બોલે ઝીણા મોર/ખાલી ખુરશી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ખાલી ખુરશી

ભોળાભાઈ પટેલ

તડકાનો તાપ ધખે છે
જનહીન બપોરની વેળાએ.
ખાલી ખુરશી તરફ જોઉં છું,
ત્યાં સાન્ત્વનાનો લેશ નથી.
તેના હૃદયમાં ભરેલી
હતાશાની ભાષા જાણે હાહાકાર કરે છે.
કરુણાથી ભરેલી શૂન્યતાની વાણી ઊઠે છે.
તેનો મર્મ પકડાતો નથી.
માલિક ગુમાવેલો કૂતરો જેમ કરુણ દૃષ્ટિએ જુએ છે,
તેમ અબુઝ મનની વ્યથા હાય હાય કરે છે.
શું થયું, કેમ થયું, કંઈ સમજતી નથી.
દિનરાત વ્યર્થ આંખે ચારેકોર શોધે છે.
ખુરશીની ભાષા જાણે એથીય વધારે કરુણ અને કાતર છે.
શૂન્યતાની મૂક વ્યથા પ્રિયહીન ઘરને વ્યાપી વળે છે.

શાંતિનિકેતનના રવીન્દ્રભવનમાં એક દર્શનીય વિભાગ તે રવીન્દ્ર-મ્યુઝિયમ. પાંચેક વર્ષ પહેલાં ૧૯૮૩માં આ મ્યુઝિયમને નવેસરથી અત્યંત પ્રભાવાત્મક રીતે ગોઠવવામાં આવ્યું છે. આપણી પાસે થોડો નિરાંતનો સમય હોય અને આપણા દેશના આ મહાન કવિ રવિ ઠાકુર વિષે થોડું પણ જાણતા હોઈએ તો આ મ્યુઝિયમની ઘણી તસવીરો અને ઘણી વસ્તુઓ આગળ ઊભા રહી જવું પડે, એ દરેકનો એક એક ઇતિહાસ હોય – કંઈ નહીં તો કવિજીવનની એક કહાણી એની સાથે ગૂંથાયેલી હોય. સમગ્ર મ્યુઝિયમ જોતાં એમ થાય કે સાચે જ શું કોઈ એક મનુષ્યજીવન આટલું બધું વૈવિધ્યભર્યું, આટલું બધું સમૃદ્ધ હોઈ શકે? એકમાત્ર ગાંધીજીનું આપણને સ્મરણ થાય.

આ મ્યુઝિયમમાં એક ખુરશી છે. સૉફાના જોડની જેવી મોટી ખુરશી હોય તેવી સામાન્ય ખુરશી કરતાં પહોળી અને પોચી ગાદીવાળી આ ખુરશી આગળથી ઘણા દર્શકો વેગથી પસાર થઈ જાય છે. કદાચ ખુરશીની બાજુમાં તકતી પર વાંચતા પણ હશે કે, ‘વિક્ટોરિયા ઓકામ્પોએ ભેટ આપેલી ખુરશી.’ કદાચ એથી વિશેષ કશું નહિ કે કવિને અનેક દેશોમાંથી મળેલી અનેક ભેટોમાંની એક. બહુ બહુ તો કોઈના મનમાં એટલો જ પ્રશ્ન થાય કે ખુરશીની ભેટ આપનાર કોણ હશે. વળી ખુરશીમાં એવું અસાધારણ કશું નથી કે, આવી એક એક ચીજ કાળજીથી પસંદ કરાયેલ મ્યુઝિયમમાં મૂકવી જ પડે.

પરંતુ રવીન્દ્રનાથના જીવનને, કવિતાને, ચિત્રોને જાણનાર ત્યાં અવશ્ય ઊભો રહી જશે. આ કોઈ સામાન્ય ખુરશી નથી. કવિ રવીન્દ્રનાથના ઉત્તરજીવનનું એક પ્રચંડ ઊર્મિમય પ્રકરણ એની સાથે જોડાયેલું છે. સમકાલીનોમાં કલાપી જેવા કવિના ઊર્મિમય જીવનને બાદ કરતાં ભાગ્યે જ કવિ કલાકારને કેન્દ્રમાં રાખીને કવિતા, કથા, નાટક કે ફિલ્મની રચના થઈ હોય – મારો મતલબ છે એમના પ્રેમને કેન્દ્રમાં રાખીને. એ કથા ગોપન જ રહે છે. એ ગોપન રહે તે ઠીક પણ છે – જોકે સાહિત્યવર્તુળોમાં એ વિષે ‘ગૉસિપ’નો પાર નથી હોતો.

