પૂર્વાલાપ/૧૦. રાજહંસને સંબોધન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૦. રાજહંસને સંબોધન


બહુ દિવસથી સ્વેચ્છાએ તેં પ્રવાસ શરૂ કર્યો,
સર સરિત કૈં જોતાં જોતાં એક જગે ફર્યો;
હજી પણ, સખે! પાસે આવ્યું ન માનસ તો દીસે,
વિરતિ કરી લે માટે આજે હવે સ્થલ આ વિશે!

વિકટ વનથી થાકી દૃષ્ટિ જરા અહીંયાં ઠરે,
અનિલલહરી આવી પાસે તનુશ્રમને હરે;
મૃદુ રવ વળી ધીમે ધીમે વહી ઝરણાં કરે,
સકલ રચના મેળે મેળે પ્રસન્ન તને કરે!

અનુભવ નથી રસ્તાનો કૈં હવે પછીના તણો,
શ્રમ પણ, સખે! આગે જાતાં કદાચ પડે ઘણો;
ત્વરિત ન થતાં માટે આંહીં જરા ઠરવું ઘટે,
મધુર જલમાં ચિંતા છોડી જરા તરવું ઘટે!

કમલવન છે ક્રીડા માટે સમીપ મનોહર,
કુસુમિત લતાઓમાં પેસી પરાગ બધે ભર;
ક્ષણ સુખ તણી આવી પાછી કદાચ મળે નહીં,
અવર વીસરી એકત્વે થા તું સાંપ્રતની મહીં!