પ્રતિપદા/૧૩. બાબુ સુથાર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૩. બાબુ સુથાર

કાવ્યસંગ્રહોઃ

કાવ્યસંગ્રહોઃ ઘરઝુરાપો, નદીચાલીસા, વિષાદમહોત્સવ, સાપફેરા, ગુરુજાપ અને માલ્લું. (પ્રકાશ્યઃ અથાતો ઇલિકાજીજ્ઞાસા) આલાં બાસ્કની કવિતાના અનુવાદઃ ઇશ્વરનો સંતાપ.

પરિચય:

હાલ યુએસએમાં વસતા કવિ. વડોદરાની યુનિવર્સિટીમાં ગુજરાતી સાહિત્ય અને ભાષાવિજ્ઞાન વિષયની બબ્બે અનુસ્નાતક પદવી મેળવી અમેરિકા જઈને યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વાનિયામાંથી ત્રીજી અનુસ્નાતકની પદવી ‘સિનેમા, કળા અને સમૂહ માધ્યમ’ વિષયમાં મેળવી છે. એ જ યુનિવર્સિટીમાં ભાષાવિજ્ઞાનમાં પીએચ.ડી. કર્યું છે. અઠંગ વિદ્યાર્થી. એ યુનિવર્સિટીમાં અધ્યાપન પણ કર્યું છે. કવિતામાં નોસ્ટાલ્જીયા અને ડાયસ્પોરાના અજાયબ મિશ્રણથી તિલસ્મી વાસ્તવોનાં વિષાદીરૂપો રચે છે. કથા, લોકકથા, દંતકથા, પુરાકથાના સંદર્ભોથી કવિતાનું સંકુલ પ્રતીકઘટ્ટ પોત બાંધે છે ને ભૂતળને તળપદ ચેતનામાં વ્યક્ત કરે છે. વિશ્વસાહિત્યના ઘનિષ્ઠ સંપર્કથી સંમાર્જિત રસ રૂચિ ધરાવતા સર્જક. એના પ્રસાદ રૂપે ગુજરાતી સાહિત્યને વિદેશી કથાકવિતાઓના અનુવાદ ધરતા રહે છે. એમનું પ્રયોગશીલ નવલકથા સાહિત્ય પણ બહુચર્ચિત છે. સિદ્ધાંતવિમર્શ પણ એમના રસનો વિષય છે. બે પેઢીઓ, બે ભૂમિઓ અને અનેક ભાષાઓને સાંધવા મથતા ‘સન્ધિ’ સામયિકના સંપાદક લેખે એ આખાબોલા ‘કડવાભગત’ છે..

કાવ્યો:

૧. ઘરઝુરાપો – કાવ્યગુચ્છમાંથી

ઘરઝુરાપો : ઊથલો પહેલો /૩

પહેલા વરસાદની સોડમ
અને હું
બેઠાં છીએ
એકબીજામાં
આરપાર.

વરસાદના પહેલા છાંટાથી જ
ધૂળ ચાળણી જેવી થઈ ગઈ છે.
પથ્થરોને અળાઈયો ફૂટી નીકળી છે.

હમણાં જ મેઘો ખાંગો થશે,
નળિયે નળિયે નદીઓ છલકાશે,
નેવે નેવે રેંલ્લા દોડશે,
ફળિયે ફળિયે સાત સાત તરીલે બળદ
પાણી તાણશે.
ઘેર ઘેર મોભ ડીલ ભરીને નાશે.
ભીંત પર,
વૃક્ષોનાં થડ પર,
પાળિયે પાળિયે
પાણીના રેલા
ઈશ્વરના પૂર્વજોના
હસ્તાક્ષર બનીને
ઊઘડશે

પછી મેઘો થોભશે,
આકાશ ઊઘડશે,
બાની હથેલી જેવું,

વૃક્ષોનાં થડ,
એમની ડાળીઓ,
એમની પાંખડીઓ,
એમનાં પાંદડાં પર
સૂરજ ગોળમટાં ખાશે,
ઘેરે ઘેર ટોડલે ટોડલે મોર ટહૂકશે,
ફળિયે ફળિયે ઢેલ
નવોઢા બનીને માથે બેડું મૂકી
પાણીએ સંચરશે
વૈતરણી નખ જેવડાં તળાવ બનીને
ઢોળાઈ જશે થોરના લાબોળિયે લાબોળિયે.

