બાળ કાવ્ય સંપદા/મને ગમે છે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મને ગમે છે

લેખક : વિરંચિ ત્રિવેદી
(1947)

મને ગમે છે મારા જેવું
હસતું રમતું પેલું ઝરણું
વા’તા વા’ની સામે કાયમ
વાતો કરતું પેલું તરણું...

કૂદકા મારી આગળપાછળ
સદાય ધપતું પેલું હરણું
હરિયાળી જાજમના જેવું
ધરતી ઉપરનું પાથરણું...

કોની પીંછીથી રંગાઈ
ઘાસ બને છે હરિતવરણું
રંગ ભરેલું દૃશ્ય ક્ષિતિજ
ન હો ઉગમણું કે આથમણું...

ડાળી ઉપર પુષ્પ ગમે છે
ઝૂલા ખાતું નાજુક નમણું
ભરતી વેળા અશ્વ બનીને
આવે જ્યાં મોજું સાગરનું...

અષાઢ માસે વીજ ચમકતી
ને આભે ગર્જન વાદળનું
અને રૂપેરી પૂનમ રાતે
વરખ વરસતું હો ચાંદરણું...