શકે. ટૅક્‌નૉલૉજીના સંદર્ભમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વિદેશસ્થિત હસ્તપ્રતોનું ડિજિટલાઇઝેશન પણ જોવું જોઈએ. લંડનમાં આવેલી બ્રિટિશ લાઇબ્રેરીમાંથી મધ્યકાલીન ગુજરાતીની મૂલ્યવાન હસ્તપ્રતો પ્રાપ્ત થઈ છે. ‘વસંતવિલાસ’ની સૌથી જૂની પ્રત આજે આપણી પાસે નથી. દેશમાં આવેલા જ્ઞાનભંડારોનું સૂચીકરણ થાય છે. એ જ રીતે અત્યારે ઇંગ્લૅન્ડમાં ભંડારોનું કામ ચાલે છે. વિદેશ ગયેલી આપણી સાંસ્કૃતિક વિરાસત મેળવવાનો આ એક પ્રયાસ છે. અન્ય ભારતીય ભાષાઓમાંથી ગુજરાતી સાહિત્યે ઘણું મેળવ્યું છે. પણ ગુજરાતી સાહિત્યમાંથી કેટલી કૃતિઓ અન્ય ભારતીય ભાષાઓમાં અનુવાદિત થઈ હશે? વર્તમાન સમયમાં ભારતીય ભાષાઓમાંથી અને વિદેશી સાહિત્યમાંથી કેટલાય અનુવાદ થાય છે. આ અનુવાદની પ્રવૃત્તિ અંગે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ. અનુવાદનું મહત્ત્વ ઓછું આંકવાની જરૂર નથી, ગુજરાત પર રવીન્દ્રનાથ ટાગોર અને શરદબાબુનો કેટલો મોટો પ્રભાવ છે! એ જ રીતે મીર, ગાલિબ અને બીજા ઉર્દૂ કવિઓએ ગુજરાતને કેટલું બધું આપ્યું છે! ગ્યુઇથે, ટૉસ્ટૉય, ચેખૉવ, દોસ્તોયેવસ્કી, મૉલિયર, સાર્ત્ર, કામૂ, બ્રેખ્ત અને બૅકેટનો ભારતીય સાહિત્ય પર કેટલો બધો પ્રભાવ છે? કોઈ એક ભાષા પર નહીં, ભારતની ઘણી ભાષાઓ પર તેઓનો પ્રભાવ જોવા મળે છે. કૉલરિજ, અર્નોલ્ડ, એલિયટ અને આઈ. એ. રિચાર્ડ્‌ઝ જેવા વિવેચકોએ ઘણું આપ્યું છે. આથી અનુવાદનું ઘણું મહત્ત્વ રહેવાનું જ છે. અન્ય ભારતીય ભાષાના સાહિત્યમાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ થતા રહ્યા છે. તેનાથી એકંદરે લાભ જ થયો છે. ગુજરાતી સાહિત્ય વિશ્વસાહિત્યના સંપર્કમાં કદાચ બીજી ભાષાઓ કરતાં કદાચ વધારે નિકટ રીતે આવી શક્યું, તેનું એક કારણ કદાચ આ અનુવાદપ્રવૃત્તિ ગણાય. વળી આપણે અનુવાદ કર્યા, પણ અનુકરણ કર્યું નથી. વળી કોઈ રાજકીય વિચારશ્રેણીનો પ્રચાર કરનાર વાદની પણ ગુજરાતના સાહિત્યકારે ભાગ્યે જ કંઠી બાંધી છે. ક્યારેક સર્જક દુનિયા બદલવાનો અભિનિવેશ લઈને નીકળે છે. એનું કામ બદલવાનું નહીં પણ સમજાવવાનું છે, આથી અમુક પક્ષ પર ઝોક મૂકીને ચાલતો સર્જક પ્રચારક બની જાય છે. સાહિત્યની