ભારતીયકથાવિશ્વ−૪/દેવી ભાગવત/સુદર્શનની કથા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સુદર્શનની કથા

કોશલ દેશમાં ધુ્રવસંધિ નામના રાજા અયોધ્યામાં થઈ ગયા. તેમના સમયમાં બધા વર્ણના લોકો શાંતિથી, ધર્મપાલન કરીને રહેતા હતા. તે રાજાને રૂપેગુણે બે પત્નીઓ હતી-એક મનોરમા અને બીજી લીલાવતી. રાજા બંને સ્ત્રીઓ સાથે આનંદપૂર્વક વિહાર કરતા હતા. મનોરમાએ સુદર્શન નામના પુત્રને અને મહિના પછી લીલાવતીએ શત્રુજિત નામના પુત્રને જન્મ આપ્યો. બંને પુત્રોના જાતસંસ્કાર કરી બ્રાહ્મણોને દાનદક્ષિણા આપી હતી. રાજા બંને પુત્રોને સરખી રીતે રાખતા હતા. પણ શત્રુજિત મીઠું મીઠું બોલતો હતો. રૂપાળો હતો તેને કારણે રાજાપ્રજા, મંત્રીઓમાં તે વધુ માનીતો બની ગયો. ગુણોને કારણે રાજા તેના પર વધુ વહાલ ઠાલવતો હતો. રાજા વિવિધ પ્રાણીઓનો શિકાર કરવા એક દિવસ વનમાં ગયા. તે વખતે એક સિંહ ક્રોધે ભરાઈને રાજા સામે આવી ચડ્યો. રાજાએ તેને બાણો મારીને વીંધ્યો એટલે તે વધુ ગરજવા લાગ્યો, પૂંછડું ઊંચું કરીને, કેશવાળી હલાવીને તેણે રાજા પર છલંગ મારી. રાજા પણ તલવાર અને ઢાલ લઈને સિંહ પર ટૂટી પડ્યા. રાજાના સેવકો પણ ક્રોધે ભરાઈને સિંહ પર બાણો છોડવા લાગ્યા. ચારે બાજુ હાહાકાર થઈ ગયો. સિંહ રાજા પર ટૂટી પડ્યો અને તેણે રાજાને મારી નાખ્યા. સૈનિકોએ બાણ મારી મારીને સિંહને પણ પૂરો કર્યો. સૈનિકોએ પાટનગરમાં આવીને આ ખરાબ સમાચાર આપ્યા, મંત્રીઓએ વનમાં જઈ રાજાના અગ્નિસંસ્કાર કર્યા. વસિષ્ઠ મુનિએ બધી મરણોત્તર વિધિ કરી. પ્રધાનોએ અને વસિષ્ઠ મુનિએ રાજગાદી અંગે ચર્ચા કરી. ‘આ સુદર્શન બાળક હોવા છતાં શાંત છે, સુલક્ષણો છે.’ મંત્રીઓએ પણ એવો નિર્ધાર કર્યો એવામાં ઉજ્જયિનીનો રાજા અને લીલાવતીનો પિતા યુધાજિત, ત્યાં આવી ચઢ્યો અને દૌહિત્રનું હિત તેના મનમાં હતું. એ જ રીતે મનોરમાના પિતા કલિંગદેશના રાજા વીરસેન પણ સુદર્શનનું હિત સાચવવા ત્યાં આવી ચઢ્યો. ભારે સૈન્ય ધરાવતા બંને રાજા મંત્રીઓ સાથે વિચારવિમર્શ કરવા લાગ્યા. યુધાજિતે પૂછ્યું, ‘બંને કુમારોમાં મોટો કોણ? નાનાને રાજ્ય ન મળી શકે.’ વીરસેને પણ કહ્યું, ‘પટરાણીનો જે પુત્ર હોય તેને રાજ મળે.’ યુધાજિતે ફરી શત્રુજિતની તરફદારી કરી. પછી તો મોટો ઝઘડો થયો. ‘રાજાનાં લક્ષણો શત્રુજિતમાં છે, સુદર્શનમાં નથી.’ બંને રાજા લોભી તો હતા જ, એટલે બંને ઝઘડ્યા. યુધાજિતે મંત્રીઓને કહ્યું, ‘તમે સ્વાર્થી બનીને રાજ્યસંપત્તિ લઈ લેવા માગો છો. સુદર્શન કરતાં શત્રુજિત બળવાન છે. રાજગાદી પર તેનો જ અધિકાર છે. હું જીવું છું ત્યાં સુધી સુદર્શનને કોઈ કરતાં કોઈ રાજા બનાવી નહીં શકે.’

આમ બંને રાજાઓ વચ્ચે ભારે વિવાદ થયો, પ્રજા ગભરાઈ, ઋષિઓ ગભરાયા. કેટલાક સામંતો પાટનગરનો ધ્વંસ કરવા તૈયાર હતા. રાજાનું મૃત્યુ થયું છે એ સમાચાર સાંભળીને ભીલ લોકો પણ રાજાનો ખજાનો લૂંટવા આવી ચઢ્યા. આ સમાચાર સાંભળી દેશપરદેશના લૂંટારા આવી ગયા. બંને રાજાઓ વચ્ચે યુદ્ધ શરૂ થયું. યુધાજિત પાસે સૈન્યબળ વધારે હતું. વીરસેન પણ પરાક્રમી હતો. બંને રાજાઓએ એકબીજા પર બાણવર્ષા શરૂ કરી. આ ઘોર યુદ્ધમાં માંસ ખાવા માગતા કાગડા, ગીધ વગેરે પક્ષીઓથી આકાશ છવાઈ ગયું. હાથી, ઘોડા, સૈનિકોના મૃત્યુથી લોહીની નદી વહેવા લાગી. કિનારાઓને ભાંગી નાખતી લોહીની નદીમાં ધડથી જુદા પડેલાં મસ્તક, રમત કરતાં કરતાં યમુના નદીમાં બાળકોએ ફંગોળેલાં તુંબડાં જેવાં લાગતાં હતાં. યુધાજિતના હુમલામાં વીરસેનનું મૃત્યુ થયું અને બચી ગયેલા સૈનિકો ભાગી ગયા.

પોતાના પિતાનું મૃત્યુ થયું એ સમાચાર સાંભળી મનોરમા ગભરાઈ જઈને વિચારવા લાગી, ‘હવે યુધાજિત મારા પુત્રને મારી નાખશે, મારા પતિ નથી, પિતા નથી, સુદર્શન હજુ બાળક છે. લોભ તો શું ન કરાવે? લોભી માણસ માતા પિતા ગુરુ મિત્ર સ્વજનોની પણ હત્યા કરે, ગમે તેવી સ્ત્રી સાથે સંબંધ રાખે, ધર્મને ત્યજી દે. આ નગરમાં કોઈ બળવાન રહ્યું નથી, તો મારા પુત્રનું ભરણપોષણ કેવી રીતે કરીશ? યુધાજિત મારા પુત્રને મારી નાખશે તો? મારું કોઈ છે નહીં. મારી શોક લીલાવતી તો મારી સાથે પહેલેથી વેર રાખે છે. તે દયા બતાવીને મારા પુત્રની રક્ષા શા માટે કરે? યુધાજિત અહીં આવશે તો મારાથી નીકળી શકાશે નહીં. પુત્રને તરત જ બંદી બનાવશે. ઇન્દ્રે માતાના પેટમાં પેસીને ગર્ભસ્થ બાળકના સાત ટુકડા કરી નાખ્યા હતા ત્યારે ઓગણપચાસ મરુતો થયા હતા. મેેં એવું પણ સાંભળ્યું છે કે કોઈ રાણીએ શોકના ગર્ભનો નાશ કરવા તેને ઝેર આપ્યું હતું. પછી એ બાળક ઝેર સાથે જ જન્મ્યો એટલે તે બાળકનું નામ સગર પડ્યું. કૈકેયીએ પણ મોટા પુત્ર રામને વનમાં કાઢ્યા હતા. મારા પુત્ર સુદર્શનને રાજા બનાવવા માગતા મંત્રીઓ પણ લાચાર છે. હવે તેમને યુધાજિત કહે તેમ કરવું પડશે. મને બંધનમાંથી મુક્ત કરાવી શકે એવી શક્તિ મારા ભાઈમાં નથી. દૈવને કારણે મારા દુઃખનો પાર નથી છતાં મારે પુુરુષાર્થ કરવો પડશે. કદાચ મને લાભ પણ થાય.’

આમ વિચારીને રાણીએ મંત્રીઓમાં શ્રેષ્ઠ એવા વિદલ્લને બોલાવ્યો. ‘મારા પિતાનું મૃત્યુ થયું છે. આ મારો પુત્ર બાળક છે. યુધાજિત તો બળવાન છે તો હવે મારે શું કરવું?’

આ સાંભળી વિદલ્લે કહ્યું, ‘દેવી, હવે અહીં રહેવું જ ન જોઈએ. કાશી પાસેના વનમાં જઈએ. ત્યાં મારા મામા સુબાહુ છે, તે બળવાન છે અને શ્રીમંત પણ છે. તે આપણી સંભાળ લેશે.‘મારે યુધાજિતને મળવું છે.’ એમ કહી નગરમાંથી નીકળી જાઓ. અને નગરની બહાર રથમાં બેસીને નીકળીશું.’ મંત્રીના કહેવાથી મનોરમા એક દાસી તથા મંત્રી સાથે નીકળી પડી. તે ભયભીત હતી. યુધાજિતને મળીને પિતાના અગ્નિસંસ્કાર કરાવ્યા અને ઉતાવળે નીકળી પડી, બે દિવસે ગંગા કિનારે પહોેંચી. રસ્તામાં ભીલ લોકોએ તેને લૂંટી, બધું ધન લઈ લીધું, રથ પણ પડાવી લીધો. એક માત્ર પહેરેલી સાડી સાથે, દાસીનો હાથ પકડીને તે ગંગાકિનારે ગઈ, નાવમાં બેસીને તે ચિત્રકૂટ પર્વત પાસે ગઈ. મુનિ ભરદ્વાજ ઋષિના આશ્રમમાં જઈ પહોંચી, ત્યાં ઘણા તપસ્વીઓને જોઈ તે નિર્ભય થઈ. ભરદ્વાજ ઋષિએ તેને પૂછ્યું, ‘દેવી, તમે કોણ છો? કોનાં પત્ની છો? આટલું બધું દુઃખ વેઠીને અહીં કેમ આવ્યાં છો? તમે દેવી છો કે માનવસ્ત્રી? આ બાળકને લઈને આવવાનું કારણ? કમલલોચના, તમે રાજ્યભ્રષ્ટ થયાં લાગો છો.’