જીવ અને શિવને
એક સાથે
આઠમ અને અગિયારસ બેસશે,
મંકોડાઓની પીઠ પર
ચાંદો ઊગશે
અને અળસિયાં
માથે મુગટ
ડીલે જરકશી જામા પહેરીને
બહાર નીકળશે.

આજે ન થવાનું થશે.

આજે પહેલા વરસાદની સોડમ
અને હું
બેઠાં છીએ
એકબીજામાં
આરપાર.

ઘરઝુરાપો : ઊથલો બીજો /૪

પુનિયા ટપાલીને
અંગ્રેજી સરનામાં વાંચી આપતો હતો એમ
વાંચવા ગયો એક ખરી પડેલા પાંદડાંને
અને એ સાથે જ
હું તો બની ગયો
પરોણો સપ્તર્ષિનો.
અત્રી અને અનસૂયાએ મને આવકાર્યો,
ભારદ્વાજથી ઊભા થવાતું ન હતું
તો પણ એ ઉંબરા સુધી આવીને
મને ભેટી પડ્યા,
ગૌતમે કહ્યું, ‘મેં તારું ‘અથાતો ઇલિકાજિજ્ઞાસા૧’ વાંચ્યું છે,
જેમ આઈ કૂવાને જળ પૂરું પાડે
એમ કવિતા શબ્દને
શબ્દ મનુષ્યને
અને મનુષ્ય ઈશ્વરને
આવરદા પૂરો પાડતો હોય છે.’
હું શું બોલું?
જમદાગ્નિ તો તાજું જળ લેવા નદીએ ગયેલા હતા
એટલે ન મળ્યા.
કશ્યપને ત્યાં મહેમાન હતા
એટલે મેં એમને હેરાન ન કર્યાં.
વસિષ્ઠ તો મને જોતાં જ ગળે વળગી પડ્યા અને બોલ્યાઃ
તું જ મારા સાતમા મંડલનો ખરો વારસદાર.
મેં મારા કૂળઋષિની ચરણરજ સાથે ચડાવી કહ્યુંઃ
ભગવન્, મારી ભાષાને સતમાર્ગી બનાવવા
આપની ચરણરજને હું પૃથ્વી પર લઈ જાઉં?
ભગવન્ કંઈ ન બોલ્યા.
વિશ્વામિત્રને તો હું
એક-બે વાર પાવાગઢ પર મળેલો
પણ મને, વસિષ્ઠના વારસદારને,
એ આવકારશે ખરા?
અવગણના ભયે
હું એમના ઉંબરે સાત સોપારી ચડાવી
પાછો આવ્યો.
આ બધું કોના પરતાપે થયું
એક પાંદડાંના
કે
પુનિયા ટપાલીના?
મને હજી કંઈજ સમજાતું નથી

