પુનરપિ/લડવૈયો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લડવૈયો

રણે ચડ્યો આ લડવૈયો!
કેસરિયો ના પુરભૈયો!

કૂર્મ-ટોપ સજેલી ઢાલ.
સ્વતંત્રતાનો આ રખવાળ.
ભાલો, બંદૂક ને તરવાર,
નમતાં તેને નર ને નાર.
દેશ તણી રક્ષા કાજે:
જય અંબે! જય મા! ગાજે. — રણે.

વણિક ગામનો પગે પડે:
લડવું ના મુને પરવડે.
રજપૂતાણી તેં છોડી,
લેતો જા મારી ઘોડી.
દેશભક્ત તું, હું નાદાન.
સફળ થજો તારું બલિદાન — રણે.

લટપટિયું લઈ આવ્યો નાઈ:
મફત કરું હજામત, ભાઈ!
મારાથી બીજું શું થાય?
વીરલો તું, હું તારી ગાય. — રણે.

હોટલવાળો આવ્યો ધસી:
મા કાજે તેં કમર કસી.
ઊનાંઊનાં ભજિયાં ખાઓ,
મારે હાટે જમતા જાઓ.
આટલું કરવા દ્યો અમને.
લાજ સુપરત છે તમને! — રણે.

રાત પડી ને હાક પડી,
આવ્યો લડવૈયો લથડી.
માથેથી લોહી ટપકે.
શત્રુ ચોપાસે લપકે:
માથું મૂકું કોને ત્યાં?
જાગે જોખમ સૂતો જ્યાં. — રણે.

ધીરે આગળિયો ખોલી
અબળા ગભરુ શું બોલી?
રાત કૂબે મારે તું ગાળ,
દેશ તણો તું છે રખવાળ.
ઘર મારું પાવન થાશે,
તું જાશે તો લજ્જાશે.
માથું જાતું છો મારું
રક્ષણ જો થાતું તારું.
દેશ ઊગરતાં સૌ સારું. — રણે.

9-8-’57