પ્રથમ સ્નાન/સાંજ પડે
સાંજ પડે
સૌ ઘરે પાછા ફરે
બહાર માટેનાં બૂટ સૅન્ડલ નીકળે, ઘરમાં સૌને પગે ચડે.
સાદા બદલાય, સ્પોર્ટ શૂઝ પહેરાય, ખેલાડીઓ ‘કોર્ટ’ પ્રતિ જાય.
કોઈને ખાંસી-શરદી, કોઈને પોલિયો, ઇંગ્લેન્ડ રહ્યાની ટેવ કોઈને
બૂટ નીકળે ન—નીકળે ને ફરી ચડે.
દેવસેવાની ઓરડીમાંથી આંધળા બાપુજીની બૂમ પડે. બૂટ છૂટે.
ધરતીથી એક વેંત જાણે ઊંચે — બધું અડવું અડવું અડે.
બ્હાર — ને ફરી ચડે.
ડાઇનંગિ ટેબલ હેઠે પગ હાલ્યા કરે.
મોં ધોતી વખતે ખ્યાલ રાખો પાણી ન ઢળે. પોલિશ, લેધર ન બગડે
બ્રશ ઝાલી નોકરો બૂટ હાથ પર ધરે
ધૂળ ખરે, પોલિશ ચડે. ચકચકે. હારબંધ ગોઠવી સૌ ઘર ભણી વળે
માળી માટીવાળા પગ ધુએ
ચાયના પક્ષી બાગથી પાછું ફરે
ડોક ધુણાવી પગને ઓશીકે આંખ મીંચે.
જાગતા ઝોકતા ખડા રહે રબરના બૂટ પલંગ તળે
ભારે પોપચે સેફટી ટેન્ક ખાલી કરે. ઊઠે.
પક્ષીના ઘ્રાણને સ્વપ્ન સ્ફુરે.
૨૭-૧૨-૭૪