રવીન્દ્રનાથની સાથે જેમને સરખાવી શકાય એવા બે યુરોપીય સાહિત્યકારોનું અહીં તરત સ્મરણ થશે. જર્મન કવિ ગટે અને ફ્રેંચ સાહિત્યકાર વિક્ટર હ્યુગો. ગટેના જીવનમાં ૮૦ વર્ષે થયેલા પ્રેમ વિષે ‘અષ્ટમ પ્રણય’ – આઠમો પ્રેમ એ નામથી કોઈએ કવિતા કરી છે. ગટેનો એ આઠમો પ્રેમપ્રસંગ હશે. વિક્ટર હ્યુગોના પ્રણયજીવન વિષે વાંચવું હોય તો કવિ નિરંજન ભગતે લખેલી વિક્ટર હ્યુગોના જીવનની પરિચયપુસ્તિકા વાંચવી રહી.

આપણી ભારતીય દૃષ્ટિએ આવું બધું નોંધવા, ચર્ચવા કે લખવાનો રિવાજ નથી, વૈજ્ઞાનિક વિશુદ્ધ જીવનચરિત્રની દૃષ્ટિએ પણ નહીં. મહાપુરુષોના જીવનની આજુબાજુ એક હેલો – તેજ-વર્તુળ રચી દેવામાં આવે છે, જેમાં એમની માનવસહજ છવિ ઊપસતી નથી. ગાંધીજી કે રવીન્દ્રનાથ એમાં અપવાદ નથી.

જો રવીન્દ્ર-મ્યુઝિયમની આ ખુરશીની વાત કરવા બેસીએ તો કદાચ એક ભવ્ય કરુણાંત પ્રેમની નવલકથા રચી શકાય. સ્વયં રવીન્દ્રનાથે એ ખુરશી વિષે પોતાના મૃત્યુના કેટલાક મહિના પહેલાં એક નાનકડી કવિતા રચી છે, જેની ચૌદ પંક્તિમાં અથાહ વિરહવેદનાનો દબાયેલો મહાસાગર ઘૂમરાય છે. શ્રી નગીનદાસ પારેખના ગુજરાતી અનુવાદમાં એમનો પંક્તિક્રમ મૂળ પ્રમાણે ફેરવી અહીં આપી છે એક કવિતા, ‘શૂન્ય ચૌકિ’ – ‘ખાલી ખુરશી’.

આ ખુરશી પાસે જઈને ઊભાં રહેતાં મને હમેશાં આ કવિતા યાદ આવી જતી. એ સાથે સ્મરણમાં આવતી રવીન્દ્રનાથની ઈ.સ. ૧૯૨૪ના વર્ષમાં દ. અમેરિકાના આર્જેન્ટિનાની શતાબ્દી ઉજવણીમાં ત્યાંની સરકારના આમંત્રણથી ત્યાં હાજર રહેવા જતા કવિને બીમાર પડતાં લગભગ બે માસ પાટનગર બુએનોસ એરિસમાં રહેવું પડ્યું. એ વખતે એમના આતિથ્ય અને સેવા-સરભરાનો આખોય ભાર ઉપાડી લીધો ત્યાંની એક જાજરમાન યુવતી વિક્ટોરિયા ઓકામ્પોએ. રવીન્દ્રનાથ ત્યારે સાઠ શરદો વટાવી ચૂક્યા હતા અને વિક્ટોરિયાએ માંડ ત્રીસ વસંતો જોઈ હતી.

પણ એક હિમાદ્રિભવ્ય ભારતીય કવિપુરુષ અને સાત સમંદર પારની આ ગર્ભશ્રીમંત તેજસ્વી પ્રાણોચ્છલ પ્રણયવિહ્વલ સ્પેનિશ નારી વચ્ચે કંઈક એવું બની ગયું, જેથી બંનેના જીવનમાં એક શાંત ઝંઝાવાત વાતો રહ્યો, જીવનના અંત લગી — નહિતર આ કવિતા ક્યાંથી રચાઈ હોત? રવીન્દ્રનાથ જ્યારે લગભગ બે માસ વિક્ટોરિયા ઓકામ્પોની ‘દેખરેખ’માં રહ્યા પછી ઇટલી થઈને ભારત આવવા નીકળ્યા ત્યાં કામ્પોએ જહાજયાત્રા વખતે કવિ આરામથી બેસી શકે તે માટે આ ખુરશી આપેલી અને જહાજની કૅબિનમાં મૂકવા જતાં દ્વાર સાંકડું પડતાં વિક્ટોરિયાએ પોતાનો પ્રભાવ વાપરી જહાજની એ કૅબિનનાં બારણાં કાઢી, અંદર ખુરશી મૂકી, ફરી જોડાવેલાં. એ ખુરશીમાં કવિને સાચે જ ‘આરામ’ મળેલો.

એક અજાણ્યા યાત્રીને વિદેશમાં આશ્રય આપનાર ઓકામ્પો કોણ હતી? એ શું રવીન્દ્રનાથને ઓળખતી હતી? એ તો રવીન્દ્રનાથને મુખોમુખ તો પહેલી વાર જોતી હતી, પણ રવીન્દ્રનાથને એ અંગ્રેજીમાં, ફ્રેંચમાં અને સ્પેનિશમાં વાંચી ચૂકી હતી. એના જીવનમાં લાગણીની કટોકટીના દિવસોમાં ‘ગીતાંજલિ’ એના હાથમાં આવેલી અને વાંચતાં વાંચતાં એ રડતી ગઈ અને રડતાં રડતાં વાંચતી ગઈ. ‘ગીતાંજલિ’ની કવિતાઓ વાંચતાં વાંચતાં એની આંખે શ્રાવણભાદરવો વરસેલા એવું એણે પોતે લખ્યું છે — ‘રિવર્સ ઑફ ટિયર્સ.’ ૧૯૧૪નું એ વર્ષ. વિક્ટોરિયા ત્યારે ચોવીસ વર્ષની તરૂણ હતી.

