પ્રવીણસિંહ ચાવડા/૬. માણેકગઢની લડાઈ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૬. માણેકગઢની લડાઈ

ખૂબ વાયરો વાયો અને આથમણી દિશા લાલ થઈ ગઈ ત્યારે નદી તરફની ઝાડીમાંથી કોઈ લથડિયાં લેતું આવતું જણાયું. અમુક માણસોને કંઈક ઊડતું ઊડતું આવતું હોય એવું ભાસ્યું. એમાં ઉમેરો કરી કોઈકે કહ્યું કે આગનો ગોળો ગોંદરા સુધી લાવીને હળવેથી મૂકી ગયો. બટન વગરનો મોટો ડગલો બે બાજુ પાંખો ફફડાવતો હતો એ કારણે પણ આવા ભ્રમ થયા હોય. – આ રીતે મારા કાકાબાપુનું આગમન થયું. જોકે મારા બાપુ તો પેલા ગલ્લરો સાંભળીને ખૂબ હસ્યા. એમણે માથું ધુણાવીને કહ્યું, ‘ટિકિટના પૈસા નહીં હોય એટલે વિક્રમપુર સ્ટેશને ઊતરી ગયા હશે અને મદારીઓ-બજાણિયાઓ સાથે ડાયરા કરતાં રોમાંચક શૈલીએ ગામમાં પધારવું પડ્યું હશે.’ અમારા ઘરમાં સૌથી પહેલી ખબર દાદીમાને પડી. છેલ્લા ઓરડામાં નાની ખાટલી ઉપર સૂતાં હતાં તે માથે સાડલો સરખો કરતાં બેઠાં થઈ ગયાં અને બાને કહ્યું, ‘વહુ, જુઓ તો, કોણ આવ્યું?’ ચોકમાં જોડા ખખડ્યા અને મારા કાકાબાપુ સીધા પાછલા દાદરે થઈ મેડી ઉપર ચડી ગયા. મારા બાપુ ઘર સામે લીમડા નીચે બેસી ચોપડી વાંચતા હતા તે કંઈક રમૂજ સાથે અતિથિને જોઈ રહ્યા. દાદા ઓસરીમાં બેઠા હતા. એમણે કહ્યું, ‘ઊનું પાણી મુકાવજો, બેટા.’ મારા બાપુએ હોંકારો પુરાવ્યો, ‘હા, રળિયાત કુંવર રળીને પધાર્યા છે.’ કોઈએ આનો જવાબ આપ્યો નહીં. ઘરની અંદરના ભાગમાં પ્રવૃત્તિઓ વેગીલી બની. ડામચિયો, પછી પાણિયારુંં એમ ટેકો લેતાં દાદીમા આવીને રસોડાના બારણા પાસે બેસી ગયાં. મારાં બા ચૂલો પેટાવતાં હતાં અને સાડલાના છેડાથી આંખો લૂછતાં હતાં. વળી, ત્યાંથી ઊઠીને દાદીમા હવાને ફંફોસતા ઓસરીમાં ગયાં અને દાદાજીની આરામખુરશીની પાસે બેસી ગયાં.