મુખ્ય નિસબત શું હોવું જોઈએ તેના કરતાં શું છે તેની સાથે છે. આથી સાહિત્ય એ ક્રાંતિસર્જક હોતું નથી, પરંતુ ક્રાંતિપ્રેરક હોય છે. એ માનવચિત્તને પરિવર્તિત કરે છે, જે ચિત્ત સમય જતાં ક્રાંતિનું સર્જન કરે છે. ગુજરાતી સાહિત્યમાં ગાંધીવિચાર વિશે કવિતા કે નવલકથા સર્જનાર આપણો લેખક પણ ‘ગાંધીવાદી’ની છાપ ધારણ કર્યા વિના સર્જન કરે છે. રમણલાલ વસંતલાલ દેસાઈ કે ઉમાશંકર જોશી આનાં બે મોટાં ઉદાહરણો ગણાય. વળી જેમણે જીવનમાં ગાંધીવિચાર અપનાવ્યો એમણે પણ સાહિત્યમાં ગાંધીવાદનો પ્રચાર કરવાનું રાખ્યું નથી. કાકા કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા અને સ્વામી આનંદ તેનાં સારાં ઉદાહરણો છે. સમાજની સાહિત્યાભિમુખતા આજનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે આજનું સાહિત્ય, સાહિત્યકારો અને સાહિત્યિક સંસ્થાઓ વર્તમાન સમાજને સાહિત્યાભિમુખ કઈ રીતે કરી શકે? વિશ્વમાં શિક્ષણનું પ્રમાણ વૃદ્ધિ પામે છે. આજના યુગમાં સર્વાધિક માનવસંખ્યા શિક્ષિત હોવા છતાં આવનારી પેઢીની સાહિત્ય-અભિમુખતા સામે પ્રશ્નાર્થ ખડો થયો છે. ઈશ્વરને માટે એમ કહેવાય છે કે – स एकाकी न रमते – તે એકલો રમતો નથી, એમ ભાવક વગરના સર્જકનો આનંદ પણ ફિક્કો હોય છે. સર્જક સર્જન વેળાએ ભાવકને દૃષ્ટિ સમક્ષ રાખે નહીં, તે સમજી શકાય, પણ આપણા ભારતીય કાવ્યશાસ્ત્રીઓ અને ‘કલા ખાતર કલા’ના સિદ્ધાંતની વાત કરતા પાશ્ચાત્ય સાહિત્ય–મીમાંસકો પણ સ્વીકારે છે કે આસ્વાદ વગર સર્જનનો શ્રમ મિથ્યા છે એટલે સાહિત્યકારે પ્રજાના રુચિતંત્રને ઘડે તેવું સાહિત્ય રચવું પડે. આજે પરિસ્થિતિ એવી છે કે ગુજરાતમાં હોટલમાં ૫૦૦ રૂપિયા ખર્ચનાર પચાસ રૂપિયાનું પુસ્તક ખરીદશે નહીં. શિક્ષણના ક્ષેત્રમાં આ જ રીતે પાઠ્યપુસ્તક કરતાં ત્રણ ગણી કિંમતની ગાઇડો ખરીદવાનું વિદ્યાર્થીઓનું વલણ જોવા મળે છે. આ પ્રકારની નિમ્ન રુચિ પ્રત્યે તિરસ્કાર કેળવવો જોઈએ. તેને માટે નાની પણ સુઘડ વાર્તારસ ધરાવતી રચનાઓ પ્રજામાં પ્રસરતી કરવી જોઈએ. ૧૯૩૦ના દાયકામાં ગૂજરાત વિદ્યાપીઠે, દક્ષિણામૂર્તિ સંસ્થાએ તથા બીજી કેટલીક સંસ્થાઓએ આવું કાર્ય કર્યું. કમાણી કરવાને બદલે એની પાછળ શુદ્ધ સાત્ત્વિક સાહિત્ય પીરસવાની ભાવના રાખી. છેલ્લા બે દાયકાથી શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી આ કામ કરી રહ્યા છે. તેમની શાંત–મૂક સાહિત્યસેવાને જેટલી બિરદાવીએ એટલી ઓછી છે. ઇચ્છા તો એવી છે કે ગુજરાતના ૨૫ જિલ્લાઓમાં એક-એક મહેન્દ્ર મેઘાણી સાત્ત્વિક સુરુચિપૂર્ણ અને રસદાયક સાહિત્યના ફેલાવા માટે પુરુષાર્થ કરે અને એ માટે આપણી સંસ્થાઓ જરૂરી પ્રબંધ કરે. ગુજરાતી સાહિત્યમાં ગીત અને ગઝલનો પ્રભાવ આજે વિશેષ રૂપે જોવાય છે. આ ગીત અને ગઝલનો ઉપયોગ આપણી વાતને લોકો સુધી પહોંચાડવા માટે કરવો જોઈએ. બધા કવિઓ ગાયક હોતા નથી અને બધા ગાયક કવિ હોતા નથી, પરંતુ સુગમ સંગીતના કલાકારોનો લાભ લઈને કવિઓની કવિતાને વ્યાપક જનસમૂહ સુધી પહોંચાડવી જોઈએ અને એ જ રીતે વાર્તાઓનું પઠન નાનાં નાનાં કેન્દ્રોમાં થતું રહે તો નવી વાર્તાની ખૂબીઓ લોકોના ધ્યાનમાં આવતી રહેશે. મારો અનુભવ એવો છે કે જે કૃતિ લોકોને પસંદ પડે છે તે ખરીદવામાં પછી સાહિત્યરસિક વર્ગને સંકોચ થતો નથી. સમાજની રુચિ કેળવવી જોઈએ એ માટે ઊંચા બળનું સાહિત્ય લખાય અને સમજાય તે જરૂરી છે. એવો ભાવક વર્ગ તૈયાર થાય કે જેને ઉચ્ચ કોટિના સાહિત્યની અભિરુચિ જાગે. ગુજરાતી સાહિત્ય પરિષદનું કાર્ય સર્જકોને પ્રોત્સાહન આપવાનું છે. મૂળ સર્જનનું બળ હોવું જોઈએ. એનું પોષણ કરવાનું અને સહાય કરવાનું કામ પરિષદ અને એના જેવી અન્ય સંસ્થાઓનું છે. આથી સૌથી મહત્ત્વની બાબત તો સર્જકશક્તિ છે. આવો સર્જકઉન્મેષ મેળવવા માટે છેક છેવાડાની વ્યક્તિ સુધી ભાષા અને સાહિત્યને પહોંચાડવાં પડશે. સર્જકે એની સમર્પણશીલતાથી આ કાર્ય કરવાનું છે. આજે રાષ્ટ્ર અને સમાજમાં સંવેદનશીલતા સતત ઘસાતી જાય છે. પ્રજાનો મોટા ભાગનો વર્ગ રીઢા રાજકારણીની ખુશામતમાં અને વ્યક્તિગત સ્વાર્થ સાધવામાં ડૂબેલો છે. સાહિત્યકાર પણ એમાંથી કઈ રીતે બાકાત રહી શકે? એક જમાનામાં સાહિત્ય માટે ફનાગીરી નહીં, તો ઓછામાં ઓછું સ્વાર્થનો ત્યાગ કરવાની વૃત્તિ અને તેને માટે સહન કરવાની વૃત્તિ હતી તેય હવે ઓછી થઈ છે. વ્યક્તિને બે રીતે સજ્જતા પ્રાપ્ત થાય. એક શિક્ષક દ્વારા અને બીજું પોતાના પુરુષાર્થથી. માત્ર પદવી મેળવવાથી