‘ટાગોરના ઈશ્વર! તમે મને સાંભળો છો..?’ એમ કહી એ વખતની પોતાની વ્યથા-કથા પછી એણે પોતાની આત્મકથામાં લખી છે. ‘આઇ વેપ્ટ વિથ ડિસ્પૅર ઍન્ડ ટેન્ડરનેસ.’ એક વખત એણે લખ્યું, પછી લખ્યું – ‘આઇ વેપ્ટ વિથ જૉય ઍન્ડ ટેન્ડરનેસ.’ ડિસ્પૅર – નિરાશા; જૉય – આનંદ, ટેન્ડરનેસ – શું કહીશું એ ભાવને? વિમિશ્ર પ્રતિભાવોથી એણે ‘ગીતાંજલિ’ની કવિતાઓ વાંચેલી. પોતાના પ્રણયજીવનની કટોકટીમાં એ ટકી ગઈ. ટાગોરની એ અનુરાગિની બની ગઈ હતી. રવીન્દ્રનાથનું આતિથ્ય કરવું એ એના જીવનમાં ધન્યતાનો અનુભવ હતો.

અને રવીન્દ્રનાથ? એમના જીવનમાં આ નારી પુનર્નવા બનીને આવી. પુનર્નવા – જીવનને ફરીથી નવું બનાવનાર. કવિએ એનું ભારતીય નામ આપ્યું ‘વિજયા.’ આ દિવસોમાં લખાયેલાં કાવ્યોનો સંગ્રહ ‘પુરબી’ આ વિજયાને અર્પણ થયો છે. તો શું રવીન્દ્રનાથ આ ‘વિજયા’ના પ્રેમમાં પડ્યા હતા?

હા, રવીન્દ્રનાથને જાજરમાન આર્જેન્ટિનિયન લેખિકા વિક્ટોરિયા ઓકામ્પો માટે પ્રેમ જાગ્યો હતો.

અને વિક્ટોરિયા ઓકામ્પોને રવીન્દ્રનાથ માટે? એનો ઉત્તર પણ દૃઢ હકારમાં આપી શકાય એવા આધારો સંશોધકોની સામગ્રીમાં મળી આવ્યા છે.

શાંતિનિકેતન રવીન્દ્રભવનના અભિલેખાગારમાં ઓકામ્પોએ રવીન્દ્રનાથને લખેલા પત્રો સચવાયા છે. પણ સૌથી અધિકૃત આધાર તો કવિ રવીન્દ્રનાથનું ૧૯૨૪ પછીનું સર્જન છે – અનેક કાવ્યો અને ચિત્રોમાં આ પ્રમાણ મળી આવે છે. કદાચ ચિત્રો કરવાની પ્રેરણાના મૂળમાં વિક્ટોરિયા ઓકામ્પો છે. ટૂંકમાં રવીન્દ્રનાથના જીવનનાં છેલ્લાં અઢાર વર્ષોના સર્જનમાં એ પ્રેરણાદાયી ગણાઈ છે.

રવીન્દ્રનાથને ‘પુરબી’ કાવ્યસંગ્રહ વાંચતાં કે ‘ખાલી ખુરશી’ જેવી કવિતાઓ વાંચતાં વિક્ટોરિયા-રવીન્દ્રનાથના પ્રકરણની પશ્ચાત્‌ભૂમિકા એમના જીવનચરિત્રકારોએ પણ લક્ષ્યમાં રાખવાની વાત કરી છે.

પરંતુ હમણાં સાહિત્ય અકાદેમી, દિલ્હી તરફથી અંગ્રેજીમાં એક મોટું પુસ્તક બહાર પડ્યું છે, જેનું નામ છે : ‘ઇન્ યોર બ્લોસમિંગ ફ્લાવર ગાર્ડન’. એનાં લેખિકા છે શ્રીમતી કેતકી કુશારી-ડાયસન. શ્રીમતી કેતકી જન્મે બંગાળી છે, અંગ્રેજને પરણ્યા છે. પિતાની અટક કુશારી છે અને પતિની અટક ડાયસન છે. એટલે બન્ને બાજુ યોગ રાખી પોતાના નામ કેતકી સાથે કુશારી-ડાયસન એવી લાંબી અટક લખે છે. પુસ્તકનું શીર્ષક રવીન્દ્રનાથની એક કવિતાની પંક્તિ ‘તોમાર વિક્ચ ફૂલ બને’ એ બંગાળી શબ્દો પરથી છે. ‘તારા ખીલેલા પુષ્પવનમાં’ એટલે સાન ઈસિદ્રોમાં વિક્ટોરિયાની સન્નિધિમાં.

