બારી બહાર/૯૨. દિલડું જીત્યું નહી !

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૯૨. દિલડું જીત્યું નહી !

ના, ના, ના, ના, નહિ,
તેં તો મારું દિલડું જીત્યું નહિ !
તેં તો છે માણિયા વાસંતી વાયરા, આંધીને ઓળખી નહીં;
પાણીથી પોચી છે તારી તો પ્રીતડી, શકે નહિ દુ:ખડાં સહી.
તેં તો મારું દિલડું જીત્યું નહીં !
તેં તો છે મીઠપની પીધી મટુકીઓ, ઝેરની અંજલિ નહીં;
ફૂલોની સેજમાં હૈયું સુવાડિયું : વજ્જરમાં કેમ શકે રહી !
તેં તો મારું દિલડું જીત્યું નહીં !
તારાં તો ગીતમાં જોઉં અતીતને, આગમની વાણી નહીં;
તારા તો થંભેલા જોઉં છું પાયને, હૈયામાં થેઈ થેઈ નહીં !
તેં તો મારું દિલડું જીત્યું નહીં !
તું તો છે શ્રાવણ ને માગું અષાઢ હું, ચાહું સરવડાં નહીં;
ડહેકા દિયે છે મારું હૈયું જે હેલીએ, એવી તું નહિ શકે દઈ !
તેં તો મારું દિલડું જીત્યું નહીં !