ઘરઝુરાપો : ઊથલો બીજો /૮

કોઈ ઘોડા પર તો કોઈ હાથી પર
તો વળી કોઈ નોળિયા પર
તો કોઈ ફણિધર પર
જે કંઈ જનાવર હાથ લાગ્યું
એના પર અસવાર થઈને
આવી રહ્યા છે ધૂળના પહાડો
આથમણેથી.
બાપા પતરાં જડી રહ્યા છે
સીસાના વાઈસર અને લોઢાના ખીલાથી.
બા વાડામાંથી કપડાં ઘરમાં લાવી રહી છે.
ભેંસો પણ ઊડી જાય એવું ઝુકોટ આવી રહ્યું છેઃ
એક કહી મહાસુખકાકા
એમની ભેંસોને કોઢમાં
લઈ જઈ રહ્યા છે.
પાંદડાં હલે એમ ડાળીઓ
ડાળીઓ હલે એમ વૃક્ષો
અને વૃક્ષો હલે એમ માણસો
હલી રહ્યાં છે.
આજે મશાંણની તળાવડીનાં પાણી
મગાકાકાની દાંતી જેટલાં ઊંચે ન ચડે તો મને કહેજોઃ
એમ કહીને ભગલો
કપાળે નેજવું કરી
આથમણી દિશામાં જોઈ રહ્યો છે.
પોતપોતાની મુઠ્ઠીમાં સમાય એટલું ફળિયું લઈને
ટાબરિયાં પાછાં ઘેર આવી ગયાં છે,
જોડેવાળા હિરાભાઈ
પડાળ પરથી ડોડા ઉતારી રહ્યા છે.
ટેકરે રહેતો કંસારો
પછેડીમાં એનું ઝૂંપડું બાંધીને
મુખીને ઘેર મૂકી આવ્યો છેઃ
જાળવજો બાપા, ક્યાંક ઊડી ન જાય મારું છાપરું.
ચિતરેલી ફાનસો પણ આજે તો બુઝાઈ જશે
એવું લાગે છે.
અલ્યો સાંચીવાળો ચ્યાં મરી જ્યો?
જાને ભૈ, કૂકડો વધેરી આથમે ગાંમછેડે,
ગંભીરદાદા હૂકામાં
અરબી સમુદ્રને
વલોવતા બોલે છે.
જોત જોતામાં
અદૃશ્ય હાથોથી વીંઝાતી તલવારો
ગામમાં પ્રવેશે છે.
લૂગડું ફાટે એમ ઝાડવાં ફાટવા લાગે છે,
ફરફરિયું ફરે એમ ઘર ફરવા માંડે છે,
કાચબા પગ સંકોચે એમ
દાંતી અને ડુંગરા
તળિયાં અને ટોચ સંકોચીને
બેસી ગયાં છે.
બાપાએ પતરાંને મારેલા બખિયા
ઊખડું ઊખડું થઈ રહ્યા છે,
ઢોર બાંધવાના ખીલા
ભોંયમાંને ભોંયમાં
રવેડીની જેમ
ફરી રહ્યા છે.
મંદિરની ધજાઓ
દેવોનાં સામ્રાજ્યોને
ખભે બેસાડીને
ઝમઝરના૨ ચોથા માળે
ચાલી જાય છે.
કૂવામાંનાં જળ
ખિસકોલીની જેમ
આગલા બે પગ ઊભા કરીને
આથમણી દિશાની સામે
ટટ્ટાર ઊભા રહેવાનો પ્રયાસ કરી રહ્યાં છે,
મશાંણની તળાવડી દોટ મૂકતીકને
મગાકાકાની દાંતીએ ચડી જાય છે
અને ચણાની જેમ ગબડતી
પાછી આવી જાય છે
મશાણમાં.
ગામમાં, ગલીઓમાં, નવેરામા, નળિયાંમાં,
શેણી-વિજાણંદની વારતામાં
ને ભાઈ-બહેનના હેતમાં૩
ધૂળનાં વહાણો ફરવા લાગ્યાં છે.
ક્યાંક પણ દેખાતું નથી મનેખ.
પણ એક કીડી સામી છાતીએ
ઝુકોટની સામે જઈ રહી છે.
એને જોતાં જ ઝુકોટનો
અહમ ઓગળવા માંડે છે.
બાપા હવે પાછાં પતરાંને
બરાબરનાં ફીટ કરી દેશે,
બા ફરી એક વાર વાડામાં
વળગણીએ લૂગડાં સૂકવશે,
દેવો પાછા પોતપોતાના મંદિરે
ધજાઓ લઈને પાછા ફરશે,
ધૂળનો એક એક કણ હવે
સતયુગનાં ચોઘડિયાંનો
મુગટ પહેરશે.

ઘરઝુરાપો : ઊથલો ત્રીજો /૪

આજે કાળી ચૌદશ.
આજે ફૂટેલા હાંડલામાં આખું વરસ ગાળ્યા પછી
રૂપલી ડાકણ બહાર આવશે.
એક મૂઠ મારીને એ સૂકવી નાખશે
મહાસુખકાકાના વાડામાં આવેલા પીપળાને
અને સીમ આખીનાં કૂવાનાં જળને
સાપણોની પીઠ પર બેસાડીને
દોડાવશે દસે દિશાએ.
આજે રૂપલી
દીવેટમાં મગર ગૂંથીને
દીવો કરશે
અને એને અજવાળે
અંધારાની કાયાને ચીરીને
એમાં મરચું ભરશે.