‘ઇન યોર બ્લોસમિંગ ફ્લાવર ગાર્ડન’માં ડૉ. કેતકી કુશારી-ડાયસને રવીન્દ્રનાથ-વિક્ટોરિયાના સમગ્ર પ્રકરણને ભરપૂર આધારો સાથે આજના વાચકો સમક્ષ પ્રકાશમાં લાવવાનો પ્રયત્ન કર્યો છે. એ આધારોની તપાસમાં એમણે શાંતિનિકેતનના અભિલેખાગારને તળે-ઉપર કર્યું છે. છેક દક્ષિણ અમેરિકાના આર્જેન્ટિનામાં ઓકામ્પોના અભિલેખાગારમાં જઈ નાનીમોટી ચિઠ્ઠી-ચબરખીઓ તપાસી છે. ઉપરાંત ઓકામ્પો રવીન્દ્રનાથના અભિસંધાન પ્રસંગે ઉપસ્થિત રવીન્દ્રનાથના અંગ્રેજ રહસ્યમંત્રી લિયોનાર્ડ એલ્મહર્સ્ટના ડાર્ટિન્ગ્ટન હૉલના ઇંગ્લૅન્ડમાંના અભિલેખાગારને પણ ઝીણવટથી તપાસ્યું છે.

આ તો બધાં બહિર્સાક્ષ્ય, આંતરસાક્ષ્ય તરીકે રવીન્દ્રનાથ અને ઓકામ્પોના સાહિત્યસર્જનને પણ તપાસવાનો અને બહિર્સાક્ષ્યના પ્રકાશમાં આંતરસાક્ષ્યને આલોકિત કરવાનો, એનું અર્થઘટન કરવાનો બહુઆયામી વિદ્વત્તાસભર પ્રયાસ કર્યો છે.

પરંતુ રવીન્દ્રનાથ અને ઓકામ્પો પરસ્પરના પ્રેમમાં હતાં કે નહિ, એ પ્રેમમાં હતાં તો એ પ્રેમનું ‘સ્વરૂપ’ કેવું હતું, એ તપાસનો ઉપક્રમ અત્યંત નાજુક છે – અપવાદો ઓઢાડી દેવામાં વ્યાકુલ ભારતીય માનસ સમક્ષ તો વધારે જોખમકારક પણ. એક વૈજ્ઞાનિકની જેમ બધી સામગ્રી એમણે તપાસી છે, એક મનોવૈજ્ઞાનિકની જેમ એમણે રવીન્દ્ર-ઓકામ્પોનાં માનસિક સંચલનોને એ સામગ્રીના આલોકમાં વ્યાખ્યાયિત કર્યાં છે.

૧૯૮૩ના આખા વર્ષ માટે શાંતિનિકેતનમાં તુલનાત્મક ભારતીય સાહિત્યમાં મુલાકાતી ફેલો તરીકે હું નિમંત્રિત થયો હતો. ૧૯૮૩ની વર્ષાઋતુમાં ડૉ. કેતકી કુશારી-ડાયસન બે માસ માટે મુલાકાતી ફેલો તરીકે છેક ઑક્સફર્ડથી આવ્યાં. તેઓ ઑક્સફર્ડનાં પીએચ.ડી. છે અને પતિની સાથે રહે પણ ત્યાં છે.

એ આવવાનાં છે એવી વાત હતી. એ પણ રવીન્દ્રભવનમાં મારી જેમ બેસવાનાં હતાં. સદ્ભાગ્યે વ્યવસ્થા એવી થઈ કે અમારા બન્નેના અધ્યયન-કક્ષ પાસે આવ્યા. થોડાક જ સમયમાં શ્રીમતી કેતકી આત્મીય સ્વજન જેવાં બની ગયાં. એ વખતે શાંતિનિકેતનમાં બાંગ્લાદેશની ઢાકા યુનિવર્સિટીના બંગાળીનાં અધ્યાપિકા શ્રીમતી સંજીદા ખાતૂન પણ સંશોધન માટે આવેલાં. સંજીદા દીદી (હું એમને દીદી કહેતો) રવીન્દ્રસંગીતનાં પ્રસિદ્ધ ગાયિકા. એમના પણ નિકટના પરિચયમાં આવવાનું બન્યું. ઘણી વાર સાંજે અમારી ગોષ્ઠીઓ જામી પડતી. ‘ગાઓ’ એમ કહીએ એટલે કોઈ પણ આગ્રહ કરાવ્યા વિના સંજીદા દીદી ગાય. ઘણી વાર તો એ જ સવારે ઢાકા રેડિયો પરથી પ્રસારિત થયેલું એમનું ગીત ગાવાનો આગ્રહ પણ કરું. આવે વખતે કેતકી કુશારી-ડાયસન પણ હોય. કેતકી કુશારી-ડાયસનના સંશોધનનું ક્ષેત્ર ‘રવીન્દ્રનાથ અને વિક્ટોરિયા ઓકામ્પોનો પત્રવ્યવહાર’ સુધી સીમિત હતું. પણ એ ઘણાં ઊંડાં ઊતર્યાં.