કાકાબાપુ સાથે મારી મુલાકાત બીજા દિવસે સવારે થઈ. આખી રાત ઊંઘમાં મને કિલ્લા અને છલાંગ મારતા ઘોડા દેખાયા કર્યા હતા. સવારે હું દાદર અને મેડીની બારીઓ સામે જોતો પાછળના વાડામાં આંટા મારતો હતો ત્યાં એમને ચા પાઈને ઊતરતાં મારાં બાએ કહ્યું, ‘જાઓ બેટા, કાકાબાપુને પાયલાગણ કરી આવો.’ હું કઠેડો પકડીને એક એક પગથિયું સરકતો ગયો. પ્રથમ તો પશ્ચિમની બારી પાસે ખુરશી ઉપર પીઠ જ દેખાઈ. ખાખી કોટ ખીંટી ઉપર લટકતો હતો.. દાદર પાસે ધૂળ ભરેલા, થોડા ફાટેલા બૂટ પડ્યા હતા. કઠેડો પકડીને હું ઊભો હતો ત્યાં લાલ આંખો મારી તરફ ફરી અને જમણો હાથ લાંબો થયો, ‘રણુભા!’ હું દોડીને એમની પાસે ગયો, ‘કાકાબાપુ!’ બાર મહિને – બે વર્ષે કાકાબાપુ આવતા અને થોડા દિવસ રોકાઈને ચાલ્યા જતા. કોઈ કહેતું, રાજા-મહારાજાઓ સાથે બેઠક છે. કોઈ કહેતું, મલકમાં ભટકી ખાય છે. લોક હજાર વાતો કરતું. થોડા દિવસ રોકાય એમાં પણ કોઈની સાથે બહુ બોલતા નહીં. મેડી ઉપર બેસી રહેતા અને સાંજ પડ્યે ખેતરોમાં કે નદીના પટમાં ચાલવા જતા. મારી સામે તો જોતા પણ નહીં છતાં હું માનતો કે હું કાકાબાપુનો વહાલો ભત્રીજો. ભારે અવાજે મારું નામ બોલાયું અને મારા ખભે એ પરદેશી હાથનો સ્પર્શ થયો તેથી ઝણઝણાટી થઈ. આટલું મારે માટે પૂરતું હતું. ઉત્સાહથી મેં કહ્યું, ‘રમવા જાઉં –’ એમણે કહ્યું, ‘કાગળ લાવો અને પેન લાવો.’ ‘કાગળનું શું કરીશું, કાકાબાપુ?’ ‘આપણે માણેકગઢની લડાઈનો ઇતિહાસ લખવો છે.’ હું એ કાકાનો જ ભત્રીજા એટલે શું લડાઈ, કેવી લડાઈ એવા અસંગત પ્રશ્નો કર્યા વગર મેં પગ ઉપાડ્યો, ‘મારી નોટબુક લાવું.’ ‘નોટબુક નહીં ચાલે. બજારમાં જાઓ. લખવા માટે તો કોરા કાગળની થપ્પી જ જાઈએ. ખબર છે પહેલો ગોળો ક્યાં પડ્યો હતો? ‘આપણા લીમડા ઉપર.’ ‘ત્યારથી આ લીમડો ઠૂંઠો છે. એના ઉગમણા ખભે હાથ ઊગતો જ નથી. રણુભા–’ ‘જી, કાકાબાપુ –’ ‘અંગ્રેજે ચારે બાજુ તોપો ગોઠવી હતી પણ એની નાદાની જુઓ. બાળક જેવા એક દુશ્મન સામે આ વિશ્વવિજેતાએ જેનું પ્રદર્શન કર્યું એને માટે ડફોવાઈ સિવાય બીજો શબ્દ જ નથી. પહેલા ગોળે લીમડો પડ્યો. બીજા ગોળે સોનીવાડામાં એક કૂતરું મર્યું. આ અણઘડવેડાએ ત્યારે પણ સહુને હસાવ્યાં હતાં. મંગુ કરીને એક ડોશી હતી તે દાતરડું લઈને દોડી. મારા પીટ્યા માંકડા, સામી છાતીએ આવ. રણુભા, કેટલું માણસ મર્યું હતું એ ખબર છે? ‘જી, કાકાબાપુ.’ ‘ચોપડીમાં એ લખવું પડશે. ચોપડીમાં તો બધું આવશે. લોહીથી લથબથ ચોપડી જૂઠું નહીં બોલે.’ થોડી વાર એ મૌન બેસી રહ્યા. પછી બોલ્યા, ‘અને આપણા દાદાજી.’ મેં કહ્યું, ‘હા, કાકાબાપુ, આપના દાદાજી.’ ‘ઉંમર કેટલી હતી... ખબર છે?’ ‘જી કાકાબાપુ.’ ‘એકવીસ વર્ષ. હું બહુ ફર્યો છું, ખૂબ દુનિયા જોઈ છે, પણ એક બાજુ એક મહાસત્તા અને સામે માથાનું ફરેલું એક ગામ – આવી બેતાલ લડાઈની વાત ક્યાંય સાંભળી નથી. વાત આટલી જ હતી : અમે અમારા રાજા. ગધ્ધીનો અંગ્રેજ કોણ?’ દાદર ઊતરતાં મને થયું, શું ભણું છું અને કઈ ચોપડીમાં છું એવા મહેમાનોના પ્રશ્નો તો પુછાયા જ નહીં! આટલો વખત ક્યાં હતા, નદીની ઝાડીમાંથી પગપાળા કેમ પ્રગટ થયા, જોડા ઉપરની ધૂળ કયા પ્રદેશની હતી – મારેે પૂછવાના પ્રશ્નો પણ રહી ગયા. બીજા દિવસે સોની દાક્તર ઘોડા ઉપર બેસીને આવ્યા ત્યારે એમની પાછળ દાદાજી અને પછી મારા બાપુ મેડીએ ચડ્યા. સોની દાક્તરનું મોં લાડુ જેવું અને હસે ત્યારે હોઠ પાન ખાધું હોય એવા લાગે. ગરમ પાણી મૂકો. આ સોય ઉકાળી લાવો. મને થાય કે દાક્તર મને જ જોવા કરે છે એટલે નિશાળમાં ઇન્સ્પેક્શન આવ્યું હોય એમ હું ગંભીર બનીને દોડાદોડી કર્યે ગયો. બાએ અભરાઈ ઉપરથી ઉતારીને ત્રણ શીશીઓ આપી તે મેં ઓટલે બેસીને સાબુના પાણીથી ધોઈ. જતી વખતે દાક્તર ગોળીઓનાં પડીકાં અને લાલપીળાં શરબત જેવી દવાની શીશીઓ ટેબલ ઉપર ગોઠવતા ગયા. બાપુ દાક્તરની પેટી ઉપાડીને એમની પાછળ ઊતર્યાં. હું ટેબલ ઉપરથી શીશીઓ અને એની પાસે કાગળની થપ્પી સરખી કરતો ઊભો રહ્યો. દાદાજીનો ખોંખારો સંભળાયો એટલે મેં પાછળ જોયું. કાકાબાપુ ખાટલામાં સૂતા હતા અને દાદાજી પાંગથે બેઠા બેઠા ધ્રુજતા હતા. દાદાજીએ કહ્યું, ‘રણુભા.’ ‘જી દાદાજી. હું રમવા જાઉં છું –’ કહીને હું દોડતો દાદર ઊતરી ગયો.

‘ઇતિહાસ છે, રણુભા, એટલે શરૂઆત તો વેદો અને પુરાણોથી જ કરવી પડશે. એક રીતે જોઈએ તો કંઈ જૂનું થતું જ નથી. વાત તો એક જ સળંગ ચાલી આવે છે. કોઈ કપાઈ મર્યું તો એના ઘોડાની હણહણાટી સૂર્ય સુધી જતી જ હશે. સૂર્ય તો મૂળ પુરુષ છે. ગામની લાઇબ્રેરીમાં તપાસ કરો. પુરાણો મળશે. મૂળ એમાં ક્યાંક હશે. અંગ્રેજોની ચોપડીઓમાં ઉલ્લેખ નથી. ડુંગરોની વચ્ચે એક નાનું ગામ, એની ફરતે મોટી ફોજ; તંબુ, તોપો. બસો-પાંચસો માણસ મર્યું. એ વાત ફાર્બસસાહેબના વંશજોને નોંધવા જેવી નહીં લાગી હોય. ભેટ બાંધીને હથિયાર સજતા એંશી વર્ષના વૃદ્ધો અને બંદૂકો ભરી આપતી કુંવાશીઓ અને પુત્રવધૂઓ – આનો અર્થ અંગ્રેજ સુધી ક્યાંથી પહોંચે? એક ચોપડી છે. ‘મહીકાંઠા એજન્સીનો ઇતિહાસ’, કોઈ વાણિયાએ લખી છે. રણુભા, એ જૂની ફાટેલી ચોપડીના પાછળના ભાગમાં ગણીને ચાર લીટી મળે છે. એ વાંચનારને કેવી છાપ પડે, ખબર છે? દેશમાં બધે અંગ્રેજી શાસનની વાહ વાહ હતી, બધા સેનાખાસખેલો અને સમશેરબહાદુરો, કુર્નિશ બજાવતા હતા ત્યારે ખૂણાના એક પાગલ ગામના મૂર્ખ પ્રજાજનો સુધી સુધારારૂપી પ્રકાશ નહોતો પહોંચ્યો.’

