બાપુનાં પારણાં/૧ અંતરની આહ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧ અંતરની આહ
[૧] અંતરની આહ


('૩૧માં ગાધીજી ગોળમેજી પરિષદમાં જતા અટક્યા ત્યારે}

મને સાગરપાર બોલાવી ઓ બ્રીટન!
આદરમાનભર્યાં દઈ ઈજન,
બાંધવતા કેરાં બાંધીને બંધન

આખર આજ મતિ બિગડી:
રૂડી શ્વેત ધજા રગદોળી રહી! ૫
અયિ! અમૃત ચોઘડિયાં ગડિયાં
ત્યારે કેમ હળાહળ ઘોળી રહી!

મારા કોલ પળાવવા કારણિયે
ખાંડ્યા ખેડૂતોને મેં તો ખાંડણિયે,
એનાં ધાન લીધાં કણીએ કણીએ, ૧૦
'ખપી જાઓ, વીરા મારા,
નેકીને ખાતર!'
એમ ધૂમ્યો વિનવી વિનવી,

  • ચાર ગીતોમાં ગાંધીજીની જુદા જુદા પ્રસંગોની મનોદશા વર્ણવેલી છે.

ત્યારે વાહ સુજાન! ઈમાનદારી કેરી
વાત તારી તો નવી ને નવી!

હું 'સુલેહ! સુલેહ! સુલેહ!' રટ્યો; ૧૫
નવ નેકીને પંથેથી લેશ હટ્યો,
દિલે તારેથી તો યે ન દંશ મટ્યો,

તું 'ડરાવ! દબાવ! ઉડાવ!' વિના
બીજો દાવ એકેય શીખી જ નથી!
તુંને શું કહું માનવની જનનિ! ૨૦
વશ થાય પશુ પણ વાલપથી.

મારા ખેડુને માર: મને તંહીં મેફિલ!
અહીં ગોળીબાર: ત્યાં કૂજે કોકિલ!
અહીં કાળાં કારાગાર: ત્યાં મંજિલ!

ખૂબ સહ્યાં અપમાન, ગળ્યાં વિષપાન; ૨૫
હવે મને રોકીશ ના!
મારાં સ્થાન માતા કેરી ઝુંપડીએ:
મને મેફિલમાં ઘેલી! ગોતીશ ના.

અહીં છે, અહીં છે, મુગતિ અહીં છે;
નથી ત્યાં, નથી ત્યાં, બીજે ક્યાં, અહીં છે; ૩૦
પ્યારી મા-ભૂમિની ધરતી મહીં છે.
એને શોધીશના દિલ! સાગરપારની
તેજભરી તકરાર વિશે,
એનો રાખીશ ના ઇતબાર હવે
બીજી વાર કો' કોલકરાર વિશે! ૩૫

વળી જાઓ, રે વ્હાણ વિદેશ તણાં!
મારે હૈયે તો કોડ હતા ય ઘણા
સારી સૃષ્ટિના સંતસમાગમના.

મારેહોંશ તો ખાસ હતી મારા ખૂનના
પ્યાસી જનોના મિલાપ તણી; ૪૦
મારે હામ હતી ભૂખ્યા સિંહોને બોડમાં
પેસીને પીઠ પંપાળવાની.

મહાસિંધુની ઓ લહરી લહરી!
તમ બિન્દુ યે બિન્દુની જીભ કરી
વદજો સારા વિશ્વને તીર ફરી – ૪૫

જગબાંધવતા કેરા વૈરીજનોને ન
ગાંધીનું પ્રેમપ્રયાણ ગમ્યું;
દારૂગોળાના વારસદારને નગ્ન
ફકીરનું નેત્રસુધા ન ગમ્યું. ૪૯