મુનિના કોઈ પ્રશ્નનો તે ઉત્તર આપી ન શકી. દુઃખી થઈ ગયેલી મનોરમાએ વિદલ્લને ઇશારો કર્યો એટલે મંત્રીએ કહ્યું, ‘ધુ્રવસંધિ નામના રાજાનાં આ પત્ની મનોરમા. આ મહાપરાક્રમી રાજાને વનમાં સિંહે મારી નાખ્યા. તેમનો આ પુત્ર સુદર્શન. આ રાણીના પિતા બહુ મોટા ધર્માત્મા હતા. આ પુત્રને માટે તેઓ યુધાજિત સાથે લડ્યા અને મૃત્યુ પામ્યા. એ રાજાના ભયથી પીડાતી રાણી વનમાં આવી છે. તે બાળક સાથે તમારા શરણે આવી છે. હવે તમે એનું રક્ષણ કરો. દુઃખીઓની રક્ષા કરવાથી યજ્ઞ કરતાં પણ વધારે પુણ્ય મળે છે, તેમાંય પાછું ભયભીત માનવીનું રક્ષણ તો ખાસ ફળ આપે છે.’

ઋષિએ કહ્યું, ‘હે સુંદર વ્રત કરનાર કલ્યાણી, તમે અહીં નિર્ભય થઈને રહો. પુત્રનું પાલન કરો. અહીં શત્રુનો ભય ન રાખતા. પુત્રની રક્ષા કરજો. તમારો આ પુત્ર રાજા થશે. અહીં તમને દુઃખ કે શોક ક્યારેય નહીં થાય.’

મુનિની વાતોથી મનોરમા શાંત થઈ. તેમણે આપેલી ઝૂંપડીમાં તે રહેવા લાગી. મંત્રી વિદલ્લ અને દાસી તેને મદદ કરતાં હતાં. સુદર્શનનું ધ્યાન રાખતી તે સમય વીતાવતી હતી.

યુદ્ધ પૂરું થયું એટલે યુધાજિત અયોધ્યામાં આવીને મનોરમા અને સુદર્શનને મારી નાખવાની ઇચ્છાથી પૂછતાછ કરવા લાગ્યો. ‘તે ક્યાં ગઈ?’ એમ વારંવાર કહીને સેવકોને દોડાવ્યા. સારું મૂરત જોઈને શત્રુજિતને રાજ્યાસને બેસાડ્યો. મંત્રીઓએ જળભરેલા કળશો વડે તેનો રાજ્યાભિષેક કર્યો. શંખનાદ, ભેરી જેવાં વાજંત્રોિથી રાજધાનીમાં મોટો ઉત્સવ થયો. બંદીજનો સ્તુતિ કરતા હતા. જયઘોષનો ધ્વનિ ચારે બાજુ હતો. અયોધ્યા નગરી હિલ્લોળે ચઢી હતી. નવા રાજાના અભિષેકની સાથે હૃષ્ટપુષ્ટ મનુષ્યો વાળી, સ્તુતિ અને વાજિંત્રોના અવાજવાળી નગરી જાણે નવી નવી ન હોય! કેટલાક સજ્જનો ઘરમાં બેસીને શોક મનાવતા હતા. તેઓ વિચારતા હતા, અત્યારે સુદર્શન ક્યાં હશે? મનોરમા પુત્રને લઈને ક્યાં ગયાં હશે? રાણીના પિતાને તો રાજ્યલોભી યુધાજિતે મારી નાખ્યા.’ આમ તેઓ દુઃખી થઈને વિચાર્યા કરતા હતા. યુધાજિત ભાણેજને ગાદીએ બેસાડી જતો રહ્યો. ત્યાં તેને સમાચાર મળ્યા કે મનોરમા સુદર્શન સાથે મુનિઓના આશ્રમમાં છે, તેથી તેને મારી નાખવા માટે દુષ્ટ યુધાજિત ચિત્રકૂટ જવા રવાના થયો. એ વિસ્તારમાં શૃંગબેરપુરમાં દુર્દર્શ નામે બળવાન નિષાદરાજા હતો, તેને આગળ રાખીને યુધાજિત ચિત્રકૂટ પહોેંચ્યો.

મનોરમાને એની જાણ થતાં તે બહુ દુઃખી થઈ, રડતાં રડતાં તે ભરદ્વાજ ઋષિને કહેવા લાગી, ‘યુધાજિત અહીં સુધી આવી ગયો છે, હવે હું શું કરું? ક્યાં જઉં? તેણે મારા પિતાનો વધ કર્યો છે અને દૌહિત્રને રાજા બનાવી દીધો છે. હવે મારા પુત્રને મારી નાખવા તે અહીં આવ્યો છે. મને પુરાણી કથા યાદ આવે છે. પાંચ પાંડવો દ્રૌપદી સાથે વનમાં રહેતા હતા. એક વખત પાંડવો મૃગયા રમવા વનમાં ગયા. ત્યારે કેટલા બધા ઋષિમુનિઓ આશ્રમમાં બેઠા હતા, દ્રૌપદી નિર્ભય બનીને દાસીઓ સાથે ત્યાં હતી. તે વેળા સિંધુ દેશનો રાજા જયદ્રથ મુનિઓની વેદવાણી સાંભળીને ત્યાં ગયો અને તેને જોવા માટે સ્ત્રીઓ અને મુનિપત્નીઓ ત્યાં આવી, આ કોણ છે એમ પૂછતી તે સ્ત્રીઓમાં દ્રૌપદી પણ હતી. બીજી લક્ષ્મી જેવી દેખાતી દ્રૌપદીને જયદ્રથે જોઈ અને ધૌમ્ય મુનિને પૂછ્યું, ‘આ કોણ છે? કોની પત્ની છે? કોની પુત્રી છે? આ તો કોઈ રાજરાણી લાગે છે, તે મુનિપત્ની ન હોઈ શકે.’

ધૌમ્ય ઋષિએ ઉત્તર આપ્યો, ‘આ પાંડવોની પત્ની દ્રૌપદી છે, પાંચાલ રાજાની પુત્રી છે અને અત્યારે આ આશ્રમમાં તે રહે છે.’

જયદ્રથે પૂછ્યું, ‘પાંચે શૂરવીર પાંડવો અત્યારે ક્યાં ગયા છે? અત્યારે આ વનમાં પાંડવો રહે છે એવી વાત મેં સાંભળી છે.’

‘પાંચે પાંડવો અત્યારે વનમાં શિકાર કરવા ગયા છે અને થોડી વારમાં આવી પહોેંચશે.’

તેમની વાત સાંભળીને જયદ્રથ ઊભો થઈને દ્રૌપદી પાસે ગયો અને તેને પ્રણામ કરીને બોલ્યો, ‘સુંદરી, તમારું કલ્યાણ થાઓ. તમારા પતિઓ ક્યાં ગયા છે? તમને વનમાં રહીને તો અગિયાર વરસ પૂરાં થયાં છે.’

દ્રૌપદીએ ઉત્તર આપ્યો, ‘તમે થોડી વાર રોકાઈ જાઓ. હમણાં જ પાંડવો આવી જશે.’

તે આમ બોલતી હતી અને મોહવશ તે રાજાએ દ્રૌપદીનું હરણ કર્યું.

માટે સમજુ લોકોએ કદી કોઈનો વિશ્વાસ કરવો નહીં, ગમે તેના પર વિશ્વાસ મૂકનાર દુઃખી થાય છે. બલિરાજાની જ વાત લો. વિરોચનના પુત્ર બલિરાજા હતા. તે ધર્માત્મા, સત્યવચની, યજ્ઞ કરનારા, દાનેશ્વરી, શરણાગતનું રક્ષણ કરનાર હતા. પ્રહ્લાદના પૌત્ર હતા. તેમણે નવ્વાણુ યજ્ઞો કર્યા હતા. વિષ્ણુ ભગવાન તો સત્ત્વગુણની મૂર્તિ, નિવિર્કાર હોવા છતાં દેવતાઓની કાર્યસિદ્ધિ માટે કપટ કરીને તેમણે વામનરૂપ ધારણ કર્યું અને બલિને છેતરીને તેમનું રાજ્ય, સમુદ્ર સુધી વિસ્તરેલી પૃથ્વી છિનવી લીધી. બલિ તો સત્યવાદી હતા, અને છતાં, ઇન્દ્રનું કાર્ય સાધવા માટે તેમણે કપટ કર્યું તો બીજાઓની ક્યાં વાત કરવી? માણસને જો એક વાર લોભ લાગે તો પછી તેને પાપનો ડર રહેતો જ નથી. તેઓ અનેક પાપ કરવા માંડે છે. એવા લોભી લોકો મન-વચન-કર્મથી પારકું ધન પડાવે છે. મનુષ્યો દેવતાની પૂજા કરીને ધન લેવા માગે છે.

દેવતાઓ પોતાના હાથમાં ધન લઈને આપતા નથી. બીજાઓ પાસેથી લઈને તેઓ લોકોને ધન આપે છે. વૈશ્યો મારી પાસે વધુ ધન આવે એટલા માટે દેવતાઓને પૂજે છે. તેઓ વેપાર કરીને બીજાઓનું ધન લેવા ઇચ્છે છે. પછી વેપારી સંગ્રહ કરીને મેંઘા ભાવે ધાન આપે છે. આ જ રીતે તેઓ ધન મેળવે છે. તો કોના પર વિશ્વાસ મૂકવો? લોભી અને મોહાંધ લોકો માટે તીર્થાટન, દાન, વિદ્વત્તા — બધું અર્થહીન છે. તેમનું કોઈ પણ કાર્ય અકાર્ય જ બની રહે છે. એટલે હે મુનિવર, આ યુધાજિતને અહીંથી કાઢી મૂકો જેવી રીતે સીતા ઋષિને ત્યાં રહ્યા હતા તેવી રીતે હું તમારા આશ્રમમાં રહીશ.’

એટલે ભારદ્વાજે યુધાજિત પાસે જઈને કહ્યું,‘ રાજન્, તમે તમારા નગરમાં પાછા જતા રહો.’

યુધાજિતે કહ્યું, ‘હે ઉત્તમ પ્રકૃતિવાળા મુનિ, તમે જિદ મૂકીને મનોરમાને હાંકી કાઢો. હું ખાલી હાથે જવાનો નથી. જો તમે આમ નહીં કરો તો હું મનોરમાને બળજબરીથી લઈ જઈશ.’

આ સાંભળી ઋષિ બોલ્યા, ‘ભૂતકાળમાં વિશ્વામિત્ર વસિષ્ઠ ઋષિ પાસેથી કામધેનુ ગાયને લઈ જવા તૈયાર હતા. તમારામાં શક્તિ હોય તો મારા આશ્રમમાંથી એને લઈ જાઓ.’