ઝાડનાં પાંદડાંને તળિયે
વટવાગોળોની જેમ લટકી રહેલો અંધકાર
આજે સાત સાત પેઢીઓ સાથે બહાર આવશે રૂપલીની સેવામાં.
રૂપલી કહેશે તો એ
સામે ચડીને રાંડશે
અને રૂપલી કહેશે તો એ
સાટવાની૪ સાથે સાત ફેરા ફરશે.
આજે રૂમાલ બારિયો૫ પણ પાછો નહીં પડેઃ
ઉંદરની પીઠ પર અંબાડી મૂકીને
આજે એ બાબરિયા ભૂતનો મહેમાન બનશે,
ખાંહારા ભૂતના વરઘોડામાં જશે
અને ચૂડેલની પીઠમાં મશાલ સળગાવશે.
વાલમો૬ વંતરીની છાતી વાઢીને વળગણીએ સૂકવશે
અને એની જીભમાં અકાળે ડૂબી ગયેલા એના પૂર્વજોને
એક પછી એક બહાર કાઢી
મકાઈના દાણા૮ પર બેસાડશે.
આજે બાપા અને મોટો ભાઈ પણ
જોગણી અને વણઝારીને
લૂગડાં પહેરાવશે૧૦
બાપા નાળિયેરીના પાણીમાં ડૂબી ગયેલા પાવાગઢને
ટચલી આંગળિએથી બહાર કાઢશે
અને મોટો ભાઈ
નવ ગજા પીરને
કાન પકડીને ઊઠબેસ કરાવશે.
આજે ગામ આખામાં ઘેર ઘેર ફરીને
દેવો ચોખા મૂકશે
અને ઉંબરા, ટોડલા, ખીંટી, મોભ, પાટડા, વળિયોને
કીડીબાઈની જાનમાં જોડાવાનું નોંતરું આપશે.
પણ, આજે ફિલાડેલ્ફિયામાં એવું કંઈ નહીં બને.
આજે પરાવિસ્તારમાં દસ પંદર ગોળીબારો થશે
બે પાંચ મરશે, વીસ પચ્ચાસ ઘવાશે.
દવાખાનામાં દાક્તરો કેટલાકના જીવને
દેહમાં પૂરી રાખવાનો પ્રયાસ કરશે.
જેવું આખા અમેરિકામાં બને છે
એવું ફિલાડેલ્ફિયામાં પણ બનશે.
વરસાદ નહીં હોય તો પણ
ઈશ્વર એનું મોં છૂપાવવા
છત્રી લઈને
શહેરના એક છેડેથી બીજે છેડે
નીકળી જશે.

૨ ઇયળ-૨

ઇયળબેન, બધ્ધાં ગયાં
ને તમે કેમ ન ગયાં
કીડીબાઈની જાનમાં?
બદ્ધાંએ ખાધાં
ચોખા અને ખાંડ
ખાલી તમે એકલાં જ બેસી રહ્યાં
અહીં પાંદડાં પર.
કીડીબાઈના લગનમાં ઇયળબેન
બધાંએ કંઈને કંઈ કામ કર્યું.
પગે વા ઊતરેલો તો ય
મંકોડાભાઈ માળવે ગયેલા
ગોળ લેવા;
પીઠે ચાઠાં પડેલાં તો ય
ગધેડાભાઈ ગયેલા ભાલમાં
ઘઉં લેવા;
ઢેલને રીઝવીને ડોક રહી ગયેલી તો ય
મોડબંદાએ માંડવા બાંધેલા;
થાકીને લોથપોથ થઈ ગયેલી તો ય
વઈબુને વડાં કરેલાં;
કાબરબેન તો આમેય નવરાં ધૂપ
એમણે કીડીબેનને ધૂપેલ નાખીને
ચોટલો ગૂંથી આપેલો.
પણ તમે તો અહીં જ બેસી રહેલાં.

શું કહ્યું?
બીક લાગતી’તી?
બગલાભાઈની ચોંચની
અને તેતરસિંઘની તલવારની?
બાજસિંગની બેનાળીની?
બહાનાં ન કાઢો ઇયળબેન;
કોઈએ ભાવ ન પૂછ્યો

એટલે બગલાભાઈ તો
રિસાઈને ચાલ્યા ગયેલા બેટ પર;
અને તેતરસિંગની તલવારે તો હતાં
તેર મણનાં તાળાં;
બાજસિંઘની બંદૂકે ભરેલા હતા
અધમણ ડૂચા.