બીજા દિવસે સાંજે મારા બાપુએ કહ્યું, ‘શરીર બગાડીને આવ્યા છે તો આરામ કરે, દવા ખાય, એમનું ઘર છે –’ દાદાજીએ ઉપરાઉપરી ત્રણ ખોંખારા ખાધા. આવું બને ત્યારે એમના મૌનની મને બીક લાગતી. બોલ્યા પછી સતર્ક બનીને મારા બાપુ પણ એમની સામે તાકી રહ્યા. ‘એમનું ઘર છે. એવી સ્પષ્ટતા કરવાની જરૂર હતી ખરી? શું એ કોઈ વિવાદનો મુદ્દો છે?’ મારા બાપુ આ સાંભળીને ખૂબ હસ્યા. તરત ઊભા થઈને એ આરામખુરશી પાસે બેસી ગયા અને દાદાજીના પગ દાબવા લાગ્યા. ‘આ મને ખૂબ ગમ્યું, બાપુ.’ દાદાજી પણ હસ્યા, ‘તમે અડધા વેપારી થઈ ગયા છો એટલું તો મારે કહેવું જ પડશે. હું ઘણા વખતથી જોઉં છું –’ ‘હું તો એટલું જ કહું છું કે અત્યારે ઇતિહાસ લખવાનું મુહૂર્ત ક્યાંથી કાઢ્યું?’ દાદાજીએ હસીને કહ્યું, ‘એ તો સ્વતંત્ર છે.’ ‘કદી બે લીટીનો કાગળ લખ્યો નથી એ ચોપડી લખશે? અને રણુભા તો કહે છે કે ઠેઠ વેદોથી શરૂઆત કરવાની છે!’ તે એમાં તમારું અને મારુંં શું જાય છે. એને કાગળ અને પેન આપો. આપણા રણુભા તો ગણેશજીની જેમ સેવામાં હાજર જ છે. કંઈ કહેવાય નહીં. પેલા બોલે નહીં અને રણુભા બધું લખી નાખે.’ મેં ખુશ થતાં કહ્યું, ‘હા જી.’ ‘લોક હસશે. ફુલાવીને ફુગ્ગો કર્યો છે, બાકી વાતમાં શું છે? પાંચ પચીસ જુવાનિયાઓએ હઠ કરી અને કાચાં છોકરાં કપાઈ ગયાં. ગામ ખંડેર બન્યું તે અડધાં ઘર તો હજુ એમ ને એમ ઊભાં છે. મૂર્ખાઈ નહીં તો આ બીજું શું કહેવાય?’ દાદીમા નેવાં નીચે બેઠાં બેઠાં આંગળીથી જમીન ખોતરતાં હતાં તે એકદમ આંધળી આંખો ઊંચી કરીને બોલ્યા, ‘આ તમે કેવી ભાષા બોલો છો?’ ‘તમે છાનાં રહો.’ દાદાજીએ એમની તરફ ફરીને કહ્યું અને મોટું પંખી પાંખો સંકેલી લે એમ દાદીમાએ બે બાજુથી સાડલો વીંટી લીધો. દાદાજીને હવામાં આમતેમ જોતાં બોલવાની ટેવ હતી એટલે કંઈક શોધતા હોય એવું લાગતું. ‘આ ઘરડા માણસના આત્માને શા માટે દૂભવો છો? તમે કૉલેજ ભણ્યા અને થોડી ચોપડીઓ વાંચી એટલે વિદ્વાન થઈ ગયા પણ તમારા ભણતરમાં ન આવતું હોય એવું ઘણું હોય છે. આ કંઈ વાર્તાઓમાં આવે છે એવું નહોતું કે ક્યાંક બૂમ પડી, તલવાર ખેંચીને આંધળિયા કરતા મોટિયાર દોડ્યા અને બે માથાં વધેરાયાં. ચાર વર્ષથી વેરો ભર્યો નહોતો. રૂપિયામાં ગણીએ તો વાત નાની હતી પણ મુદ્દો એ નહોતો. અમે જ આ ધરતીના ધણી. આ નદી અમારી અને હવાપાણી અમારાં. આ હઠ લાંબી ચાલી ત્યારે કોઈ તમારા જેવું ડાહી વાતો કરનારું, તોપોની