ભરદ્વાજ મુનિની વાત સાંભળીને યુધાજિત રાજાએ પોતાના મંત્રીને બોલાવી પૂછ્યું, ‘હે બુદ્ધિમાન, મારે શું કરવું તે જણાવો. હું તો મધુરભાષિણી મનોરમાને અહીંથી લઈ જવા માગું છું. પોતાનું કલ્યાણ ઇચ્છનારે નાનામાં નાના શત્રુની પણ ઉપેક્ષા કરવી ન જોઈએ. સમય આવે ત્યારે ક્ષય રોગની જેમ તે વધીને મૃત્યુનું કારણ બને છે. અહીં આશ્રમમાં કોઈ સૈન્ય નથી, યુદ્ધ કરનાર નથી, કોઈ મને અટકાવનાર નથી. મારા દૌહિત્રના શત્રુને લઈ જઈ હું તેનો વધ કરવા માગું છું, તો જ મારા ભાણેજ શત્રુજિતનું રાજ્ય નિષ્કંટક થશે. સુદર્શન મરી જ જવો જોઈએ.’

મંત્રીએ ઉત્તર આપ્યો, ‘ઉતાવળે કોઈ સાહસ ન કરવું. મુનિની વાત તો તમે સાંભળી ને? તેમણે તમને વિશ્વામિત્રનું દૃષ્ટાંત આપ્યું. ભૂતકાળમાં ગાધિપુત્ર વિશ્વામિત્ર બહુ પ્રસિદ્ધ રાજા હતા. એક વાર તેઓ ફરતા ફરતા વસિષ્ઠ ઋષિના આશ્રમે જઈ ચઢ્યા. મુનિએ તેમને આસન આપ્યું. વિશ્વાંમિત્ર રાજા પ્રણામ કરીને ત્યાં બેઠા. પછી વસિષ્ઠે તેમને ભોજન માટે આમંત્ર્યા. વિશ્વામિત્ર પોતાની સઘળી સેના સાથે ત્યાં રહ્યા. બધાએ નંદિની ગાયની કૃપાથી મનભાવતાં ભોજન કર્યાં. એટલે વિશ્વામિત્રે નંદિનીનો પ્રભાવ જાણ્યો.

વિશ્વાંમિત્ર બોલ્યા, ‘ઋષિવર્ય, જો તમે કહેતા હો તો દસ હજાર અથવા એક લાખ ગાયો આપું, નંદિની ગાય મને આપો. નહીંતર હું બળજબરીથી લઈ જઈશ.’

વસિષ્ઠે આ સાંભળી કહ્યું, ‘તમારી ઇચ્છા હોય તો બળજબરીથી લઈ જાઓ. મારી ઇચ્છાથી તો નંદિની ગાય નહીં આપું.’

આ સાંભળી વિશ્વાંમિત્રે પોતાના સૈનિકોને આજ્ઞા કરી, ‘તમે આ ગાયને પકડી લો.’ સેવકો બળના અભિમાનમાં છકી ગયા હતા. તેમણે નંદિની ગાયને પકડી લીધી, ત્યારે ધૂ્રજતી, આંખોમાં આંસુ આણીને તે ગાયે વસિષ્ઠને કહ્યું, ‘તમે મારો ત્યાગ શા માટે કરો છો? આ લોકો મને કેમ ખેેંચીને લઈ જાય છે?’

વસિષ્ઠે કહ્યું, ‘હે ઉત્તમ દૂધ આપનારી, હું તારો ત્યાગ કરતો નથી. આ રાજા તને બળજબરીથી લઈ જાય છે. હું શું કરું? મારે તને મોકલવી જ નથી.’

આ સાંભળીને નંદિની ભારે ક્રોધ કરવા લાગી. તેણે મોટેથી હંભારવ કર્યો. એટલે તેના શરીરમાંથી ભારે ઘોર, શસ્ત્રધારી, કવચધારી દૈત્યો ‘ઊભા રહો, ઊભા રહો’ એમ બોલતા પેદા થયા. તેમણે જોતજોતાંમાં વિશ્વામિત્રના સૈનિકોને મારી નાખ્યા, અને નંદિનીને છોડાવી. પછી ખૂબ જ દુઃખી થઈને વિશ્વામિત્ર પોતાના નગરમાં ગયા. બ્રાહ્મણના બળને બહુ મોટું માની, તેમણે પોતાના ક્ષાત્રબળને ધિક્કાર્યું. એવું બ્રહ્મબળ મેળવવા નિર્જન વનમાં તપ કરી છેવટે તેઓ ઋષિ થયા.’

એટલે આ દૃષ્ટાંત આપી મંત્રીએ યુધાજિતને સમજાવ્યા.

‘તમે તપસ્વી ઋષિ સાથે વેર ન કરો, તમે એમની સાથે યુદ્ધ કરો એટલે તમારા કુળનો નાશ કરાવશો. તમે ભરદ્વાજ મુનિ પાસે જાઓ અને સુદર્શન ભલે અહીં નિરાંતે રહે. આ નિર્ધન અને દુર્બળ બાળક તમારા જેવા શક્તિશાળી રાજાનું શું અહિત કરવાનો છે? બધા ઉપર દયા રાખો. જે થવાનું હશે તે થશે જ. દૈવયોગે વજ્ર પણ તણખલું થાય અને તણખલું વજ્ર જેવું થાય. સસલું સિંહને મારી નાખે અને મચ્છર હાથીને મારી નાખે. એટલે મારી વાત સમજીને તમે કોઈ દુ:સાહસ કરતા નહીં.

પોતાના મંત્રીની વાત સાંભળીને યુધાજિત રાજા ઋષિને પ્રણામ કરીને પોતાના નગર તરફ જતો રહ્યો. મનોરમાની ચિંતાઓ પણ દૂર થઈ ગઈ. આશ્રમમાં રહીને તે પુત્રને ઉછેરવા લાગી. સુદર્શન ધીમે ધીમે મોટો થવા લાગ્યો અને ઋષિમુનિઓનાં બાળકો સાથે રમતો થયો. એક દિવસ કોઈ મુનિકુમારે સુદર્શનની પાસે બેઠેલા વિદલ્લને ‘ક્લીબ’ તરીકે સંબોધ્યો આ શબ્દમાં સુદર્શને પહેલો અક્ષર ક્લી ધ્યાનથી સાંભળ્યો અને તે વારંવાર રટવા લાગ્યો. ક્લી એ તો કામબીજ નામનો ભગવતી અંબિકાનો બીજમંત્ર છે. તે સુદર્શનના મનમાં ઠસી ગયો. તે મંત્રના ઋષિ, છંદ, ધ્યાન અને ન્યાસ વગેરે ન હોવા છતાં ઋષિએ તેને જનોઈ આપી અને વેદ ભણાવવા બેઠા. મંત્રબળથી જ તે બધા વેદ અને શાસ્ત્રો તેને આવડી ગયા. એક વખત ભગવતીએ તેને દર્શન આપ્યાં. તેમની કાયામાંથી લાલિમા પ્રગટતી હતી, તેમનાં અલંકારો લાલ હતા. ગરુડના વાહન પર બેઠેલાં દેવીનાં દર્શન કરી સુદર્શન પ્રસન્ન થઈ ગયો. બધી વિદ્યાઓના સારને સમજીને તે રાજકુમાર વનમાં રહીને ભગવતીની પૂજા કર્યા કરતો હતો. અંબિકાએ તેને ધનુષ, બાણ, કવચ પણ આપ્યાં.

કાશીરાજાને શશિકલા નામની એક કન્યા હતી તે અત્યંત ગુણવાન હતી. તેને જાણ થઈ કે નજીકના વનમાં કોઈ આશ્રમમાં સુદર્શન નામનો રાજકુમાર રહે છે. તે ખૂબ જ શૂરવીર છે, ગુણવાન છે અને સુંદર છે. બંદીજનોના મોઢે તેનાં બહુ વખાણ સાંભળ્યાં અને તેણે સુદર્શનને પતિ બનાવવાનો વિચાર કર્યો. રાતે જગદંબાએ તેને સ્વપ્નમાં કહ્યું, ‘તું વરદાન માંગ, સુદર્શન મારો ભક્ત છે, મારી વાત માની લે, તે તને બધું જ સુખ આપશે.’

આમ સ્વપ્નમાં ભગવતીનું દર્શન કરીને શશિકલા આનંદમાં આવી ગઈ. તેની માતાએ વારંવાર પૂછ્યું તો પણ કશું જણાવ્યું નહીં, સ્વપ્નને સંભારીને તે વારંવાર હસવા લાગી. પોતાની સખીને સ્વપ્નની વાત કહી.

એક સમયે વિશાળ નેત્રો ધરાવતી તે સુંદર રાજકન્યા ઉદ્યાનમાં પોતાની સખીઓ સાથે ગઈ. ચંપાની નીચે ફૂલો વીણતી તે કન્યાએ ઉતાવળે આવતા એક બ્રાહ્મણને જોયો. બ્રાહ્મણને પ્રણામ કરીને શશિકલાએ તેને મધુર વાણીમાં પૂછ્યું, ‘હે મહાભાગ, તમે ક્યાંથી આવો છો?’

બ્રાહ્મણે કહ્યું, ‘હું ભરદ્વાજ મુનિના આશ્રમમાંથી એક અગત્યના કામે આવ્યો છું. તમારે શું પૂછવું છે?’

શશિકલાએ પૂછ્યું, ‘તે આશ્રમમાં આ લોક કરતાં ચઢિયાતું, અત્યંત પ્રશંસનીય શું છે? જોવાલાયક શું છે?’

‘ધુ્રવસંધિ નામના રાજાનો પુત્ર સુદર્શન ત્યાં છે. નામ પ્રમાણે ગુણ છે. જેણે આ સુદર્શનને જોયો નથી તેની આંખો અર્થહીન છે. પ્રજાપતિ બ્રહ્માએ બધા ગુણોને એકસાથે જોઈ શકાય એટલા માટે તેના એકલામાં જ એ બધા ગુણ ભરી દીધા છે. તે બધી રીતે તારો પતિ થવા લાયક છે. મણિ અને સુવર્ણના જેવો તમારો યોગ વિધાતાએ પહેલેથી જ નક્કી કરી દીધો છે.’

