પુનરપિ/કાશ્મીરા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કાશ્મીરા

રૂપ તણા ભાલે અંકાયું
તેની ઉપર જામે યુદ્ધ;
લગ્નેલગ્ને રહેતું શુદ્ધ.
જીતનારના ભાગ્ય લખાઈ
રૂપરાણીની પાસે હાર;
કાશ્મીરાના પગમાં પડતી
વિજય વરેલી સૌ તલવાર.
સ્નિગ્ધ બરફને લાલ ખરડવા
રક્ત નથી પૂરું જગમાં;
એક કિરણની અંગુલિ અડતાં
શરમ લાલિમા હિમ-ગઢમાં.

ચિનારનાં ખેરેલાં પર્ણો
શાલીમારમાં ઢગલા થાય,
પ્રણય ઉપર તેની પાથરતા
કડકડ મૌન તણું સંભળાય;
બંધ પોપચાંના પડદા પર
ત્યારે વિરાટ દર્શન થાય.
પ્રેમીનાં ચક્ષુથી મોટી
સ્વતંત્ર તારી સુંદરતા;
આ લયલાને મજનૂ કેરી
આંખ તણી છેના પરવા.
કાશ્મીરા! હું પ્રેમી તારો.
રૂપરૂપ તણો અંબાર:
પોપલાર સમી ટટ્ટાર
ઊભી તું પાતળી પરમાર:
પ્રેમ-પારણું શબનમ-ભીનું,
સ્તન વચ્ચેની ખીણ ઠંડી:
પાંપુરને કેસર મહેકેલી
વેણી કેશ તણી વંડી:
દ્રૌપદી શી અભખરી વાઘણ
જંગલ-મંગલ ડાચીગામ,
હવન-આહુતિ બનતાંબનતાં
લોથ પડ્યો પોતે છે કામ:
અનેકનિષ્ઠ તું સૌંદર્ય!
સઘળાનું પીતું શૌર્ય!

લટકાં લેતી જેમ શિકારા
તેમ ચાલતી ચપલા નાર,
જેમ પલકતી હસતી આંખે
તેમાં રકઝક ભારોભાર:
વુલાર સરની ભૂરકી આંખે,
શાલીમારના પીળા હસ્ત,
અણમાંજેલી, અણધોયેલી
તારી કસ્તૂરીથી મસ્ત:
ખળખળતા ઝરણામાં પામું
તારું દડતું સરતું હાસ્ય:
વનમાં સંતાકૂકડી રમતા
સમીર મહીં છે તારું લાસ્ય.
10-5-’59