બીકે બતાવી ફોસલાવનારું નહીં મળ્યું હોય? વાત એમ છે કે આખા ગામને, ડોસાંડગરાં અને કૂતરાંબિલાડાંને પણ કપાઈ મરવું હતું. તલવારો અને ભાલા ઘડવા લુહારિયાં બોલાવ્યાં હતાં. એમણે ગામ વચ્ચે બે મહિનાથી પડાવ નાખ્યો હતો. કહે છે, છેલ્લી ઘડીએ મરનારા ખૂટ્યા ત્યારે ભઠ્ઠીઓમાંથી લાલચોળ તલવારો ખેંચીને એ લુહારિયાં તોપોની સામે દોડ્યાં. આવ્યાં હતાં રોટલો રળવા તે શૂરાતનની લહેર ભેગાં તણખા બની ઊડી ગયાં. સાત-આઠ વરસનું છોકરુંય બચ્યું નહીં. ગાડાંનાં ગાડાં ભરી આજુબાજુનાં ગામોમાંથી અનાજ આવ્યું અને કોઠાર ભરાયા. અમુક માઢમાં કૂવા નહોતા ત્યાં કૂવા ગળાયા. ડીસાથી અંગ્રેજે કૂચ કરી એ સમાચાર મળ્યા પછી સગેવહાલેથી જવાનિયા હથિયાર સજીને આવી ગયા. મંદિરો ભરાઈ ગયાં, ધર્મશાળા ભરાઈ ગઈ અને ઘેર ઘેર ઉતારા કરવા પડ્યા. લડાઈ તો આવતાં આવશે, અહીં તો અવસર મંડાઈ ગયો હતો. બકરાં કપાતાં હતાં, લાડુ બનતા હતા, કસુંબા પિવાતા હતા. આ બધા જ મૂર્ખ? લશ્કરે ત્રણ બાજુ ઘેરો ઘાલ્યો અને ચોથુ દખણાદું નાકું ઉઘાડું રાખ્યું. જેને નાસવું હોય તે નાસે. પૂરા ચોવીસ કલાક અંગ્રેજ નાળચાં ગોઠવીને બેસી રહ્યો ત્યારે કેમ કૂતરુંય ગામ છોડીને નાઠું નહીં?’ એકદમ અંધારામાંથી અવાજ આવ્યો, ‘અને મારા સસરા –’ દાદાજીએ કહ્યું, ‘હવે એ વાત –’ ‘કેમ એ વાત રહેવા દઉં?’ દાદીમાનો ધ્રૂજતો સ્વર ગાણા જેવો બની ગયો. ‘આ ભણેશરી બેઠા બેઠા દાંત કાઢે છે તે એમને બે વાત મારે કહેવી પડશે. આમ જુઓ, મારી સામે. મારા સસરા –’ ‘તે મારા દાદાજી નહીં?’ ‘હું કહું છું મારા સસરા. એકવીસ વરસના હતા, છ મહિના પરણ્યાને પૂરા થયા નહોતા પણ સૌથી પહેલા નાગી તલવાર લઈ તોપની સામે એ દોડ્યા હતા. મારા, રાજાના કુંવર જેવા સસરા –’ દાદાજી ઊભા થઈ ગયા, ‘લડાઈને તમે શું સમજો? દેહના ફુરચા ઊડી ગયા અને માથું આવીને અહીં આપણે બેઠા છીએ ત્યાં પડ્યું. એના સાત મહિના પછી મારો જન્મ થયો હતો.’

‘રણુભા, એક નિયમ આપણે સ્પષ્ટ સમજવો પડશે.’ ‘જી, કાકાબાપુ.’ આગલી રાતે થયેલી વાતો મેં બીજી સવારે આવડી તે ભાષામાં મેડીએ પહોંચાડી હતી. હું પશ્ચિમની બારીએ બેઠો હતો. કાકાબાપુ ખાટલે ચત્તા સૂતા હતા. નાની નાની વાયરી કપાળ ઉપરના ભૂખરા વાળને ઊંચકતી હતી. મેં લહેકા સાથે કહ્યું, ‘એ કાકાબાપુ, દાદીમા આમ કહેતાં હતાં – મારા સસરા! મારા, રાજાના કુંવર જેવા સસરા!’ ‘હું એ જ કહું છું. તમે કહો, આમાં કાળ ક્યાં રહ્યો? મને તો લાગે છે જાણે આ ક્ષણે આપણે બધાં આંગણામાં બેઠાં છીએ, બાપુજી આરામખુરશીમાં છે, બા ભીંતને ટેકે માળા લઈને બેઠા છે અને આપણી ચારે બાજુ દોટંદોટ અને બૂમાબૂમ થઈ રહ્યાં છે. આપણી નજર સામે એકવીસ વર્ષનો એક છોકરો છલાંગ મારીને ઘોડે ચડે છે તે જોઈ એના એંશી વર્ષના પુત્રની છાતી છલકાય છે. ઘોડો નૃત્યના લયમાં ડાબલા વગાડતો ઊપડે છે ત્યારે એ બબડે છે – એ ભાઈ, સાચવજે! માથું તોપના ગોળે ચડીને આવે છે તે માને શોધતું પંચોતેર વર્ષની આંધળી પુત્રવધૂના ખોળામાં પડે છે.’ મેં કહ્યું, ‘આ બધું ચોપડીમાં આવશે?’ ‘ચોપડીમાં તો બધું લખાશે.’ ટેબલ ઉપરના કાગળો સામે જોતાં મેં કહ્યું, ‘હજુ એકે લીટી લખાઈ નથી.’ એમણે હસીને પૂછ્યું, ‘મોટા શું કહેતા હતા?’ ‘બે લીટી કદી લખી નથી.’ એ હો હી કરીને હસ્યા અને આંખોમાં પાણી આવી ગયાં. પછી બારી તરફ હાથ લાંબો કર્યો. ‘દેખાય છે?’ મેં કહ્યું, ‘નદી, ગોંદરું, ઝાડી.’ ‘નાના હતા ત્યારે ત્યાં ખૂબ રમતા. દુનિયા બદલાઈ પણ આ નદી અને ગોંદરુંં બદલાયાં નથી. બાળક પાછો આવી ગયો છે. નદીએ છૂટ આપી છે – થોડું ૨મી લો. રણુભા, આપણી રમતમાં આકાશને પણ રસ હશે.’ થોડી વાર પછી મેં ઊભા થતાં પૂછ્યું, ‘દવા લીધી, કાકાબાપુ?’ ‘સોની દાક્તરનાં શરબત?’ હું ટેબલ પાસે ગયો અને લાલ દવા કાઢીને એમની સામે ધરી. દાદાજીએ ગણેશ કહ્યો એટલે મારામાં હિંમત આવી ગઈ હતી. રાત્રે દાદીમા પાતાં હશે.’ ‘હોવે.’ ‘બધાં સૂઈ જાય પછી બેવડા અંધારામાં ભીંતને ફફોસતાં આવતાં હશે.’ ‘તમે તો જાસૂસી કરો છો, રણુભા!’ પ્યાલાને બે હથેળી વચ્ચે ફેરવતાં એમણે કહ્યું. ‘દાદર ચડીને છેલ્લા પગથિયે બેસી રહે છે. હું કહું છું, બાસા, આપ નીચે પધારો, પોઢી જાઓ, તો એ ધીમેથી બબડે છે. ના બેટા, તમે નીંદર કરો.’ ‘નીંદર આવે છે, કાકાબાપુ?’ ‘આવે છે ને, ખૂબ મીઠી નીંદર આવે છે.’ ‘નીંદરમાં શું થાય છે, કાકાબાપુ?’ એમણે મેં નહીં પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપ્યો, ‘ના, લડાઈનાં સપના નથી આવતાં.’ ‘તો શું થાય છે?’ બધી બારીઓ ઊઘડી જાય છે, રણુભા, અને વસ્ત્રનો ત્યાગ કરે એમ મેડી ભીંતોને કાઢીને ફગાવી દે છે. મલમલના ધોળા પડદા ફર ફર ઊડે છે. મેડીની હવા એ પડદાથીય પાતળી બની જાય છે. બસ, એની વચ્ચોવચ આ ઢોલિયો ઊંચો થઈને હિલોળા લે છે.’ મુઠ્ઠીઓ વાળી દાદર ઊતરતાં મેં ઊંચા અવાજે કહ્યું, ‘અંધારામાં દાદીમા હાલરડાં ગાતાં હશે.’