બ્રાહ્મણની વાત સાંભળીને શશિકલાના મનમાં પ્રેમનાત ફૂટ્યા. બ્રાહ્મણ ત્યાંથી ચાલી નીકળ્યો. શશિકલાના મનમાં પહેલેથી પ્રેમ તો હતો જ, હવે બ્રાહ્મણની વાત સાંભળીને તેના હૃદયમાં સુદર્શન માટેનો પ્રેમ વધુ દૃઢ થયો. તેની સખીને શશિકલાએ કહ્યું, ‘તે ચોક્કસ ઉત્તમ કુળમાં જન્મ્યો હશે. તે હજુ શૃંગારથી અપરિચિત હશે. બીજા કામદેવ જેવા એ કુમારને મેં સ્વપ્નમાં જોયો છે. તેના વિરહમાં હું આકુળવ્યાકુળ થઈ ગઈ છું. મારા શરીરે લગાડેલું ચંદન વિષ જેવું, પુષ્પમાળા સર્પ જેવી, ચંદ્રકિરણો અગ્નિ જેવાં લાગે છે. મહેલમાં, વનમાં, ઉદ્યાનમાં, સરોવરમાં — કોઈ રીતે મારી આંખો ધરાતી નથી. એ રાજકુમાર જે વનમાં રહે છે ત્યાં હું જતી રહેવા માગું છું. પણ કુળની લાજ મને રોકી રાખે છે, હું હજુ પિતાને અધીન છું. મારી ઇચ્છા સુદર્શન માટે વ્યક્ત કરી શકું. બીજા અનેક રાજાઓ સમૃદ્ધિવાળા હશે, પણ મને કોઈ રાજા ગમતા નથી. મારા મનમાં તો રાજપાટ વિનાનો સુદર્શન જ વસી ગયો છે.’

એ નિર્ધન, બળહીન સુદર્શન ફળમૂળ ખાઈ વનવાસી જીવન ગાળતો હતો. તેના હૃદયમાં તો ભગવતીનો બીજમંત્ર જ હતો. તેના પ્રતાપથી જ બધી સિદ્ધિઓ તેને વરી હતી. તે ધ્યાનમગ્ન રહી આ મંત્ર જ રટ્યા કરતો હતો. સ્વપ્નમાં ફરી ફરી અંબિકાનાં દર્શન તે કરતો હતો. શૃંગબેરપુરના રાજાએ કુમારને આવશ્યક સામગ્રી ધરાવતો. ચાર ઘોડા જોડેલો અને ધજાપતાકાઓવાળો એક ઉત્તમ રથ આપ્યો. રાજકુમારે આ ઉત્તમ રથનો પ્રેમપૂર્વક સ્વીકાર કર્યો. રાજાના ગયા પછી તપસ્વી મુનિઓ સુદર્શનને કહેવા લાગ્યા, ‘તું ભગવતીની કૃપાથી રાજા થઈશ. ઉદાર ભગવતી અંબાની કૃપાથી ન મળે એવી કોઈ સામગ્રી નથી. દેવીની પૂજામાં શ્રદ્ધા ન હોય એવા લોકો મંદ, માંદલા, રોગગ્રસ્ત નીવડવાના. આદિ યુગમાં તેઓ બધા દેવોનાં માતા કહેવાયાં, તે ‘આદિ માતા’ તરીકે પ્રખ્યાત છે. તે જ દેવી બુદ્ધિ, કીર્તિ, ધૃતિ, લક્ષ્મી, શક્તિ, શ્રદ્ધા, મતિ, સ્મૃતિ રૂપે પ્રજાકલ્યાણ માટે અહીં આવ્યાં છે. જેઓ ભગવતીને ઓળખતા નથી તેઓની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હોવી જોઈએ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશથી માંડીને ઇન્દ્રાદિ દેવો પણ આ અંબિકાનું ધ્યાન ધરે છે.’

શશિકલાએ તો સુદર્શન સિવાય બીજા કોઈ પણ પુરુષને નહીં પરણવાનો દૃઢ નિર્ધાર કરી દીધો હતો. તેણે તેની માતાએ બધી વાત પોતાની સખી દ્વારા કહેવડાવી. અને રાણીએ આ આખી વાત રાજાને કરી ત્યારે રાજા સુબાહુએ રાણીને સમજાવી. ‘તું એ સુદર્શન વિશે તો જાણે છે ને! તેને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. તે વનમાં મા સાથે એકલો રહે છે. વીરસેન રાજાને યુધાજિતે મારી નાખ્યો છે તો આવો નિર્ધન આપણી કન્યાનો પતિ થઈ શકે? સ્વયંવરમાં એક એકથી ચઢિયાતા રાજાઓ આવશે.’

રાણીએ શશિકલાને પોતાની પાસે બેસાડીને સારી રીતે સમજાવી, ‘તારી વાત સાંભળીને તારા પિતા દુઃખી થયા છે. સુદર્શન પાસે નથી ધન, નથી રાજ્ય, નથી કોઈનો આશ્રય. મા સાથે રહીને વનનાં ફળ ખાઈને જીવે છે. આવો પતિ તને ન શોભે. બીજા ઘણા સમૃદ્ધ રાજાઓ સ્વયંવરમાં આવશે. સુદર્શનનો ભાઈ પણ સુંદર છે, ગુણવાન છે. યુધાજિત સુદર્શનનો વધ કરવા ભરદ્વાજ મુનિના આશ્રમમાં ગયો હતો પણ મુનિએ તેને અટકાવ્યો એટલે તે પાછો ચાલ્યો ગયો.’

આ સાંભળી શશિકલાએ કહ્યું, ‘વનમાં રહેતો એ રાજકુમાર મારે મન તો સર્વસ્વ છે. શર્યાતિ રાજાની આજ્ઞા માનીને તેમની પુત્રી સુકન્યાએ ચ્યવન ઋષિ પાસે જઈને તેમની સેવાચાકરી કરી હતી તેવી રીતે હું પણ સુદર્શનની સેવા કરીશ. પતિસેવા સ્ત્રીઓ માટે મોક્ષદાયી છે. તેને વરવા માટે મને ભગવતી જગદંબાએ આજ્ઞા કરી છે. એટલે હું બીજા કોઈ રાજાને સ્વીકારી શકવાની નથી.’

આમ અનેક રીતે શશિકલાએ માતાને સમજાવી, રાણીએ આ આખી વાર્તા રાજાને કહી તેમ છતાં સ્વયંવરની યોજના તો એવી ને એવી જ રહી.

સ્વયંવરનો દિવસ નજીક આવ્યો એટલે શશિકલાએ તેના પિતાથી છાની રીતે એક હિતેચ્છુ બ્રાહ્મણને બોલાવીને કહ્યું, ‘તમે ભરદ્વાજ ઋષિના આશ્રમમાં જઈને સુદર્શનને મારો સંદેશો પહોેંચાડજો. મારા માતાપિતાએ સ્વયંવરની બધી તૈયારી કરી દીધી છે. તેમાં લાવલશ્કર સાથે અનેક રાજાઓ આવશે. પણ મેં તો તમને જ પતિ તરીકે મનોમન સ્વીકાર્યા છે. ભગવતીએ પણ સ્વપ્નમાં એવો જ આદેશ મને આપ્યો છે, હું ઝેર ખાઈ લઈશ કે અગ્નિપ્રવેશ કરીશ પણ બીજા કોઈને હું પતિ તરીકે સ્વીકારી નહીં શકું. એટલે તમે મારી વાત માનજો. ભગવતીની આજ્ઞા પણ માનજો. દેવીની કૃપાથી આપણા બંનેનું કલ્યાણ થશે. હે બ્રાહ્મણ, તમે આ બધી વાત સુદર્શનને એકાંતમાં કહેજો.’

શશિકલાએ દક્ષિણા આપીને તે બ્રાહ્મણને વિદાય કર્યો. તે પણ ઋષિના આશ્રમમાં જઈને શશિકલાનો સંદેશો આપીને પાછો આવ્યો. રાજકુમાર સ્વયંવરમાં આવવા રાજી પણ થઈ ગયો.

સ્વયંવરમાં જવા માટે તૈયાર થયેલા સુદર્શનને જોઈને તેની માતા મનોરમા ભારે ચિંતામાં પડી ગઈ. આંસુ સારતાં તે પુત્રને કહેવા લાગી, ‘તું આ રાજાઓની સભામાં ક્યાં જાય છે? તું સાવ એકલો છે. તું શું સમજીને ત્યાં જાય છે? યુધાજિત રાજા તો તને મારી નાખવાની ઇચ્છાથી ત્યાં આવશે. તારી મદદ કરનાર ત્યાં કોઈ નથી. તું મારો એકનો એક પુત્ર છે. સાવ દુઃખિયારી એવી હું — મારો એક માત્ર આધાર તો તું છે. તું જઈશ એટલે હું નિરાધાર થઈ જઈશ. યુધાજિતે તો મારા પિતાને પણ મારી નાખ્યા છે. તે યુધાજિત સ્વયંવરમાં આવીને તને પણ મારી નાખે.’

સુદર્શને કહ્યું, ‘મા, જે થવાનું હશે તે થશે. જગદંબાની આજ્ઞાથી હું ત્યાં જઈશ. તું તો ક્ષત્રિયાણી છે. ભગવતીની કૃપાથી મારા મનમાં સહેજ પણ બીક નથી.’

હવે રથમાં બેસીને જવા નીકળેલા સુદર્શનને મનોરમાએ આશીર્વાદ આપ્યા, ‘જગદંબા આગળથી તારી રક્ષા કરે, પાર્વતી પાછળથી તારી રક્ષા કરે. તારી બંને બાજુએથી પણ પાર્વતી તારું રક્ષણ કરે. મુશ્કેલી આવે ત્યારે તારી રક્ષા વારાહી કરે, દુર્ગમ માર્ગમાં દુર્ગા તારું રક્ષણ કરે, ઘોર યુદ્ધમાં કાલિકા તારું રક્ષણ કરે; મંડપમાં ભગવતી માતંગી તારું રક્ષણ કરે અને સ્વયંવરમાં સૌમ્યા રક્ષણ કરે; પર્વતોમાં દુર્ગમ સ્થાનોએ ગિરિજાદેવી, ચૌટાઓમાં ચામુંડા અને વનોમાં કામગાદેવી રક્ષા કરે. હે રઘુવંશી પુત્ર, વિવાદોમાં વૈષ્ણવી રક્ષા કરે, સંગ્રામમાં ભૈરવી રક્ષા કરે. મહામાયા ભગવતી ભુવનેશ્વરી સર્વ સ્થળે તારી રક્ષા કરે.’

સુદર્શનને આ બધું કહ્યા પછી પણ ભયભીત બનેલી તેની માતાએ કહ્યું, ‘હું તારી સાથે આવીશ. તારા વિના અડધી ક્ષણ પણ હું રહી નહીં શકું. તારે જવું જ હોય તો મને પણ સાથે લઈ જા.’

