ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/વણકર અને ભાગ્યદેવતા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વણકર અને ભાગ્યદેવતા

કોઈ એક નગરમાં સોમિલક નામે વણકર રહેતો હતો. તે રાજાઓને યોગ્ય તથા અનેક પ્રકારની વસ્ત્રરચના વડે રંજિત વસ્ત્રો સદા તૈયાર કરતો હતો. અનેક પ્રકારની વસ્ત્રરચનામાં નિપુણ હોવા છતાં કોઈ રીતે તેને ભોજન અને વસ્ત્ર કરતાં વધારે ધન મળતું નહોતું. પણ જાડાં વસ્ત્રો બનાવવાનું જાણનારા ત્યાં વસતા બીજા સામાન્ય વણકરો ઘણી સમૃદ્ધિવાળા હતા. તેઓને જોઈને તે પોતાની પત્નીને કહેવા લાગ્યો, ‘પ્રિયે! સુવર્ણ અને ધનથી સમૃદ્ધ એવા આ જાડાં વસ્ત્ર વણનારાઓને જો, માટે આ સ્થાનમાં હું રહી શકું તેમ નથી, ધન કમાવાને હું અન્યત્ર જાઉં છું.’ તે બોલી, ‘હે પ્રિયતમ! અન્ય સ્થાને જનારને ધન મળે છે અને પોતાના સ્થાનમાં મળતું નથી એ તો મિથ્યા પ્રલાપ છે, કહ્યું છે કે

પક્ષીઓ જે આકાશમાં ઊડે છે અથવા પૃથ્વી ઉપર ઊતરે છે તે પણ (પૂર્વકૃત કર્મોની) પ્રાપ્તિ અનુસાર હોય છે; (દૈવે) આપ્યા સિવાય કોઈ વસ્તુ ઉપસ્થિત થતી નથી.

તેમ જ

જે ન થવાનું હોય તે થતું નથી, જે થવાનું હોય તે વિના યત્ને પણ થાય છે; જેની ભવિતવ્યતા ન હોય તે વસ્તુ હથેળીમાં આવેલી હોય તો પણ નાશ પામે છે. જેમ હજારો ગાયોમાંથી પણ વાછડું પોતાની માતાને ખોળી કાઢે છે તેમ પૂર્વે કરેલું કર્મ તેના કરનારની પાછળ જાય છે. મનુષ્યોનું પૂર્વકૃત કર્મ મનુષ્ય સૂતો હોય તો સાથે સૂએ છે, જતો હોય તો પાછળ જાય છે અને ઊભો રહે તો તેની સાથે ઊભું રહે છે. જેમ છાયા અને પ્રકાશ પરસ્પર સારી રીતે બંધાઈને રહેલાં છે તેમ કર્મ અને તેનો કર્તા પરસ્પર સંશ્લિષ્ટ છે.

માટે તમે અહીં જ ઉદ્યમ કરતા રહો.’ વણકર બોલ્યો, ‘પ્રિયે! તેં ઠીક ન કહ્કહ્યું. ઉદ્યમ વિના કર્મ ફળતું નથી. કહ્યું છે કે

જેમ એક હાથે તાળી પડતી નથી તેમ ઉદ્યમ વિના કર્મનું ફળ મળતું નથી, એમ સ્મૃતિ કહે છે. ભોજનના સમયે કર્મવશાત્ પ્રાપ્ત થયેલું ભોજન પણ હસ્તના ઉદ્યમ વિના કોઈ રીતે મુખમાં પ્રવેશતું નથી તે જુઓ!

તેમ જ

ઉદ્યોગી પુરુષસિંહને લક્ષ્મી પ્રાપ્ત થાય છે, ‘દૈવ એ જ ખરું છે’ એમ તો બાયલાઓ કહે છે, માટે દૈવને દૂર કરીને તારી શક્તિ અનુસાર પરાક્રમ કર; યત્ન કરવા છતાં પણ જો કાર્યસિદ્ધિ ન થાય તો એમાં શો દોષ?

તેમ જ

કાર્યો ઉદ્યમથી સિદ્ધ થાય છે, મનોરથોથી નહિ; મૃગો સૂતેલા સિંહના મુખમાં પ્રવેશ કરતા નથી જ. ઉદ્યમ વિના મનોરથો સિદ્ધ થતા નથી; ‘જે થવાનું હશે તે થશે’ એમ તો બાયલાઓ કહે છે. પોતાની શક્તિ અનુસાર ઉદ્યમ કરવા છતાં કાર્યસિદ્ધિ ન થાય તો દૈવે જેના પરાક્રમને આંતરેલું છે એવા (ઉદ્યમી) પુરુષનો એમાં દોષ નથી.

માટે મારે અવશ્ય દેશાન્તરમાં જવું જોઈએ.’ આ પ્રમાણે નિશ્ચય કરીને વર્ધમાનપુરમાં જઈને ત્યાં ત્રણ વર્ષ સુધી રહીને ત્રણસો સુવર્ણ ઉપાર્જન કરીને તે ફરી પોતાને ઘેર આવવા નીકળ્યો. અર્ધે રસ્તે તે એક અટવીમાં આવ્યો એ સમયે ભગવાન સૂર્ય અસ્ત પામ્યા. જંગલી પ્રાણીઓના ભયથી વડની જાડી શાખા ઉપર ચડીને તે સૂઈ રહ્યો તે સમયે મધ્ય રાત્રિએ તેણે બે ભયંકર આકૃતિવાળા પુરુષોને પરસ્પર વાત કરતા સાંભળ્યા. તેમાંનો એક બોલ્યો, ‘હે કર્તા! તું શું બરાબર જાણતો નથી કે આ સોમિલકના ભાગ્યમાં ભોજન અને વસ્ત્ર માટે જરૂરી હોય તે કરતાં અધિક સમૃદ્ધિ નથી? તો પછી તેં શા માટે એને ત્રણસો સુવર્ણ આપ્યા?’ તે બોલ્યો, ‘હે કર્મ! મારે ઉદ્યોગી મનુષ્યોને અવશ્ય આપવું જોઈએ, પણ ત્યાં એનુંપરિણામ તારે અધીન છે.’