હા, એ વાત સાચી છે કે
સોળ શણગાર રાજ્યા વિના તો
કઈ રીતે જવાય કીડીબાઈની જાનમાં?
તમારે ઝાંઝર પહેરવાં હતાં
પણ એ માટે પગ ન હતા;
ચંદનહાર પહેરવો હતો
પણ એ માટે ડોક ન હતી;
વાળી પહેરવી હતી વિઠ્ઠલવરની
પણ એ માટે નાક તો જોઈએ ને?
સાચી વાત કહું ઇયળબેન?
હું પણ ન’તો ગયો
કીડીબાઈની જાનમાં.
કીડીબાઈની જાનમાં એમ થોડું જવાય?
એ માટે સૌ પહેલાં તો કાયાને ધોવી પડે
ધીરા ભગતની કાફીઓથી.
શું કહ્યું? કોણ હતો ધીરો ભગત?
એ પણ હતો તમારા જેવો જ
શબ્દોમાં શોધ્યા કરતો હતો
પાદુકાઓ પરભુજીની
નરસીં અને મીરાંની જેમ.
ઓહ્ કોણ છે આ નરસીં અને મીરાં એમ?
એ બધાં કાં તો તમારાં અનુયાયી હતાં
કાં તો તમે એમનાં અનુયાયીઓ છો
મારી જેમ જ.
એ પણ સતનું ધરુ નાખવા માગતાં હતાં
પહેલાં ગુજરાતી ભાષામાં
પછી માટીમાં
અને પછી
માણસ માત્રની
પાંચેય ઇન્દ્રિયોમાં.

ઇયળ-૧

ઇયળબેન, શું પૂછ્યું તમે?
કવિનું કામ શું એમ?
કવિનું સૌ પહેલું કામ તે
ચિત્રગુપ્તનાં પાપપુણ્યોનો હિસાબ રાખવાનું;
એમ કરતાં સમય બચે
એમાં ધરતીકંપોને કક્કો અને બારાખડી
અને જ્વાળામુખીઓને સોએકડી શીખવવાનું;
અને એમ કરતાં પણ સમય બચે તો એમાં
ગોકળગાયના કે વઢવાડિયા ફૂલના કે શ્રીમંત બાવળના
સનેડા લખવાનું.
ઓહ્, તમારે પણ કવિ થવું છે એમ?
ઇયળબેન, બહુ અઘરું છે કવિ બનવું.
એ માટે સૌ પહેલાં તો તમારે
રૂઢિપ્રયોગોનું ધાવણ ધાવવું પડે;
પછી કહેવતોને
હોજરીમાં રાજ્યાશ્રય આપવો પડે;
ખીલાઓને ફૂલ જેમ ખીલવાનું મન થાય તો એમને
જીભ પર રોપી ખાતરપાણી આપવું પડે.
આ બધું કરી શકશો તમે?
તો પછી તમે કવિ ન બની શકો.
તમતમારે ખાએ જાઓ પાંદડાં
ઊકેલ્યે જાઓ તાણાવાણા
બ્રહ્માંડના.
જો એમ કરતાં વચ્ચે ગાંઠ આવે તો મને કહેજો
હું બેઠો છું અહીં અનરાધાર આભની નીચે
શ્રી સવાની કાતર લઈને.

૩. ડોશી

ડોશીને લાગ્યું કે
એનો અન્ત હવે નજીક છે
ત્યારે એ ચૂપચાપ ઊભી થઈ,
કાતરિયામાં વરસોથી મૂકી રાખેલાં
વાંસનાં ચાર લાકડાં
અને કાથીનું પીલ્લું
નીચે લઈ આવી
બાંધી દીધી
એની પોતાની
એક નનામી.
બે મહિના પહેલાં જ
પરાગકાકાના છોરાની દુકાનેથી લાવીને
તાકામાં મૂકી રાખેલાં ચાર નાળિયેર બહાર કાઢી