આમ મનોરમા પોતાની દાસી સાથે સુદર્શન સાથે જવા નીકળી ત્યારે બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા. તે ત્રણે જણ એક જ રથમાં બેસીને કાશીમાં જઈ પહોેંચ્યાં. ત્યાં સુબાહુ રાજાએ તેનું સ્વાગત કરી રહેવા માટેની, ભોજન માટેની ઉત્તમ વ્યવસ્થા કરી, સેવાચાકરી માટે સેવકો આપ્યા. ત્યાં દેશવિદેશના રાજાઓ આવ્યા હતા. યુધાજિત પણ ભાણેજને લઈને આવ્યો. કરુષ, મદ્ર, સિંધુ, માહિષ્મતી, પાંચાલ, પર્વત, કામરૂપ, વિદર્ભ, કર્ણાટક, ચોલ દેશના રાજાઓ તેમની સેનાઓ લઈને આવ્યા. આખી નગરી સેનાથી છવાઈ ગઈ. વળી કેટલાક રાજાઓ સ્વયંવર જોવાની ઇચ્છાથી ત્યાં આવ્યા હતા. કેટલાક રાજકુમાર કહેવા લાગ્યા, ‘જુઓ જુઓ, રાજકુમાર સુદર્શન પણ અત્યંત સ્વસ્થ બનીને અહીં આવ્યો છે. આ રઘુવંશી કુમાર સાથે માત્ર તેની માતા છે, કોઈ સેવક નથી. અહીં આટલા બધા રાજપુત્રો સૈન્ય, અસ્ત્ર-શસ્ત્ર લઈને આવ્યા છે. આ બધાને બાજુ પર મૂકીને રાજકુમારી શું આ નિર્ધન સુદર્શનને પસંદ કરશે?’

યુધાજિત રાજાએ કહ્યું, ‘રાજકુમારીને માટે હું આ સુદર્શનને મોતને ઘાટ ઉતારી દઈશ. એમાં જરાય શંકા નથી.’

આ સાંભળી કેરલ દેશના નીતિજ્ઞ રાજાએ કહ્યું.‘રાજન્, આ રાજકુમારી સ્વેચ્છાએ પતિ પસંદ કરી શકે એ માટે આ સ્વયંવર છે. અહીં યુદ્ધ કરી ન શકાય. બળ વાપરીને કન્યાનું હરણ થઈ ન શકે. આમાં વિવાદ ક્યાં છે? તમે આ રાજકુમારનું રાજ્ય અન્યાયથી છિનવી લઈ તમારા ભાણેજને રાજા બનાવ્યો છે. રઘુવંશી આ સુદર્શન કોશલનરેશનો પુત્ર છે. આ નિરપરાધી પુત્રને તમે મારશો કેવી રીતે? અન્યાય કર્યાનું ફળ તમારે ભોગવવું પડશે. આ બધા ઉપર શાસન કરનાર ઈશ્વર પણ છે. ધર્મનો વિજય થાય છે, અધર્મનો વિજય થતો નથી. માટે આવી અનીતિ ન આચરો, પાપવૃત્તિ ત્યજી દો. તમારો સુંદર, ગુણવાન દૌહિત્ર પણ અહીં આવ્યો છે, તે રાજા છે. રાજકુમારી તેની વરણી પણ કરી શકે. બીજા પરાક્રમી રાજકુમારો પણ આવ્યા છે. કન્યા સ્વેચ્છાએ કોઈની પણ પસંદગી કરી શકે છે. આમાં વિવાદનો કોઈ પ્રશ્ન જ નથી. વિવેકી પુરુષોએ દ્વેષભાવ નહીં રાખવો જોઈએ.’

આ સાંભળીને યુધાજિતે કહ્યું, ‘રાજન્, તમે સત્યવાદી છો, જિતેન્દ્રિય છો, યોગ્ય રાજાઓની ઉપસ્થિતિમાં કોઈ અયોગ્ય વ્યકિત આ રાજકન્યાને લઈ જાય તે કેવું કહેવાય? સિંહનો હિસ્સો શિયાળ લઈ જાય તે ચાલે? સુદર્શન આ કન્યાદાનને પાત્ર છે ખરો? બ્રાહ્મણોની શક્તિ વેદમાં છે, રાજાઓની શક્તિ બાહુબળમાં છે. હું જે કહી રહ્યો છું તે શું અન્યાયયુક્ત છે? બળવાન જ સ્વયંવરમાં જીતી શકે. એટલે આવી નીતિ સાથે જ સ્વયંવર થવો જોઈએ, નહીંતર રાજાઓમાં ભારે ક્લેશ થશે.’

રાજાઓમાં જ્યારે આવો વિચાર ચાલતો હતો ત્યારે સુબાહુ રાજાને સભામાં બોલાવવામાં આવ્યા. ત્યારે કેટલા તત્ત્વદર્શી રાજાઓએ તેમને કહ્યું, ‘આ સ્વયંવરમાં રાજાઓને શોભે એવી નીતિ અપનાવવી જોઈએ. તમે શું કરવા માગો છો તે તમે સ્પષ્ટ રીતે કહો.આ કન્યા કોને આપવા માગો છો?’

રાજાઓની વાત સાંભળીને સુબાહુ બોલ્યા, ‘મારી પુત્રીએ મનોમન સુદર્શનની પસંદગી કરી છે. મેં તેને બહુ સમજાવી પણ તે મારી વાત માનતી નથી. હું શું કરું? તથા સુદર્શન પણ ડર્યા વિના આવ્યો છે. તેની સાથે કોઈ સહાયક નથી છતાં તે ચિંતામુક્ત છે અને નીડર છે.

પછી બધા રાજાઓએ સુદર્શનને બોલાવ્યો. તે એકલો જ આવ્યો અને શાંતિથી બેઠો. રાજાઓએ તેને કહ્યું, ‘તું ભાગ્યવાન છે, બુદ્ધિશાળી છે. તું એકલો આ રાજસભામાં આવ્યો છે. તારી પાસે નથી સેના, નથી કોઈ મંત્રી, નથી ધન, નથી તું બળવાન. તો પછી શા માટે આવ્યો છે? અહીં યુદ્ધની ઇચ્છાવાળા રાજાઓ પાસે સૈન્ય છે, બધાની ઇચ્છા રાજકુમારીને વરવાની છે. તું શું કરવા ઇચ્છે છે? તારો ભાઈ શત્રુજિત પણ અહીં આવ્યો છે અને તેને માટે મહાબાહુ યુધાજિત પણ આવ્યો છે. તું સૈન્ય વિના અહીં આવ્યો છે. તું હવે તારી ઇચ્છા પ્રમાણે કર, જવું હોય તો જા અને રહેવું હોય તો રહે.’

આ સાંભળી સુદર્શન બોલ્યો, ‘મારી પાસે નથી શક્તિ, નથી ખજાનો, નથી કોઈ સુરક્ષિત કિલ્લો- મિત્રો, સ્નેહી રક્ષણ કરનાર રાજા પણ નથી; હું તો સ્વયંવરના સમાચાર સાંભળી તે જોવા આવ્યો છું. ભગવતી દેવીએ મને સ્વપ્નમાં દર્શન દઈ આજ્ઞા આપી છે. અત્યારે મારા મનમાં કોઈ સંકલ્પ નથી; મને તો સર્વત્ર જગદંબા જ દેખાય છે. જે મારી સાથે શત્રુતા કરશે તેને મહામાયા શિક્ષા કરશે. જે થવાનું હશે તે તો થશે જ. તેમાં કશો ફેરફાર નહીં થઈ શકે. દેવ, દાનવ તથા બધાં પ્રાણીઓને દેવીએ જ શક્તિ અર્પી છે, તે વિના કશું થઈ શકતું નથી. તે જેને રાજા બનાવવા ચાહે તેને રાજા બનાવી શકે છે, જેને રંક બનાવવા ચાહે તેને રંક બનાવી શકે છે. ભગવતીની કૃપા વિના દેવતાઓ પણ કશું કરી શકતા નથી. હું શક્તિશાળી છું કે નથી, જેવો છું તેવો આ રહ્યો. દેવીની આજ્ઞાથી હું અહીં આવ્યો છું. ભગવતી જે ઇચ્છશે તે થશે, તે વિશે મારા મનમાં કશી શંકા નથી. અહીં જય મળે છે કે પરાજય તેની મને ચિંતા નથી, સંકોચ તો ભગવતીને થાય. હું તો તેમને અધીન છું.’

તેની એવી વાત સાંભળીને રાજાઓ એકબીજા સામે જોઈને કહેવા લાગ્યા, ‘તારી વાત પૂરેપૂરી સાચી છે. પણ તું વિચાર. ઉજ્જયિનીનો રાજા તને મારી નાખવા માગે છે, તારા પર દયાભાવ હોવાથી અમે તને કહીએ છીએ. તને જે યોગ્ય લાગતું હોય તે હવે તું કર.’

સુદર્શને કહ્યું, ‘તમે બધા દયાભાવવાળા છો. સજ્જન છો, મેં તમને જે કહ્યું છે તે ફરી કહું? કોઈ કોઈને મારી શકતું નથી. બધું જ પરમાત્માને અધીન છે. સંસારનું કોઈ પ્રાણી સ્વતંત્ર નથી, તે હમેશાં પોતાના કર્મને અધીન છે. ચિંતકોએ કર્મ ત્રણ પ્રકારનાં કહ્યાં છે — સંચિત, વર્તમાન અને પ્રારબ્ધ. આ અખિલ વિશ્વ કાળ, કર્મ અને સ્વભાવથી વ્યાપ્ત છે. કાળ ન આવ્યો હોય ત્યાં સુધી દેવ પણ મનુષ્યનો વધ કરી શકતા નથી. કોઈ નિમિત્ત જ કોઈનું મૃત્યુ આણી શકે છે. શત્રુઓનો નાશ કરનારા મારા પિતાને સિંહે મારી નાખ્યા, મારા માતામહને યુધાજિતે માર્યા, એટલે આખરે તો દૈવયોગથી જ મૃત્યુ થાય છે. પ્રારબ્ધમાં મૃત્યુ લખાયું હોય તો તેને ટાળી શકાતું નથી.

દેવની કૃપા હોય તો કોઈનીય સહાય વિના માનવી હજારો વર્ષ ટકી શકે છે. હું યુધાજિતથી બીતો નથી. દૈવને જ શ્રેષ્ઠ માનીને સ્વસ્થ રહ્યો છું. હું ચોવીસે કલાક ભગવતીનું સ્મરણ કરું છું. જગન્માતા મારું કલ્યાણ કરશે. કર્મ પ્રમાણેનું ફળ માનવીએ ભોગવવું પડે છે. તો પોતે જે કર્યું તે ભોગવવાનો ડર શા માટે? હું વેર, શોક, ભયને ગણકારતો નથી. એટલે જ હું અહીં નિર્ભય બનીને આવ્યો છું. વળી, કોઈને જાણતો નથી. યુધાજિત સુખી થાય, મારે તેમની સાથે કોઈ વેર નથી.’