કેમ કે તેઓ આ કામ માટે શાંતિનિકેતન આવ્યાં તે પહેલાં બંગાળીમાં એક નવલકથા ‘રવીન્દ્રનાથ ઓ વિક્ટોરિયા ઓકામ્પોર સંધાને’ લખી ચૂક્યાં હતાં. એ પ્રકટ થઈ નહોતી, પણ એ વિષે એમણે મને વાત કરેલી. એ વિશિષ્ટ શૈલીની નવલકથા છે. તેમાં નવલકથાની સાથે સંશોધનનાં પ્રકરણ ગૂંથી લેવામાં આવ્યાં છે. એની નાયિકા એક સંશોધનકર્ત્રી છે, જે ઓકામ્પો અને રવીન્દ્રનાથના સંબંધો વિષે સંશોધન કરે છે – અને પછી એના પોતાના જીવનમાં પણ જે બને છે તેથી રચાય છે આ નવલકથા.

એક વાર કેતકી કુશારી કહે છે, ‘આ નવલકથાની હસ્તપ્રત વાંચી મારી માએ કહ્યું, ‘આ એક પ્રકરણ તું કાઢી નાંખ.’ પછી મને પૂછ્યું, ‘પ્રકરણમાં શું હોવાનું તમે અનુમાન કરો છો?’ કહ્યું, ‘એમાં શયનગૃહનું દૃશ્ય હશે.’ કહે, ‘બરાબર’. મારી માએ કહ્યું કે ’વાચકો ધારી લેશે કે તારા જીવનની એ ઘટના છે.’ પછી કહે, ‘સ્ત્રીઓ લખે ત્યારે લોકો આવું અનુમાન કરવા સહેલાઈથી પ્રેરાય છે.’

એ નવલકથા પછી મેં વાંચી છે, અને એમની વાત ઘણી વાર સાચી લાગી છે. સ્ત્રી-કથાકાર ભાગ્યે જ આટલી હિંમત સ્ત્રી-પુરુષના સંબંધોના નિરૂપણમાં કરી શકે, અને એમાં સ્ત્રી-અનુભૂતિની વાત. ઘણા વાચકો લેખિકાના જીવનની ઘટના તરીકે વાંચવા પ્રેરાય.

પરંતુ ‘ઇન યોર બ્લોસમિંગ ફ્લાવર ગાર્ડન’ વાંચતાં એવું લાગ્યું કે, લેખિકા પાસે એક એવી અંતર્દૃષ્ટિ છે, જે પ્રેમ જેવા અતિ સૂક્ષ્મ મનોવ્યાપારનું ઉચિત પરિપ્રેક્ષ્યમાં વિશ્લેષણ કરી શકે છે.

‘ખાલી ખુરશી’ કવિતા વિષે લખતાં એમણે કહ્યું છે કે, ‘એ રચનામાં એકાકી પડી ગયેલા રવીન્દ્રનાથે જીવનના અંતિમ દિવસોમાં ઓકામ્પોએ આપેલી ખુરશી નિમિત્તે કરેલું ઓકામ્પોનું સ્મરણમાત્ર જ નથી. અવશ્ય ખાલી ખુરશીના હૃદયમાં હતાશાની ભાષા હાહાકાર કરે છે, અને ત્યાંથી કરુણા અને શૂન્યતાની વાણી ઊઠે છે, જેનો મર્મ પકડાતો તો નથી.’

પણ આ ‘ખાલી ખુરશી’ તો પ્રતીક છે પ્રિય વિમુક્ત એકાકી મનુષ્યનું – એ ‘ખાલી ખુરશી’ એ રીતે સ્વયં રવીન્દ્રનાથ છે, ઉત્તરજીવનમાં કીર્તિના તેજવર્તુળ વચ્ચે એકલા-અટૂલા.

રવીન્દ્રનાથ અને વિક્ટોરિયા ઓકામ્પો વચ્ચે થયેલો પત્રવ્યવહાર બે સંવેદનપ્રવણ સર્જકતાનો સંસ્પર્શ ધરાવે છે. એમના સંબંધોના પ્રેમોજ્જ્વલ પ્રકરણ વિષે વાંચ્યું હતું; પણ શાંતિનિકેતનના રવીન્દ્રભવનમાં આ વિષેની કેતકી કુશારી-ડાયસન સાથેની આ વિષેની ચર્ચા હંમેશાં ઉત્તેજક રહેતી. ત્યારે શાંતિનિકેતનમાં વર્ષાઋતુ હતી. અષાઢમાં વાદળ ઘેરાતાં અને અચૂક વરસી પડતાં. વરસાદ પડવા માંડે એટલે અમે બન્ને બહાર બાલ્કનીના દ્વારે ઊભાં રહી વર્ષાની ધારાને ઝીલતાં શ્વેત ચંપા-પુષ્પો અને આશ્રમનાં પુરાતન વૃક્ષોને જોતાં રવીન્દ્રનાથનાં કાવ્યો અને પત્રોની વાતો કરતાં. પપીહાનો ભીનો અવાજ આખા આશ્રમને ભરી દેતો.