એણે બાંધ્યાં નનામીને ચાર ખૂણે
નાડાછડીથી
મંગળિયો કુંભાર ગયા મહિને આપી ગયેલો
એ કોરી માટલી કાઢી
એમાં મૂક્યાં એણે બે છાણાં
ને છાણાં પર મૂક્યો દેવતા
એના પતિએ હુકો ભરીને
ચૂલામાં રહેવા દીધેલો એ.
પછી એ પિયરમાંથી આવેલાં કોરાં લૂગડાં
પહેરીને સૂઈ ગઈ
નનામી પર.
સૂતાં સૂતાં એણે કલ્પના કરીઃ
એની આસપાસ એના ત્રણેય દીકરા
એમની પત્નીઓ
એમનાં બાળકો
ઊભાં છે,
મોટા દીકરાને તો અબોલા હતા બધાં સાથે વરસોથી
એને જોઈને ડોશીના કાળજામાં
બેઉં કાંઠે વહેવા લાગી
ગંગા અને જમના.
વચલો છેક અમેરિકાથી આવેલો.
એનો હાથ ઝાલીને ડોશીએ કહ્યુંઃ
દીકરા, તને જોઈને હું વૈતરણી તરી જઈશ
નાનાએ ચૌદ વરસે ગામ જોયું.
એનો વનવાસ પૂરો થયો એ જોઈને
ડોશીની કરોડરજ્જુમાં શરણાઈઓ વાગવા માંડી.
પછી ડોશીએ જોયું તો
ડાબે અને જમણે
ઊગેલા હતા બે વેલા
એક
વાલોળનો
બીજો
ટીંડુંરાનો.
ડોશીએ હાથ લંબાવી
વાલોળના વેલા પરથી વાર્તાઓ
અને ટીંડુરાના વેલા પરથી કહેવતો તોડીને
આપી પુત્રો, પૂત્રવધૂઓ, પૌત્રો અને પૌત્રીઓને.
અને કહ્યુંઃ આ વાલોળ અને ટીંડુંરાં
એકલાં એકલાં ન ખાતાં
ગામ આખામાં વહેંચજો.
એ દરમિયાન ડોશીએ જોયુંઃ
મહિષ પર અસવાર થઈને આવ્યું છે
એક કેવડાનું ફૂલ.
ડોશીએ બબડીઃ કેવડા હાર્યે નૈ જઉં
મગફળીનાં ફૂલ મોકલો.
પછી ઈશ્વરે ડોશીની અંતિમ ઈચ્છા પૂરી કરી.
એ સાંજે ડોશીના દીકરાઓએ
કુટંબીજનોએ
અને ગામ લોકોએ
વાલોળનું અને ટીંડુંરાનું શાક
બનાવીને ખાધું.
મોડી રાતે ગામ લોકોને
ઝમઝર માતાના ડુંગરાઓમાંથી૧૧
કોઈક ગીતનો અવાજ સંભળાયો.
ગામના મુખીએ કહ્યુંઃ
ડોશી આપણા ડુંગરાઓની રખેવાળી કરી રહ્યાં છે.

બધું જ બરાબર કરેલું
બાપા કરતા હતા એમ જ.
સૌ પહેલાં તો જે જગ્યાએ ઘોડો મૂકવાનો હતો
એનું માપ લીધેલું,
પછી એ પ્રમાણે પાટિયાં કાપેલાં,
પછી પેન્સિલ પડે કયું પાટિયું ક્યાં જશે
એની બરાબર નિશાની પણ કરેલી,
બાપાએ કહેલુંઃ જે છેડે ૧ લખેલું હોય
એ છેડે જ ૧ જવું જોઈએ.
મેં એ નિયમ બરાબર પાળેલો.
પછી બધ્ધાંને સ્ક્રુ લગાડેલા
એકબે વાંકા ગયેલા
તો એમને એક જગ્યાએ કાઢી
બીજી જગ્યાએ લગાડેલા.
બધ્ધું જ બાપા કરતા હતા એમ કરેલું.
તો પણ કોણ જાણે કેમ
ઘોડો જરા ત્રાંસો બન્યો.
ઘોડો બનાવતી વખતે મેં બાપાની જેમ
કાન પર પેન્સિલ ન’તી ખોસી
એટલે તો આવું નહીં થયું હોય ને?

૫ ગદ્યકાવ્ય

ક્યારેક મને એકલા એકલા ખૂબ કંટાળો આવે ત્યારે હું મારી બારીમાંથી દેખાતા પર્વતોને મારા ઓરડામાં બોલાવતો હોઉં છું અને પછી એમની સાથે ભાતભાતની રમત રમતો હોઉં છું. ક્યારેક હું એમની સાથે પત્તાં રમતો હોઉં છું તો ક્યારેક કેરમ. જો કે, એમને પત્તાં રમવાનું ગમતું નથી અને કેરમની રમતમાં એ મારા જેટલા હોંશિયાર નથી એટલે બધી જ વખતે હું જ જીતી જતો હોઉં છું. એને કારણે મને ઘણી વાર વધારે કંટાળો આવતો હોય છે. જો કે, ક્યારેક હું એમને કાનપટ્ટી પકડાવીને ઊઠબેસ કરાવતો હોઉં છું. એમને એમ કરવાની ખૂબ મજા પડતી હોય છે. ક્યારેક એ મને કહેતા હોય છેઃ પાવલો પા કરાવ. તમે જ કહોઃ હું કઈ રીતે પર્વતોને પાવલો પા કરાવું? મારાથી એમનું વજન કઈ રીતે ઊંચકી શકાય? તો પણ ક્યારેક હું એમને પાવલો પા પણ કરાવતો હોઉં છું. એ એમની પ્રિય રમત છે. ઘણી વાર હું એમને મારી પથારીમાં ગોઠવી દઈ એમની તળેટીમાં સૂઈ જતો હોઉં છું. મને એમની તળેટીમાં, ખાસ કરીને એમની તળેટીમાં ઊઘેલાં ઘાસની પડખે, સૂઈ જવાનું ખૂબ ગમતું હોય છે.

