ફેરો/૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search

પોળના દરવાજા બહાર ઊભેલી બરફની લારીવાળા તરફ ભૈ લાલચુ નજરે બીજા ગોળા માટે જોઈ રહ્યો છે. (કાયમ ભૈનું કપાળ ટાઢું હેમ રહે છે.) પણ હું ગણકારતો નથી. છોકરાં લારીની આસપાસ વીંટળાઈ વળ્યાં છે. પાસે દરજીની દુકાને કબજાની બાંયો તંગ કરવા એક પ્રૌઢા સૂચવે છે, અને એક આંખ મીંચી બીડી ફૂંકતો દરજી અર્ધી પેન્સિલથી કાપડ ઉપર કંઈક નોંધી રહ્યો છે. સામે છે હજામની દુકાન. મેં ગરદન ઉપર હાથ... હાશ! લીલા નાળિયેર પર ફેરવ્યા જેટલો સંતોષ થયો. હું ચાલુ ફૅશન મુજબ કેચીથી જ કટિંગ કરાવવાનો આગ્રહી નથી. હું તો નંબરી મશીન જ ફેરવાવું છું – ખાસ કરીને કાન પાછળ અને ગરદન ઉપર, હજામ ઘણી વાર કહે છે, તમારે ઘરડાઘરમાં દાખલ થવું જોઈએ. આટલું વળી ઓછું હોય તેમ ગરદન પર સાબુનો હાથ લગાવી સાફ તાજી કરાવું છું ત્યારે શૉપનું નોંધપાત્ર પાત્ર બની જાઉં છું. (ભૈનો નાજુક હાથ પકડી ‘તાજી’ પર ફેરવાવાનો આનંદ કંઈ ઓર જ છે.) હવે તો કેટલીક વાર ત્યાં બેઠેલ ઘરાકો પણ મને જોતાં ‘આવો મુરબ્બી’ એવી મશ્કરી પણ કરે છે. કરે. ટેવનું આવું છે. એક વાર ટેવ પડી ગઈ તો જાણો કે ભારે માલવાહી ટ્રકના ચીલા. એ ટેવ કુટેવ છે કે સુટેવ એવો પ્રશ્ન પછી રહેતો નથી. અરે અઢી તો થવા આવ્યા. રોડ ઉપર રિક્ષા એક પછી એક આવ્યા જ કરે છે, પણ ભરેલી. આખરે એક ખાલી રિક્ષા દેખાઈ. આવતાંવેંત ઝડપી લીધી. સૂટકેસ થેલી મૂકીને અમે ત્રણે જણાં બેસી ગયાં. ‘મીટર ફેરવજો.’ મેં કહ્યું. ‘ક્યાં?’ પંજાબી રિક્ષાવાળો. ‘મીટર...’ આગળ બોલતાં બગાસું આવ્યું. ‘ઉતર જાઓ, આયે હૈં બડે મીટરવાલે, રિક્ષા કા ભી મુંહ ભી દેખા હૈ?’ રિક્ષાવાળાના કરડા ચહેરામાં ઑફિસના શેઠ દેખાયા. રકઝક કર્યા વિના નોકરી જવાની બીક લાગી હોય એમ તરત હું તો ઊતરી ગયો. પેલાએ રિક્ષા મારી મૂકી. પત્ની મને લડી. ભૈ મારી સામે અનુકંપાથી તાકી રહ્યો હતો. અમારા બે વચ્ચે ઘરમાં ઝઘડા થાય કે ભૈ આમ જ તાકી રહે છે. ભૈની એક ખાસિયત છે કે આમ અનુકંપાથી મારી સામે તાકતો જોઉં કે એ પહેલાં પોતાના ખિસ્સામાં કંઈ કાઢતો હોય એમ હાથ નાખી પછી ખાલી હાથ બહાર લાવી કપાળ પર સરકી આવેલા વાળની લટ તરત ઊંચે ચઢાવી દે છે. હું વાર્તા લખવા બેઠો હોઉં ત્યારે એથી ઊલટું મારા ખિસ્સામાં હાથ નાખી, સામા મેજ પર ચઢી જાય અને પછી મારા વાળમાં હાથ ફેરવી લે. ખિલખિલ હસે, કાં તો મેજ પર પડેલાં મારાં ગૉગલ્સ મને પહેરાવાનો આગ્રહ કરે. બીજી રિક્ષા આવી. આ રિક્ષાવાળાએ વગર કહ્યે મીટર ફેરવ્યું અને સ્ટેશન લઈ ગયો. રિક્ષામાં ગુલાલવર્ણું પવિત્રું ચઢાવેલો. યુ.પી.ના ભૈયાના ચહેરાને મળતો કોઈનો ફોટો હતો. મીટરમાં પિસ્તાળીસ આવ્યા. મેં સિત્તેર આપ્યા. પેલો કહે, ‘મારે ન જોઈએ.’ બક્ષિસ આપતો હોઉં એવા ભાવથી ‘રાખો ને’ કહ્યું ત્યારે સિગારેટ સળગાવી હિંદીમાં બોલ્યોઃ ‘હરામ કી એક પાઈ હમેં નહીં ચાહિયે, મેરે ભાઈ કે મરને કે વક્ત મૈને બોલા હૈ, રિક્ષા ઉનકી હૈ....’ હું જોતો રહ્યો. એ જતો રહ્યો. બીજી રિક્ષાઓના ધણમાં તેની રિક્ષા ક્યાં ખોવાઈ ગઈ તે હું તારવી ન શક્યો.