કેતકી કુશારી કહે, ‘ગુરુદેવ પર કેટકેટલાં લોકોના કેટકેટલી જાતના પત્રો આવતા!’ ઓકામ્પોના પત્રોની વાત કરતાં કરતાં એક બીજી ફ્રેંચ સન્નારી આન્દ્રે સાથેના પત્રવ્યવહારની એક દિવસે વાત કરી. ‘નૉટી ગુરુદેવ!’ કહી એમણે આન્દ્રેના પત્રોમાંથી કેટલાક અંશ વાંચી સંભળાવ્યા. એ પત્રોમાં એક પ્રકારનો રાગ દેખાય, પરંતુ એ કદાચ વિશુદ્ધ રાગ હશે, નિર્દોષ.

એક દિવસે અભિલેખાગારમાંથી કેતકી બીજી એક વ્યક્તિના પત્રોની ફાઈલ લઈ આવ્યાં. પત્રો હતા રાણુ અધિકારી નામની ટીનેજર – કિશોરી કે તરુણી કન્યાના. આ કિશોરી ગુરુદેવને કેવા પ્રેમપત્રો લખતી હતી! કેતકી વળાંક વગરની બંગાળી લિપિમાં લખાયેલા એ પત્રો વાંચતાં કહે, ‘રાણુ અધિકારી કોણ તે ખબર છે?’ મેં ભોળપણ બતાવ્યું. કહે, ‘એ છે આજનાં બંગાળનાં પ્રસિદ્ધ સન્નારી લેડી રાણુ મુખરજી.’ એ તો મને ખબર હતી કે કલકત્તા કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રોનાં ઉન્નાયિકા તરીકે એ ઘણું મોટું નામ છે (પછી તો મેં એમનાં દર્શન પણ કર્યાં, બે વર્ષ પહેલાં રવીન્દ્રનાથની સવાશતાબ્દી ઉજવણી પ્રસંગે કલકત્તામાં).

મેં પૂછ્યું, ‘રાણુ અધિકારીના પત્રો તો છે, પણ એ પત્રોના જવાબમાં રવિ ઠાકુરે શું લખ્યું છે?’ તો કહે, ‘કદાચ એ પત્રો રાણુ મુખરજીની પાસે જ હશે. એ પત્રો રવીન્દ્ર અભિલેખાગારમાં આપવા જોઈએ; પણ એ નહિ આપે.’

પણ આ બધાંમાં વિક્ટોરિયા ઓકામ્પોની વાત જુદી પડી જાય છે. એમના તાજેતરમાં પ્રકટ થયેલા જીવનચરિત્રમાંથી કેતકી એ તેજસ્વી મહિલારત્ન વિષે અનેક વાતો કરતાં. એક દિવસ તેઓ રવીન્દ્રનાથના ‘પુરબી’ કાવ્યસંગ્રહની હસ્તપોથી-ડાયરી લઈ આવ્યાં. ૧૯૨૪ની દક્ષિણ ગોળાર્ધની વસંત ઋતુમાં રવીન્દ્રનાથે તેમાં ઘણાં કાવ્યો લખેલાં, જેમાં અનેક સાન ઇસિદ્રોમાં પ્લાતે નદીના કાંઠે ઓકામ્પોએ રવીન્દ્ર માટે રોકેલા મિરાલરિયોના ઉપવનવેષ્ટિત આવાસમાં લખાયેલાં.

આ કાવ્યપોથી જોતાં રોમહર્ષણ અનુભવ થયેલો. રવીન્દ્રનાથ કવિતા લખતાં લખતાં ક્યારેક છેંકછાક કરતા, પછી એમાંથી કોઈ આકૃતિ બનાવી કાઢતા – ડુડલિંગ્ઝ. આવાં ઘણાંબધાં ડુડલિંગ્ઝમાંથી રવીન્દ્રનાથ ઉત્તરવયમાં ચિત્રકારના નવા રૂપે પ્રકટેલા.

