ફેરો/લેખક પરિચય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
લેખક પરિચય
R. Sharma 2.jpg



ગુજરાતીના એક સંમાન્ય સર્જક અને વિવેચક રાધેશ્યામ સીતારામ શર્મા (જ. ૫, જાન્યુઆરી ૧૯૩૬ – અવ. ૯, સપ્ટેમ્બર ૨૦૨૧)નું વતન ગાંધીનગર પાસેનું રૂપાલ, પણ પછી કાયમી નિવાસ અમદાવાદ. કથા-કીર્તનકાર પિતાનું અકાળે અવસાન થતાં એમ.એ.(ગુજરાતી)નો અભ્યાસ અધૂરો મૂકીને એ કથા-પ્રવચનમાં જોડાયા, પછી વર્તમાનપત્રો-સામયિકોમાં પત્રકારી લેખન કર્યું. એ સાથે જ, સાહિત્ય-લેખનની દિશા ખૂલી – યુરપીય સાહિત્યનું પરિશીલન અને ગુજરાતી સાહિત્યમાં અદ્યતનતાનું વાતાવરણ. કવિતા-વાર્તા-નવલકથા-સર્જન એકસાથે ચાલ્યાં ને ૧૯૬૮ના એક જ વર્ષમાં કાવ્યસંગ્રહ ‘આંસુ અને ચાંદરણું’, વાર્તાસંગ્રહ ‘બિચારાં’ અને નવલકથા ‘ફેરો’ પ્રગટ થયાં. ૧૯૭૪માં એમનો એક અંગ્રેજી કાવ્યસંગ્રહ ‘Negativity of Eternity’ પ્રગટ થયો – એની બે આવૃત્તિઓ થયેલી. એ પછી પણ, અદ્યતનતા અને પ્રયોગશીલતાની મુદ્રાવાળાં એમનાં કવિતા, વાર્તા, નવલકથાનાં પુસ્તકો પ્રગટ થતાં રહ્યાં. પરંતુ રાધેશ્યામની સમગ્ર કારકિર્દીનું મહત્ત્વનું કાર્ય તે તો નિરંતર અરધી સદી સુધી ચાલતું રહેલું એમનું સાહિત્ય-વિવેચન. ‘વાચના’(૧૯૭૨)થી ‘રચનાને રસ્તે ૧૦૧ કાવ્યાસ્વાદો’(૨૦૧૭) સુધીનાં ૨૦ વિવેચન-પુસ્તકોમાં એમણે સમકાલીન ગુજરાતીનાં સાહિત્ય-પુસ્તકોની સમીક્ષાઓ અને આસ્વાદો લખ્યાં – નહીંનહીં તોયે એમણે વિવિધ સ્વરૂપોનાં ૫૦૦ ઉપરાંત પુસ્તકો અવલોક્યાં ને વાર્તા-કવિતાની ૨૦૦ જેટલી કૃતિઓના આસ્વાદ-પરિચય કરાવ્યા. વિવેચક તરીકે એ જેટલા સર્વચાહક એટલા જ સંગીન રહ્યા, જેટલા સર્વગ્રાહી એટલા જ મર્મગ્રાહી પણ રહ્યા. એમનાં પુસ્તકોને ઘણી સંસ્થાઓનાં પારિતોષિકો ઉપરાંત રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો છે. સમારંભોમાં જવાનું ટાળીને એકાંતે લેખન-સાધના કરતા રહેલા અંતર્મુખી સારસ્વત રાધેશ્યામના અનર્ગળ પ્રેમાળ આતિથ્યનું પણ નાના-મોટા સૌ લેખકોને પ્રસન્ન સ્મરણ હશે. એમના લેખકત્વ જેવું જ એમનું વ્યક્તિત્વ પણ સ્નેહાદરણીય રહ્યું. –રમણ સોની