ફેરો/૪
હું સામાન અને છોકરાને સાચવતો ઊભો. થર્ડ ક્લાસની આ બુકિંગ ઑફિસની આજુબાજુ નરકનું વાતાવરણ છવાયું હતું. તપ્ત સૂરજ નીચે આવેલું આ ઈંડાના આકારનું છાપરું ગરમી ફેંકતું હતું. અનેક વર્ણ અને કોમોના માનવમેળાનો પ્રસ્વેદ, મુતરડીમાં ચીતરાયેલાં અસ્પષ્ટરેખ ચિત્ર અને પારદર્શક શબ્દો સમગ્ર વાતાવરણમાં સોઢાતાં હતાં. કિરણોની જાળ સંકેલાતાં આકાશની અંધારગંગ અહીં વહેવા લાગશે અને આ બધું .... છાપરા બહાર અમે નીકળી ગયાં. થોડે દૂર એક સાઇકલ સ્ટૅન્ડ, રક્ષકના ટેબલની છાયામાં પાયા સાથે ચેઈનથી બંધાયેલો કૂતરો આગલા બે પંજા પર માથું ટેકવી આંખ મીંચી પડ્યો છે. ટેબલ પર નંબર મારેલા બિલ્લા વેરવિખેર પડ્યા છે. સૂરજ નબળી આંખ પર ત્રાટક્યો. હું શું ભાળું છું? ક્યાંકથી કાળો ધુમાડો, ગોળ વળાંટા લેતો ઉપર ચઢવા લાગ્યો, ચઢતો જ ગયો... પછી ધીમે ધીમે કોઈ ભારે અનિષ્ટની જેમ પાછો નીચે ઊતરવા માંડ્યો, નીચે ઊતરતો અટકી પડ્યો તે મસ્જિદના એક મિનારા પાસે. મિનારાની છેક છેલ્લી ઉપરની બારીમાં એ ધૂમ્રવલય– સોયમાં જેમ કોઈ સૂત્ર પરોવતું હોય એમ પ્રવેશ્યું. (બુગદામાં પેઠેલી આ ટ્રેન પણ એ દોરા જેવી નથી?) આખો મિનારો પૃથ્વીથી અધ્ધર ઊડશે કે શું?...ટાવર ઑફ બાબેલ... મિનારા પાછળ આવેલા લીમડાને સમૂળો ઉખાડી સાથે ઉપાડી જવા અસંખ્ય અજાણ્યા પંખીઓએ શસ્ત્રોની જેમ એકીસાથે પાંખો ખખડાવી...લાલપીળું...લાલપીળું... કોઈક ઊંચાઈથી અવકાશમાં હું નીચે ફેંકાયો. ક્ષણાર્ધ. હું આધાર માટે હાથ લંબાવું છું. મૂંગા ભૈનો ખભો હાથ આવ્યો...મેં આંખો ચોળી. હાથમાં રહેલા ગોગલ્સ નાકે ગોઠવ્યાં. ચશ્માં પહેરવાની ખાસ ટેવ નહોતી...હવે બધું ઠીક લાગવા માંડ્યું. ‘એ’ કહે છે : કેમ આમ મૂઢની જેમ ખોડાઈ ગયા છો? પગ ઉપાડો ને, ગાડી ચૂકી જઈશું. ‘અરે, તું તો અંગ્રેજીનું ગુજરાતી કરીને બોલી. Shall we miss the bus? Shall we?’ હળવાશ અનુભવવા આટલું બોલ્યો. કશું બોલ્યા વિના એ ચાલવા લાગી હતી. મને હાશ થઈ. આંગળીએ રહેલો ભૈ મને ખેંચતો હતો. પેલા વિલક્ષણ દૃશ્ય વિષે હું વિમાસતો હતો. નબળી આંખવાળાનેય કંઈ આવું જાદુઈ બગદાદ નહીં ભળાતું હોય! અમે સાત નંબરના પ્લૅટફૉર્મ પર જવાનો પુલ ચઢતાં હતાં. ત્યાં કલ્પના – પેલા ધૂમ્રવલય જેવી? – સૂક્ષ્મ થઈ. પુલ નીચે એકલા ઊભેલા એક તોતિંગ એન્જિનને કાળાં કપડાંવાળા માણસો પાણી પાતા હતા. મનમાં, હું તાળો મેળવવા લાગ્યો..