આ પોથીમાં બંગાળી કાવ્યો સાથે ઓકામ્પો માટે અનૂદિત કરેલાં કાવ્યો અંગ્રેજીમાં પણ છે. વળી તેમાં સ્પેનિશમાં પેન્સિલથી લખેલાં કેટલાક ઉપચાર અંગેનાં, શિષ્ટવચનો-વાક્યો છે. કદાચ ઓકામ્પોના હસ્તાક્ષર હશે. બંને એકસાથે એ પોથી પર ઝૂક્યાં હશે એવું અનુમાન આપણને થાય. કેટલા અંતરંગ નૈકટ્યની ક્ષણો એ હશે? ‘પુરબી’ના ‘અતિથિ’ નામના કાવ્યગુચ્છની એ નામની એ કવિતા – ‘પ્રવાસેર દિન મોર પરિપૂર્ણ કરિ દિલે નારી, માધુર્ય સુધાય…’ એમ શરૂ થાય છે. ઓકામ્પો માટે જોડમાં અંગ્રેજી છે – ‘વુમન, ધાઉ હેસ્ટ ફિલ્ડ માય ડેઝ ઑફ એક્ઝાઇલ ટેન્ડર વિથ બ્યુટી…’

અમે એ દિવસોમાં રવીન્દ્રનાથનાં ચિત્રો જોતાં. મહાત્મા ગાંધીના પૌત્ર દર્શનશાસ્ત્રના અધ્યાપક અને ચિંતક રામચંદ્ર ગાંધી પણ તેમાં જોડાતા. કેતકી મને એમાંનાં કેટલાંક નારીચિત્રો દેખાડી ઓકામ્પોના ફોટા સાથે સરખાવી જોવાનું કહેતાં.

કેતકીના સંશોધનનો વિષય તો હતો રવીન્દ્રનાથ ઓકામ્પોનો પત્રવ્યવહાર, પણ તેઓ બંને વચ્ચેના સંબંધોની વ્યાખ્યા કરવા માગતાં હતાં. એની ચર્ચામાં અમને સૌને સાથે ખેંચે. પેલી ‘ખાલી ખુરશી’ની વાત પણ કરે.

કેતકી કુશારી-ડાયસનના ‘ઇન યોર બ્લોસમિંગ ફ્લાવર ગાર્ડન’ પુસ્તક વાંચતાં એ બધા દિવસોનું સ્મરણ થતું ગયું, અને એમાંય કેતકીના પેલા વારંવાર રવીન્દ્રનાથ માટે સસ્મિત નેત્રો સાથે લાડ અને આદરથી બોલતા ‘નૉટી ગુરુદેવ!’ શબ્દોનું. બુએનોસ એરિસમાં ઓકામ્પોએ બીમાર રવીન્દ્રનાથ માટે ભવ્ય આવાસની વ્યવસ્થા કરી હતી પણ પોતે ત્યાંથી થોડે દૂર આવેલા વિલા ઓકામ્પોમાં પિતાને ત્યાં રહેતાં. તેમણે તો ઇચ્છ્યું હતું કે રવીન્દ્રનાથ જેટલા દિવસ રહે, તેમાંથી એક ક્ષણ પણ એમનાથી અળગા ન રહેવું પડે તો કેવું સારું! પળેપળના એમના સાંનિધ્યની ઓકામ્પોને ઝંખના હતી. ગુરુદેવની આસપાસ રહેતા પરિજનોની પણ તેમને ઈર્ષ્યા આવતી. પણ ગુરુદેવ સમક્ષ આરંભમાં એટલાં બધાં સંકોચશીલ કે…

રવીન્દ્રનાથને સંબોધીને લખેલા પહેલા પત્રમાં લખે છે : હું તમારી ક્ષમા માગું છું. મને એટલો બધો ક્ષોભ અને સંકોચ થતાં હતાં કે જ્યારે તમારા ઓરડામાં બેઠી હતી અને જે બધી વાતો કહેવાની હતી, તે બધી ભૂલી ગઈ અને જે નહોતી કહેવી તેવી બધી વાતો કરી…’

પછી રવીન્દ્રનાથનો ઉત્તર. પત્ર લાંબો છે, પણ તેમાં કવિએ એક નારી તરફથી મળેલા સ્નેહભાવો માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. તેમાં કવિએ કહ્યું છે કે હું મારા જીવનના એવા તબક્કે પહોંચ્યો છું કે યાત્રા દરમિયાન આવેલ મરુભૂમિમાં મારે અગાઉ કરતાં વધારે જળની જરૂર છે… કવિએ પોતાનું અતિથ્ય કરનારનો પત્રમાં આભાર માન્યો છે.

તરત વિક્ટોરિયા લખે છે : તમારે મારો આભાર માનવાનો હોય નહિ. હું જે કંઈ કરું છું તેમાં મારે જ આભારી બનવાનું છે. તમે જાણતા નથી કે તમે મને કેટલું બધું આપ્યું છે. એ ઋણમાંથી હું કદી મુક્ત થનાર નથી.

પછી લખે છે :

Nothing that is you can be lost for me. Nothing that is you can be taken from me. While you stay here you will be with me, when you will go pain must come…

આખા પત્રમાં એક આગ્રહનો ભાવ છે. લખે છે : ‘હું તમારે માટે કંઈક કરવા ઇચ્છું છું, પણ સ્નેહ સિવાય બીજું શું કરી શકું એમ છું? એ તો તમે અહીંયા આવ્યા તે પહેલાં પણ કરતી હતી. અને તમે જશો તે પછી પણ કરતી રહીશ.’