સજ્જતા કેળવાતી નથી, પરંતુ જે માર્ગ અપનાવ્યો હોય તે માર્ગે દૂર દૂર જવાની દૃષ્ટિ, લક્ષ્ય અને નેમ હોવાં જોઈએ. ધ્યેય વગર સજ્જતા કેળવાતી નથી અને એ લક્ષને પહોંચવા માટે ટૂંકા માર્ગ ત્યજીને લાંબા પણ સમગ્ર દર્શન કરાવનાર માર્ગને અપનાવવા જોઈએ. આપણા સાહિત્યમાં આ રીતે સ્વ-પુરુષાર્થથી પ્રગતિ સાધનારા અનેક સાહિત્યકારોનાં દૃષ્ટાંતો મળે છે. સંશધનના ક્ષેત્રમાં આવેલી ઓટ, મધ્યકાલીન સાહિત્યના અભ્યાસની ઉપેક્ષા, સાહિત્યના સિદ્ધાંતો અને રોજબરોજ ઊભા થતા સાહિત્યિક મૂલ્યવત્તાવાળા પ્રશ્નોના અભ્યાસથી દૂર રહેવાનું અકળ વલણ વધતું જાય છે. આપણી શિક્ષણસંસ્થાઓ, સાહિત્યિક સંસ્થાઓ અને પીઢ સાહિત્યકારોએ ગંભીર વિચાર કરીને આને માટે જુદાં જુદાં આયોજનો કરવાં જોઈએ. પ્રજાનું હીર અને સત્ત્વ અહીં ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક રણજિતરામ વાવાભાઈનાં કાર્યોનું સ્મરણ થાય છે. ૧૮૫૮ની ૨૩મી નવેમ્બરે સાંજે નિશાળેથી આવીને ઇષ્ટદેવતા સામે માથું નમાવીને નર્મદે ગદ્‌ગદ કંઠે કલમને આધારે જીવવાનું નક્કી કર્યું અને ૨૪-૨૪ વર્ષ સુધી આ અસિધારાવ્રત એણે પાળ્યું. અપાર માનસિક વિટંબણાઓ, દેવાનો બોજ અને ઘરના બીમાર માણસો માટે દવા કરાવવાના પૈસા ન હોય તોપણ ચાર આનાના દૂધપૌંઆ પર હસતા હસતા જીવન ગાળનાર નર્મદની તિતિક્ષાનું સ્મરણ થાય છે. મુંબઈમાં ધીકતી વકીલાત ચાલતી હોય તથા કચ્છ અને જૂનાગઢ જેવાં રાજ્યોની દીવાનગીરી મળતી હોય, તેમ છતાં ૪૩મા વર્ષે વકીલાતના વ્યવસાયમાંથી નિવૃત્ત થઈને આર્થિક સંકડામણ વચ્ચે પણ ગોવર્ધનરામ નિવૃત્તિ લઈને નડિયાદમાં આવીને ‘સરસ્વતીચંદ્ર’ મહાનવલનું સર્જન કરે છે. માંદગીની પરંપરા ખર્ચના ખાડામાં ઉતારતી હોવા છતાં દુઃખને પરમશક્તિની ઇચ્છાની પ્રસાદી ગણે છે અને કર્તવ્યને તેનો છેવટનો આદેશ ગણીને અંત સુધી વળગી રહે છે. ગુજરાતી સાહિત્ય, સંસ્કાર અને સંસ્કૃતિ માટેની એ સમર્પણવૃત્તિ આજે આપણને પ્રેરણા આપે છે. અમેરિકાના પ્રમુખ જ્હૉન એફ. કૅનેડીએ અમેરિકાની પ્રજાને કહ્યું હતું કે દેશે તમને શું આપ્યું એનો વિચાર કરવાને બદલે તમે દેશને શું આપશો તેનો વિચાર કરો. સાહિત્ય પરત્વે આજે આવો અભિગમ કેળવવાની આવશ્યકતા છે. પોતાના સંકુચિત સ્વાર્થ માટે જ નહીં, હવે એણે વિશ્વ વિશે વિચારવું પડશે. અત્યાર સુધી એની સમગ્ર દૃષ્ટિ વિશ્વ પર ફરી વળતી નહોતી, પણ આજે એ પોતાના એકદંડિયા મહેલમાં રહીને સાહિત્યસર્જન કરી શકે તેમ નથી. એફ.