તેની વાતોથી રાજાઓને સંતોષ થયો. બધા પોતપોતાનાં સ્થાને ગયા. સુદર્શન પણ પોતાના ઉતારે જઈ સ્વસ્થતાથી બેઠો. બીજે દિવસે રાજા સુબાહુએ બધાને પોતાના સુંદર મંડપમાં બોલાવ્યા. સુંદર બિછાનાઓ પર મનોહર અલંકારો પહેરેલા રાજાઓ બેઠા. અલંકૃત થઈને આવેલા રાજાઓ ત્યાં બેસી રાજકુમારીની પ્રતીક્ષા કરતા હતા. બધા સ્વયંવર જોવાની ઇચ્છાથી બેઠા હતા. બધા આતુર હતા, રાજકુમારી કોને વરશે? જો તે સંજોગવશ સુદર્શનના ગળામાં માળા પહેરાવશે તો રાજાઓ વચ્ચે યુદ્ધ થવાનું. તે જ વખતે મહેલમાં વાજિંત્રોનો ગગનભેદી નાદ થયો. સદ્યસ્નાતા, અલંકારવતી, સુવાસિત પુષ્પહાર ધારણ કરેલી, રેશમી વસ્ત્રો પરિધાન કરેલી, શશિકલા લક્ષ્મી જેવી દેખાતી હતી. તેના પિતાએ કહ્યું, ‘ચાલ ઊભી થઈને હાથમાં પવિત્ર હાર લઈને મંડપમાં જા અને બધા રાજાઓને જો. તને જે ગુણવાન, રૂપવાન, ઉત્તમ કુળનો લાગે તેને વરમાળા પહેરાવજે. બધા રાજાઓ અહીં બેઠા છે, તેમને જોઈને ઇચ્છામાં આવે તેને વર.’

પિતાની વાત સાંભળીને શશિકલા બોલી, ‘મેં નિશ્ચય કર્યો છે કે હું સ્વયંવરમાં નહીં જઉં, કામી રાજાઓ પાસે ભલે બીજી સ્ત્રીઓ જતી. ધર્મશાસ્ત્રમાં કહ્યું છે કે સ્ત્રીએ એક જ વર જોવો જોઈએ, બીજા પુરુષનો તેણે વિચાર પણ કરવો ન જોઈએ. જે સ્ત્રી અનેક પુરુષો સામે જાય છે તે સ્ત્રી પાપી કહેવાય. તેને જોઈને બધાના મનમાં ઇચ્છા જાગે છે, તેની સ્થિતિ સામાન્ય સ્ત્રી જેવી જ થાય છે. વેશ્યા શું કરે છે? બજારમાં જઈ ત્યાં ઊભેલા પુરુષોના ગુણદોષ વિચારે છે, તેવું કુળવાન કન્યા ન કરી શકે. હું મંડપમાં જઈને વેશ્યાની જેમ કેવી રીતે વર્તી શકું? અનેક પુરુષોને જોયા પછી કોઈ એક પુુરુષને પસંદ કરે એવી રીતે હું નહીં કરી શકું! મેં બધી રીતે સુદર્શનને પતિ તરીકે સ્વીકાર્યો છે તો તમે મારું કલ્યાણ ઇચ્છતા હો તો કોઈ શુભ દિવસે સુદર્શન સાથે મારું પાણિગ્રહણ કરાવો.’

આ સાંભળી સુબાહુ રાજા ચિંતાતુર બની ગયા. કન્યાની વાત સાચી હોય તો પણ હવે મારે શું કરવું? રાજાઓ તેમના રસાલા સાથે આવ્યા છે. આ બળવાન રાજાઓ યુદ્ધ કરવાની ઇચ્છાવાળા છે. હું જો તેમણે એમ કહું કે કન્યા સ્વયંવરમાં આવવાની ના પાડે છે તો તેઓ મને જ મારી નાખશે. મારી પાસે એવું વિરાટ સૈન્ય નથી, મારી પાસે અભેદ્ય કિલ્લો પણ નથી. આ સુદર્શન પણ સાવ નાનો છે, નિર્ધન છે, એકલો છે, બધી રીતે દુઃખી દુઃખી થઈ ગયો છું.

આમ વિચારી સુબાહુ રાજા બધા રાજાઓ પાસે જઈને પ્રણામ કરીને કહેવા લાગ્યા, ‘હે રાજાઓ, મારે શું કરવું? મેં અને મારી પત્નીએ તેને ઘણી બધી રીતે સમજાવી તો પણ તે મંડપમાં આવતી નથી. હું તમારા બધાનો સેવક છું. તમારા પગે પડું છું. તમે પૂજા સ્વીકારી તમારે ઘેર જાઓ. હું તમને બધાને રત્નો, વસ્ત્રો, હાથી, રથ આપું છું. તે સ્વીકારો, કન્યા મારે વશ નથી. તેને દંડ આપો તો તે મરી જવા તૈયાર છે. તમે બધા દયાળુ છો, મહાબળવાન છો, મારી આ અવિવેકી, મૂર્ખ કન્યાથી કયું સુખ મળશે? હું તમારો દાસ છું. તમે મારા પર કૃપા કરો, મારી પુત્રીને તમે તમારી પુત્રી માનો.’

સુબાહુની વાત સાંભળીને બીજા રાજાઓ તો કશું બોલ્યા નહીં. પણ યુધાજિતે રાતાપીળા થઈને કહ્યું, ‘રાજા, તું સાવ મૂરખ છે. આવું નિંદાપાત્ર કાર્ય કરીને તું આ શું બોલે છે? જો કન્યાનો આવો આશય હતો તો સ્વયંવર શું કામ રચ્યો? બધા રાજાઓને બોલાવ્યા શા માટે? બધા રાજા અહીં આવ્યા. અને હવે તું એમને ઘેર જવા કહે છે! બધા રાજાઓનું અપમાન કરીને સુદર્શન સાથે તારી કન્યાને પરણાવવા માગે છે? આનાથી વધુ ખરાબ શું હોઈ શકે? કલ્યાણ કરવા માગનારે પહેલાં, સારી રીતે આયોજન કરીને કાર્ય કરવું જોઈએ. એનું પરિણામ તારે ભોગવવું પડશે. આટલી મોટી સેના અને આટલા બધા સેવકોને લઈને આવેલા રાજાઓને પડતા મૂકીને તું સુદર્શનને તારી કન્યા શા માટે આપવા માગે છે? અરે પાપી, પહેલાં હું તને મારી નાખીશ, પછી સુદર્શનને મારીશ. તારી કન્યા મારા ભાણેજને આપીશ. આ કન્યાનું હરણ કરી જવાની હિંમત કોનામાં છે? આ નિર્ધન, નિર્બળ બાળક સુદર્શનની તો શી વિસાત છે? મેં ભરદ્વાજ ઋષિના આશ્રમમાં એને જવા દીધો હતો. આજે હું એને જવા નહીં દઉં. માટે પુત્રી અને પત્નીની સાથે સારી રીતે મંત્રણા કરીને આ સુંદર કન્યા મારા દૌહિત્રને આપ. જે કલ્યાણ ઇચ્છે તેણે તો મોટાનો આશ્રય સ્વીકારવો જોઈએ. સુદર્શન તો રાજ્ય વિનાનો, એકલો છે. તેને પુત્રી આપીને શું કરવા માગે છે? કુળ, ધન, બળ, રૂપ, રાજ્ય, દુર્ગ, મિત્રો — વગેરેનો વિચાર કરીને કન્યાનું લગ્ન કરવું જોઈએ. ધર્મ, રાજનીતિનો બરાબર વિચાર કર. એમ ને એમ ઉતાવળે કશું ન કર. તું તારી કન્યાને સખીઓ સાથે અહીં મંડપમાં લઈ આવ. સુદર્શન સિવાય એ બીજા કોઈને પણ પસંદ કરશે તો મારે કોઈ ઝઘડો નથી. બધા રાજા કુળવાન છે, બળવાન છે, તેમાંથી કન્યા ગમે તેની પસંદગી કરી શકે. સુદર્શનને વરે તો જ ઝઘડો છે. હું આજે બળજબરીથી કન્યાનું હરણ કરી જઈશ. તું ખોટો વિરોધ ન કર.’

યુધાજિતની આવી વાત સાંભળીને શોકગ્રસ્ત સુબાહુએ પોતાની રાણીને કહ્યું, ‘તું તો ધર્મ જાણે છે. પુત્રીને સમજાવ કે અહીં ઝઘડો ઊભો થયો છે. હું શું કરી શકું? હું તારે વશ છું.’

પતિની વાત સાંભળીને રાણી પુત્રીને મળી, ‘જો તારા પિતા બહુ દુઃખી થઈ ગયા છે. તારે કારણે રાજાઓમાં ભારે ઝઘડો થયો છે. તું સુદર્શનને જતો કરીને બીજાને પસંદ કર. તું જો જિદ કરીને સુદર્શનને વરીશ તો બળવાન યુધાજિત તને અને અમને મારી નાખશે. સુદર્શન પણ જીવતો નહીં રહે. એટલે તું જો અમારું, તારું સુખ ઇચ્છતી હોય તો બીજા કોઈ પણ રાજાને તું સ્વીકારી લે.’ પછી સુબાહુ રાજાએ પણ પુત્રીને સમજાવી. માતાપિતાની વાત સાંભળીને શશિકલા જરાય ડર્યા વિના બોલી,

‘તમારી વાત સાચી છે પણ મારો નિર્ધાર તો જાણો છો ને! સુદર્શન સિવાય હું બીજા કોઈને વરવાની નથી. તમે રાજાઓથી ગભરાઈ ગયા છો. મને સુદર્શનને સોેંપી દો, તે મને નગર બહાર લઈ જશે. પછી તો જે ભાગ્યમાં લખ્યું હશે તે થશે. તમે ચિંતા ન કરતા. જે થવાનું હશે તે થયા વિના રહેવાનું નથી.’

રાજાએ આ સાંભળી કહ્યું, ‘બુદ્ધિશાળીઓએ કદી સાહસ ન કરવું. ઘણા સાથે વિરોધ નહીં કરવો. હું કન્યાદાન કર્યા વિના કેવી રીતે તને કાઢી મૂકું? આવું થાય પછી આ રાજાઓ મારું અનિષ્ટ કરવામાં શું બાકી રાખશે? તું કહેતી હોય તો ભૂતકાળમાં જનક રાજાએ સીતા માટે જેવો સ્વયંવર રચ્યો હતો તેવો સ્વયંવર રચું. તેમણે તો શિવધનુષ તોડવાની વાત કરી હતી. એવી રીતે હું પણ રાજાઓમાં એવું કોઈ મહાન કાર્ય શરત રૂપે મૂકું. જેનામાં તે પાર પાડવાની શક્તિ હશે તે વિજયી થશે અને તને વરશે. એવું કરું તો રાજાઓનો વિવાદ શમે. પછી સુખેથી તારો વિવાહ થઈ શકશે.’

