પુનરપિ/હિમાલયની ચેતવણીનું ગીત

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


હિમાલયની ચેતવણીનું ગીત

મારી દીકરિયું દોડતી જાય,
કોઈ અડપલાં કરશો મા.
એ સઘળીનો એક વર થાય
[મીઠો મહેરામણ એક વર થાય;
કાનુડાને ગોપિયું મળવા ધાય]
નિંદાનાં વેણ કોઈ ઝરશો મા.
જેમજેમ વ્હાલમની પાસ એ પહોંચતી
તેમતેમ હૈયાં હરખાય,
છાતી ઊભરાય
મર્મ પ્હોળાં થાય
ભારેવગીને કોઈ હરશો મા.
હું હિમાલય ધ્યાનમાં,
જુગ-મણકાની માળ,
બંધ પાંપણે, ભમરનો
બરફ ચલાવે શાળ.

વચ્ચેવચ્ચે ટમકતું
મારે ઊંચે ભાલ
નેત્ર દેખતું, પેખતું
નદિયુંને ના’વે આળ.
મારે ટેકરેથી ધરતી ઉઘાડી પડી જાય,
કોઈ અડપલાં કરશો મા.
અનહદ ઓમના પડઘા સંભળાય,
નિંદાનાં વેણ કોઈ ઝરશો મા.
રૂપેરી સોના તણા
ઢગલા દીધાં દાન
કરિયાવર કન્યા તણે,
ને માનસનાં પાન.

તોય સૂરજની વાતથી
[કાચા મારા કાન]
પીગળે મારું કાળજું,
પૂર ધસે બેફામ.
એકમેકથી કાંઠડા વેગળા થાય,
[સામે પૂરે કોઈ તરશો મા.]
વ્હેતો સાસરવારો તોય ના સમાય;
લીલા દુકાળે કોઈ મરશો ના.
આર્યકુળનું ચિત્ત હું,
[ભારત-માનસપુત્ર]
માનસ-મન પાતાળ.
પરદેશીને રોકવા
મેં પાણીની બાંધી પાળ.

હવે મને ધોળાં થયાં,
જુગજુગનો રખવાળ.
શ્વેતાંબરને ખરડશે.
તેનો આવ્યો કાળ.
મારા ધોળામાં ધૂળ પડી એવું ન થાય,
આર્ષ-ભોમમાં પગલાં ભરશો મા.
મારી દીકરિયું ઠાવકી થાવ,
કોઈ અડપલાંથી ડરશો મા.

26-1-’60