આર. લેવિસે કવિતા સાથે ‘કેન્દ્રીય માનવત્વ’નો સંબંધ દર્શાવ્યો છે. આજે એ કેન્દ્રીય માનવતાની ખોજ જરૂરી છે. જીવંત મૂલ્યોની શોધ, સૌંદર્યાત્મક આનંદની શોધ, સામાજિક અને નૈતિક દૃષ્ટિ – આ સઘળું માનવતા આપે છે. પ્રકૃતિ પર વિજય, ટૅક્‌નૉલૉજીની દોડ અને આંધળી ભૌતિકતાને કારણે યંત્રમાનવ બનાવનારો માણસ સ્વયં માનવને બદલે યંત્ર બની રહેશે. સાહિત્ય એક ઝાટકે વ્યક્તિને એના આસપાસના જીવન પ્રત્યે સતેજ કરે છે. માનવજાતિએ જેના પ્રત્યે આંખો મીંચી હતી તે તરફ જાગ્રત કરે છે. જીવન બદલાય, તેની સાથે સાહિત્ય બદલાય, નવા અર્થોને પ્રગટ કરવા માટે એ નવા પ્રકારોનો વિકાસ કરે, પરંતુ આ નવું રૂપ, નવો પરિવેશ સાહિત્યને વિશેષ અંતર્દૃષ્ટિ સાથે કેન્દ્રીય માનવત્વ તરફ દોરી જાય છે. વિવેચકો ભલે નવલકથા કે કવિતા નાભિશ્વાસ લઈ રહ્યાની વાત કરે, કોઈ એક સાહિત્યપ્રકાર કે સાહિત્યિક આંદોલનના અવસાનની ઘોષણા કરે, પણ કોઈ ને કોઈ સ્વરૂપે સાહિત્યસર્જન તો જીવતું રહેવાનું જ. જ્યાં સુધી માનવીનું હૃદય ધબકે છે, એનું બુદ્ધિતંત્ર કાર્યશીલ છે એની એષણાઓ કરમાયેલી નથી અને તેના આત્માને આનંદ રૂપે કોળવાની તક છે, ત્યાં સુધી માણસને મળેલી શબ્દની ભેટ સાહિત્યના આવિષ્કાર રૂપે પ્રવર્તતી રહેશે, તે નિઃશંક છે. ગુજરાતી પ્રજાનું હીર અને સત્ત્વ ભૂતકાળમાં સાહિત્યકલા રૂપે આવિષ્કૃત થતું રહ્યું છે તેવું વર્તમાન અને ભાવિ પેઢીમાં પણ થતું રહેવાનું છે, એમાં શંકા નથી. આ પ્રકારના સાહિત્યના ઉન્નયન માટેની જવાબદારી સર્જકો, ભાવકો અને સાહિત્યને પોષતી સાહિત્યપરિષદ જેવી તમામ સંસ્થાઓની બને છે. કચ્છપ્રદેશના સંતકવિ દાદા મેંકણે લુહારની કોઢના ઘરગથ્થુ દૃષ્ટાંતથી આપેલા ઉદાહરણનું સ્મરણ થાય છે : ખુશીએં જો ખુરો કરે, ધમણ ધોંણ મ લાય; કૂડજી ગારે કકરી, સચો સોન પાય. ખુશીઓની ભઠ્ઠી સળગાવી, ધમણની ફૂંકને તું બંધ ન કરતો; જૂઠાણાંની કાંકરીને ઓગાળીને સત્યનું સોનું તું પ્રાપ્ત કરી શકીશ.