શશિકલા બોલી, ‘મારા મનમાં કશી શંકા નથી. હું મૂર્ખ નથી. સુદર્શનને મનમાં વરી લીધો છે એટલે એમાં કશો મીનમેખ નહીં થાય. પાપ કે પુણ્ય — ગમે તે હોય તેમાં પ્રવૃત્ત કરવાનું મનને હોય છે. જો આવી કોઈ શરત કરવામાં આવે તો તો બધાને વશ થઈ જઉં. એક-બે-અને વધારે એ શરત પાળે તો? વિવાદ જ થવાનો. હું અસ્પષ્ટતામાં ધકેલાવા માગતી નથી. તમે મને લગ્નવિધિ કરીને સુદર્શનના હાથમાં સોંપી દો. ભગવતી ચંડિકા બધાંનું કલ્યાણ કરશે. તમે તેનું સ્મરણ કરો. તમે હમણાં રાજાઓ પાસે જઈ હાથ જોડીને બધાને આવતીકાલે સ્વયંવરમાં આવવા કહો. અને રાતે જ વિધિપૂર્વક મારું લગ્ન કરી દો, યોગ્ય પહેરામણી આપીને અમને વિદાય કરો. એટલે સુદર્શન મને લઈને જતા રહેશે. બને કે રાજાઓ ક્રોધે ભરાઈને યુદ્ધ કરવા તૈયાર થાય તો ભગવતી ચંડિકા આપણી સહાય કરશે. અને ધારો કે યુદ્ધમાં સુદર્શનનું મૃત્યુ થશે તો હું તેની પાછળ સતી થઈશ. તમારું કલ્યાણ થાઓ, તમે સૈન્યની સાથે ઘેર રહેજો. હું એકલી સુદર્શન સાથે જઈશ.’

શશિકલાની વાત સાંભળીને રાજાએ દૃઢ નિર્ધાર કરી લીધો અને પુત્રીની વાત સ્વીકારી.

પુત્રીની વાત સાંભળીને સુબાહુ બીજા રાજાઓ પાસે જઈને બોલ્યા, ‘આજે તમે બધા તમારા ઉતારે જાઓ. આવતી કાલે હું વિવાહ કરીશ. ખાણીપીણી સ્વીકારો. આવતી કાલે અહીં જ વિવાહ થશે. અત્યારે મારી પુત્રી મંડપમાં આવશે જ નહીં; હું લાચાર છું. આવતીકાલે સવારે હું એને અહીં લઈ આવીશ. બુદ્ધિશાળીઓએ ઝઘડો ન કરવો. પોતાના આશ્રિતો પર હમેશ કૃપા કરવી. એટલે તમે શશિકલા પર કૃપા કરો. કાલે સવારે પુત્રીને અહીં લાવીશ. અહીં ઇચ્છા સ્વયંવર થશે. રાજકુમારી અહીં આવશે. બધા રાજાઓએ ભેગા થઈને સ્વયંવરમાં ભાગ લેવાનો છે.’

સુબાહુની વાત સાંભળીને બધા રાજાઓ પોતપોતાના ઉતારે ગયા. નગરની આજુબાજુ નજર રાખીને કોઈ કપટ ન થાય તે જોવાનો પણ તેમણે નિર્ણય કર્યો. આ બાજુ સુબાહુ વેદપરંપરાગત બ્રાહ્મણોને બોલાવી ગુપ્ત સ્થળે વિવાહની તૈયારી કરવા લાગ્યા. મંડપમાં વેદી બનાવી હતી. વરને સ્નાનાદિ કરાવી વસ્ત્રાભૂષણ આપી મંડપમાં બોલાવ્યો. સુબાહુએ આપેલાં વસ્ત્ર, ગાયો, કુંડળ તેણે સ્વીકાર્યાં. શશિકલાને કુબેરકન્યા કરતાં પણ ઉત્તમ માની. રાજાના મંત્રીઓએ પણ સુદર્શનની પૂજા કરીને વસ્ત્રો આપ્યાં. આ આખો વિધિ નિર્ભય વાતાવરણમાં સંપન્ન થયો. પુરોહિતે અગ્નિ પ્રગટાવી સારી રીતે હોમ કર્યો, પછી વરકન્યાને બોલાવ્યાં. વિધિ પ્રમાણે લાજાહોમ અને અગ્નિની પ્રદક્ષિણા કરાવી. રાજાએ પુષ્કળ ધનુષબાણવાળા, ઉત્તમ અશ્વો જોડેલા બસો રથ આપ્યા, સોને મઢેલા, પર્વતશિખરો જેવા દેખાતા, મદમસ્ત સવાસો હાથી આપ્યા. સુવર્ણાલંકારો ધરાવતી સો દાસીઓ અને સો હાથણીઓ પણ આપી, ઉપરાંત અસ્ત્રશસ્ત્રથી સજ્જ એક હજાર સૈનિકો, રત્નો, વસ્ત્રો, કાંબળા આપ્યાં. સુંદર, ચિતરામણવાળાં ઘર રહેવા આપ્યાં, સિંધુ દેશના બે હજાર ઉત્તમ ઘોડા આપ્યા. સામાન ઊંચકવા ત્રણસો ઊંટ, અનાજ-ઘી ભરેલાં સો ગાડાં આપ્યાં.

પછી રાજાએ મનોરમા પાસે જઈ બે હાથ જોડી કહ્યું, ‘હે રાજપુત્રી, હું તમારો દાસ છું. તમારા મનમાં કોઈ ઇચ્છા હોય તો કહો.’

આ સાંભળી મનોરમાએ કહ્યું, ‘રાજા, તમારું કલ્યાણ થાઓ, તમારા કુળની વૃદ્ધિ થાઓ, તમારા રત્ન જેવી કન્યા અમને આપીને અમારું સમ્માન કર્યું છે. કુશળ યશોગાન કરનાર તો ભાટ ચારણ હોય છે. હું તેમની પુત્રી નથી. તમે તો હવે અમારાં સ્વજન થયાં છો, સુદર્શનને સુમેરુ જેટલું માન મળી ગયું. તમારા જેવા સદાચારી રાજાનું તો શું વર્ણન કરું? રાજ્યમાંથી હાંકી કાઢેલા, નિર્ધન, વનવાસી, પિતા વિનાના મારા પુત્રને તમે તમારી કન્યા મોટા મોટા રાજાઓને પણ બાજુ પર મૂકીને આપી. આવું તો કોણ કરે? સામાન્ય રીતે બધી રીતે બરોબરિયા હોય તેની સાથે લગ્નસંબંધ બંધાય. પણ શ્રેષ્ઠ અને ચઢિયાતા રાજાઓ સાથે વેર બાંધીને તમે સુદર્શનને સ્વીકાર્યો. તમારી હિંમતની તો શી પ્રશંસા કરું?’

આ સાંભળી સુબાહુ રાજી થયા. તેમણે બે હાથ જોડીને કહ્યું, ‘મારું આ વિખ્યાત રાજ્ય તમે સ્વીકારો. હું તમારો સેનાપતિ થઈશ. એવું ન કરવું હોય તો અડધું રાજ્ય પણ સ્વીકારો. આ કાશીનગરીને ન સ્વીકારી તમે વનમાં રહો કે કોઈ ગામમાં રહો તે મને નહીં ગમે. હા, રાજાઓ ક્રોધે ભરાશે. પણ પાસે જઈને તેમને હું શાંત કરીશ. બીજા બે ઉપાય પણ વિચારીશ. આમ છતાં જો તેઓ નહીં માને તો યુદ્ધ કરીશ, જયપરાજય તો પ્રારબ્ધાધીન છે. છતાં જેના પક્ષે ધર્મ હશે તેનો વિજય થશે. અધર્મનો કદી વિજય થતો નથી.’

સુબાહુની મર્મયુક્ત વાત સાંભળીને મનોરમા ખૂબ પ્રસન્ન થઈ. તે બોલી, ‘રાજન્, તમારું કલ્યાણ થાઓ. તમે નિર્ભય થઈ અહીં રાજ કરો. મારો પુત્ર અયોધ્યામાં રાજ કરશે. હવે તમે અમને જવા દો. ભવાની તમારું કલ્યાણ કરશે. ભગવતી અંબિકાનું ચિંતન કરું છું એટલે મને કશી ચિંતા નથી.’

આમ બંને વચ્ચે અમૃત જેવી વાતો ચાલતી હતી. એમ કરતાં કરતાં જ સવાર પડી ગઈ. રાજાઓને જ્યારે જાણ થઈ કે શશિકલાનું લગ્ન થઈ ગયું ત્યારે તેઓનો ક્રોધાગ્નિ ભડકી ઊઠ્યો. ‘સુદર્શન કોઈ રીતે શશિકલાને લાયક નથી. આપણે આજે જ સુબાહુ અને સુદર્શનને મારીને શશિકલા લઈ જઈએ. આપણે ઘેર જઈને શું મેં દેખાડીશું? આ બધા અવાજ સાંભળો. ઢોલનગારાં, શંખધ્વનિ સંભળાય છે, વેદમંત્રો સંભળાય છે એટલે એ તો નિશ્ચિત થયું કે લગ્ન થઈ ગયું છે. આપણને ઠગ્યા છે. હવે આપણે શું કરવું તે વિચારો.’

રાજાઓ આમ બોલતા હતા ત્યારે સુબાહુ કન્યાના પાણિગ્રહણ સંસ્કાર પૂરા કરીને રાજાઓને આમંત્રવા મિત્રો અને મંત્રીઓ સાથે જઈ પહોેંચ્યા; તેમને જોઈને રાજાઓ કશું બોલ્યા નહીં. સુબાહુએ હાથ જોડીને કહ્યું, ‘તમે બધા આજે મારે ત્યાં ભોજન કરવા પધારો. શશિકલાએ સુદર્શન સાથે લગ્ન કરી લીધું છે. તમારા ગમા-અણગમા વિશે તો શું કહું? કૃપા કરી શાંતિ રાખો. મહાન પુરુષો તો દયાળુ હોય છે.’

આ સાંભળીને રાજાઓ તો ક્રોધે ભરાઈ રાતાપીળા થઈ ગયા. ‘રાજન્, અમે જમી લીધું. તમે તમારે ઘેર જાઓ. તમને જે યોગ્ય લાગ્યું તે તમે કર્યું. જે કંઈ બાકી હોય તે તમે પૂરું કરો. બધા રાજાઓ હવે પોતપોતાને ઘેર જાઓ.’

રાજા સુબાહુ પણ આ રાજાઓ હવે શું કરશે એની ચિંતામાં ઘેર ગયા. સુબાહુના ગયા પછી રાજાઓએ રસ્તો રોકીને ઊભા રહેવાનું નક્કી કર્યું; ‘સુદર્શનને મારીને કન્યા લઈ જઈશું.’

કેટલાકે એમ કહ્યું કે ‘તે રાજાએ આપણું શું બગાડ્યું છે? આપણે તો જેમ આવ્યા તેમ જતા રહીશું.’

સુબાહુ ઘેર જઈ લગ્નવિધિ પછીનાં કાર્યો કરવા બેઠા.