એક દિવસની વાત છે. મને ખૂબ કંટાળો આવતો હતો. એટલે હું ગયો મારી સુવાની ઓરડીમાં અને ખોલી એની બારીઓ પેલા પર્વતોને બોલાવવા. પણ આ શું? જોઉં છું તો ત્યાં પર્વતો ન હતા. મને આશ્ચર્ય થયું; કોણ લઈ ગયું હશે પર્વતોને? મેં મારી / ખો મસળીને ફરી એક વાર એ દિશામાં જોયું. જોઉં છું તો પર્વતોની જગ્યાએ બે-ચાર નદીઓ વહેતી હતી. મને થયુંઃ લાવ આ નદીઓને બોલાવવા દે. એટલે મેં એ નદીઓને બોલાવી. પછી મેં એ નદીઓને કહ્યુંઃ ચાલો, પત્તાં રમીએ. પણ, એમને પત્તાં રમતાં આવડતું ન હતું. એમણે કહ્યું કે જો અમે પત્તાં ચીપીએ તો તારાં પત્તાં ભીનાં થઈ જશે. પછી મેં કહ્યુંઃ તો ચાલો કેરમ રમીએ. નદીઓ સમંત થઈ. પણ, એમાંથી એક પણ નદી કેરમ બરાબર રમી ન શકી. કેમ કે સતત વહેતા રહેવાને કારણે એમને ખુરશીમાં બેસવાનું ફાવતું ન હતું. એટલું જ નહીં, એ નદીઓ એક કુકરીને મારીને પછી તરત જ વહેવા માંડતી. એને કારણે એમણે પહેલાં કઈ કુકરીને માર્યું છે એ વાત ભૂલી જતી. દરેક વખતે મારે એમને કહેવું પડતું કે એમની કુકરી કાળી છે. એટલે હું તો થોડીક વારમાં જ કંટાળી ગયો. પછી મેં એ નદીઓને કહ્યુંઃ ચાલો તો કાન પકડીને ઊઠબેસ કરો. પણ નદીઓ તો એકબીજાની સામે જોતી રહી. એમને કાન પણ ન હતા અને સતત વહેતા રહેવાના કારણે એ ઊઠબેસ પણ કરી શકે એમ ન હતી. આખરે કંટાળીને મેં એમને મારી પથારીમાં મૂકી દીધી તો એ ત્યાં ખળખળ વહેવા લાગી. પછી હું એમને કાંઠે જરા આડો પડ્યો. ત્યાં જ એકાએક બારણું ખખડ્યું. નદીઓને મારી પથારીમાં વહેતી રહેવા દઈને મેં બારણું ખોલ્યુંઃ જોઉં છું તો મારી સામે એક યુવતિ ઊભી હતી. એના ખભા પર મારા પર્વતો હતા. એ બોલીઃ માફ કરજો, આ પર્વતો તમે લઈ લો અને મને મારી નદીઓ પાછી આપો. આ પર્વતોને અડકો-દડકો રમતાં આવડતું નથી. એમને તો પાલવો પા જ ખૂબ ગમે છે. મેં કંઈ પણ બોલ્યા વિના મારી પથારીમાં વહેતી નદીઓ એને આપી દીધી અને બદલામાં મારા પર્વતો લઈ લીધા.

હવે જ્યારે પણ અમે પણ કંટાળીયે છીએ ત્યારે પેલા પર્વતો કે પેલી નદીઓને અમારી પાસે બોલાવવાને બદલે અમે એમની પાસે જતાં હોઈએ છીએ અને હું પર્વતોને પાવલો પા કરાવતો હોઉં છું અને એ નદીઓ સાથે અડકો દડકો રમતી હોય છે