પછી લગભગ સળંગ પાંચ પત્રો ઓકામ્પોના રવીન્દ્રનાથને લખેલા છે. આ પત્રો ત્યાં ચાકર દ્વારા અપાતા હશે. એક પત્રમાં ઓકામ્પો લખે છે : ‘તમે તમારા ભારતીય આકાશને ભૂલી શકો ખરા? તમારે માટે જેવું એ આકાશ છે, મારે માટે એવા તમે છો.’ પછી પોતાને વૃક્ષ અને રવીન્દ્રનાથને સૂર્ય (રવિ એટલે જ તો સૂર્ય) કહી એ લખે છે: સૂર્યને બારીમાંથી જોઈને જ વૃક્ષને સંતોષ થતો નથી. સૂર્યે એના પર વરસવું જોઈએ… વૃક્ષ ત્યારે જ ખીલે જ્યારે એમાં પ્રકાશ ભળે. વૃક્ષ સૂર્યને ભૂલી શકે નહીં, કેમ કે એને માટે તો સૂર્ય એ જ જીવન છે.’ પછી લખે છે : ‘તમારા વિચારોમાં હું એટલા આનંદથી શ્વસું છું અને તમને સમજું છું, પણ એ તમે નથી સમજતા એથી વ્યથા પામું છું.’

પછી પત્રોમાં ગુરુદેવ સંબોધન શરૂ થાય છે. નિકટ આવ્યાનો એ સંકેત છે. એક પત્રમાં લખે છે : ‘હું આ દિવસોમાં આનંદ અને વેદનામાં વહું છું. આનંદ એટલા માટે કે તમારી નિકટ છું. વેદના એટલા માટે કે તમે મારી નિકટતાની અવહેલના કરો છો. આનંદ એટલા માટે કે હું તમને જે આપી શકું છું, આપું છું. વેદના એટલા માટે કે હું જે આપું છું તે તમારે ખપનું નથી.’ પછી ઉમેરે છે : ‘તમારી રચનાઓને હું કેટલી ચાહું છું, તે વિષે તો ક્યારેક તમે જાણશો, એ વાત શબ્દોમાં સમજાવી શકાય એવી છે પણ હું તમને કેવી રીતે અને કેટલી બધી ચાહું છું, તે તમે કદી જાણવાના નથી એવું મને લાગે છે. કેમ કે એ વિષે શબ્દોમાં સમજાવવાનું તમારા સિવાય કોઈને માટે શક્ય નથી – અને નવાં કાવ્યો લખવા પાછળ તમને એ માટે સમય નથી.’ પછી એક દૃઢ ઘોષણા કરતાં હોય એમ લખે છે :

‘હું મૂર્ખ અને ભીરુ છું – ક્ષમા કરજો. હું તમને ચાહું છું એમાં કોઈ મીનમેખ કરી શકે એમ નથી.’

‘I have been stupid and shy. Forgive me. I love you, nothing can alter that.’

સાન-ઈસિદ્રોમાં વિક્ટોરિયાના આતિથ્યમાં રવીન્દ્રનાથ પ૦ દિવસ રહ્યા. બંને જણ નિકટમાંથી નિકટતર થતાં ગયાં. વિક્ટોરિયા વિજયા બન્યાં. અવશ્ય એક અદૃશ્ય લક્ષ્મણરેખા અંકાયેલી રહી. પછી વિક્ટોરિયા વિજયાની સહીથી પત્રો લખે છે. એ પત્રોમાં ભારોભાર વૈષ્ણવ લાગણીઓ છે. એમ જ કહ્યા કરે છે, ‘તમે મને જે આપ્યું છે, તેને માટે કેટકેટલી કેટકેટલી તમારી ઋણી છું…’ કવિ ઉમાશંકરની પંક્તિના શબ્દફેરે કહું તો પત્રે પત્રે પ્રકટ પ્રેમલિપિ.

અને પછી ત્યાં રહેવાના દિવસો પૂરા થયા. ‘પુરબી’ની શેષવસંત કવિતામાં આપેલા પ્રતિવચન પ્રમાણે વિજયા પાસેથી રવીન્દ્રનાથ ચાલી નીકળ્યા. એ વચન તે આઃ

ભય રાખિયો ના તુમિ મને
તોમાર વિકચ ફૂલવને
દેરિ કરિબ ના મિછે
ફિરે ચાહિબ ના પિછે
દિનશે વિદાયેર ક્ષણે.

–તું મનમાં ભય રાખીશ મા. દિવસને અંતે વિદાયની ક્ષણે તારા ખીલેલા પુષ્પોદ્યાનમાં હું અમસ્તો વિલંબ નહિ કરું, પાછું ફરીને નહિ જોઉં.

જે જહાજમાં તેઓ નીકળ્યા તેમાં ઓકામ્પોએ પેલી ખુરસી મુકાવેલી.

૧૯૩૦માં ફરી પૅરિસમાં રવીન્દ્રનાથ અને ઓકામ્પો મળ્યાં હતાં. એ એક નવપલ્લવિત સ્મરણ. પણ પછી માત્ર મનોમન સ્મરણ, પરંતુ કાલજયી સ્મરણ.