પ્રવાલદ્વીપ/હૉર્ન્બી રોડ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
હૉર્ન્બી રોડ

આસ્ફાલ્ટ રોડ,
સ્નિગ્ધ, સૌમ્ય ને સપાટ, કૈં ન ખોડ.

ક્લૉક ટાવરે થયા (સુણાય) બાર રાતના,
સળંગ હારમાં વસે અનેક કિંતુ એક જાતનાં
નિયૉન ફાનસો,
પ્રલંબ ટ્રામના પટા પરે ઘસે
પ્રકાશકાનસો,
ન સૂર્યતેજમાં હસ્યા પટા હવે હસે,
બધો જ પંથ લોહહાસ્યથી રસે.

અહીં સવારસાંજ,
હોય કે ન હોય કામકાજ,
કેટકેટલાં મનુષ્ય – એકમેકથી અજાણ
ને છતાં ન કોઈ પ્રેત, સર્વમાં હજીય પ્રાણ –

કૈંક વૃદ્ધ
જે વિલીન ભૂતકાલ પર સદાય ક્રુદ્ધ,
લૉરેન્સમાં મળે ન એવું દૂરબીન
જોઈ જે વડે શકાય પાછલા બધા જ દિન?

અનેક નવજવાન
જેમનું ભવિષ્ય ઠોકરે ચડ્યું, જરી ન ભાન,
ને ન શાંગ્રિલા ન સૅન્ટ્રલે ભવિષ્યની છવિ
સુપ્રાપ્ય; એ. જી. આઈ., ગૅલપર, ચાર્ટરે જ પામવી;

અનેક ફાંકડા
બધા જ માર્ગ જેમને કદી ન સાંકડા,
છતાંય વ્હાઈટવેઝ કાચપાર કાષ્ઠસુંદરી અપૂર્વ આભરણ,
તહીં અવશ્ય ઠોકરાય ચક્ષુ ને ચરણ;

અનેક રાંકડા
કુટુંબખર્ચના રટે જમાઉધાર આંકડા,
સદાય વેસ્ટ એન્ડ વૉચ પાસ આવતાં જતાં
સમય મિલાવતા, રખે જ કાળ થાય બેપતા;

અનેક ટાઇપિસ્ટ ગર્લ્સ, કારકુન,
એકસૂર જિંદગી સહ્યે જતાં જ સૂનમૂન,
લંચને સમે ઇવાન્સ ફ્રેઝરે લિયે લટાર,
જોઈ લે નવીન સ્લૅક્સ, ટાઈઝ, બે ઘડી ઊભાં રહી ટટાર;

કૈં મજૂર
જે હજી જીવી રહ્યા કહી  : ‘હજૂર, જી હજૂર!’,
એમને હજી ન કોઈએ કહ્યું  : ‘તમે સ્વતંત્ર!’,
છો અખંડ ચાલતું જ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાનું યંત્ર;

કોઈ નાર (સર્વથી જુદી પડે જરાક)
બ્યૂક, ફૉર્ડમાં જ શોધતી સળંગ રાતનું ઘરાક,
પારકિંગના લખ્યા છ સ્પષ્ટ વાર,
ફૂટપાથ માત્ર ફેરવાય તે ’નુસાર;

કોઈ (હું સમો, ન હું?) કવિ
અનેક પાછલી સ્મરે, ન પંક્તિ એક પામતો નવી;
પડ્યા છ જૉઇસ, પ્રુસ્ત તો ન્યૂ બુક કંપની વિશે,
પરંતુ જિંદગી ન જીવવી સદાય શક્ય પુસ્તકો મિષે.

અહો, મનુષ્ય કેટકેટલાં – પદે પદે જણાય ચાલમાં સ્ખલન,
ન હોય સ્વપ્નમાં શું એમનું હલનચલન? –
સવારસાંજ આવતાં જતાં...
સવાલ સ્હેજ ચિત્તમાં રમે  :
‘અહો, બધાંય ક્યાં જતાં હશે જ આ સમે?’
તહીં જ પંથ, જેહ પાયનું ન ચિહ્ન એક ધારતો,
કહે  : ‘ધરા પરે જ ક્યાં હતાં?’
અનેક આલીશાન બેઉ કોર જે ઇમારતો
સમાધિભંગ સાધુ શી તરત્ તડૂકતી  : ‘ન’તાં, ન’તાં.’
ટણં ટણં પસાર થાય ટ્રામ આખરી, કશી ગતિ!
જરૂર ક્્હૈ શકાય ક્યાં જતી, કયા ડીપો પ્રતિ.

મનુષ્યનુંય તે રહસ્ય કૈંક તો હું જાણતો,
ન જોયું આંખથી પરંતુ અંતરે પ્રમાણતો
કે અસ્તમાન સૂર્ય (જેહનાં જ તો બધાં છ વરસો) હરી જતો  :
સમગ્ર એ સમૂહ સ્વપ્નલોકમાં સરી જતો,
સહસ્ર સૂર્યથી સદાય ભાસમાન
ભોંય જેહની છ આસમાન,
જ્યાં સદાય જાગૃતિ,
ન એક પાછલી સ્મૃતિ,

પ્રદેશ જે ન પારકો,
ન જ્યાં કશોય ભાર,
સ્વૈર જ્યાં વિહાર...
એમને પદે પદે ન આ પ્રકાશતા શું તારકો?

આસ્ફાલ્ટ રોડ,
સ્નિગ્ધ, સૌમ્ય ને સપાટ, કૈં ન ખોડ.