બોલે ઝીણા મોર/નિવેદન
નિવેદન
ભોળાભાઈ પટેલ
ક્યારેક કોઈ પુસ્તક, કોઈ કવિતા, કોઈ કથા, કોઈ ફિલમ, કોઈ ગાન, રસ્તાની ધારે ખીલી ઊઠેલું કોઈ ઝાડ, કોઈ નમણો ચહેરો ને કશુંક આવું બધું મનને ઝંકૃત કરી દે છે. ક્યારેક ધીરે ધીરે ઊગતી સવાર અને ધીરે ધીરે આથમતી એકાન્ત સાંજ, ક્યારેક ચાંદનીથી સ્નાત પાછલી રાત્રિના ચુપચાપ પહોર આહ્લાદની અનાયાસ ક્ષણો લાવે છે. ક્યારેક કોઈ સ્મરણ, કોઈ નિભૃત વાર્તાલાપ, કોઈ સર્જક ચેતનાની સન્નિધિ ભીતરને ભરી દે છે.
આ નિબંધોમાં આવી બધી ગંભીર-અગંભીર વાતો છે – ક્યાંક માંડીને ક્યાંક. તમે જાણે સાંભળો છો અને હું જાણે કહું છું…
ભોળાભાઈ
૧૩ એપ્રિલ, ૧૯૯૨ ૩ર પ્રોફેસર્સ કૉલોની અમદાવાદ ૩૮૦ ૦૦૯