પ્રથમ સ્નાન/એક કાવ્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
એક કાવ્ય


સાત સાત દરિયાઓ વીંધી, સાત સાત વડવાનલ વીંધી
સાગર-ટોચે પાંચસાત પાતાળ નીકળ્યાં બ્હાર
—અમારે કરવું છે શું?
અમે અમારી ખાલ ઊતરડી ન્હાશું, ધોશું.
ઊંચકી ઊંચકી ખાલ અમારી દૂર ભાગતો અજગર, છો ને
કીડીઓના કટક વચાળે હરવા ફરવા કાંચળીઓ સીવડાવે
પહેરે, એની.
પ્હેરી—
ખળભળતી, તોફાની, ધીંગી નાવડીઓના હડસેલે હડસેલે
ધીંગા ખડક ખરાબે ચડી ચડી ભંગાર બનેલી
નદી નદીને ખારી, ખારાતૂર લોહી શી લોહીઝાણ, ફૂત્કાર જીભથી
ગળવા મથતો, પુચ્છ વીંઝી ફૂટકારે ફટકારે
હવા જેવડી પ્હોળી બારી વચ્ચે ઊભા
જરઠ, સાંકડા, લાકડિયાળા, સુક્કા સુક્કા અમે
અમારી આંગળીઓના પ્રાંગણમાં ખીલેલાં તનમનિયાનાં બેત્રણ ફૂલ
અને
તમારી આંખડીઓની માંહે ફરતી કીકીની ચાખડીઓ
જોતાં
ખાલ વિનાના અમે અમારી ખાલ વિનાની આંખડીઓની લાલટશરની
સૂરજ શી ભટકેલ કેડીઓ લ્હોતાં લ્હોતાં
સાત સાત દરિયાઓ વીંધી, સાગરટોચે
હવા જેવડી પ્હોળી બારી વચ્ચેથી જ્યાં, સાત સાત વડવાનલ વીંધી
પાંચ-સાત પાતાળો તરવા નીકળશું ને બ્હાર…
સૂરજ દરિયાની કમ્મર પર એની યાળ પાથરી ક્હેશે.
—તારી લાલ ટશરની સૂરજ શી ભટકેલ કેડીઓ લ્હોતાં
લયના રંગબિરંગા-તળાવ થૈ પ્રસરેલી લીલી લીલ નીચેની
માછલીઓ શા-લોહકાટ શા
દરિયા ઉપર કિરણ કિરણની ઓકળીઓ લીંપવાને બ્હાને
છાતી કેરે રોમરોમ ખીલેલાં ફૂલને

(વણચૂંટેલાં)

ઓકળીઓ પર વ્હેતાં કરવા
હવે તમારે તરવું છે શું?
દરિયાની કમ્મર પર ત્યારે યાળ પાથરી સૂરજ પૂછશે
—હવે તમારે શું તરવું છે?
—કહો તમારે શું તરવું છે?