પછી વણકર જાગ્યો અને પોતાની સુવર્ણની થેલી તપાસી તો ખાલી જોઈ. આથી તે સખેદ વિચાર કરવા લાગ્યો, ‘અહો! આ શું? મહાકષ્ટથી ઉપાર્જિત કરેલું ધન એકાએક ક્યાં ચાલ્યું ગયું? જેનો શ્રમ વ્યર્થ ગયો છે એવો હું અકિંચન સ્થિતિમાં પત્ની અને ંમિત્રોને શી રીતે મોં બતાવું?’ આ પ્રમાણે નિશ્ચય કરીને તે ફરી પાછો એ જ નગરમાં ગયો. ત્યાં એક વર્ષમાં પાંચસો સુવર્ણ ઉપાર્જન કરીને ફરી પાછો પોતાને સ્થાને જવા નીકળ્યો. અર્ધે રસ્તે તે અટવીમાં આવ્યો ત્યારે ભગવાન સૂર્ય અસ્ત પામ્યા. એટલે થાકેલો હોવા છતાં સુવર્ણનો નાશ થવાના ભયથી વિશ્રામ નહિ લેતાં કેવળ ઘેર જવાની ઉત્કંઠાથી તે સત્વર ચાલવા લાગ્યો. તે સમયે પહેલાંના જેવા જ બે પુરુષોને તેણે પોતાની દૃષ્ટિ સામે આવતા તથા વાત કરતા સાંભળ્યા. તેમાંના એકે કહ્યું, ‘હે કર્તા! તેં આને પાંચસો સુવર્ણ શા માટે આપ્યા? તું શું જાણતો નથી કે ભોજન અને વસ્ત્રથી વધારે કંઈ એના ભાગ્યમાં નથી?’ તે બોલ્યો, ‘હે કર્મ! ઉદ્યોગી જનોને તો મારે અવશ્ય આપવું જોઈએ. તેનું પરિણામ તારે અધીન છે. માટે મને શા માટે ઠપકો આપે છે?’ એ સાંભળીને સોમિલકે પોતાની થેલી તપાસી તો એમાં સુવર્ણ નહોતા. એથી અત્યંત દુઃખ પામેલો તે વિચાર કરવા લાગ્યો, ‘અહો! નિર્ધન એવા મારે જીવીને શું કામ છે? માટે આ વડના ઝાડ ઉપર ફાંસો ખાઈને હું પ્રાણત્યાગ કરું.’ એ પ્રમાણે નિશ્ચય કરીને દર્ભનું દોરડું બનાવી પોતાના કંઠમાં પાશ નાખી, શાખામાં તે બાંધી જ્યાં લટકવા જતો હતો ત્યાં આકાશમાં રહેલા એક પુરુષે તેને કહ્યું, ‘અરે, અરે સોમિલક! આ પ્રમાણે સાહસ ન કર, તારું ધન હરી લેનાર હું છું; અને તારી પાસે ભોજન ને વસ્ત્ર કરતાં એક કોડી પણ વધારે હોય એ હું સહન કરી શકું એમ નથી. માટે તું તારે ઘેર જા. વળી તારા સાહસથી હું સંતુષ્ટ થયો છું તેમ જ મારું દર્શન વ્યર્થ નહિ જાય. માટે તું ઇષ્ટ એવું કોઈ વરદાન માગ.’ સોમિલક બોલ્યો, ‘જો એમ હોય તો મને પુષ્કળ ધન આપો.’ તેણે કહ્યું, ‘અરે! ઉપભોગ વિનાના ધનને તું શું કરીશ? કારણ કે ભોજન અને વસ્ત્રથી અધિક પ્રાપ્તિ જ તારા ભાગ્યમાં નથી. કહ્યું છે કે

પથિકો જેનો વેશ્યાની જેમ સામાન્યપણે ઉપભોગ કરી શકતા ન હોય એવી કેવળ કુલવધૂ જેવી લક્ષ્મી શા કામની?’

સોમિલક બોલ્યો, ‘ભલે ઉપભોગ કરવાનું ન હોય, તો પણ મને ધન મળો. કહ્યું છે કે

જેની પાસે ધનનો સંચય હોય તે મનુષ્ય કૃપણ કે અકુલીન હોય તો પણ જગતમાં સદા આશ્રિત મનુષ્યો વડે સેવાય છે.

તેમ જ

‘હે ભદ્રે! શિથિલ છતાં સારી રીતે વળગી રહેલા આ બે (માંસપિંડ) પડશે કે નહિ પડે?’ એ આશામાં મેં પંદર વર્ષ સુધી જોયાં કર્યા.’

પુરુષ બોલ્યો, ‘એ કેવી રીતે?’ સોમિલક કહેવા લાગ્યો —