પ્રથમ સ્નાન/સૂરજના ના ઊગવા વિષે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સૂરજના ના ઊગવા વિષે


સૂરજ ન ઊગે ત્યારે
વાયરાઓ વાઈ જાય
ફૂલ બધાં ખરી જાય. ખૂલ્યાં પહેલાં ખરી જાય.
સૂરજ ન ઊગે ત્યારે
લીલાં પાંદ પીળાં થાય.
વાયરોઓ વાઈ જાય, વાયરાઓ વાઈ જાય.
પાંદ બધાં ખરી જાય, ખરખર ખરી જાય.
રાતાં પાંદ ઊડી જાય, નદી-નાળે પડી જાય.
મોજાંઓ આવીને બધી લાંબી લાંબી આયખાની રેખાઓને ચરી જાય,
ચરી જાય.
સૂરજ ન ઊગે પછી સૂરજ ન ઊગે પછી સૂરજ ન ઊગે
પછી વાયરાઓ વાય પછી વાયરાઓ વાય નૈં વાયરાઓ પછી કદી વાય નૈં.
ઝાડવાંઓ બૂઠાંબટ
—પોપાચાંને ચીરી બધી આંખને ફેલાવી દિયે.
પ્હાડ ચીરી ઊગતો સૂરજ આ આભ ચીરી ઊગી જાય—
રામ જાણે ઊગી જાય.
ઝાડનાં બધાંય મૂળ દશે દિશ દોડી વળે પ્હાડના પેટાળમાં.
ઊંડા ઊંડા ઊંડા પ્હોળા ઊંડા લાંબા ટૂંકા
એકમાંથી બેમાંથી ચારમાંથી બાર બની અંધની હથેળી જેવા ફંફોસીને
ફરી વળે.
પ્હાડ ચીરી ઊગતો તે સૂરજ આ પ્હાડમાં દટાયેલો જો મળી જાય
મળી જાય
મળી જાય પછી એને પ્હાડ ચીરી, ઝાડ ચીરી, હવા ચીરી આભમાં
મેલી દેવાય.
પણ—
સૂરજ ન ઊગે ક્યાંય સૂરજ ન ઊગે.
પ્હાડ વચ્ચે, ઝાડ વચ્ચે, હવા વચ્ચે, આભ વચ્ચે
ક્યાંય ક્યાંય
ફરતા ફૂંફાડા જેવો સૂરજ ન ઊગે.
બૂઠાબટ ઝાડ પરે માળાઓનાં લીલાંપીળાં ઇંડાઓની માંહ્યલું હૂંફાળું
કશું હલમલે
હલમલે?
હલમલે શાને હવે તૂટતું ઇંડું ને તોય આંધળી દીવાલો બધે આંધળી
દીવાલો બધે આંધ-
તૂટયું ઇંડું ને તોય આંધળી દીવાલો બધે આંધળી દીવાલો બધે—
ને આંખો બધી બંધ—
પ્હાડ પરે ઝાડ ને ઝાડથી સૌ
ફૂલપાંદ ખરી જાય.
ખરી જાય ખરી જાય.
ફૂલપાંદ ખીણના પેટાળ બધા ભરી જાય.
તરણાંઓ પીળાં થાય, તરણાંઓ ખરી જાય.
ખીણ ઊંચે ઊંચે જાય, પ્હાડથીય ઊંચે એમ ઊંચે જાય.
ખીણ બધી પ્હાડ થાય
કોક દિ’ પછીથી એવો રે સાવ પુરાણો કોક વાયરો જો આવી જાય.
ખીણને ટોચે જો પછી
સૂકાં સૂકાં ફૂલપાંદતરણાંના પ્હાડની ટોચે જો પછી
સૂરજના કિરણનું તરણું જો ફૂટી જાય
ફૂટી જાય ફૂટી જાય ફૂટી જાય
તો?