રાજાએ છ દિવસ સુધી સુદર્શનને ભોજન પીરસ્યું, મંત્રીઓની સલાહથી યોગ્ય પહેરામણી આપી. પછી રાજાને જાણ થઈ કે બીજા રાજાઓ રસ્તો રોકીને ઊભા છે. સુબાહુ આ સાંભળી ઉદાસ થઈ ગયા. પણ સુદર્શને તેમને કહ્યું, ‘તમે અમને જવાની આજ્ઞા આપો. ભરદ્વાજ મુનિના આશ્રમે જઈ પછી કાયમ માટે ક્યાં રહેવું તે વિચારીશું. આ રાજાઓથી જરાય ડરતા નહીં. ભગવતી જગદંબા આપણી સહાય કરશે.’

રાજા સુબાહુએ સુદર્શનની વાતનો વિચાર કરીને ભગવતી પર બધું છોડી દઈ જમાઈને ધન આપીને તેમને મોકલવાની વ્યવસ્થા કરી. સુદર્શનની પાછળ પાછળ સુબાહુ પણ મોટી સેના લઈને નીકળ્યા. બળવાન સુદર્શન તો અત્યંત નિર્ભય થઈને જઈ રહ્યો હતો. પત્ની સાથે તે જે રથમાં બેઠો હતો તેની આસપાસ ઘણા બધા રથ હતા. રસ્તામાં સુદર્શનની અને સુબાહુની નજર રાજાઓના સૈન્ય પર પડી. આ જોઈને સુબાહુ તો ગભરાઈ ગયા પણ સુદર્શન પ્રસન્ન રહ્યો. તેણે વિધિપૂર્વક ભગવતીનું ધ્યાન ધર્યું અને ભગવતીની શરણાગતિ સ્વીકારી. એક અક્ષરવાળો સર્વોત્તમ બીજમંત્ર રટવા લાગ્યો. તેના પ્રભાવથી નવપરિણીતા શશિકલા સાથે નિર્ભય બનીને આગળ વધતો રહ્યો. તેના મનમાંથી શોક અને ભય અદૃશ્ય થઈ ગયા. એટલામાં શત્રુરાજાઓ રાજકુમારીનું હરણ કરવાની ઇચ્છાથી સામે આવ્યા. કાશીનરેશ તેમનો સામનો કરવા તૈયાર થયા પણ સુદર્શને તેમને રોક્યા. આમ છતાં સુબાહુ અને શત્રુરાજાઓ વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું. શંખ, નગારાં, ભેરી વાગવા લાગ્યાં. શત્રુજિત તેની સેના લઈને સુદર્શનને મારવા આવ્યો. યુધાજિત પણ આગળ આવ્યો. ક્રોધે ભરાઈને આ ત્રણે પ્રહાર કરવા લાગ્યા. કાશીનરેશ સુબાહુ જમાઈ સુદર્શનની સહાય માટે પહોેંચી ગયા. ભયંકર યુદ્ધ શરૂ થયું અને ત્યાં સિંહ પર બેઠેલા ભગવતી દુર્ગા એકાએક પ્રગટ્યાં. તેમણે દિવ્ય વસ્ત્રો, અલંકાર ધારણ કર્યાં હતાં. મંદારપુષ્પોની માળા ગળામાં હતી. રાજાઓ આશ્ચર્ય પામ્યા: ‘સિંહ પર બેઠેલાં આ દેવી કોણ છે?’ સુદર્શને ભગવતીનાં દર્શન કરીને સુબાહુને કહ્યું, ‘જુઓ દેવી કૃપા કરવા અહીં પધાર્યાં છે. તેમનાં દર્શન અદ્ભુત છે. તેમની કૃપાથી હું નિર્ભય છું.’ પછી બંને પ્રસન્ન થઈને તેમને પ્રણામ કરવા લાગ્યા. સિંહ જોરજોરથી ગર્જના કરવા લાગ્યો. તેનાથી સેનાના હાથીઓ ધૂ્રજી ઊઠ્યા. ભયંકર પવન વાવા લાગ્યો. સુદર્શને તેમના સેનાપતિને કહ્યું, ‘જ્યાં રાજાઓ રસ્તો રોકીને ઊભા છે ત્યાં ચાલો. તે દુરાચારી રાજાઓ હવે મારું શું બગાડશે? ભગવતી જગદંબા આપણને સહાય કરવા જાતે અહીં આવ્યાં છે. રસ્તો શત્રુસેનાથી ઘેરાયેલો છે પણ આપણે આગળ જઈએ. મેં દેવીનું સ્મરણ કર્યું છે, તેઓ અહીં સાક્ષાત્ પધાર્યા છે. હવે ભયનું કોઈ કારણ નથી.’

સુદર્શનને સાંભળીને સેનાપતિ આગળ વધ્યો. યુધાજિતે ક્રોધે ભરાઈને રાજાઓને કહ્યું, ‘ભયભીત થઈને તમે અહીં કેમ ઊભા છો? રાજકુમારી સહિત આ સુદર્શનને મારી નાખો. નિર્બળ હોવા છતાં બળવાન એવા આપણા સૌનું તેણે અપમાન કર્યું છે. કેવો નિર્ભય થઈને કન્યાને લઈ જઈ રહ્યો છે. સિંહ પર બેઠેલી એક સ્ત્રીને જોઈને તમે ગભરાઈ ગયા છો? શત્રુની ઉપેક્ષા ન કરવી જોઈએ પણ સાવધાન થઈને તેને મારી નાખવો જોઈએ, પછી આપણે આ સુંદર રીતે સજાવેલી કન્યાને લઈ જઈશું. આ શિયાળ સિંહનો ભાગ લઈ જાય કેવી રીતે?’

આમ કહીને યુધાજિત શત્રુજિતને લઈને સેના સમેત ત્યાં આવી ચઢ્યો અને કાન સુધી ધનુષની પણછ ખેંચીને સુદર્શન પર બાણ ચલાવવા લાગ્યો. તે સુદર્શનને મારી નાખવા માગતો હતો. પણ સુદર્શને બધાં બાણ કાપી નાખ્યાં. આ યુદ્ધ જોઈને ભગવતી ક્રોધે ભરાયાં અને તેમણે યુધાજિત સામે બાણો મારવા માંડ્યાં. તે સમયે ભગવતી અનેક રૂપવાળાં થયાં, જાતજાતનાં શસ્ત્રો વડે જગદંબાએ યુદ્ધ કરવા માંડ્યું. શત્રુજિત અને યુધાજિત મૃત્યુ પામ્યા. એટલે બધા રાજાઓને દેવી જોઈ ભારે અચરજ થયું. સુબાહુ બંનેનો નાશ જોઈને દેવીની સ્તુતિ કરવા લાગ્યા… એનાથી પ્રસન્ન થઈને જગદંબાએ તેમને વરદાન માગવા કહ્યું.

સુબાહુએ ભક્તિભાવથી કહ્યું, ‘તમારાં દર્શનથી જ હું કૃતાર્થ થયો છું. તમે આ નગરમાં સર્વદા વાસ કરજો. ‘દુર્ગા’ નામની આપની ખ્યાતિ અહીં વિસ્તરે અને આ નગરીની રક્ષા કરો.’

જગદંબાએ તેમને કહ્યું, ‘કાશીમાં હું નિત્ય વાસ કરીશ. બધી પ્રજાનું રક્ષણ કરવા હું અહીં રહીશ.’

પછી સુદર્શને દેવીની સ્તુતિ કરી, હવે ક્યાં જઈને રહેવું તે પૂછ્યું, એટલે જગદંબાએ તેને અયોધ્યા જવા કહ્યું, ‘તું મને યાદ રાખી મારી પૂજા કરજે, હું તારા રાજ્યની રક્ષા કરીશ. ચૈત્ર, આસો, અષાઢ અને માઘ માસના નવરાત્રિ મહોત્સવ કરજો.’ એમ કહી દેવી અંતર્ધાન થઈ ગયાં.

બધા રાજાઓ સુદર્શન પાસે આવીને તેને પ્રણામ કરવા લાગ્યા અને અયોધ્યા પર રાજ કરવા તેમણે કહ્યું. રાજાઓની વિનંતીથી સુદર્શને ભગવતીનો મહિમા સંભળાવ્યો.

પછી બધા રાજાઓ પોતપોતાનાં સ્થાને ગયા. સુબાહુ પણ કાશી ગયા. સુદર્શન અયોધ્યા આવ્યો અને શત્રુજિતના સમાચાર સાંભળી બધાને હર્ષ થયો. અયોધ્યાની પ્રજાએ સુદર્શનના આગમનના સમાચાર સાંભળી અનેક ભેટસોગાદો આપી. સુદર્શન પત્ની અને માતા સાથે રાજભવનમાં પ્રવેશ્યો. બંદીજનોએ સ્તુતિપાઠ કર્યો. કુમારિકાઓએ ડાંગર અને પુષ્પોથી તેમને વધાવ્યા. પછી શોકગ્રસ્ત શત્રુજિતની માતા લીલાવતીને પ્રણામ કરીને સુદર્શને કહ્યું, ‘માતા, મેં તમારા પુત્રને અને પિતાને યુદ્ધમાં માર્યા નથી. તમારા ચરણોની સોગંદ. તે બંનેનો વધ દુર્ગાએ કર્યો છે. મારો કોઈ વાંક નથી. દરેકને પોતાનાં કર્મોનો બદલો મળી રહે છે. મારે માટે જેવાં મનોરમા તેવાં તમે.’ પછી સુદર્શને વનવાસની, ભરદ્વાજ મુનિના આશ્રમની બધી વાતો કરી.

સુદર્શનની વાત સાંભળીને લીલાવતી શરમાઈ ગયાં. ‘હે પુત્ર, મારા પિતા યુધાજિતે તમારી માતાના પિતાનો વધ કરી રાજ્ય પડાવી લીધું એટલે હું અપરાધી ઠરી. હું મારા પિતાને કે પુત્રને રોકવા સમર્થ ન હતી તેથી તેમણે જે કર્યું તેમાં મારો કશો અપરાધ નથી. તે બંને તેમનાં કર્મે નાશ પામ્યાં છે. હું પુત્રનો શોક કરતી નથી, તેણે કરેલાં કર્મનો શોક કરું છું. તું મારો પુત્ર, મનોરમા મારી બેન, તમે રાજ કરો અને પ્રજાનું પાલન કરો.’

પછી સુદર્શન પહેલાં મનોરમા જ્યાં રહેતાં હતાં ત્યાં ગયો અને બધાંને કહ્યું, ‘હું સોનાનું સિંહાસન બનાવી સિંહસ્થ દુર્ગાનું પૂજન કરીશ.’

આમ તે રાજા અને દેવી કોસલ દેશમાં વિખ્યાત થયાં અને દરેક નવરાત્રિનાં પૂજન, હવન લોકો કરતા થયા.

(૩, ૮-૧૩)