એક સાથે હું સપાટાબંધ આંગણું પસાર કરતો હતો. ત્યાં ખોંખારો સંભળાયો, ‘રણુભા.’ મેં ઊંચે જોયું. મારા બાપુ એમની મેડીની બારીએ ઊભા હતા. ‘અહીં આવશો જરીક?’ પૂર્વની આ મેડી ઉપર જવાનું મારે બહુ થતું નહીં અને જાઉં ત્યારે બીક લાગતી. એની બધી ભીંતો ઉપર છેક છત સુધી ચોપડીઓનાં કબાટ હતાં. બાપુ ખૂબ ભણેલા છે એમ સહુ આક્ષેપ સાથે કહેતું. પહેલાં રાજકુમાર કૉલેજ અને પછી પૂના ભણ્યા હતા. એ પૂરું કરીને ઘેર આવીને રહ્યા પણ વર્ષે બે-ત્રણ વાર ચોપડીઓનાં પાર્સલ આવતાં. હું ઉપર ગયો એટલે એમણે ખુરશી બતાવી, ‘બેસો.’ હું બેસી ગયો. ‘ક્યાં જતા હતા?’ ‘એ તો જમાલ મીરના ઘેર.’ એમને હસવું આવ્યું, ‘અત્યારે આ ઘેર દાક્તરની જરૂર છે કે મીરની?’ એમની સામે પડકાર ફેંકતો હોઉં એમ મેં ટટ્ટાર થતાં કહ્યું, ‘માણેકગઢની લડાઈનો રાસડો જમાલ મીર પાસેથી કાગળમાં ઉતારી લેવાનો છે.’ આ બોલ્યો ત્યારે મેડી ઉપર અમે બે એકલા નહોતા, મોટા ડગલાવાળો એક માણસ મારા સમર્થનમાં આવીને મારે ખભે હાથ મૂકી ઊભો હતો. આંધળો જમાલ મીર ગળાની નસો ફુલાવી ધૂણતાં ધૂણતાં ગાતો હતો. એમાં શબ્દો નહોતા, નકરું રુદન હતું. અનેક વૃદ્ધો અને વૃદ્ધાઓ અમારી ચારે બાજુ બેસીને ડોલતાં હતાં. ‘આ ઘર ગાંડાઓનું છે, રણુભા. એક છોકરો તલવાર ખેંચીને દોડ્યો ત્યારથી આ પ્રણાલીની શરૂઆત થઈ હશે. અગાઉ કેવા પ્રકારના આવિષ્કારો થયા હશે એની માહિતી આપણી પાસે નથી. તારી સામે બેઠેલો આ તારો બાપ પણ એનાથી મુક્ત નથી, એટલે તો સારી સરકારી નોકરી કે મુંબઈ જેવી જગ્યાએ વકીલાત કરવાની તકો હતી તે છોડીને અહીં બાપીકી મેડીના અંધારામાં ચોપડીઓની ઊધઈ વચ્ચે એ ઘોરે છે. આ લડાઈ આપણે કેટલી વાર લડવાની છે અને હારવાની છે?’ બાપુની ઝીણી આંખોની આજુબાજુ કરચલીઓ હતી. એ આંખોની મને બીક લાગતી હતી. બીજું કંઈ ફાવ્યું નહીં એટલે ખિસ્સામાંના કાગળને મુઠ્ઠીમાં દબાવી રાખી મેં હઠપૂર્વક કહ્યું, ‘રાસડો ચોપડીમાં ઉતારવાનો છે.’ ‘વિચાર અદ્‌ભુત છે. તમે જશો એટલે મીરનું મડદું ઉધરસ ખાતું બેઠું થઈને ગાંગરવા માંડશે, એને બીજો ધંધો નથી. એને તો અંદરબહાર બધે રંગીન ચીંથરાં ભર્યાં છે. ચાંપ દબાવો એટલે ચીં ચીં કરીને ગાવા લાગશે. મોડું ન કરો, રણુભા, તમારું કામ તમે કરો.’ અહીં એમને ગમ્મત સૂઝી કરો એટલે વળી હાથ ઊંચો કરી મને રોક્યો અને ટેબલ ઉપરથી પેન ઉપાડી, ‘રાસડો તો કહેતા હો તો હું નવો રચી આપું. કંકુનાં ચિતરામણ કરવાનાં હોય છે એ તો મનેય આવડે અને તમે પ્રયત્ન કરો, રણુભા, તો તમે પણ બાળકલાકાર તરીકે ઊપસી આવો. હાલરડાં અને જોડકણાં મસળીને ભેગાં કરવાનાં છે. લાવો કાગળ –’ ત્યાં કંઈક બન્યું. ઠંડા પ્રવાહની જેમ શાંતિ આખી મેડીમાં ઘટ્ટ બનીને પ્રસરી ગઈ. અમે બંને એકબીજાની સામે જોઈ રહ્યા. પછી ભીંતને ભેદીને દબાયેલાં રુદન આવવા લાગ્યાં. મારા બાપુએ પેન મૂકી દીધી અને મને ખોળામાં લીધો. હવે કોઈ રાસડાની જરૂર રહી નથી, બેટા’, એમણે કહ્યું, ‘લડાઈ પૂરી થઈ.’